પ્રથમ અનુભૂતિ
પ્રથમ અનુભૂતિ
"જલ્દીથી 6:30 વાગે ને હું નીકળી જાઉં નહીં તો વરસાદને લીધે બસની ફ્રીકવન્સી ઓછી થઈ જશે !" એ વિચારે નિષમ બારીની બહાર જોતો હતો.
આખું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ગોરંભાયેલું હતું.
એટલામાં એનો નવો પરણેલો કલીગ જતીન ખુશ થતાં બોલ્યો," આજે તો ઘરે જઈ ગરમાગરમ મેથીના ગોટા મળશે. મારી પત્ની બહુ સરસ બનાવે છે."
એ જાણી જોઈને નિષમને સંભળાવા થોડું વધારે જોરથી બોલ્યો.
નિષમ પાંત્રીસ વર્ષનો થવા આવ્યો હતો પણ એના લગ્નનું હજુ સુધી ઠેકાણું પડ્યું ન હતું.
કદાચ એનો અંતર્મુખી સ્વભાવ અને સાદગી એના જીવનમાં વિલનનો રોલ ભજવતા હતા. વળી આજકાલની છોકરીઓને પૈસાપાત્ર, સ્ટાઈલિશ અને છેલબટાઉ છોકરાઓ જ વધુ ગમે છે ને !
"હશે કાંઈ વાંધો નહીં ઉડાવવા દે ને તને શું ફરક પડે છે ?" એ મનોમન જાતને સમજાવી ટેબલ પર બેઠો અને પોતાના કામમાં પરોવાઈ ગયો.
આકાશ વધુને વધુ ઘેરું થતું ગયું.હવે તો મેઘ પણ ગરજતા હતા.સવા છ વાગતાં જ આખી ઓફિસ ખાલી થઈ ગઈ પણ નિષમ કર્તવ્યનિષ્ઠ અને વફાદાર પણ ખરો, સમય થાય એટલે જ નીકળવું એ પણ એનો પાક્કો નિયમ !
અંતે બધું સમેટી સાડા છ થતાં જ એ ઓફિસેથી નીકળ્યો.
હજુ આ તો મોસમનો પહેલો વરસાદ હતો એટલે એ છત્રી કે રેઈનકોટ લઈને નહોતો આવ્યો. એ વરસાદથી ડરતો હતો કે એને વરસાદથી અણગમો હતો એ પણ પોતે સમજી શકતો નહોતો.
"ક્યાંક વરસાદ ચાલુ થઈ જશે ને મને પલાળી દેશે તો !" એ વિચારે એ મોટા ડગલે ચાલવા લાગ્યો.
નાનપણમાં એક વાર વરસાદમાં પલળ્યો હતો એ પછી એ ભારે બિમારીમાં સપડાયો હતો.ત્યાર પછીથી એ વરસાદથી બચવા પૂરતો પ્રયત્ન કરતો પણ વરસાદ એને હેરાન કરવાનો મોકો ન ચૂકતો. એ પણ પોતાની લુચ્ચાઈ બરાબર બતાવતો.
એ ઘરમાં હોય ત્યારે બારી બહાર જોઈ વરસાદ માણી લેતો.એને મન વરસાદ માણવો એટલે હરિયાળી જોઈ લેવી અને વરસતી બૂંદોને અડી લેવું એટલું જ પૂરતું હતું,પણ આજે તો વરસાદની ચૂંગાલમાં એ બરાબરનો ફસાયો હતો.
તે હજુ બસ સ્ટેન્ડ પર પહોંચે એ પહેલાં તો અમી છાંટણાં શરૂ થયા. મેઘરાજા ગરજ્યા,વીજળીના તો કડાકા અને ભડાકા, છેક આભેથી પ્રકાશિત થઈ આડીઅવળી રેખાઓ જેવી ધરતીની સોંસરવી ઉતરી જતી વીજળીઓ થવા લાગી. પવન પણ સૂસવાટા લેવા લાગ્યા.
જેમ તેમ કરી પોતાનું નાનકડું બેગ જેમાં એક ટિફિન સિવાય કાંઈ ન હતું એને છાતી સરસુ દબાવી એ બસ સ્ટેન્ડ તરફ દોડ્યો.
સામા પવનના ઘર્ષણને લીધે ગતિ તો મંદ જ રહી પણ છેવટે બસ સ્ટેન્ડ પર પહોંચી એને હાશ થઈ.
