મિલન
મિલન
આજે રક્ષાબંધન હોવાથી રાખીના ઘરમાં ઉપરથી ઉમળકો છવાયેલો હતો. બાકી તો બે વરસથી એના અંતરમાં આગ લાગી હતી. સાવ નજીવી બાબતમાં ભાઈ રિસાઈ ગયો. જેણે માતા પિતા ગયા પછી દીકરીની જેમ સાચવી એના તરફથી આવી આશા નહોતી. પણ છતા યે બહેનનું મન. એ હંમેશા ભાઈને આશીર્વાદ આપતી. એને તો એ જ ચિંતા રહેતી કે ભાઈ અંદરથી કેટલો મૂંઝાતો હશે ?
આજે સવારથી ભાઈની પસંદગીનું બધું જ બનાવ્યું. બાળકોએ રાખડી બાંધી અને પોતે લાલાજીને રાખડી બાંધી. પણ સવારથી છાતીમાં દુખાવો થતો હતો. અચાનક જ એણે રાડ પાડી અને થોડીવારમાં તો હોસ્પિટલમાં. બધાની ચિંતાનો પાર નહોતો. આવા ખરાબ સમયે એક સારી વાત બની. રાખીના ભાઈને પણ એની ખુબ જ યાદ આવતી. એ બધા જ ભાઈબહેન ગાડી લઈને રાખીને ત્યાં આવ્યા. સરપ્રાઈઝ આપવા માટે ખબર ન કરી. પણ આવતા વેત બહેનની તબિયત વિશે જાણી દુઃખ થયું. તરત જ બધા હોસ્પિટલમાં ગયા. ડોક્ટર કહેતા જ હતા કે રાખીને કોઈ ચિંતા છે. ત્યાં જ ભાઈ આગળ આવીને ડોક્ટર પાસે રાખીને મળવાની રજા માંગી. બસ ભાઈ બહેનનું આ મિલન બહેનની જિંદગી બચાવી ગયું.
