Ankita Khokhar

Drama

4  

Ankita Khokhar

Drama

પ્રેમના કિનારે

પ્રેમના કિનારે

7 mins
348


આટલા બધા વર્ષોની અતૂટ એવી લાગણીઓ, વિશ્વાસ અને સંબંધ પર પાણી ફરી વળ્યું, જે ક્યારેય નહીં પૂરો થાય એ પ્રેમ હવે બંનેને કોતરી રહ્યો હતો, મન ઉદાસ, નિ:સ્વાર્થ પ્રેમ હવે સ્વાર્થી બની ગયો, પ્રેમના બદલે નફરત જાગવા લાગી. અને આ બધું જ વિચારીને હેની ખૂબ જ રડી રહી હતી. દિલથી સંબંધ નિભાવતી હતી, પ્રેમ પર ખૂબ જ ભરોસો હતો, માટે વાંક વિના પણ રડીને તેની દુનિયા.. તેના પ્રેમ રવિને મનાવવાની કોશિશ કરી રહી હતી.

વારંવાર મેસેજ અને કોલ કરવા પર પણ રવિ તેને ઇગ્નોર જ કરતો રહ્યો, હેની માત્ર આ આટલો તેમનો જૂનો સંબંધ તોડવાનું કારણ જાણવા માંગતી હતી, પણ કદાચ ઘણી વખત અમુક કારણો જાણવાના ન હોય સમજી જવાના હોય. પણ અનહદ પ્રેમ અને ભરોસો તેને રવિ તરફ ખેંચી રહ્યો હતો. ત્યાંજ સામેથી રવિનો મેસેજ આવે છે..

હેની, મને તારો પ્રેમ નથી જોઈતો, મને મૂકી દે અને હા આજ પછી મને ક્યારેય યાદ ન કરતી, બાય. '

હવે હેની કોઈ જ કારણ જાણવા નહોતી માંગતી. તેને સારી રીતે સમજાય ગયો હતો તેનો પ્રેમ. આ બધું ભૂલવું ઘણું અઘરું છે, પણ જે થાય તે સ્વીકારવું જ પડે, કેમ કે માણસોને સમજવા બહુ અઘરા છે. આમ હેની પણ હવે તેને ખુશ જોઈને તેનાથી દૂર રહેવાનું જ નક્કી કરી લે છે. પણ આ નક્કી કરેલું સિદ્ધ થતું નથી. હેનીને રવિ વિના રહેવું શક્ય જ નહોતું. રવિ સાથેની બધી જ વાતો, એ મીઠી મુલાકાત, મન હરી લે તેવું રવિનું હાસ્ય , વ્હાલી વાતો આ બધું જ જાણે હેનીને કોતરી રહ્યું હતું. આંસુ રોકાવાનું નામ જ નહોતા લેતા. મનમાં માત્ર રવિ જ હતો. ઘરે પણ તે ચૂપચાપ રહેવા લાગી. સરખું જમવાનું પણ નહિ અને આખો દિવસ તેના પ્રેમને જ યાદ કર્યા કરતી. તેની મિત્ર તો હતી તેની સાથે પણ હેનીને સમજવી બહુ અઘરી હતી. આખરે એક દિવસ હેની આ બધાથી કંટાળીને દૂર જવાનો નિર્ણય લઈ લે છે. તે એવી જગ્યા પર જવા માંગતી હતી જ્યાં તેનું કોઈ સગું ન હોઈ, કે કોઈ તેને ન ઓળખતું હોય. બીજા દિવસે વહેલી સવારે કાગળમાં પરિવારની માફી માંગતા શબ્દો લખ્યા અને થોડા રૂપિયા લઈને સ્ટેશને પહોંચી. ન હતો રસ્તો કે મંઝિલ નહોતી છતાં તે મુંબઇ જવાની ટ્રેનમાં બેસી ગઈ. રવિની યાદોથી દૂર થવા માંગતી હતી માટે જ પરિવારને મૂકીને મુંબઇ પહોંચી ગઈ.

