Khyati Thanki

Drama Romance

4  

Khyati Thanki

Drama Romance

પ્રતીક્ષા - 5

પ્રતીક્ષા - 5

3 mins
181


શરૂઆત કવનની નવા શહેરમાં, નવા ફ્લેટમાં, ઘરથી દૂર....વ્હાલી મમ્મીથી દૂર...પપ્પાથી દૂર... અનેરીથી દૂર..

પહેલો દિવસ અજંપાથી ભરપૂર હતો, નવી જગ્યાએ સ્થિર થવાનું હતું, અને આદર્શ વ્યક્તિત્વના સ્વરૂપમાં પોતાની જાતને ઢાળવાની હતી.

પોતાના સ્વભાવ પ્રમાણે જ વહેલો ઓફિસ પહોંચી ગયો, અને હમણાં જ બનેલા નવા પરિચિત મિત્રો સાથે વાતચીત કરી જાણે અજાણે પોતાની એકલતા દૂર કરવાને છૂપાવવા પ્રયત્ન કરતો રહ્યો.

પપ્પાની શિખામણ યાદ આવી "જેવું વાતાવરણ તેવા જ રંગમાં રંગાઈ જવાનું તો જ તે વાતાવરણમાં સ્થિર થઈ શકાય અને આગળ વધવાના માર્ગને વિના અંતરાય પસાર કરી શકીએ."

(કૃપાલ હમણાં જ પરિચિત નવો સહકર્મચારી)

કૃપાલ:-"તો કવન સેટ થઈ ગયો ?"

કવન:-" હા, બસ હવે થઈ જઈશ."

કૃપાલ:-"પહેલી વખત સ્વતંત્રતાની ચોખ્ખી હવા લઈ રહ્યો હોય એવું લાગે છે."

કવન:-"હા."

કૃપાલ:-"એક વખત આ હવા શ્વાસોમાં ભરી લીધા પછી મિ.કવન ઘરે જઈને ગૂંગળામણ થવા લાગશે."(હસતા હસતા)

કવન:-"જોઈએ".

  (આજે પ્રથમ વખત સ્ટાફ સાથે પરિચય થાય છે, કૃપાલ ઋચા મેમ સાથે પરિચય કરાવે છે જે આજે જ નવા જોડાયેલા છે.)

કવન:-"તો તમે પણ આજે જ જોડાયા ?"

ઋચા;-"હા."

કવન:-"સરસ સાથે નવું જાણવાની અને શીખવાની મજા આવશે".

કૃપાલ:-"કવન ઋચા મેમ આપણને દોરી જશે તે આપણા હેડ છે".

ઋચા :-"અરે હું પણ નવી જ કહેવાઉ."

કવન;-"ના, સાચી વાત છે કૃપાલની તમે હંમેશા ઋચા મેમ જ રહેશો".

લંચ બ્રેકમાં કવન કેન્ટિનમાં જવાનું ટાળી એકલો જ જમતો હતો, કૃપાલે આગ્રહ કર્યો પણ કવન આજે થોડીવાર પોતાની જાત સાથે જ રહેવા માંગતો હતો.

તો સામેની કેબિનમાં બેઠેલી ઋચા બારી બહાર કૈક જોતી હતી કવન અને ઋચા કંઇક અલગ જ વિચારમાં હતા, પરંતુ કારણ સમાન હતું નવા વાતાવરણમાં તન્મયતાથી ભળી જવાની મથામણ.

ઊઘડતું પ્રભાત, નવા સ્વપ્નનું, નવા વિચારોનું, નવા અહેસાસનું અને અનેરી માટે નવી પ્રતિક્ષા નું.

કોલેજનો સમય સવારનો હોવાથી વહેલા ઉઠવું અનેરી માટે ફરજિયાત થઈ ગયું. દિનચર્યા બદલાઈ રહી હતી.આજે કોલેજમાં ચિંતન શિબિરનું આયોજન હતું નવા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાત્મક પ્રવચન ગોઠવવામાં આવ્યું હતું સાથે સાથે નવા વીઝીટીંગ લેક્ચરર માટે સ્વાગત સમારંભ.અનેરી આ જ બાબતે મમ્મી પપ્પા સાથે વાત કરતી હતી.

ચિંતનભાઈ:-"તો આજે તો મજા જ મજા."

અનેરી:-” હા એ તો છે નવા નવા વિચારો જાણવાની મજા આવશે ".

શિલ્પાબેન;-"હા તને તો મજા આવે ને પછી બીજાના વિચારોથી મારી ચિંતા વધારીશ."

