પરફ્યુમ
પરફ્યુમ
નદીના પાણી જેવી શાંત અને નિર્મળ. . . હા, આવી જ છે મારી વેદાંશી. આમ તો અમારો પ્રેમસંબંધ હતો પણ હું તેને ન સમજી શક્યો અને સમજ્યો ત્યારે તો બહુ મોડું થઈ ગયું. તે અહીં આ શહેરમાં ભણવા માટે આવી હતી. અમે એકબીજાને પસંદ કરતાં હતા પણ કહી નહોતા શક્યાં. તે મને હમેશાં 'તમે ' કહીને જ બોલાવતી. જાણે હું તેનો પતિ કેમ ન હોવ. . !
મેં તેને ક્યારેય પ્રપોઝ નહોતી કરી પણ તેણે મને ઘણીવાર આડકતરી રીતે પ્રપોઝ કરેલો પણ હું તો જાણે સાવ ભોળો અને અણસમજુ હોય તેવી રીતે તેની સાથે વર્તતો.
તેણે મને ખુબ પ્રેમ કર્યો છે એટલો પ્રેમ કે તેટલો પ્રેમ તો મને કોઈએ પણ નહોતો કર્યો. મારી પત્નીએ પણ નહીં. તે મારા સિવાય અન્ય કોઈને જોવા પણ નહોતી માંગતી. હું તેનાથી ગુસ્સે થાવ તો તે મને મનાવતી. . પછી ભલે ને વાંક મારો જ કેમ ન હોય. તે મને કહેતી કે,
" મેં મારા જીવનમાં એવા અમુક નજીકના લોકોને પસંદ કરેલ છે જે મને કોઈપણ કિંમતે જોઈએ જ. એ વ્યક્તિ સાથે ક્યારેય ઝગડો નહીં જ કરવાનો અને ઇન કેસ ઝગડો થયો તો ભલે તેનો ફોલ્ટ હોય તો પણ હું તેને સોરી કહેવા તૈયાર છું. કેમ કે તે વ્યક્તિ મને મારી લાઈફમાં કોઈપણ કિંમતે જોઈએ જ. " સો સ્વીટ ઓફ હર. હું એ વખતે સારી રીતે સમજી ગયો હતો કે તે શું કહેવા માગે છે.
અને હા,આ તેની ખાસિયત હતી. તેને જે પોતાના લાગે તેની સાથે હંમેશા વ્યવહાર અને સંબંધ સારા જ રાખતી. કયારેય બગડવા ન દેતી. એ પછી ફેમિલી હોય, ફ્રેન્ડ હોય કે પછી હું હોય.
પણ તેની નજીકની વ્યક્તિ થવું એ બહુ મુશ્કેલ છે. તે જ્યારે અહીંયા હતી ત્યારે તેના માટે બહુ સારા સારા માગા આવતા હતા. અને કેમ ના આવે. . . ? એ આટલી સારી,સંસ્કારી અને દેખાવડી જો હતી.
ડોક્ટર,એન્જીનીયર,બિઝનેસમેન વગેરે વગેરે. . . પણ તે ના પાડતી હતી. તેને હજુ ભણવું છે એમ કહીને વાત ટાળી દેતી. ડાયરેક્ટલી નહીં પણ ઈનડાયરેક્ટલી ના પાડી દેતી.
મેં એકવાર તેની બર્થડે ડેટ સામેથી પૂછેલી પણ બર્થડે પર વિશ ન કર્યું. કેમ કે હું તેની બર્થડે ડેટ ભૂલી ગયો હતો.
તે અહીં હોસ્ટેલમાં રહેતી હતી. તેણે મને એક વાર હોસ્ટેલની બહાર જોયો હતો અને અમારી બંનેની નજર એક થઈ ગઈ હતી.
પછી તે ઘણીવાર મારી રાહ જોઈને તેના રૂમની બહાર ગેલેરીમાં બેઠી હોય. હું તેને ચોરીછુપીથી જોવું પણ તેની સામે ન જતો.
અને હવે હું તેની સામે જવા માંગુ છું તો એ નથી મળતી.
અને મળે તો પણ ન જઈ શકું એવી પરિસ્થિતિ થઈ ગઈ છે.
હા,
કેમ કે, મારા લગ્ન થઈ ગયા છે. આમ તો મેં મારી જાતે જ છોકરી પસંદ કરી છે પણ તોય એ તેના જેવી નથી. અમારા લવમેરેજ છે પણ એ એક મિસ્ટક છે.