બસ સ્ટેન્ડ પર એક વીસેક વર્ષની યુવતી સિવાય કોઈ નહોતું. કદાચ હમણાં જ બસ ગઈ લાગે છે એમ વિચારી વરસાદથી બચવા એ પ્રયત્ન કરતો રહ્યો. પીઠ પર ગિટાર ભરાવી ઊભેલી એ અલ્લડ યુવતી વરસાદની બૂંદો સાથે મસ્તીથી રમી રહી હતી. પોતાની હથેળીમાં પડતા વરસાદના બૂંદોની ઝીણી ધારને પોતાના ગુલાબી હોઠોથી ફૂંક મારીને એ ઉડાડી રહી હતી.
નિષમનું ધ્યાન એ વરસાદના ઉડતાં ફોરાં ઉપરથી હટી એ નટખટ યુવતીના ચહેરા પર પડતા એક ક્ષણ માટે એ અંજાઈ ગયો.
સ્મુધનીંગ સાથે સોનેરી હાઈલાઈટ કરેલા એના વાળ વરસાદમાં ભીંજાવા લાગ્યા. એના સુંદર વાળની લટોને ભીંજવી રૂપેરી ટીપાં સરકી જઈ એ યુવતીએ પહેરેલા ગુલાબી ફૂલોની સુંદર ડિઝાઈન વાળા શોર્ટ ક્રોપ ટોપ પર થઈને એની કમર પર નીતરી રહ્યા હતા.સપ્રમાણ દેહ ધરાવતી એ યુવતી તો જાણે પોતે જ ફૂલ અને આ વરસાદ ના ટીપા જાણે ઝાકળની બુંદો જ જોઈ લો !
એ યુવતીના વિચારોને બ્રેક લગાવતા એના મનમાં દલીલો ચાલી," ક્યાં આ નાનકડી છોકરી અને ક્યાં તું ?
એ કેટલી મસ્તીથી જીવી રહી છે ને તું ઉંમરના કેટલાય પડાવ પાર કરી ચુક્યો હોય એવો વરસાદથી દૂર ભાગી રહ્યો છે."
મનના આદેશ મુજબ એ છોકરી પરથી ધ્યાન હટાવી નિષમ બસની રાહ જોવા લાગ્યો પણ કદાચ આજે કુદરતને પણ એને બસ મળે એ મંજૂર નહોતું. એ નજર ફેરવીને ઊભો રહ્યો. વરસાદથી એ ડરતો હતો માણવાની વાત તો દૂર રહી હતી.
એટલામાં વરસાદની બૂંદોના અવાજમાં સંગીત ભળ્યું. પેલી યુવતી પ્રથમ વરસાદે મુગ્ધ બની વરસાદને ઉજવી રહી હતી.
એ જશ્નમાં અભિવૃદ્ધિ કરવા એની નાજુક આંગળીઓ ગિટારને તારે ફેરવી એ નવો જ કમાલ સર્જી રહી હતી.
એના ગીતના સંગીત પર નિષમનું મન પણ ઝૂમવા લાગ્યું.
"દિલ કો તુમસે પ્યાર હુઆ પહેલી બાર હુઆ તુમસે પ્યાર હુઆ..."
હા એ જ ધૂન વગાડી રહી હતી એ યુવતી !
એક સમયનું નિષમનું મનપસંદ ગીત હતું એ !
પણ ઉંમરની પરિપક્વતાએ નિષમને ગીત મોટેથી ગાવા દેવા મંજૂરી ન આપી.
થોડીવારે ટ્રાફિક સાવ ઓછો થયો.પેલી યુવતી ગળામાં ગિટાર સાથે જ રસ્તાની વચ્ચોવચ જઈ સંગીતના તાલે ઝૂમવા લાગી. થોડીવારે કંઈક વિચારી એ નિષમ તરફ વળી.
તીરછી આંખે એની તરફ જોઈ લેતા નિષમના હૈયામાં એક અલગ વેદના ઊભી થઈ પણ એણે સ્વસ્થતા ધારણ કરી રાખી.
એટલામાં પેલી યુવતીએ નિષમ તરફ પોતાનો આઈફોન લંબાવતા કહ્યું," અંકલ પ્લીઝ થોડા પિક્ચર ક્લિક કરી આપશો ?"