જિંદગીને ન તો સમજતી હતી કે ન જીવતી હતી. મુંબઇ પહોંચી. ક્યાં જવાનું છે.. શું કરશે હવે.. કોને બોલાવશે કઈ જ નક્કી નહોતું. થોડો નાસ્તો કર્યો ને ફરી ચાલતી ચાલતી નવા નવા લોકોને, નવા રસ્તાઓને જોતી નીકળી પડી. ત્યાં જ રસ્તામાં એક બોર્ડ જોયું, તેમાં લખ્યું હતું, "ઇફ યુ વોન્ટ એ જોબ કોન્ટેક્ટ અસ ઈમીજીએટલી." નોકરી કઈ હતી એ જાણ્યા વિના જ હેની ત્યાં પહોંચી ગઈ. ત્યાંના મેનેજરને મળી અને નોકરી જોઈન કરી.

એકાંત ઇચ્છતી હેની ફરી લોકોની વચ્ચે આવી. નોકરી કરતા લોકો સાથે તેને ખૂબ ભળતું. પાસે જ નાની એક રૂમ રાખી અને ત્યાં જ જાતે જમવાનું બનાવીને રહેતી. સવાર પડે ને ચાનો કપ , સાથે એક પુસ્તક લઈને નાહ્યા વિના જ બેસી જતી. ઘણી વખત રવિ યાદ આવતી છતાં કઈ પણ કરીને, મનને મનાવીને તેને ભૂલી જતી. દિવસો આમ જ પસાર થવા લાગ્યા અને તેને ફરવાનો ઘણો શોખ તેથી અવાર નવાર ત્યાંના નજીકના સ્થળોએ પહોંચી જતી. નોકરીથી આવીને ફરી એકલી જમવાનું બનાવીને જમી પુસ્તક લઈ થોડું વાંચીને સૂઈ જતી. દિવસો આમને આમ જ પસાર થવા લાગ્યા હતા. બીજી તરફ રવિ ખૂબ ભણીને આગળ નીકળી ગયો હતો. તેની જિંદગી જ બદલાઈ ગઈ હતી.

રવિ સારી અને મોટી કંપનીમાં કામ કરતો હતો અને પગારધોરણ પણ ખૂબ જ સારું હતું. ઘરમાં કોઈ તેના લગ્નની વાત કરે તો તરત જ તે આ વાતને ટાળી દેતો. હેનીને આજ સુધી નહોતો ભૂલ્યો, અને આજસુધી હેનીને મૂક્યા પછી પરિવાર સિવાય કોઈ જ સાથે સંબંધ નહોતો રાખ્યો. હેનીને પ્રેમને માત્ર એક કારણ માટે જતો કરી દીધો.

એ કારણ હતું " ગેરસમજણ". કોઈ બીજાની વાતોમાં આવીને તેણે હેનીને તેનાથી દૂર કરી દીધી હતી. પસ્તાવો ઘણો હતો, પણ એ સમય નહોતો. હેની દૂર હતી. ન કોઈ દિવસ ફોનમાં વાત થઈ કે ન કદી રૂબરૂ મળ્યા. બંનેના દિવસો આમ જ પસાર થવા લાગ્યા. હેની અહીં જીવી રહી હતી. ક્યારેક બહાર જતી તો ક્યારેક નાના બાળકોને મળતી, ક્યારેક વૃદ્ધ પાસેથી અનુભવની વાતો લેતી તો ક્યારેક અમુક સારી બાબતો જોઈને જ જીવનમાં ઉતારી દેતી. ઘણી વખત તેની જિંદગી... રવિની યાદોનો ખજાનો ફરી ખોલતી ને થોડું હસતી ને થોડું રડતી. સમય વીતતો જતો હતો. બંને અલગ અલગ શહેરમાં હતા. રવિને જાણ હતી કે હેની ઘર છોડીને જતી રહી છે, પણ ક્યાં ગઈ છે એ કોઈને જ નહોતી ખબર.

દિવાળીના દિવસો ચાલી રહ્યા હતા, હેનીને નોકરી પર રજા હતી, અને થોડા જ દિવસોમાં ઓફિસના સ્ટાફ સાથે એક રિસોર્ટ પર જવાનો પ્લાન બની ચૂક્યો હતો. હેનીને લોકોથી જાણે વેર હોઈ તેમ ફરવા જવાની વાત આવતા જ એ ના કહેતી, પણ સ્ટાફના મિત્રોના વારંવાર કહેવાથી પહેલી વખત હેની તૈયાર થઈ હતી. આખરે એ દિવસ નજીક આવ્યો. બધા ફરવા જવા તૈયાર થયા અને હેની પણ થોડો ઘણો તેનો સામાન અને એક વસ્તુ આજસુધી સાચવીને રાખી હતી તે લઈને તૈયાર થઈ. સૌ નીકળી પડ્યા એક દિવસની આ સુંદર સફરમાં. થોડા કલાકો બાદ રિસોર્ટ પહોંચ્યા. હેની બધાને મૂકીને તરત જ ત્યાં નદીના કાંઠે પહોંચી ગઈ, પણ અચાનક જ તેનો જીવ જેમાં વસતો એ વસ્તુ યાદ આવતા ફરી બસ સુધી પહોંચી ગઈ.

એ વસ્તુ નહોતી કોઈ વીંટી કે નહોતું કોઈ નેકલેસ, નહોતું કોઈ ટેડી કે નહોતું કોઈ ગુલાબ, નહોતું કોઈ કાંડુ કે નહોતો પત્ર. એ એક રૂમાલ હતો. રવિનોએ રૂમાલ જેને આજ સુધી તેના જીવની જેમ જ સાચવ્યો હતો. પહેલા જ્યારે રવિને મળતી ત્યારે એકદિવસ કંઈક ઘરને લગતો પ્રશ્ન હોવાથી એ રડતી હતી અને ત્યારે રવિએ તેનો આ રૂમાલ હેનીને આપ્યો હતો, હેનીના કાજલના દાગ છપાઈ ગયા હતા. તે દિવસથી રૂમાલને સ્વચ્છ કરીને હેનીએ સાચવી રાખ્યો છે. કિંમત જો સમજો તો એક રૂમાલ પણ હજારો લાગણીઓ કહી જાય છે.

રવિથી દૂર જવાના હજારો પ્રયત્નો કરવા છતાં તેની એક યાદ હેનીને હેરાન કરી મૂકતી હતી. સૌએ આખો દિવસ ખૂબ મસ્તી કરી અને હેની આખો દિવસ શાંત ક્યારેક નદી તો ક્યારેક વૃક્ષો ને જોતી બેસી રહી. બધા જ ખૂબ થાક્યા હતા, જમીને બધા જ ફરી ઘર પરત ફરવા નીકળ્યા. રાત થઈ ગઈ હતી.

નાની હોટેલ આવતા ફ્રેશ થવા થોડી વાર માટે બસ ઊભી રખાઈ, હેનીને બસમાં જાણે ખૂબ જ ગભરામણ થતી હોય તેમ બસ ઊભી રહેતા તરત જ તે નીચે આવતી રહી. થોડીવાર ત્યાં બસની નજીક જ ઊભી રહી પણ નજીક જ કોઈક સ્મોકિંગ કરતું હતું જે હેનીને જરાક પણ પસંદ નહોતું. માટે તે ત્યાંથી થોડે દૂર જતી રહી. રાત ઘણી હતી, હેની જ્યાં ઊભી હતી ત્યાં ખૂબ જ અંધારું હતું. અંધારામાં જ તેને કંઈક જોવા મળ્યું.

કોઈ છોકરો કૂતરાઓને બિસ્કિટ આપી રહ્યો હતો અને એક ખાલી કપમાં દૂધની બોટલમાંથી દૂધ રેડીને કૂતરાઓના પેટ ભરી રહ્યો હતો. હેની ત્યાં નજીક જ હતી, અચાનક જ એ છોકરાની નજર અંધારામાં ઉભેલી હેની પર પડી અને તેની નજીક આવીને હેનીને જોવા લાગ્યો. હેની પણ એ છોકરાને જોઈને રડવા જ લાગી. આખરે ઘણા દિવસો બાદ હેનીને તેની જિંદગી... રવિ જોવા મળ્યો હતો. કંઈક કામ માટે રવિ આ બાજુ આવ્યો હતો અને ફરી તે તેના શહેર જ નીકળી રહ્યો હતો ત્યાં જ ફરી એ જ લાગણી, ફરી એ જ સ્વભાવ ફરી એ જ મુરજાઈ ગયેલો પ્રેમ આજે ફરી જીવતો થયો. થોડી વાર બંને કંઈ જ બોલતા નથી અને એમ જ આછા દેખાતા એકબીજાના ચહેરાઓને બંને જોઈ રહ્યા. હેનીને પ્રેમ હતો છતાં તે દૂર રહેવા માંગતી હતી. ત્યાં જ રવિ તેની નજીક આવીને બોલી ઉઠ્યો,