મારે એક વાર વેદાંશી સાથે ઝગડો થયો હતો ત્યારે હું તેનાથી દૂર રહેતો. તે મારી પાસે આવે તો હું તેને અવોઇડ કરતો.
અવોઇડ કરતા કરતા મેં તેને જલેસ ફિલ કરવા માટે તેના જ ક્લાસની એક છોકરી સાથે અફેર કર્યું. અને એ અફેર મને બહુ જ મોંઘુ પડ્યું. એટલું મોંઘુ કે મારી લાઈફ ચેન્જ થઈ ગઈ. અને એ છોકરી બીજી કોઈ નહીં મારી વાઈફ જ. શરૂઆતમાં તો હું તેની જોડે ફ્લર્ટ જ કરતો હતો પણ ધીમે ધીમે હું વેદાંશીથી દૂર અને ઈશા એટલે કે મારી વાઈફની નજીક થતો ગયો. શરૂમાં વેદાંશીને કંઈ જ ખબર નહોતી પણ મારું જુઠાણું વધુ દિવસો ન ચાલ્યું. એક દિવસ ઈશાએ મને વીડિયોકોલ કર્યો ત્યારે તે મને જોઈ ગઈ હતી. મેં પણ તેને જોઈ.
પછી તે મને પંદરેક દિવસ ન મળી. તેના રૂમની ગેલેરીમાં પણ નહીં,કોલેજમાં પણ નહીં. પછી ખબર પડી કે તે તેના ઘરે ગઈ છે.
પેલા હું તેને અવોઇડ કરતો હતો હવે એ મને અવોઇડ કરે છે. હું તેની પાસે જાવ તો તે મને સામેથી ન બોલાવે. મારે તેને બોલાવી પડે.
એક દિવસ હું અને ઈશા મુવી જોવા ગયેલા. ત્યાં તે મને કેન્ટીનમાં મળી. તેણે કહ્યું, ' નવી ગર્લફ્રેંડ મળી એટલે મને ભૂલી ગયા કે શું ?'
હું જવાબ આપું ત્યાં તો ઈશા આવી. બંને ક્લાસમેટ હતા એટલે એકબીજાને ઓળખતા હતા.
ઇશાએ વેદાંશીને કહ્યું કે અમારી સગાઈ થઈ ગઈ છે. વેદાંશી કંઈ ન બોલી. તે પણ મુવી જોવા જ આવી હતી પણ તે મુવી જોયા વગર જ જતી રહી.
તેને બહુ જ દુઃખ થયું હતું. તે અંદરથી ટૂટી ગઈ હતી.
હું ખૂબ જ સેલ્ફીશ છું. જે મને ખરેખર સાચા દિલથી ચાહતી હતી તેને મેં જણાવ્યા વગર જ સગાઈ કરી લીધી.
મેં તેનું દિલ તોડ્યું છે આનાથી મોટી દુઃખની વાત કઈ હોય શકે તેના માટે. . . !
પણ અત્યારે તો મને દુઃખ થાય છે. હું તેને નથી ભૂલી શકતો.
અને કેમ ભૂલી જાવ. . ?
જે મારી માટે હંમેશા હતી.
મને તેના વગર નથી ગમતું પણ હવે કરુ પણ શું ?
હવે તો ઈશા જોડે પણ નથી ગમતું. પાછળથી તેને અમારા વિશે થોડી ખબર પડી ગઈ હતી. તે મારા માટે એક ઈશું બની ગઈ છે. એવો ઈશું કે જે ક્યારેય સોલ્વ નહીં થઈ શકે. તે જયારે હોય ત્યારે ટોન્ટ મારતી ફરે, ઝગડો થાય તો પણ હંમેશા એ જ રિસાય અને એ રિસાય પછી હું તેને બહાર લઈ જાવ તો કઈ બોલે પણ નહીં. અને જ્યારે હું રિસાવ ત્યારે તો એ કોઈ દિવસ મને મનાવે પણ નહીં. હંમેશા મારે જ એને મનાવવાની. અત્યારે હું આ બધું વિચારું છું ત્યાં એ આવી ચૂપચાપ કોફીનો મગ મૂકીને જતી રહી. જાણે હોટલમાં કોઈને ન દેતી હોય. . . !
મન તો થાય છે કે તેને ડિવોર્સ દઈ દવ પણ શું કરું. વી હેવ વન કીડ.
મેં તેનું નામ પણ "વેદાંશ" જ રાખ્યું છે. એમાં તો અમારે બહુ બોલવાનું થયું હતું. તો પણ મેં નામ ના જ ફેરવ્યું. જયારે વેદાંશીને ખબર પડી કે મારી સગાઈ થઈ ગઈ છે એટલે તેણે આવતા વર્ષે જ આ શહેર છોડી દીધું. એના ગયા પછી મને ખુબ પસ્તાવો થયો અને ખુબ દુઃખ થયું. એ જતી રહી મને છોડીને. પણ વાંક તો મારો જ હતો. એ વાત તો બિલકુલ સાચી જ છે કે વસ્તુની કિંમત મેળવ્યા પહેલા થાય છે અને વ્યક્તિની કિંમત ગુમાવ્યા બાદ થાય છે. તે મારુ માન રાખતી. હું તેનો પતિ નહોતો તો પણ તે મને પતિ જેવો દરજજો આપતી. મને ક્યારેય તું પણ ન કહેતી. તેના દિલનો રાજા બનાવીને રાખતી પણ આજે તો સાવ વિપરીત થઈ ગયું છે. વેદાંશીના દિલનો રાજા આજે ઈશાનો ગુલામ બની ગયો છે.
તેણે મને એટલો સાચવ્યો છે એટલે જ આજે મને આ બધું અઘરું લગે છે. જયારે મને તેની ખુબ યાદ આવે ત્યારે હું તેની ફેવરિટ જગ્યા પર જતો. રિવરફ્રન્ટ,ટેમ્પલ અને ગાર્ડન એ ત્રણ તેની ફેવરિટ જગ્યા હતી. તે જયારે ખુશ હોય ત્યારે રિવરફ્રન્ટ પર જતી. સેડ હોય ત્યારે ટેમ્પલ. તેણે એકવાર મારા બર્થડે પર મને સરપ્રાઈઝ આપી હતી અને વન ડે પિકનિકનો સરસ પ્લેન કર્યો હતો. ત્યારે તે મને પહેલી વાર રિવરફ્રન્ટ લઈ ગઈ હતી. પણ હું કેવો સેલ્ફીશ. તેનો બર્થડે પણ યાદ ન રાખી શક્યો અને છતાં પણ તેણે મને કોઈ જ કમ્પ્લેન્ટ ન કરી. અને એકવાર અમારી એંગેજમેન્ટ એનિવર્સરી ભૂલી ગયો હતો ત્યારે તો ઈશા ને મનાવવી ખુબ અઘરી પડી હતી. જાણે મારી એકની જ એનિવર્સરી કેમ ન હોય. . . !
વેદાંશી જયારે આ શહેર છોડીને જવાની હતી તેના આગલા દિવસે સાંજે તેણે મને કેફે પર બોલાવ્યો હતો. હું ત્યાં ગયો. તે કોર્નરના ટેબલ પર હાથમાં નાનું કલરફુલ બોક્સ લઈને બેઠી હતી. હું તેની પાસે ગયો. તેની પાસે સરસ મહેક આવતી હતી. તેના ફેવરિટ પરફ્યુમની. હું તેની સામે બેઠો. તેને ઓડર આપ્યો. તે મારી જોડે વાત કરી રહી હતી.
તે ડ્રિંક પી રહેવા આવી ત્યારે તેને મને એ બોક્સ આપ્યું. હું ખોલતો હતો ત્યારે તેણે મને રોક્યો અને કહ્યું કે પછી ખોલજો. તેને કોઈ ફોન આવ્યો એટલે તેને ઇમરજન્સી જવું પડે એમ હતું. તેને જતા જતા મને કહ્યું કે હું કાલે પાછી મારા શહેર જાવ છું. હંમેશા માટે.
હું તો ચોકયો. ગળા નીચે પાણી પણ નહોતું ઉતરતું. પહેલી વાર તેને ખોવાનો અહેસાસ થતો હતો. હું કંઈ ન બોલી શક્યો. તેના ગયા પછી મેં એ બોક્સ ખોલ્યું. તેમાં એક યલો ફૂલ,એક પોકેટ પરફ્યુમ અને એક લેટર હતો. આ પરફ્યુમ તેનો ફેવરિટ હતો. મેં લેટર ખોલ્યો.