"હા કેમ નહીં !" કહેતાં એણે છાતીએ દબાવી રાખેલું પોતાનું ટીફીનનું પાઉચ બસસ્ટેન્ડની સીટ પર મુક્યું, અત્યાર સુધી અદબવાળીને રાખેલા હાથને તસ્દી આપી એણે આઈફોન હાથમાં લીધો અને ફોટા ક્લિક કરવાનું શરૂ કર્યું.
પેલી યુવતીના મોં એ અંકલ સાંભળી પહેલી ક્ષણે તો એને ખરાબ લાગ્યું પણ વાસ્તવિકતા તો સ્વીકારવી જ રહી. પોતે આખું જીવન વ્યવસ્થિત જીવ્યો હતો. એ વ્યવસ્થામાં એના સોનેરી દિવસો ક્યાં વીતી ગયા એની સમજ ના પડી. જ્યારે આ મુગ્ધાની ઉંમર તો અસ્તવ્યસ્ત જીવવાની હતી એટલે એનું અંકલ કહેવું સર્વથા ઉચિત હતું.
ફોટા ક્લિક કરવામાં વ્યસ્ત નિષમ એ ભૂલી ગયો કે વરસાદમાં ભીંજાતી યુવતી સાથે પોતે ભીંજાઈ રહ્યો છે. એનો વરસાદનો ડર બાજુ પર મૂકી એ નવા વરસાદ અને નવા અનુભવને પ્રથમવાર માણી રહ્યો હતો.
પેલી યુવતીની વી ફોર વિક્ટરીની મુદ્રા સાથેના ફોટા ક્લિક કરતાં નિષમે પણ વરસાદમાં ભીંજાવાના ડર પર વિજય મેળવ્યો હતો.
એ દરમિયાન એના ઘર તરફની એક બસ આવીને જતી રહી પણ એનો ખ્યાલ ન રહ્યો. એ તો પોતાના કામમાં પૂર્ણપણે સમર્પિત હતો. એટલામાં એક ગાડી આવી ઊભી રહી.પેલી યુવતી જેવી બીજી બે યુવતીઓ એ બૂમ પાડી,"પ્રિયા ચાલ જલ્દી !"
પેલી છોકરી "થેન્ક્યુ સો મચ ! બાય અંકલ !" કહીં નિષમના હાથમાંથી ફોન લઈ ટેક્સીમાં બેસી ગઈ.
એ યુવતીના ગયા પછી નિષમ થોડા વધુ સમય માટે એ જગ્યાએ ઊભો રહ્યો.એને ગજબની ખુશી મળી હતી.એણે મુક્તપણે વરસાદને માણ્યો હતો. એના મનમાં પેલી યુવતી માટે ખોટી ભાવનાઓ જરા પણ ઊભી ન થઈ કારણ કે એ જે જીવન જીવ્યો હતો એતો સદાચારી હતું. દરેકના જીવનમાંથી કંઈક સારું શીખવું એ એની સકારાત્મક બાજુ હતી.
એણે આ યુવતીના જીવન પરથી પણ શીખ લીધી હતી દરેક પળમાં જીવન છે એને સંપૂર્ણ પણે જીવી લેવું. દરેક ક્ષણને માણી લઈ એના મીઠા સંભારણા મનના કોઈ ખૂણે સાચવી લેવા.
એ ક્ષણથી એનો ચહેરો પ્રફુલ્લિત અને વધુ આકર્ષક થઈ ગયો હતો.એનુ જીવન ક્રમશઃ ખુશીઓ તરફ આગળ વધતું ગયું. આ વાત ને આજે વર્ષ થયું.આ વર્ષ દરમિયાન એના લગ્ન નિરાંત સાથે થયા.
આજના મુંબઈના મુશળધાર વરસાદને માણતો નિષમ નિરાંતના ગાલના ખંજનોમાં પડતી વરસાદની બૂંદો એ રચેલા સરોવરમાં ડૂબકી મારતો નજરે પડ્યો.નિરાંતના વાળની લટોમાંથી ટપકતી મોતી સમાન બૂંદોને સંગ્રહી એ માળા પરોવતો જોવા મળ્યો.
આપણે પણ ઈચ્છીએ નિષમના જીવનમાં હંમેશા પ્રેમભરી નિરાંત રહે !

