STORYMIRROR

janki Joshi

Romance

4  

janki Joshi

Romance

પ્રતીક્ષા

પ્રતીક્ષા

2 mins
425

પોષ માસની અષ્ટમી એટલે આજે સમગ્ર દ્વારિકા માટે ઉત્સવનો માહોલ. રાજાધિરાજ કૃષ્ણ તથા તેમના મહારાણી રુકમણીજીના વિવાહની પ્રથમ વર્ષગાંઠ. સમગ્ર દ્વારિકામાં ઉત્સવનો માહોલ છે. સોનાની દ્વારિકા આજે વધુ સુવર્ણમય લાગે છે ! બ્રાહ્મણોએ યજ્ઞ અને હોમ કર્યા, દેવકીજીએ સુહાગણ સ્ત્રીઓને પુષ્કળ દાન ધર્મ અને સોળ શણગાર અર્પણ કર્યા છે. રુકમણીજી પણ ઉજવણીમાં ઉત્સાહભેર જોડાયા છે, પણ તેની આંખો વારંવાર કૃષ્ણને મળવા તડપતી હતી. કૃષ્ણ કોઈ રાજકીય કામ હોવાથી આજે દ્વારિકામાં નથી. પુરા દિવસના થાક પછી સમગ્ર સોના નગરી દ્વારિકા પોઢી ગઈ છે, માત્ર રુકમણીજી ઝરૂખામાં ઊભા ઊભા દ્વારિકા નગરીના દ્વારે નજરો ટેકવીને ઊભા છે.

પોષ મહિનાનું સ્વચ્છ આકાશ પણ જાણે બેચેન બની વાદળછાયું બન્યું છે. રુકમણીના મનનો વિરહ આંસુ બની, બાષ્પ બની જાણે વાદળો બની બંધાયા છે. તેના મનના પરિતાપે ગડગડાટ કરી કુદરતમાં પડઘા પાડ્યા છે. પવન ફૂંકાયો છે, જાણે તે રુકમણીના આંસુ સૂકવવા પ્રયત્ન કરતો હોય તેમ તેના ગાલ પરથી પસાર થઈ રહ્યો છે. આ પોષ મહિનાની શિયાળાની ઋતુમાં જાણે માવઠાનું વાતાવરણ સર્જાયું છે.

એક વર્ષ પહેલા પ્રેમપત્ર લખી કૃષ્ણને આમંત્રણ આપ્યું હતું, પોતાનું અપહરણ કરવા માટે. રુકમણીજીનો મુત્સદ્દીગીરી ભરેલો પ્રેમપત્ર વાંચી કૃષ્ણ પણ આ વિદ્વાન સ્ત્રીના પ્રેમમાં પડ્યા હતા. મારતે ઘોડે રથ લઈ નીકળી પડ્યા હતા દ્વારિકાથી કુંડીનપરના રસ્તે.

રુકમણીજીને યાદ આવ્યું, કેવા પાર્વતીજીના મંદિરની બહાર નીકળતા જ બ્રાહ્મણ દેવને જોઈ તેના રોમ રોમમાં કૃષ્ણ મિલનની આગ લાગી હતી. કૃષ્ણના રથની સામે આવતાં જ કૃષ્ણએ તેનો હાથ લંબાવી પોતાને રથમાં ખેંચ્યા હતા, ત્યારે એ થડકાથી તે કૃષ્ણની છાતી નજીક પહોંચી ગયા હતા. કૃષ્ણએ તરત જ તેનો હાથ પોતાની કમરે વીંટાળી વધુ નજીક ખેંચ્યા હતાં. બંનેની આંખો મળી હતી. કૃષ્ણની એ પ્રેમાળ, પૌરુષથી ભરેલી આંખો અને તેનું માર્દવભર્યું સ્મિત જોઈને જ નજર ઝૂકાવી શરમાઈ ગયા હતા પોતે !

ત્યાંજ ફરી વીજળી ચમકી. શાંત દ્વારિકા તેના ગડગડાટથી કંપી ઊઠી. રૂકમણીજીએ નક્કી કર્યું, આજે તો દ્વારિકાધીશ ગમે તેવાં વાક્ચાતુર્ય વાપરે કે ગમે તેટલી પ્રેમાળ વાતો કરે, પરંતુ હું કોઈ પણ હિસાબે પીગળવાની જ નથી. થોડા ગુસ્સા સાથે શાંત ઝરૂખાની પાળી પર અશાંત, વિહવળ, બેચેન મન સાથે એ ટેકો લઈ ઊભા રહ્યા.

ત્યાં જ કંઈક અવાજ થયો, થોડી વારે હૃદયગમ્ય સુવાસ આવી. રુકમણીજીને કૃષ્ણના આવવાની ખુશી અંતરથી થઈ. તેના મોં પર સ્મિત આવી ગયું. પરંતુ, ફરી મોં પર હળવો ગુસ્સો લાવી બેસી ગયા. અચાનક જ કૃષ્ણ તેમની સામે આવી ઊભા રહ્યા, પરંતુ તેમણે ધ્યાન જ ન આપ્યું. કૃષ્ણ તેમની વિદ્વાન, લક્ષ્મી-સ્વરૂપા પટરાણીને તાકી રહ્યા.

ફરી વીજળીનો ચમકારો થયો. તેના એ પ્રકાશમાં રુકમણીજીએ કૃષ્ણની તે પ્રેમભરી આંખો અને નિર્મળ સ્મિત નીરખ્યું અને રુકમણીજી દ્વારિકાધીશને ભેટી પડ્યા.

હ્યદયમાંથી વિરહ શાંત થયો, અશ્રુ વહ્યાં અને આકાશમાં પણ વીજળીનો ગડગડાટ શાંત થયો અને ઝરમર વરસાદ શરૂ થયો.


Rate this content
Log in

Similar gujarati story from Romance