સાઈડમાં રેડ કલરનું ડબલ હાર્ટ દોરેલું હતું. પછી મોતી જેવા અક્ષર સાથે લખ્યું હતું કે,
" હું તમને સાચા દિલથી ચાહતી હતી. તમારા સિવાય મેં આજ સુધી કોઈનો વિચાર નહોતો કર્યો પણ ભૂલ મારી જ હતી કે તમારા મનની વાત જાણ્યા વગર તમને મારા માનતી હતી. અને મને મારા વ્યક્તિ કોઈની જોડે શેયર કરવા ગમતા નથી. પણ કદાચ તમે મારા હતા જ નહીં. સો. . ! હું હવે કાયમ માટે અહીંથી અને તમારા દિલથી દૂર જઈ રહી છું. અને હું નથી ચાહતી કે મારા લીધે તમારી લાઈફમાં પ્રોબ્લેમ ક્રિએટ થાય. હવે હું તમને ક્યારેય નહીં મળું. હેવ અ નાઇસ લાઈફ વીથ યોર વાઈફ.
- યોર પાસ્ટ લવર વેદાંશી "
પછી હું તે દિવસે જ રાત્રે ગિફ્ટ લઈને તેની હોસ્ટેલ ગયો હતો. મેં ત્યાંના વોચમેનને કહ્યું, મારે વેદાંશીને મળવું છે. મેં તેમને મારુ નામ કહ્યું. તે વોચમેન તેને બોલાવવા ગયા પણ તે પાછા એકલા જ આવ્યા.
તેમણે મને આવીને કહ્યું કે, તે કોઈને મળવા નથી માંગતા. હું ત્યાં બહાર થોડીવાર બેઠો કદાચ તે ગેલેરીમાં આવી જાય. પણ તે ન આવી. મે બી એ સૂઈ ગઈ હશે.
રાત થઈ ગઈ હતી. હું જતો હતો ત્યારે એકવાર મેં પાછળ ફરીને જોયું. . . .
પણ અફસોસ. . . એ ન આવી.
શું હવે હું એને નહીં મળું. . . ?
ના, હું એને મળવાનો છેલ્લો પ્રયત્ન કરીશ. સવારે.
તે સવારે પોણા સાતની બસમાં જવાની હતી. હું સવારે સાવ છ વાગ્યે બસસ્ટેશન પહોંચી ગયો હતો. સાડા છ થયા એટલે તે આવી.
ત્રણ બેગ અને એક પર્સ એટલો સમાન હતો. તે બેઠી. હું તેની પાસે ગયો અને તેની બાજુમાં બેસી ગયો. મેં તેને કહ્યું,
" હું કાલે રાત્રે હોસ્ટેલ આવ્યો હતો પણ તું ન આવી. આ તારા માટે. " મેં તેને ગિફ્ટ આપી.
મને આજે પણ યાદ છે એ મારી આંખમાં પ્રેમ ભરી નજરથી જોઈ રહી હતી. મને તેની આંખોમાં સાચો પ્રેમ દેખતો હતો.
મેં તેને ગિફ્ટ તો આપી પણ તેણે ના લીધી. એને કહ્યું, " જો હું ગિફ્ટ લાઈશ ને તો જયારે જયારે આને જોઈશ ત્યારે ત્યારે મને તમારી યાદ આવશે. અને હું હવે આગળ વધવા માંગુ છું. "
આટલી વાત થઈ ત્યાં તો બસ આવી ગઈ. અને એ જતી રહી પાછી તેના શહેર.
હું આ બધું વિચારું છું ત્યારે મને તેની ખુબ યાદ આવે છે, રડવું આવે છે અને અત્યારે પણ એ જ. તેને જોવાનું મન થાય છે. તેની જોડે વાત કરવાનું મન થાય છે. પણ તે સોશિયલ મીડિયા પર પણ નથી મળતી અને તેનો નંબર પણ નથી કેમ કે તેને તેનો નંબર બદલી નાંખ્યો છે.
તેની ફેવરિટ જગ્યાઓ પર જાવા સિવાય અન્ય કોઈ રસ્તો નથી. કેમકે ત્યાં મને તેના હોવાનો અહેસાસ થાય છે.
હું બાઈક લઈને પહેલાં કેફે પર ગયો. જ્યાં હું તેને છેલ્લે મળ્યો હતો. ત્યાં કોફી પીધી.
