આ તે કેવું કારણ?
આ તે કેવું કારણ?


શું કારણ રહ્યું હશે આ સગાઈ તૂટવાનું? જી હાં! આ સગાઈ તૂટી છે, વિશ્વાની જે ૨૫ વર્ષની છે અને ગ્રેજ્યુએટ પણ. જેનું સપનું છે ઓફિસર ક્લાસ ૧ બનવાનું. આ વાત છે થોડા સમય પહેલાની જ્યારે વિશ્વાને લગ્ન માટે જોવા આવ્યા હતા. છોકરો સરકારી નોકરીમા હતો, સારો દેખાવડો હતો, અને ઘર પણ વ્યવસ્થિત. બંને પરિવારે મળીને સગાઈ નક્કી કરી. સગાઈ થયાના મહિના પછી બંને પરિવાર લગ્નની તારીખ નક્કી કરવા માટે ભેગા થયા. બધા લિવિંગ રૂમમાં બેઠા હતા. જાતજાતનીની વાનગીઓ બનાવી હતી ખુશીનો પર્વ હતો. બધા વચ્ચે વિશ્વા એ એની વાત મૂકી કે મારે લગ્ન નથી કરવાં.
અચાનક જ અણસમજુ વાતાવરણ સર્જાઇ ગયું. પિતા એ કહ્યું શું થયું બેટા કેમ તારે મોન્ટુ જોડે લગ્ન નથી કરવાં? વિશ્વા એ ઊંડા શ્વાસ ભરીને કહ્યું મેં એવું નથી કીધું કે મારે મોન્ટુ જોડે લગ્ન નથી કરવાં, મેં કહ્યું કે મારે લગ્ન નથી કરવાં. બેઠેલા લોકોને કંઇક તો સમજાતું હતું પણ તે માનવા માટે તૈયાર ન હતા. થોડીવાર પછી મોંન્ટુની મમ્મી એ ધીમી અવાજે કહ્યું કઈક લફડું ચાલતું હશે! આવાજ ધીમે હતી પણ ઘા છરી કરતા વધારે ઊંડું થયું. દાદી એ કહ્યું હજુ વિશ્વા નાદાન છે. ત્યારે મોન્ટુની મમ્મી એ ફરી કહ્યું કે છોકરીમાજ કંઇક ખામી હશે. ગરમા ગરમીના માહોલમાં વાત સગાઈ તૂટવા ઉપર આવી ગઈ. પિતાએ વિશ્વાને પૂછ્યું બેટા એવું તો શું થયું કે સગાઈ તૂટે છે ને તારે લગ્ન પણ નથી કરવા?
એક તરફ વિશ્વા ને બીજી તરફ બંને પરિવાર. વિશ્વા એ કહ્યું કે દરેક ઘરની પ્રથા છે કે મમ્મી પપ્પાની ખુશી માટે લગ્ન કરો અને સાસ સસુરની ખુશી માટે સંતાન કરો અને આ તો ભગવાને નારી જાતિને શક્તિ આપી છે કે તું મનુષ્ય જાતિનું સર્જન કરી શકે છે. પણ જો કોઈને આ પ્રથા આગળ વધારવી ન હોય તો? મારા સપનાં સાદા છે. હું એની જોડે લગ્ન કરવા માંગુ છું જેને હું સમજી શકું ને એ મને. અમે બંને જવાબદારી લઈએ, પૈસા કમાઈએ, દુનિયા ફરીએ, અનાથ આશ્રમમાં જઈને બાળકો જોડે થોડો સમય વિતાવીએ, માણસાઈ ભર્યું કાર્ય કરીએ. હું લગ્ન કરવા ઈચ્છું છું પણ હું નિઃસંતાન રહેવા માંગુ છું. એટલું સાંભળતાજ મોન્ટુ ત્યાંથી ચાલ્યા ગયાં. દાદી એ કહ્યું સંતાન વગર નારી અવતાર વ્યર્થ છે. કદાચ કોઈ એની વાત સમજ્યું નહિ. વિશ્વાના પિતાએ આશ્વાસન આપતા કહ્યું હું આને સમજાવીશ. ઉતાવળમાં નિર્ણય કરવો યોગ્ય નથી.
૬ મહિના પછી
"મોન્ટુ વેડ્સ વિશ્વા" ની કંકોત્રી છપાઈ.
શું વિશ્વા માની ગઈ હતી? કદાચ ના પણ મોન્ટુ બરોબર સમજી ગયો હતો એણે કહ્યું કે સ્વામી નારાયણ રોડ ઉપર એક મોટું અનાથ આશ્રમ છે અને ફરવા માટે કયા જઈએ પેરિસ કે લંડન?
એક તરફ વિશ્વા બીજી તરફ બંને પરિવાર, એક તરફ સમાજ બીજી બાજુ વિશ્વાની સોચ હતી.
વિશ્વાની ડાયરીમાંથી: લગ્ન કરવા એ જેટલી સામાન્ય વાત છે, એટલીજ લગ્ન ન કરવા એ પણ સામાન્ય હોવી જોઈએ. અમુક દરવાજા તો ખુલ્લા જ છે પણ અમુક દરવાજા ઉપર તાળાં લગાવેલા છે. લગ્ન એ ફરજિયાત નહિ પણ એક ચોઈસ હોવી જોઈએ. એક યુગલ નિઃસંતાન છે અને બીજા યુગલને નિ:સંતાન રહેવું છે એ બંને અલગ છે. એકને આ વાતની પીડા હોઈ શકે તો બીજાનો નિર્ણય.