પ્રેરણા
પ્રેરણા
અવની જેટલી આ ઘટનામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતી હતી તેમ વધારે ને વધારે સંડોવાતી હતી. અવનીનાં જીવનમાં એક વંટોળ આવ્યું તે માત્ર ને માત્ર નિરાશા અને હતાશા જ લાવ્યું.
અવનીને હવે એકાંત પ્રિય, ન કોઈ સાથે બોલતી ન કોઈ સાથે હસતી. તે મનથી જ ભાંગી ગઈ હતી.
અવનીનાં મમ્મી હિનાબેન વારંવાર તેને સમજાવવાનો પ્રયત્ન કરતાં,
"બેટા તું ભૂલી જા એ વાતને, જે થયું તે થયું તારી ખામીને જ તું ખૂબી બનાવીને આગળ વધ તું ચોક્કસથી આગળ વધી શકીશ."
મમ્મીનાં આ શબ્દોની અસર અવની પર કંઈ જ ન થતી હતી, માત્ર ને માત્ર ચૂપચાપ બેસી રહેતી. હિનાબેનને અવનીનો આ વ્યવહાર ખૂબ જ ખૂંચતો એક મા નું હૈયું પોતાનું બાળક આ રીતે દુઃખી થાય એ કઈ રીતે જોઈ શકે. ત્યાં તો અચાનક જ ડોરબેલ વાગે છે, હિનાબેને દરવાજો ખોલ્યો દરવાજા પર અવનીનાં શિક્ષિકા આવ્યા હતાં ! ત્યાં હિનાબેન બૂમ પાડે છે,
'અવની ઓ અવની'
'જો તો તારાં શિક્ષિકા આવ્યાં છે, અહીં આવ તો'
એક પળ માટે તો હિનાબેન એ ભૂલી જ ગયાં કે, અવની હવે ચાલી ન શકતી હતી. હિનાબેનનાં ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ. એ ઉદાસીથી વાતાવરણ એકદમ ગમગીન બની ગયું. શિક્ષિકા સાંત્વના આપે છે, તમે ચિંતા ના કરો બધું જ ઠીક થઈ જશે.
હિનાબેન શિક્ષિકાને અવનીનાં રૂમમાં લઈ ગયા, અવની શિક્ષિકાને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. કંઈ જ ન બન્યું હોય એવાં વર્તન સાથે શિક્ષિકા પૂછે છે,
બેટા કેમ આટલી ઉદાસ છે ? શું થયું છે ?
અવનીની આંખમાંથી ટપોટપ આંસુ પડવા લાગ્યાં, શિક્ષિકા અવનીનાં મનનાં ભાવ પણ સમજી શકતાં હતાં અને વેદના પણ. ટીચર એક મહિના પહેલાં મારો અકસ્માત થયો હતો, તેમાં મેં મારાં પગ ગુમાવ્યાં. અમે કેટ-કેટલાં ડૉક્ટરો બદલ્યાં, દરેક હોસ્પિટલમાં ફરી વળ્યાં તો પણ મારાં પગનો ઈલાજ ન થઈ શક્યો. મારાં જીવનનું કડવું સત્ય એ જ છે કે હું ક્યારેય પણ ચાલી નહિ શકું. શિક્ષિકા સાંત્વના આપતાં કહે છે, ચાલ હું તને એક પ્રસંગ કહું તેમાં એ યુવતીની હિંમત અને તેની શક્તિને દાદ આપવી જોઈએ.
એ યુવતીનું નામ છે અરુણિમા તેમનો આત્મવિશ્વાસ અડગ હતો. અરુણિમા નામની રાષ્ટ્રકક્ષાની વૉલીબોલ ખેલાડીને લૂંટરાઓ રાત્રે ટ્રેનમાંથી ફેંકી દે છે. એ જ વખતે સામેથી આવતી ટ્રેન નીચે એમનો પગ કપાઈ જાય છે. આવી વિકટ પરિસ્થિતિમાં હિંમત હાર્યાં વગર એ પોતાનાં પગનું એનેસ્થેસિયા વગર ઑપરેશન કરાવે છે, એટલું જ નહિ એ ક્ષણે એ એવરેસ્ટ સર કરવાનું સ્વપ્ન સેવે છે. એક યુવતીના આત્મવિશ્વાસની આ ચરમસીમા છે અનેક મુશ્કેલીઓ પછી એ એવરેસ્ટ તો સર કરે જ છે પણ એ સિવાય વિશ્વનાં બીજાં શિખરો પણ સર કરે છે. આ પ્રસંગથી અવનીનાં જીવનને અનેક પ્રેરણાં મળે છે અને તેનું દિવ્યાંગ હોવું તેની ખૂબી બની ગઈ.
