Nainsi Parmar

Drama Romance

4.0  

Nainsi Parmar

Drama Romance

મહેંદી અને પીઠી

મહેંદી અને પીઠી

3 mins
234


મારુ ઘર આખું લાઈટોથી શણગારેલું હતું, ધીરે ધીરે બધા મહેમાનો આવી રહ્યા હતા. બધાના ચહેરા પર એક ખુશીનું સ્મિત લહેરાતું હતું. ચારેય બાજુ રોનક જ રોનક હતી. ખુશીના તો ઠેકાણા જ ન હતા. મારાથી નાની અને મોટી બહેનો ડાન્સની પ્રેક્ટિસ કરી રહી છે. ધીમો ધીમો સંગીતનો અવાજ સંભળાય રહ્યો છે. હું અને મારી સખીઓ ફળિયામાં બેઠા છીએ.

હા, અત્યારે મારી મહેંદી ચાલે છે. બંને હાથમાં મહેંદી મુકાઈ રહી છે. અમુક લોકો વાતો કરે છે તો અમુક લોકો કામ કરી રહ્યા છે. બસ હું એક જ સ્થિર થઈને બેઠી છું પણ મનમાં અનેક ગડમથલ ચાલી રહી છે. હા, મારા લગ્ન છે અને આવતીકાલે સવારમાં ગણેશ સ્થાપના છે. કાલે મારો માંડવો રોપાશે. મારી મહેંદી મૂકાઈ ગઈ એટલે હું ઊભી થઈ અને મારા રૂમમાં ગઈ પણ મારા બંને હાથમાં મહેંદી હતી એટલે મારી સાથે મારા મામા ફોઈની છોકરીઓ પણ આવી. બધા વાતો કરી રહ્યા હતા માત્ર હું મૌન હતી પણ ચહેરા પર બનાવટી ખુશી લાવીને મૂકી હતી.

રાત પડી ગઈ એટલે ધીરે ધીરે બધા સૂવા લાગ્યા હતા. ઘરની અંદર બધી લાઈટો બંધ થઈ ગઈ હતી, ચાલુ હતી તો માત્ર ઘરને અને વૃક્ષોને શણગારેલી લાઈટો.

રાતના સાડા બાર વાગ્યા છે પણ મને ઊંઘ નથી આવી રહી. હું બાથરૂમમાં જઈને મહેંદી ધોઈને મારા રૂમની બહાર ગેલેરીમાં આવી બધું જોઈ રહી છું.

ઠંડો પવન વહે છે,બગીચામાંથી ફૂલોની ખુશ્બુ આવે છે. કાલ પીઠી માટે સ્પેશિયલ જુલો લાવેલો ત્યાં ફળિયામાં પડ્યો હતો તેના પર મારી નજર પડતા જ મારી આંખો ભરાઈ ગઈ.

દીવાલને ટેકે ઊભી ઊભી હું મારા હાથમાં મૂકેલી મહેંદી જોતી હતી. મને એ માણસની યાદ આવતી હતી, જેના નામની મારે મહેંદી મૂકવી હતી, તેની પ્રીતનું પાનેતર પહેરીને તેની જોડે પરણવું હતું.

પણ હંમેશા આપણે ચાહીએ એવું નથી થતું. ગમે તેટલો સાચો પ્રેમ કરી લ્યો પણ નસીબમાં જેનું નામ લખ્યું હોય તેનાથી જ કિસ્મતના કોન્ટેક્ટ થઈ જાય છે.

મારે પરણવું હતું તેની સાથે પણ પરણીશ હું કોઈક બીજાની સાથે. જેની સાથે મને પ્રેમ નથી, કોઈ લાગણી નથી કે નથી મને પરણવાની તલપ.

આવા રસ વગરના વિચારો કરતા કરતા હું ગેલેરીમાં સોફા પર જ ઊંઘી ગઈ. સવારે પાંચ વાગ્યા એટલે મારા મમા આવ્યા અને મને જગાડી.

હું ફટાફટ તૈયાર થવા પાર્લરમાં ગઈ. તૈયાર થઈને પાછી આવતી હતી ત્યારે મને રસ્તામાં તેની વાતો યાદ આવતી હતી.

તેણે મને કહેલું કે," આપણા લગ્ન વખતે હું તને ગણેશ સ્થાપના પહેલા જોવા આવીશ અને પહેલી પીઠી પણ તારા સોફ્ટ ગાલ પર હું જ લગાવીશ." અમે એક જ સિટીમાં રહીએ છીએ એટલે તેનું આ સપનું હતું પણ ન તેનું સપનું પૂરું થયું કે ન મારુ.

આ વાતને યાદ કરતાની સાથે જ મારી આંખમાં આંસુ રૂપી મોતી આવી ગયા અને બસ બહાર આવે તેટલી જ વાર હતી ત્યાં જોરદાર ગાડીની બ્રેક લાગીને હું સફળા વિચારોમાંથી જાગી ગઈ.

હું ઘરે પહોંચી. અમુક લોકો તૈયાર થતા હતા અને અમુક લોકો તૈયાર થઈને બેઠા હતા ત્યાં જઈ હું પણ બેસી ગઈ.

મુહૂર્ત નો સમય થયો એટલે ગણેશ સ્થાપના થઈ અને પછી મંડપ સ્થપાયો. બધા લોકો બહુ જ ખુશ હતા.

મામેરું આવ્યું પછી બધા ગરબા લેતા હતા પણ હું બેઠી હતી. પીઠીનો સમય થયો એટલે હું તૈયાર થવા માટે ગઈ.

પીળા ફૂલોનો શણગાર,પીળી ચોલી અને માથામાં પીળા ગુલાબના ફૂલો હેરસ્ટાઇલ માં લગાવીને હું એ લીલા પાન અને પીળા ફૂલોથી શણગારેલા જુલા પર બેસી.

મારા ગાલ, હાથ અને પગના પંજા પર વારાફરતી બધા પીઠી લગાવતા હતા અને પછી મારા પર પાણીની છાંટ પાડી ત્યારે હું અત્યંત ભાવવિભોર બની ગઈ અને બધાની વચ્ચે હસતા હસતા રડવા લાગી.

જબરું છે આ લગ્નનું અને પ્રેમનું. જેને ચાહ્યા એની ન થઈ શકી પણ હું છું તો તેની જ. પ્રેમની મંઝિલ છે લગ્ન અને મંઝિલ ન મળવા છતાં પણ જે પ્રેમ ટકી રહે છે એ પણ સાચો પ્રેમ છે.

ભલે મારા હાથમાં તેના નામની મહેંદી ન હોય પણ તેનું નામ તો મારી મહેંદીમાં અદ્રશ્ય રીતે તો છૂપાયેલું જ છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama