પ્રાયશ્ચિતનું ઝરણું
પ્રાયશ્ચિતનું ઝરણું
જીયા, માઈકલ અને ઓમના ચહેરા પર અનેરી આભા છે. ધરતી પરનું આ વહેલી સવારનું આકાશ એકદમ સ્વચ્છ, નિર્મળ ભાસે છે. ત્રણેયની આંખો એકમેકની સામે જૂએ છે, અને એક નિર્મળ દ્રષ્ટિ મળે છે. કોઈ કશું બોલ્યા વિના પોતાના ઘર તરફ ઓમકારનું સ્મરણ કરી આગળ વધે છે.
જીયાના ઘરે પહોંચતા જ તેની માતા તેને આખી રાતની તેની ઘરમાં ગેરહાજરી વિશે પૂછે છે. ત્યારે જીયા વિચારે છે, શું કહું ? રાત્રિના માઈકલનો ફોન આવ્યો, 'એક ચક્કર લગાવવા જઈએ.' જીયા ફટાફટ કેપ્રી અને રેડ ટોપ પહેરી નીકળી ગઈ. આજનું તેનું ઘરની બહાર નીકળવું એક અજીબ સફર બનવાનું હતું. એને પોતાને પણ ખબર ન હતી ક્યાં જશે ? શું થશે ? એક રાત ઘણું બધું બદલાવી ગઈ. તેની સાથે માઈકલની અને ઓમની સંપૂર્ણ મનોસ્થિતિ કંઈક એવી જ હતી.
સોસાયટીના ગેટ પર માઈકલ અને ઓમ તેની રાહ જોતા ઊભા હતા. માઈકલ - વાંકડિયા લાંબા ખભા સુધીના વાળ, પહોળા ખભા, લાંબો ચહેરો અને નાક. માઈકલ એક એવી વ્યક્તિ જેણે ભૂલમાં પણ કોઈનું અહિત કર્યું નહીં હોય. ઓમ - ઓમ તેના નામ મુજબ જ સ્પષ્ટ હતો. ચહેરા પર શાંતિની આભાઓ હતી. આટલી નાની ઉંમરે પણ તેણે ધ્યાન અને યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.
ત્રણે મિત્રો ગપાટા મારતા ચાલી રહ્યા છે. ત્યાં જ ગોરંભાયેલા આકાશમાંથી વીજળીના ચમકારા અને ગડગડાટ થાય છે. ત્રણેય એક સાથે મેઘાડંબર તરફ દૃષ્ટિ કરે છે. એક વીજળી આભમાંથી સરકીને ધરતી પર ઉતરે છે. તેની સાથે જ અનાયાસે જ જમીનમાંથી જ કોઈ અગોચર શક્તિ તેને ખેંચે છે. ત્રણેય મિત્રો વીજળીની સાથે જ ઊંડા ભોયરામાં ખેંચાઈ જાય છે. અકળ ગતિએ નીચે ઉતરતા જાય છે, અને પાતાળના એક વિસ્તારમાં પહોંચે છે. ત્યાં પહોંચે છે તો કાળી વનસ્પતિ, દુર્ગંધ મારતા કાદવમાં તેઓ અટવાઈ જાય છે. ઓમ શાંત છે, તે મહાદેવને યાદ કરે છે અને ઓમકારનો જાપ કરે છે. ત્યાં જ અચાનક હળવો પ્રકાશ પથરાય છે અને કેટલીક આકૃતિઓ નજરે પડે છે.
આ દરેક આકૃતિના શરીર પશુરૂપ-ધારી હતા. મોં વિકૃત લંબગોળ, આંખો ઝીણી- કશું જોવા અસમર્થ, અને મોંમાંથી દુર્ગંધ મારતી લાળો ટપકતી હતી.
જીયા આ બધું જોઈ ગભરાઈ ગઈ. માઈકલે તેનો હાથ પકડ્યો અને ઓમકારનો જાપ શરૂ કર્યો. ત્યાં જ પેલી આકૃતિમાંથી કોઈ એક બોલ્યું," અમે જ ઈશ્વર પાસે અનેક માફી માગી તમને અહીં બોલાવ્યા છે. અમે આપના અંગત સગા, મિત્રો છીએ. જેમણે પૃથ્વી લોક પર અનેક પાપો કર્યા છે.
એક જીવ બોલ્યો," જીયા, હું એ જ પાપી છું જેણે તારી સાથે દુષ્કર્મ કર્યું હતું." બીજો કહે," માઈકલ, હું તારો તે પડોશી છું જેણે તારા પિતાની હત્યા કરી હતી." ત્રીજો જીવ કહે," ઓમ, હું તારી બહેન છું. જેણે આત્મહત્યા કરી હતી." આ સાંભળી ઓમને થોડી વાર મગજમાં ખાલી ચડી ગઈ. અને દીવાલો ગાજવા લાગી. તેણે મન પર કાબૂ મેળવ્યો. ત્યારબાદ બાકીના દરેક જીવો પોતપોતાના પાપ કર્મોની માફી માગવાં લાગ્યા અને કહેવા લાગ્યા. તેઓએ કહ્યું," આપ ત્રણેય નિર્દોષ, નિષ્પાપ છો. અમને અહીંથી મુક્તિ અપાવવા અમે તમને અહીં ખેંચ્યા છે."
ખૂણામાં એક જીવ બેઠો હતો તેની તરફ ઓમે નજર કરી, તે જીવ તદ્દન તોછડા અવાજે બોલ્યો," મને મારા કોઈ કર્મનો અફસોસ નથી. મને ઈશ્વરે કાયમ અન્યાય જ કર્યો છે," અને ઈશ્વરને દોષી ગણાવી એ જીવ એક કાદવમાં માથું ખૂંપાવી રગદોળવા લાગ્યો.
એકને બાદ કરતાં સૌએ ઓમ, માઈકલ અને જીયાનો હાથ પકડ્યો. એક વર્તુળાકાર બેઠક બનાવી અને સૌએ ઓમકારનો જાપ શરૂ કર્યો. અચાનક જ પાતાળની દીવાલો ફાટી, પેલાં કાદવની દુર્ગંધ નષ્ટ થઈ અને એક વીજળીના ચમકારામાંથી શક્તિપૂંજ પ્રગટ થયો. પેલી બેડોળ ભારે આકૃતિઓ હળવીફૂલ બની અને આંખોમાંથી પ્રાયશ્ચિત વહી રહ્યું. સૌ જીવો તે શક્તિપૂંજમાં સમાયા. તે તેજોપૂંજ સૌને પોતાનામાં સમાવી ઉપર તરફ ઉપડ્યો, સાથે વીજળીના લિસોટાની જેમ જીયા, માઈકલ અને ઓમને પણ ખેંચી લીધા.
પેલો જીવ ત્યાં ખૂણામાં દુર્ગંધ મારતા કાદવ વચ્ચે સબડતો રહ્યો.
એ તેજો પૂંજ અવકાશમાં ચડ્યો. માઈકલ, જીયા અને ઓમને ધરતી પર મૂકી અવકાશમાં અદ્રશ્ય થયો. સાથે જ ધરતી પણ લીલી ચાદર વડે ઢંકાઈ ગઈ.
જીયાની મમ્મીએ તેને હાંક મારી," જીયા ! તને કંઈક પૂછું છું." જીયા થોડુંક ખચકાઈને બોલી ,"હું..... અ...... મ્...... હું હમણાં આવું," કહી તે નીકળી ગઈ તેના ઓરડા તરફ.