થોડીવાર પછી હું રિવરફ્રન્ટ પર જવા નીકળ્યો. હું જતો હતો ત્યારે મને રસ્તામાં યાદ આવે છે કે તેને મને અહીં એકવાર સરપ્રાઈઝ આપી હતી. હું તે વિચારોમાં છું ત્યાં જ અચાનક……
***
( વળાંક વળતા તેનું કાર સાથે એક્સિડન્ટ થઈ જાય છે અને તે અત્યારે હોસ્પિટલની બેડ પર સૂતો છે. તે ધીમે ધીમે આંખો ખોલે છે. )
હા, મારુ એક્સિડન્ટ થયું છે. અત્યારે હું બેડ પર સૂતો છું. હાથ પર ફેક્ચર થયું છે. પગમાં પણ થોડું વાગ્યું છે.
હું ફરી આંખ બંધ કરું છું ત્યાં મને એક જાણીતી મહેક આવી. એ ખુશ્બુ જે વેદાંશી પાસે આવતી હતી. તેના ફેવરિટ પરફ્યુમની. તેણે મને બોક્સમાં લેટર સાથે પોકેટ પરફ્યુમ આપ્યો હતો એની છે.
પણ અહીંયા ક્યાંથી. . ? કદાચ અહીં કોઈકે લગાવ્યો હશે.
પણ મારું મન એ માનવા તૈયાર ન હતું. હું બેઠો થયો. મેં જોયું તો બેડની પાસે નીચે લેડીઝ હાથરૂમાલ પડ્યો હતો. મેં હાથમાં લીધો અને સૂંઘયો. તેમાંથી જ સુગંધ આવતી હતી. મારા દિલની ધડકન વધી ગઈ. હું વિચારતો હતો ત્યાં સિસ્ટર આવ્યા.
મેં તેમને પૂછ્યું, અહિયાં કોઈ આવ્યું હતું ?
તેમણે કહ્યું, હા, એક છોકરી આવી હતી જેને તમને અહીં એડમિટ કર્યા હતા. તે ઘણીવાર સુધી તમારી પાસે બેઠી હતી. અને જતા જતા પેલી બેગ તમારા માટે મૂકીને ગઈ છે. સિસ્ટર ગયા પછી મેં એ બેગ લીધી. અંદર સરસ મજાનું કલરફૂલ બોક્સ હતું. સેઇમ એવું જ જે એણે મને લાસ્ટમાં આપ્યું હતું. મેં એ ખોલ્યું. તેમાંથી એક યલો ફૂલ,એક પોકેટ પરફ્યુમ અને એક લેટર હતો. મેં લેટર ખોલ્યો, સાઈડમાં રેડ કલરનું ડબલ હાર્ટ દોરેલું હતું અને પછી લખ્યું હતું કે,
" ધ્યાન રાખીને બાઈક ચલાવાય. એ તો સારું છે કે મારી કાર જોડે એક્સિડન્ટ થયું. મેં તમને હોસ્પિટલમાં એડમિટ કરીને તમારા ઘરે ઈન્ફોર્મેશન આપી દીધી છે. મને જોબ મળી ગઈ છે. હું અહીં કંપનીમાંથી મીટીંગ દરમિયાન આવી હતી તો થયું કે રિવરફ્રન્ટ થતી જાવ. પણ ત્યાં પહોંચું એ પહેલાં તો મને તમારા દર્શન થયા. મેં વેદાંશ ને જોયો છે સોશિયલ મીડિયા પર. બહુ ક્યુટ છે. હેપ્પી ફેમિલી. બટ મેં મેરેજ નથી કર્યા. હું સિંગલ છું અને મેં કહ્યું હતું ને કે હવે હું તમને ક્યારેય નહીં મળું. તો જોઈ લ્યો. તમારી પાસે આવીને જતી પણ રહી તો પણ તમને ખબર ન પડી.
લાસ્ટમાં ટેક કેર ઓફ યોર સેલ્ફ.
- વેદાંશી "
આ વખતે તેણે ખાલી વેદાંશી જ લખ્યું હતું. હું બહુ બેચેન થઈ ગયો હતો. લેટર વાંચીને હું બહુ જ ઉદાસ થઈ ગયો હતો. કેમકે હું તેને જોઈ ન શક્યો કે ન વાત કરી શક્યો. મારે તેને સોરી કહેવું હતું. તેના ગયા પછી હું ખૂબ પસ્તાયો હતો અને બહુ દુઃખી થયો હતો. મને હાલ રડવું આવે છે. મેં બોક્સ પેક કરીને સાઈડમાં મૂક્યું અને આંખ બંધ કરીને સૂતો છું. આ તેની યાદ રહી ગઈ અને તે જતી રહી.
મને તો એ જ ખબર નથી પડતી કે આને બ્રોકનહાર્ટ કહેવું કે બ્રેકઅપ. . . ?

