પ્રતીક્ષા - 17
પ્રતીક્ષા - 17
દરિયા ના મોજા કઈ રેતી ને પૂછે
તને ભીંજાવું ગમશે કે કેમ
એમ પૂછી ને થાય નહીં પ્રેમ
-તુષાર શુક્લ
ઈશ્વર સર્જિત અને માનવીએ કલ્પેલા આ જગતના બધા જ ભાવો એક તરફ અને પ્રેમ કહો કે સ્નેહ એક તરફ......
અને એ પ્રેમ કે સ્નેહ માનવીના હૃદયના ખૂણે ખૂણે અધિપત્ય જમાવે ત્યારે તે હૃદય માનવીના મનની પરવાનગી લેતું નથી એટલે એ મનનું ગણિત પણ તેની પાસે હારી જાય છે.
અનેરીના મનનું ગણિત નિર્મળ હૃદયની પરિભાષા પાસે હારી ગયું, હા એ નિખાલસતાથી છલોછલ આંખોની ભાષા હતી અનિકેતની. સેમિનારમાં જતા પહેલા જ અનેરી એ મનમાં નક્કી કર્યું કે અનિકેત સર સાથે વાત કરવાનું ટાળવું..... હૃદયને સમજાવવા કરતા મનને જ વાળી લેવું.
આ મન અને હૃદયની અસમંજસમાં જ શરૂઆત થઈ એક નવા પ્રકરણની. એ પ્રકરણ કદાચ અનેરી તો ઘણીવાર વાંચ્યું હતું પરંતુ અનિકેત માટે જાણે પહેલી વખત.
સેમિનારના પ્રથમ દિવસે બ્લેક એન્ડ યલો ડ્રેસમાં ખીલતી અનેરી જાણે અનિકેતની એક્ટસે જોવાતી નજરોનું કારણ બની ગઈ.... ડિપાર્ટમેન્ટના હેડ ડોક્ટર દોશીએ અનેરી ને કાર્યક્રમના આયોજનનું કામ સોંપ્યું અને હંમેશા નવા ઉત્સાહ સાથે તત્પર રહેતી અને પહેલી વખત અજાણ્યા માણસો વચ્ચે જાણે સંકોચાઈ ગઈ.
અને આ વાત અનિકેતની નજરે પકડી લીધી.....
અનિકેત:-"હું કઈ મદદ કરી શકું ?"
અનેરી:-"ના.."
અનિકેત:-"કેમ ? કંઈ તકલીફ હોય તો કહી શકો છો."
અનેરી:-"કંઈ ખાસ નહીં."
અનિકેત:-"મને લાગ્યું મારી ફરજમાં આવે એટલે પૂછવું જોઈએ."
અનેરી:-"થેન્ક્સ બટ જરૂરી નથી. આજે ડરી જઈશ તો આગળ કંઈ પણ જાતે નહીં કરી શકું"
અનિકેત:-"ઓકે બેસ્ટ ઓફ લક. આઈ લાઈક યોર સ્પિરિટ."
અને આ વખતે કોણ જાણે કેમ અનેરીની આંખોનું હાસ્ય અનિકેતને એક નવી દુનિયામાં ખેંચી ગયું અને અનેરીના હૃદય જેવી જ કુંપળ અનિકેતના હૃદયમાં જાણે ફૂટી નીકળી.
અનિકેતને એક નવી ઉર્જાનો અનુભવ થયો. જીવનમાં રહેલી એક અજાણી ખાલી જગ્યા જાણી પૂરાવા લાગી અનિકેત જાણે આજે એક નવી જ અનેરીના પરિચયમાં આવ્યા જે તેની સ્ટુડન્ટ કરતા કંઈક વધારે હતી.
અનેરી એ તેના મગજને બીજી દિશામાં વાળી દીધું પરંતુ આંખો અને હૃદયના ભાવો જાણે અનિકેત માટે એક નવા જ સંબંધનું બીજ રોપી ગયા.
આજે પહેલીવાર અનિકેતને અનેરી સાથે વાત કરવાની, વાતો સાંભળવાની અને સમય વિતાવવાની ઈચ્છા થઈ ગઈ. લંચ બ્રેકમાં અનિકેતની નજરો એની અનેરીને શોધવા લાગી.
અનિકેત:-"અરે તમે તો બહુ ઓછું જમો છો ?"
અનેરી:-"ના બસ, મેં જમી લીધું."
અનિકેત:-"મારા કારણે ઓછું નથી જમતા ને ?"
અનેરી:-"અરે ના સર."
