પ્રતીક્ષા - 18
પ્રતીક્ષા - 18
ક્ષિતિજ. . દૂર દેખાતી સુખની કલ્પના કે પછી મનને મનાવવા માટે થતી પ્રતીક્ષા.
બારીની બહાર જોઈ રહેલા કવનના મગજમાં એક પછી એક દ્રશ્યો માનસ પટલ પર ચિત્રિત થવા લાગ્યા, બાળપણથી અનેરી સાથેનો સમય જાણે ફરી એકવાર જીવી લેવાની ઈચ્છા થઈ ગઈ અને ત્યાં વર્તમાનની પ્રતીક્ષા ફરી એકવાર નવી જ અનેરીની યાદ અપાવી ગઈ.
એ અનેરી જે અનિકેતને ઝંખતી હતી..
એ અનેરી જે નિખાલસતાથી અનિકેતને સ્વીકારતી હતી.
એ અનેરી જેનું હૃદય ફક્ત અને ફક્ત અનિકેતમય જ હતું.
અને કવને કંઈક વિચારી અનેરીને ફોન લગાડ્યો.
કવન:-"હેલ્લો ગુડ મોર્નિંગ. "
અનેરી:-"ગુડ મોર્નિંગ અત્યારમાં ?"
કવન:-"બસ ઈચ્છા થઈ ગઈ છે કે અત્યારે તારી સાથે વાત કરી લઉં. "
અનેરી:-"તો તો પછી જલદી કહી દે. "
કવન:-"તું ફક્ત મારી ફ્રેન્ડ બનીશ ?"
અનેરી:-"એ તો આજન્મ છું કવન. "
કવન:-"બસ તારી આ મૈત્રી જ મારે આ જન્મ જોઈએ અનેરી નવા સંબંધનું રિસ્ક નથી લેવું. "
અનેરી:-"કંટાળી ગયો ને રાહ જોઈને ?"
કવન:-"કંટાળી નથી ગયો પરંતુ અનેરીને ગૂંચવાયેલી નથી જોઈ શકતો,હું અને તું બંને જાણીએ છીએ કે તારો કુંવારો પ્રેમ. કદાચ સુખની કલ્પના છે,અને મારો પ્રેમ કદાચ મને મળશે તો પણ વહેંચાયેલો. હું મારા તરફથી તને અખંડિત રાખવા માંગુ છું. મૈત્રીની નિકટતા જોઈએ મારે અનેરી.. તારો કોઈપણ નિર્ણય તું ફક્ત તારા હૃદયથી લે તેમ ઈચ્છું છું. આ નિર્ણયમાં હું આસપાસ આપણી મૈત્રીનો પક્ષપાત નથી ઈચ્છતો. . હું હંમેશા ઈશ્વર ને પ્રાર્થના કરવા ઈચ્છું છું કે તારા ભાગનું સુખ ઈશ્વર તને આખેઆખું આપે. અને આમ છતાંય આપણે બંને જાણીએ છીએ કે તારો પ્રેમ અધૂરો રહે,અને જિંદગીના વળાંકે તારી જાતને એકલી અનુભવ ત્યારે ફક્ત અને ફકત મને યાદ કરજે.
અનેરી::-"બસ. બસ..અરે બધું આજે જ કહી દેવું છે. થોડુંક બાકી રાખ. . (આંખોનું પાણી લૂછીને)
કવન:-"એટલે મને યાદ નથી કરવો એમ ને ?"
અનેરી:-"ના ડિયર. એવું નથી. તારી મૈત્રીએ હરહંમેશ મને આનંદની ક્ષણો જ આપી છે. હું હંમેશા તારી ઋણી રહીશ.
કવન:-"આટલા ભારેખમ શબ્દો મને નથી સમજાતા અનેરી, હું અનિકેત સર નથી. "(હસીને) શું નવી અપડેટ એ કહે.
અનેરી:-"કવન સાચું કહું,મે જ્યારે પહેલીવાર અનિકેત સર ને ઋચા મેમ ના પતિ તરીકે જોયા ત્યારથી વાસ્તવિકતામાં જીવવાનું શરુ કરી દીધું છે. અત્યારે સેમિનારમાં પણ તે મારી સાથે જ છે પણ મારી જાતને સંભાળતા શીખી લીધું છે..તે મારો પહેલો પ્રેમ છે ને હંમેશા રહેશે પણ મારો પ્રેમ પણ કોઈ દિવસ અનિકેતને અસમંજસમાં નહીં મૂકે. એટલી ખાતરી રાખજે કવન. .
કવન:-"થેન્ક્સ અનેરી આજે તે મને ઘણીબધી દ્વિધા માંથી બહાર લાવી દીધો.
તો સામેની ઓફિસમાં બેઠેલી ઋચા આજે કંઈક નવું જ અનુભવી રહી. સવારે ફોન પર વાત કરતી વખતે જાણે તે પોતાના અનિકેતને દૂર અનુભવી રહી. . હરહંમેશ પોતાને સંવેદતો અનિકેત જાણે અલગ જ લાગ્યો...અને મન વિચલિત થઈ ગયું. . અને અનિકેતની ખામી લાગવા લાગી. પોતાનું સઘળું અધુરું લાગ્યું અનિકેત વિના. .
હંમેશા વ્યવહારિકપણે વિચારતી ઋચા જાણે અનિકેત સાથેના સંબંધમાં સંવેદનશીલ બની ગઈ.. અને કવનને પોતાની સમસ્યા જણાવી દીધી.
ઋચા:-"કવન શું કરે છે ?"
કવન:-"ખાસ કંઈ નહીં, મેમ"
ઋચા:-"થોડી વાત કરવી છે. "
કવન:-"હા બોલો મેમ. "
ઋચા:-"આજે ફક્ત મારો મિત્ર બનીને વાત સાંભળીશ ?"
કવન:-"જરૂર. "
ઋચા:-"કવન અત્યાર સુધી હું ખૂબ જ પ્રેક્ટિકલ જીવન જીવી છું પણ ખબર નહીં આજે મન મૂંઝાઈ ગયું હોય એવું લાગે છે. "
કવન:-"શું થયું ?"
ઋચા:-"કંઈ થયું નથી પરંતુ આજે મારી પ્રકૃતિથી વિરુદ્ધ થોડીવાર માટે બધું જ સ્વીકારી મારા સપનાઓ ઈચ્છાઓ આશાઓ બધું જ ભૂલી અનિકેત પાસે જવાનું મન થાય છે. "
કવન:-"તો કોની વાટ જુઓ છો મેમ ?"
ઋચા:-"હું ઉતાવળિયું પગલું તો નથી ભરતી ને ?"
કવન:-"પ્રેમમાં ઉતાવળ જ કરવી પડે મેમ. "
ઋચા:-"આ મારો પ્રેમ છે કે મારી ઈનસિક્યોરિટી એ જ ખબર નથી પડતી. "
કવન:-"પ્રેમ હોય તો જ ઈનસિક્યોરિટી અનુભવાય મેમ નહીંતર તો..તમારી આંખો જ તમારા પ્રેમને વ્યક્ત કરે છે એમ હવે કંઈ પણ વિચાર કરતા નહીં આ જ ભાવ તમારા અનિકેત સામે વ્યક્ત થવા દો. .
ઋચા:-"સાચે કવન ?"
કવન;-"હા, અભિનંદન મેમ, ફરીથી પ્રેમને જીવંતતાથી અનુભવવા માટે.
ઋચા:-"હા,કવન હવે વધારે વિચાર નથી કરવો આજે જ રાજીનામું આપી આવતા અઠવાડિયે મારા અનિકેત પાસે પહોંચી જવું છે..એક નવી ઋચા મળશે અનિકેતને, જે ફક્ત અનિકેતમય બનીને નવા સ્વપ્નો જોવા માંગે છે. અને આ નવી ઋચા ફક્ત તારી મૈત્રીને લીધે અનિકેતને પામી શકી કવન.
અને કવને આજે પહેલી વાર ઋચા મેમ ને આટલા આનંદિત જોયા. પરંતુ અચાનક અનેરીનો વિચાર આવતા મન ઉદાસ થઈ ગયું. . હૃદય બંનેના સુખને ઈરછવા લાગ્યું. ઋચા મેમ ને ફરીથી પ્રેમમાં જોડાતા અને અનેરી ને પ્રેમમાં તૂટતી અનુભવી રહ્યો.
અને આ સમયે અનેરી પાસે રહેવું જોઈએ એમ વિચારી રજાનો રિપોર્ટ મૂકી દીધો.
મૈં ભૂલ જાઉં તુમ્હે અબ યહી મુનાસીબ હૈ...- જાવેદ અખ્તર
(ક્રમશ:)

