પ્રેમપત્ર
પ્રેમપત્ર


પ્રિય,
મને તને આમ સંબોધવું બહુ ગમે છે, કારણ તું મન બહુ પ્રિય છે, ઈંગ્લીશમાં જેને આપણે એને ડિયર કહીએ, એટલે જ તો તને તારા નામથી ઓછું ને ડિયર કહી ને વધારે બોલાવું છું.
મારી સમજ પ્રમાણે પ્રેમની કોઈ ચોક્કસ વ્યાખ્યા ન બેસાડી શકાય, કારણ એ’તો અંતરની અનુભૂતિ છે, એક એવો અહેસાસ છે જે કદાચ વર્ણવી ન શકાય, પણ જ્યાં પ્રેમ છે ત્યાં બીજી કોઈ વસ્તુનો અવકાશ નથી. તારા મળ્યા પછી મને જે અહેસાસ થયો છે એ એવો જ છે, ત્યારે જ સમજાયું કે હું તને અનહદ પ્રેમ કરું છું, તને પ્રેમ કરું છું કોઈ કારણ વગર. હકીકતમાં ગમાડવા ને ગમી જવાનો ફરક મને તારા મળ્યા પછી જ થયો છે.
પ્રેમ કોને કહેવાય- પ્રેમમાં શબ્દોનો પણ અવકાશ નથી, આંખમાં આંખ પરોવી બસ જોતા રહેવું, તને એ સમજાઈ જાય જે મારે કહેવું હોય જો એ પ્રેમ હોય તો મને પ્રેમ છે, તારો હાથ પકડી કલાકો બેસી રહેવું ને હાથમાં થતી ઉષ્માનો અહેસાસ જો પ્રેમ છે, તો મને પ્રેમ છે. કલાકો સુધી ચૂપ રહેવું ને તે છતાં સંવાદ સધાતો હોય જો એ પ્રેમ છે, તો મને પ્રેમ છે, તું ખભા પર માથું રાખી હવાની લહેરખી ખાતી હોય ને મને જરાય હલવું ન ગમે જો એમ પ્રેમ છે, તો મને પ્રેમ છે. જો તારા દૂર જવાથી ખાલીપો સર્જાય, મન બેચેન થાય જો એ પ્રેમ છે, તો મને પ્રેમ છે. તારા આલિંગનમાંથી છૂટવાનું મન ન થાય, તને ફરી પાછી જકડી લેવાનું મન થાય, જો એમ પ્રેમ છે તો મને પ્રેમ છ
ે. તારા એક ચુંબનથી જો આખા શરીરમાં કંપન થઇ જાય જો એમ પ્રેમ છે, તો મને પ્રેમ છે. ક્યારેક થતી દલીલોના અંતે જયારે કૉપ્રોમોઈઝ કરી, ફરી સોરી કહેવાનું મન થાય જો એ પ્રેમ છે, તો મને પ્રેમ છે. તારી એક ખુશી માટે કઈ પણ કરી છૂટવાનું મન થાય જો એમ પ્રેમ છે, તો મને પ્રેમ છે. તારા વાળના સ્પર્શથી થતી મીઠી ખંજવાળ ગમતી હોય જો એમ પ્રેમ છે, તો મને પ્રેમ છે. જો એક બીજાનો સાથ હર-હંમેશ ઘમતો રહે, જો એમ પ્રેમ નથી તો બીજું શું છે. ડિયર, ઘણી એવી વાતો હશે જે મને ગમે છે, અને ઘણી એવી વાતો પણ હશે જે મને નહીં પણ ગમતી હોય, પણ તે છતાંયે તું મને જેવી છો એવી ગમે છે, મારી દ્રષ્ટિએ આજ પ્રેમ છે.
જેને તમે ચાહતા હો એ તમારી સાથે હોય એવું એવું સદ્ભાગ્ય બહુ ઓછાને પ્રાપ્ત થાય છે, અને હું પોતાને બહુ નસીબદાર સમજુ છું, કે મેં જેને ચાહી એ મારી સાથે છે. મારી દ્રષ્ટિએ પ્રેમ એ રોજ ઉજવવાનો તહેવાર છે, ફરક બસ આપણા દ્રષ્ટિકોણનો છે. તારી સાથે વિતાવેલી હરેક ક્ષણ વેલેન્ટાઇન્સ ડે થી ઓછા નથી. એક મીઠી વાત,એવી મધુરી યાદનો અહેસાસ બહુ લાંબો રહે છે, ઘણી વખત’તો દિવસો, અઠવાડિયા સુધી.
તો ચાલ આપણે પણ પ્રેમ-દિવસ ઉજવીયે, ફરી એક વાર હાથ પકડીએ, નદીની રેતમાં ચાલતા ચાલતા થાકી જઈએ, તું થાકી ને મારા ખભા પર માથું રાખે ને મને બસ જરાય હલવાનું મન ન થાય, ફરી એક વાર એકબીજા ને આલિંગનમાં લઈએ ને એકબીજામાં સંપૂર્ણ સમાઈ જઈએ.