અનિકેત:-"તમારૂ આયોજન સરસ રહ્યું."
અનેરી:-"તમારી પાસેથી જ પ્રેરણા લીધી સર."
અનિકેત:-"હું પણ તમારી પાસેથી ઘણું શીખી રહ્યો છું."
અને સાદી વાતચીતથી ચાલુ થયેલા સંવાદે ફરી પાછી સાચી અનેરી ને બહાર લાવી દીધી.
અનેરી:-"ઋચા મેમનું નેચર મને ગમ્યું."
અનિકેત:-"તે છે જ એવા...... નિખાલસ."
અનેરી:-"ઈશ્વરે જોડી બનાવીને મોકલ્યા છે."
અનિકેત:-"ઈશ્વરની તો ખબર નથી અમારા માતા-પિતા 100% મારી જોડી બનાવી છે."
અનેરી:-"તમે પણ ત્યાં જ પોસ્ટિંગ લઈ લીધું હોત તો ?"
અનિકેત:-"હું તેની સાથે દોડી નથી શકતો."
અનેરી:-"તે તો મેમ ધીમે ચાલશે તમારી સાથે."
અનિકેત:-"તમે એના વિશે અનુમાન કેમ બાંધી શકો ?"
આ સાંભળી અનેરી જાણે મનથી થોડી દૂર ચાલી ગઈ તેને એમ લાગ્યું કે તે જાણે ઋચા મેમના પ્રદેશમાં પ્રવેશવાની ભૂલ કરે છે !
અનેરી:-"સોરી સર મારો કહેવાનો અર્થ એમ ન હતો."
અનિકેત:-"અરે એમાં સોરી ન હોય તેનું વ્યક્તિત્વ જ અલગ છે હું પણ તેમાં અનુમાન નથી કરતો."
અનેરી:-"મારા મતે કરવું જોઈએ પછી ભલે તે અનુમાન ખોટું હોય."
અનિકેત:-"અમને બંનેને અમારા સ્વતંત્રતાના વર્તુળમાં રહેવાની આદત બની ગઈ છે અને......
અને ખબર નહીં કેમ અનિકેતે અનેરીની આંખોમાં જોઈને વાત અધૂરી મૂકી દીધી અને એ નજરથી અનેરીની આંખો આપોઆપ ઢળી ગઈ અને અનિકેત સર ફક્ત અનિકેત બની ગયા.
આંખો તો મોગરાની ડાળીનું નામ
એને શમણું જોયાનું ફૂલ ઝૂલે
રુંવેરુંવામાં પડે મ્હેકતી સવાર
જ્યારે પાંપણની પાંદડીઓ ખૂલે
-રમેશ પારેખ.,.
લાગણી કહો કે સમજણ કે પછી એકબીજાની જરૂરિયાતો.... ચિંતનભાઈ અને કવિતા જાણે એકબીજાની હૂંફને ઈચ્છવા લાગ્યાં.....
ચિંતન ભાઈ:-"હું હંમેશા તમારો આભારી રહીશ."
કવિતા:-"એમાં આભાર શાનો ? હું તમને મારા નજીકના મિત્ર માનું છું અને એક મિત્ર માટે આટલું તો કરી શકાય."
ચિંતનભાઈ:-"શિલ્પા પાસેથી તમારા વખાણ સાંભળ્યા હતા આજે અનુભવ પણ થઈ ગયો."
કવિતા:-"શિલ્પાબેન તો એક ભૂલી ન શકાય તેવી વ્યક્તિ હતા, તમે નસીબદાર છો તમને તેની સાથે સહજીવનમાં ઈશ્વરે ભાગીદાર બનાવ્યા."
ચિંતનભાઈ :-"મારા આ જન્મના પુણ્ય હશે તે મને શિલ્પા જેવી પત્ની મળી અને અને પછી તેની પ્રતિકૃતિ જેવી અનેરી પણ મને સોંપતી ગઈ."
કવિતા:-"અનેરી વિશે શું વિચાર્યું ?"
ચિંતનભાઈ:-"અને મારી દીકરી નહીં પણ દીકરા જેવી છે તેની ચિંતા નથી થતી પરંતુ શિલ્પાની ઈચ્છા પૂરી થઈ જાય તો સારું."
કવિતા:-"હું તેની સાથે વાત કરું ?"
ચિંતનભાઈ:-"હા કદાચ તમારી સાથે ખુલીને વાત કરી શકશે."
કવિતા:-"હું પણ મારી જાતને નસીબદાર માનીશ કે હું શિલ્પાબેન ઋણ ઉતારી શકું......"
(ક્રમશ)