અનેરી:-"પપ્પા ચિંતન શિબિર તો થયા જ કરશે પરંતુ આજે તમારે નવી ચિંતા કરવાની છે".

ચિંતનભાઈ:-"ઓહો આજે તો શું કહેવાય ?"

અનેરી:-"મારી નહી તમારી ધર્મ પત્નીની."

શિલ્પાબેન:-"મને શું થયું?"

ચિંતનભાઈ:-"લે વળી, આને શું થયું?"

અનેરી:-"હું અઠવાડિયાથી જોઉં છું મમ્મી સતત થાકેલી હોય એવું લાગે છે તેને આજે જ ડોક્ટર પાસે લઈ જજો."

શિલ્પાબેન:-"અરે ના કંઈ નથી".

ચિંતનભાઈ:-"શિલ્પા ને તો આ ઉંમરે ક્યુ સર્ટીફીકેટ મેળવવું છે તે જ ખબર નથી પડતી".

અનેરી:-"ગમે તે હોય જો મમ્મી તું આજે ન જવાની હોય તો મારી ચિંતન શિબિર કેન્સલ".

ચિંતનભાઈ:-"અરે મારી મા તુ જા તારી ચિંતન શિબિરમાં, હું મારી ' ચિંતા' ને લઈ જઈશ".

અનેરી:- ધેટ્સ લાઈક માય ડેડી

     ચિંતન શિબિરના ચિંતનાત્મક વાતાવરણમાં મિસ કવિતાના પરિચયથી એક નવીન રંગ ઉમેરાયો, કે જેઓ આ કોલેજમાં નવા વીઝીટીંગ લેક્ચરર હતા. અનેરીનું ધ્યાન તેમની પ્રકૃતિ સાથે તાલ મેળવતી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાની છટા પર હતું.

     વિદ્યાર્થીઓ આભાર ને માણી રહ્યા હતા ત્યાં તો બ્લુ ચેક્સ લાઇનિંગ શર્ટ અને ડેનિમ જિન્સમાં સુસજ્જ ડો. અનિકેત જાનીના પરિચયથી અનેરીનું વિશ્વ જાણે બે ક્ષણ માટે થંભી ગયું. તેમના ફક્ત શબ્દો જ અનેરી ના માનસમાં તરતા હતા, તેમાંથી નીકળતા અર્થે અનેરીના જીવનની પરિભાષા બદલી નાખી.

     આજની સોનેરી સવાર અનેરી માટે કંઈક નવું જ લાવી હતી વિચારોના આવરણથી વ્યક્ત થતું ડો. અનિકેતનું વ્યક્તિત્વ અનેરી ને અલગ જ વાતાવરણમાં ખેંચતું હતું અને અનેરી જાણે અજાણે તેમા ખેંચાતી ગઈ અને એની આંખ કોઈ અદ્રશ્ય બળથી ડો. અનિકેતને શોધવા લાગી.

     બધા સાથે બપોરનું જમણ અને ત્યારબાદ નજીકના દરિયાકિનારે નવા વિદ્યાર્થીઓ માટે પિકનિક જેવું ગોઠવવામાં આવ્યું હતું.

     હંમેશા ટોળામાં રહેતી અનેરી આપોઆપ ક્યારે દરિયાની ભીની રેતી સુધી પહોંચી ગઈ ખબર જ ન પડી. પોતાની ડો. અનિકેતને પ્રશ્ન પૂછવાની ઈચ્છાને રોકી ન શકી.

"દરિયો ગમે ?"

"ખુબ જ"

 ડો. અનિકેતના બસ આ બે શબ્દો જ જાણે અનેરી ને એક નવા ઋણાનુબંધિત સંબંધથી બાંધવા માટે પૂરતા હતાં. સોહામણી સંધ્યા પછીની રાત અલગ જ હતી. કવન આજના આખા દિવસના અભાવના અજંપાને ડાયરીમાં ટપકાવી ત્યાંથી બહાર નીકળવા મથતો હતો અને અનેરી પોતાના જીવનના એક નવા જ પાના ઉપર કંઈક મેળવ્યાની ક્ષણને આલેખતી હતી.

દરિયાને જોઈ હું તો દરિયો થઈ જાઉં

મને દરિયો દેખાય તારી આંખમાં

દરિયાનો દેશ પછી દરિયાનો વેશ પછી

દરિયો રેલાય મારી આંખમાં

દરિયાને જોઈ..

(ક્રમશ)


Rate this content
Log in

Similar gujarati story from Drama