STORYMIRROR

Khyati Thanki

Romance

4  

Khyati Thanki

Romance

પ્રતીક્ષા - 14

પ્રતીક્ષા - 14

5 mins
245

વિચારોનું અનુસંધાન...... ભૂતકાળનું વર્તમાન સાથે અને વર્તમાનનું ભવિષ્ય સાથે..

કાલે પરીક્ષાઓ પૂરી થઈ અને અનેરી પોતાની જાત સાથે વાતો કરવા સવારમાં ચાલવા નીકળી......

   કવન અને પન્નાબેનની પરવા અનેરીના હૃદયને સ્પર્શી ગઈ. આખો દિવસ કવન અને પન્નાબેન અનેરીને ખુશ રાખવા હિંમત પ્રેરતા રહેતા હતા અનેરી મનોમન ઈશ્વરનો આભાર વ્યક્ત કરતી કરતી તે બંનેનું ઋણ કઈ રીતે ચૂકવીશ વિચારતી હતી.. ત્યાં તો કવનનો પાછળથી અવાજ આવ્યો.

કવન:-"અરે જરા ધીમે ચાલ હું થાકી ગયો."

અનેરી:-"તો શા માટે મારી પાછળ પાછળ આવે છે ?"

કવન:-"તારી પાછળ પાછળ નહીં તારી સાથે ચાલવા માંગું છું."

અનેરી:-"મારી સાથે ચાલીને શું કરીશ ? હજી તો મારે ઘણું સહન કરવાનું બાકી છે."

કવન:-"હું સાથે બધું સહન કરવા તૈયાર છું."

અનેરી ચાલતી ચાલતી અટકી ગઈ

અનેરી:-"કવન આ થોડાક સમયની વાત નથી."

કવન:-"હું પણ ફક્ત વર્તમાનની વાત નથી કરતો મૃત્યુ સુધીના ભવિષ્ય સુધીની વાત કરું છું."

અનેરી:-"પ્લીઝ કવન મૃત્યુની વાત ન કર."

કવન:-"તો તું શા માટે જીવનને સ્વીકારતી નથી ?"

(કવન અનેરી ના આંસુ લૂછી નાંખે છે)

અનેરી:-"આવું જીવન હોય કવન ?"

કવન:-"હા આવું જ હોય જેમ જમવાની થાળીમાં બધા જ રસ ન હોય તો જમવાનું ફિક્કું લાગે તેમ દુઃખનો સ્વાદ ચાખી એ તો જ સુખનો સ્વાદ વધારે મીઠો લાગે છે."

અનેરી:-"મને હવે એક પણ વસ્તુમાં રસ નથી."

કવન :-"જીવનમાં રસ જગાડવો પડે અનેરી.... આપણા હૃદયમાં જીવનને નાના ભાગોમાં વહેંચી દેવાનું અને પછી બધા જ ભાગો ને પ્રેમનું લોહી સપ્લાય કરવાનું કામ ફક્ત આપણું જ છે. તારા મમ્મી હૃદય નો એક ભાગ છે જો તું તારી મમ્મીની ચિંતામાં બીજા ભાગ એટલે કે તારા પપ્પા ને ભૂલી જઈશ તો તેનું જીવન પણ આમ જ ગુંગળાવા લાગશે."

અનેરી:-"હું પૂરતો પ્રયત્ન કરું છું, બધું સાથે લઈને  ચાલવાનો..."

કવન:- "મને સાથે લઈ ને ચાલીશ ?"

અનેરી:-"તું શું બોલે છે તેનું તને ભાન છે ?"

કવન:- "હા મને ખબર છે પણ તને તારી આસપાસની ખબર નથી. કોઈ એવું છે અનેરી જે ફક્ત અને ફક્ત તારા મય થઈને જીવવા માંગે છે. તને ખુશ જોઈને ખુશ થાય છે અને અને તને દરેક ખુશી આપવા માંગે છે. તારા ભવિષ્યના આકાશને મેઘ ધનુષ્યના રંગો આપવા ઈચ્છે છે. તારા અધૂરા સ્વપ્નો ને જીવંત બનાવવા છે તારા સ્વપ્નો ને મારા બનાવવા છે અનેરી !

(અનેરી આશ્ચર્યથી જોઈ રહી)

અનેરી:-"કવન ?

