પરિણામ
પરિણામ


સવારથી મમ્મી રડી રહી હતી. પપ્પાની આંખો નમ હતી જાણે આસું પલકો ઉપર બેસી રહ્યા છે પણ બહાર આવવાની એમને ઇજાજત નથી. જેમ દર રવિવારે વાનગીઓ બનતી હતી તે આ રવિવારે નથી બની. હું શાંતિથી બેસીને નિહાળી રહી હતી. મારા પપ્પાના સપનાં એ કરમાઈ ગયા હતા. ખુશીના પર્વ તો જાણે હમારા ઘરનું સરનામું ભૂલી ગયા હોય. મમ્મી પપ્પાને ચા આપવા ગઈ. બંને એક બીજા ને જોઈ રહ્યા હતા અને બન્નેની આંખોમાં એક જ જેવી પીડા દેખાઈ રહી હતી. પણ આવી પરિસ્થિતિનું કારણ શું?
હું ૧૦માં ધોરણમાં હતી. એક હોશિયાર છોકરાને જોઈને મને આકર્ષણ થયો. ધીમે ધીમે અમે દોસ્ત બન્યા. સાહિલને મારી કંપની સારી લાગવા માંડી. સાથે નાસ્તો કરવો, મઝાક મસ્તી કરવી એવી હમારી ઘટ્ટ દોસ્તી થઈ. થોડા દિવસ પછી ૧૦માં ધોરણનું પરિણામ આવ્યું અને એની સાથે સાથે અમારી દોસ્તીનું પણ પરિણામ મને મળી ગયું.
સાહિલ ને ૯૨% ટકા આવ્યા ને મારે? હું થઈ ગણિતમાં નાપાસ.
હું એ દિવસે ખૂબ રડી. મેં સાહિલને ફોન પણ કર્યો એને અભિનંદન પાઠવવા. પણ એણે મારો ફોન કાપી નાખ્યો. મેં ફરી ફોન કર્યો તો એક લેડી એ ઉપાડ્યો અને ઊંચા સ્વર એ બોલી કે તું તો ફેલ થઈ છે અને મારા સાહિલની દોસ્તી પણ છોડી દે. સાહિલ ૧૦૦/૧૦૦ લાવવા વાળો છોકરો છે પણ તારી દોસ્તીની ખૂબ ખરાબ અસર થઈ રહી છે સાહિલ ઉપર. મેં ફોન કાપી નાખ્યો.
જે પણ ફોન કરતા કે પછી ઘરે આવતા તે મારું પરિણામ પૂછતા. ને મારા પપ્પા કરુણ અવાજે કહેતા કે એકમાં નાપાસ થઈ છે. કોઈ કહેતા કે બહુ છૂટ આપી છે તમે, ૧૦માં માં પણ સારા માર્ક્સ આવ્યા નથી તો આગળ શું ભણશે આ. અનેક આક્ષેપો લોકો મૂકવા લાગ્યા. હું બધું સાંભળીને મૌન બેસી રહી. પછી રાત્રે હું સુઈ ગઈ ને એવી નીંદર આવી કે હું પછી ક્યારેય નહિ ઉઠી.
આજે સવાર મમ્મી ને પપ્પા મારી જ તસવીર પર માળા લગાવતા હતા ને એક બીજાથી આસું છુપાઈ રહ્યા હતા. હું બસ નિહાળી જ રહી હતી. ઘણો અફસોસ છે મને આજે કે મેં એક સબંધમાં ફેલ થતાં, ગણિતમાં નપાસ થતાં કે લોકો શું વાતો કરશે, કારણો ને લઈને મેં મારી જિંદગી ગુમાવી. આપઘાત એ ક્યારેય વિકલ્પ ન હોવો જોઈએ !