" હેની, તું આજે પણ આટલા વર્ષો પછી પણ મને પૂરેપૂરી યાદ છે, મેં મારી જિંદગીની મોટી ભૂલ કરી હતી તારાથી દૂર થઈને, પ્લીઝ બની શકે તો મને માફ કરી દેજે."

" તું સમજે છે શું તારા મનમાં, રમકડું હતી હું.. દૂર જ રહેવું હતું તો આટલી બધી રમત જ શું કામ કરી... આદત શું કામ પાડી.. પ્રેમ જ શું કામ કર્યો." હેની રડતા રડતા બોલવા લાગી.

" મારી જ ગેરસમજણે મારી દુનિયા છીનવી લીધી.. બહુ દુઃખ થયું મને, મેં સાચા પ્રેમની કદર ન કરી અને તને ખૂબ દુઃખી કરી.. ઘણું કહેવું હતું તને.. દુનિયા મને નથી સમજતી, મને માત્ર તું જ સમજતી અને તું જ સમજી શકે છે. બહાર તો હું નોર્મલ રહી લેતો, સારી પોસ્ટ પણ મળી ગઈ, પણ મારી હેનીના પ્રેમ વિના અધુરો હતો હું.. હું તારા લાયક નથી મને ખબર છે પણ મારા ધબકારાને ધબકતા રહેવા સાચે તારી ખૂબ જ જરૂર છે." રવિ લાચાર બનીને હેનીને જોઈને કહેવા લાગ્યો.

" હું જાણું છું મારા રવિને, તારી યાદોથી દૂર જવા હું અહી આવી હતી પણ મને તું ક્ષણે ક્ષણે યાદ આવતો. તને જોવા તરસતી હતી. પરિવાર સમજતો નહોતો ને હું પણ કોઈને સમજાવવા નહોતી માંગતી, માટે અહીં જ રહેવા આવી ગઈ. ચાલતી હતી જિંદગી.. જીવતી નહોતી હું.." હેની ઝાંખા અવાજે બોલી.

રવિ થોડી વાર માટે કઈ જ બોલતો નથી અને થોડી વાર બાદ હેનીને ભેટી પડે છે. આખરે બંનેને તેની જિંદગી મળી ગઈ હતી... પ્રેમ મળી ગયો હતો... દુનિયા મળી ગઈ હતી. આટલા વર્ષો પહેલાનો પ્રેમ આજે ફરી જીવિત થયો અને ફરી એ જ લાગણી, વ્હાલ,પ્રેમ અને વિશ્વાસના સંબંધો જોડાયા. બંને એ ઘણી બધી વાતો કરી. હેનીએ મિત્રોને બસને જવા પણ કહી દીધું હતું કેમ કે હેની રવિ સાથે રહેવા માંગતી હતી. રવિ પણ બધું જ કામ મૂકીને હેની સાથે જ વાત કરવા માંગતો હતો. આખી રાત પ્રેમભરી વાતોમાં જ વીતી ગઈ. સવાર થતા જ ફ્રેશ થઈ બંને ચા પીવા પહોંચ્યા. બંનેએ સાથે રહેવાનો જ નિર્ણય કરી લીધો હતો. આમ બંનેની જિંદગી હવે ફરી બદલાઈ ગઈ. બંને ખૂબ જ ખુશ થતા થતા એકબીજાને નિહાળતા રહ્યા.

સમાપ્ત


Rate this content
Log in

Similar gujarati story from Drama