(કવન તેને બોલતા અટકાવી દે છે)

કવન:-"અનેરી મેં ફક્ત મારા હૃદયની વાત જણાવી છે જે હું વર્ષોથી અનુભવું છું. ફક્ત આજે તને જણાવી તેનો અર્થ એ નથી અને જરૂરી પણ નથી કે હું જે અનુભવવું તે તું પણ અનુભવ. જો તું હા પાડે તો હું સૌથી નસીબદાર હોઈશ અને જો તું ના પાડીશ તો પણ હું ખુશ થઈશ કેમ કે આપણી મૈત્રી એટલી હૃદયસ્થ છે કે તું મને હૃદયથી લાગણીથી ના પાડી શકે છે....."

અનેરી:-"કવન મને થોડો સમય આપી શકીશ ?"

કવન:-"અરે હું પૂરું જીવન પ્રતિક્ષા કરવા તૈયાર છું.

અનેરી:-"હું સાંજે તારી સાથે વાત કરું."

કવન:-"ટેક યોર ટાઈમ અનુ સૌથી પહેલા તો તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે.

(અનેરી અને કવન ચૂપચાપ ઘરે પાછા ફરે છે)

પન્ના બેન:-"અરે શું થયું તમને બન્ને ને ? કેમ ઉદાસ થઈ ગયા ?"

કવન:-"અરે મમ્મી, અનેરી ને તો તું ઓળખે ને ? તે તો ખોટી ચિંતા કરે, સાથે મને પણ કરાવે. શિલ્પા આંટી સાથે વાત થઈ તેમાં ઉદાસ થઈ ગઈ..."

પન્ના બેન:-"અરે અનુ હવે તો પરીક્ષા પૂરી થઈ ગઈ, શેની ચિંતા ? બસ હમણાં મમ્મી આવી જશે."

અનેરી:-"મમ્મી મને યાદ કરતી હશેઆંટી...."

પન્ના બેન:-"કાલે તું અને કવન શિલ્પાબેન ને તેડી આવો બસ ?"

અનેરી;-"સાચે આંટી ?"

પન્ના બેન:-"અરે હા સાચે"

અનેરી ખૂશ થઈ જાય છે.

  સાંજે કવન અગાસી પરથી સૂર્યાસ્ત નિહાળતો હતો ત્યારે અનેરી આવે છે.....

કવન:-"અરે અનુ ચાલ આજે સાંજ ને તારી સાથે નિહાળું...

આવું સંસ્મરણ પાછુ મળે કે ન મળે ?"

અનેરી:-"પ્લીઝ કવન હેલ્પ મી "

કવન:-"આ વખતે હું તને મદદ કરીશ તો તેમાં પ્રમાણિકતા નહીં રહે અનુ.... હેલ્લો મિસ.... બહુ વિચાર નહીં કરવાના...અરે મારા હૃદયની વાત કરી બસ,' ના' પાડવા માટે બહાનું વિચારતી હોય તો મહેનત ન કરતી...મે ૯૯% માની લીધું કે તારી ના છે,અને ૧% તો ગમે તે બહાનું ચલાવી લઈશ.

અનેરી:-"ના સાંભળવી બહુ અઘરી વાત છે કવન, પછી એ ના ભલે કોઈ વ્યક્તિ પાડે કે ઈશ્વર....."

કવન:-"અરે આ તો નવું સાંભળ્યું ?"

અનેરી:-"હું જે દ્વિધા માંથી પસાર થઈ રહી છું તેનો અંદાજો નથી કવન તને."

કવન:-"આજે તો ગોળ ગોળ વાતો ન કર સ્પષ્ટ જણાવ મને ખોટું નથી લાગ્યું."

અનેરી:-" ખોટું લાગવાની વાત નથી કવન.હું તો મારા જીવનના સત્ય ને સ્વીકારી શકતી નથી...."

કવન:-"મતલબ કોઈ બીજું ?"

અનેરી:-"ભાવોની પ્રમાણિકતા ....કવન મારા કરતા કદાચ આ મારી ડાયરી તને તારો જવાબ આપશે...તું પહેલા વાંચી લે.....

કવન ડાયરી લઈ ચાલ્યો જાય છે અને અનેરી આંસુઓના પ્રતિબિંબમાં સૂર્યાસ્તને નિહાળે છે.....

"વાદળ થઈને નહીં વરસેલા શમણાંઓ ક્યાં ભાગે છે ?

આંસુઓના નામે ભીની રાતો અહીંયા જાગે છે.

રોજ સાંજના સૂરજ કરતો ના ઊગવાનો બંદોબસ્ત,

તોય ક્ષિતિજ પર કોણ સવારે આવી આંખો આંજે છે ?"

  દક્ષેશ કોન્ટ્રાકટર ' ચાતક'

   ઘણી વખત સવારનો સૂર્ય પણ જાણે આથમતો હોય તેવો અંધકાર લઈને આવે છે હજુ તો અનેરી અને કવન પોતાની અસમંજસમાં છે ત્યાં તો ચિંતનભાઈ ના ફોન એ બધાને સફાળા જગાડી દીધા....

પન્ના બેન:-"અનેરી જાગ બેટા મમ્મીની તબિયત ઠીક નથી તમારે જલ્દી નીકળવું પડશે."

અનેરી:-"શું થયું મમ્મીને આંટી ?"

પન્ના બેન:-"ચિંતનભાઈ નો ફોન હતો તમને બંને ને બોલાવે છે શિલ્પા બહેન ને હોસ્પિટલમાં દાખલ કર્યા છે."

કવન અનેરી ને લઈને નીકળે છે....

સાંજનો સમય જાણે ઉદાસી નો સમય.....

અનેરી દોડીને હોસ્પિટલ ના આઈસીયુ માં પહોચી ગઈ અને નાકમાં નળી હોવા છતા શિલ્પાબેન ના મુખ પર અનેરું સ્મિત આવી ગયું, જાણે જીવવા માટે થોડી ક્ષણો મળી ગઈ...

શિલ્પાબેન:-"આવી ગઈ અનુ ?" (અનેરી નું રડવાનું બંધ થતું નથી)

અનેરી:-"હા, મમ્મા આવી ગઈ..."

શિલ્પાબેન:-"તો શા માટે રડે છે ?, અનુ એકવાર હું સાજી થઈ જાવ એટલે તું અને તારા પપ્પા આ ચિંતામાંથી મુક્ત."

અનેરી:-"હવે ક્યાંય નથી જવું મમ્મા."

ચિંતનભાઈ:-"અનુ આ જ્યુસ પીવડાવી દે, સવારની કઈ ખાતી પીતી નથી,બસ એક જ ધૂન લઈને બેઠી છે કે અનુ આવે પછી..."

અનેરી શિલ્પાબેન ને જ્યુસ પીવડાવી દે છે ત્યાં તો ડો રવિન્દ્ર આવે છે ચેક કરવા.

કવન અને અનેરી બહાર બેસે છે....

અનેરી:-"કવન મમ્મી જલ્દી મુક્ત થઈ જાય તો સારું."

કવન:-"આવી વાતો ન કર."

અનેરી:-"સાચું જ કહું છું." મારી સાચી મમ્મી તો ક્યારની ચાલી ગઈ....

કવન:-"બસ હવે આડા અવળું ન વિચાર,અને ઈશ્વરને પ્રાર્થના કરે."

ત્યાંતો ડૉ રવિન્દ્ર બોલાવે છે....

અનેરી દોડીને આઈસીયુ ના બારણાં ખોલવા જાય છે ત્યાં તો ચિંતનભાઈ અટકાવી દે છે... ચિંતનભાઈ એ રોકેલો વેદનાનો ધોધ વહી ગયો.... અનેરી તેને વળગીને છુટા મોએ રડે છે.....કવન તો જાણે હતપ્રત થઈ ગયો.....

  શિલ્પાબેન જાણે અનેરીની જ વાટ જોઈ રહ્યા હતા,એક મોટી જવાબદારી સોંપી અનંત યાત્રા પર નીકળી ગયા........

 મૃત્યુ એટલે માનવીના જીવનનું પહેલું અને છેલ્લું સંપૂર્ણ સત્ય... ન નકારી શકાય.. ન ઠેલી શકાય........

વેદનાની કદાચ ચરમ સીમા.....

શિલ્પાબેન મુક્તિ પામ્યા અકથ્ય પીડા માંથી અને ચિંતનભાઈ તથા અનેરી,.. મુક્ત થયા.... મૃત્યુ ની ચિંતામાંથી......

મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે,

કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું,

-હરીન્દ્ર દવે


Rate this content
Log in

Similar gujarati story from Romance