'Sagar' Ramolia

Inspirational

4.9  

'Sagar' Ramolia

Inspirational

પ્રેમને સૌ વશ

પ્રેમને સૌ વશ

2 mins
385


ભારતની આઝાદી પછીનો તરતનો પ્રશ્ન વિકટ હતો. ત્યારના આપણા ગૃહમંત્રી તો કડક સ્વભાવથી જાણીતા હતા. એટલે સૌને એમ હતું કે દેશી રાજા-મહારાજાઓને ધાકધમકી આપીને તેમનું રાજ્ય ભારતસંઘ સાથે જોડયું હશે. બાકી સહેલાઈથી પ૬ર દેશી રજવાડાં ભારતસંઘ સાથે સરળતાથી કઈ રીતે જોડાય જાય ? કયા રાજાને પોતાનું રાજ આપવું ગમે ? પણ આવું નહોતું. આ કાર્યમાં તેઓએ નમ્રતા, ધૈર્ય, ઔદાર્ય, સમજ, મક્કમતા વગેરે દરેક બાબતને સાથે રાખેલ.

માઉન્ટ આબુ ઉપર ઘણા રાજકુટુંબોએ હવાફેર માટે પોતપોતાના મહેલો બનાવેલ. ૧૯પ૪ની સાલ હતી. આપણા આઝાદી વખતના ગૃહમંત્રી કે જેઓ ત્યારે સ્વર્ગસ્થ થઈ ગયા હતા, તેમના વિશ્વાસુ સાથીદાર રાવજીભાઈ મણિભાઈ પટેલ પણ હવાફેર માટે આબુ ગયેલ. આ સમયે અલવર નરેશ પણ પોતાના મહેલમાં આબુ ઉપર જ હતા. રાવજીભાઈએ તેમને મળવાનું નક્કી કર્યું અને એક દિવસ તેમને મળવા ગયા પણ ખરા.

રાવજીભાઈ ખંડમાં બેઠા હતા ત્યાં પાંત્રીસ-છત્રીસ વર્ષની ઉંમરના અલવર નરેશ આવે છે. તેઓ બેઠા એટલે રાવજીભાઈએ તરત જ પૂછયું, 'તમારું રાજ્ય ભારતસંઘ સાથે જોડાવી દેનાર વિશે તમારો શો અનુભવ છે?'

ત્યારે અલવર નરેશ તરત જ બોલી ઊઠયા, 'એ તો અમારા વડીલ. અમારાં માબાપ હોય એવા પ્રેમથી અમારી સાથે વર્ત્યા. અમને પ્રેમ અને વાત્સલ્ય ભાવથી જીતી લીધા. અમારા હૃદયમાં અમારા હિતની વાત ઉતારી.'

રાવજીભાઈએ ફરી પૂછયું, 'પણ તમારા રાજ્યને આપી દેવાની વાત તમે કઈ રીતે સ્વીકારી શકયા ? સત્તાનું કોઈ ગેરવાજબી દબાણ થયું હશે ને ?'

ત્યારે અલવર નરેશ માળા ફેરવતાં-ફેરવતાં કહે છે, 'એ તો ગયા અને માળા ફેરવતાં હું ખોટું નહિ કહું. તેઓએ અમારા ઉપર કોઈ દબાણ કર્યું નહોતું. પહેલા અમે તેમનાથી ડરતા હતા. અમને લાગતું હતું કે અમારાં દિલ દુભવી અમને હેરાન કરશે. તો અમે ડેલહાઉસીના સમયમાં ૧૮પ૭ના જેવો બળવો હિંદી સરકાર સામે કરવા પણ તૈયાર થઈ જાત. પણ તેઓએ સત્તાનો સોટો ચલાવવાના બદલે પ્રેમની ગંગા વહેવડાવી. જેમ માબાપ છોકરાંને સંતોષે એમ અમને પણ સંતોષ્યા. સાચી વાત ગળે ઉતારી. પ્રેમ અને ઉદારતાથી અમને સંતોષ થયો. ડેલહાઉસીએ રાજાઓના હક છીનવી લીધા હતા, જ્યારે અહીં અમને દેશ માટે સમર્પણ કરાવ્યું, તેવું સમર્પણ પ્રેમ, દેશદાઝ અને ઉદારતા સિવાય થાય નહિ. તેઓએ તો અમારા પ્રત્યે માયા બતાવીને અમારા હૃદયમાં દેશભક્તિ જાગ્રત કરી. તેને લીધે જ દેશ અખંડ બન્યો છે.'

રાજાઓમાં આવી દેશભક્તિ જગાડનાર સરદાર વલ્લભભાઈ પટેલને કોટિ કોટિ વંદન.

કોઈપણ કામ બળજબરી કરતા પ્રેમથી સરળતાથી થઈ જાય છે. બળજબરીથી થયેલું કામ પ્રેમથી થયેલા કામ કરતાં ઝાંખું લાગે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational