Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Ankita Khokhar

Inspirational


4  

Ankita Khokhar

Inspirational


ધરતીનો ધબકાર

ધરતીનો ધબકાર

11 mins 22.9K 11 mins 22.9K

એક ખૂબ જ સુંદર ગામ. ઢળતો સુરજ અને માટીની મીઠી મીઠી સુગંધ પ્રસરી રહી હતી. ખેતરોમાં લહેરાતો પાક સૌના દિલને જીતી લે તેવી રીતે લહેરાતો હતો. ગામ નાનું પણ સૌના દિલ ને મન બહુ મોટા હતા. ગામના પાદરમાં એક મહાદેવનું સુંદર નાનું એવું મંદિર હતું. હરિયાળું લાગતું આ ગામ જાણે એક સ્વર્ગ જ હતું.

ઢળતા સૂરજના એ રંગો ગામમાં ફેલાઈ રહ્યા હતા. ગામથી થોડા જ અંતરે એક નાનું એવું રહેવાનું ઘર. ઘર શબ્દ સાંભળતા જ લાગે કે, પરિવારના સભ્યો હોઈ, સાથે જમવાનું હોઈ, હસવાનું, રડવાનું અને લાગણીઓનો દરિયો હોઈ.

પણ આ એક એવું નાનું ઘર હતું કે જ્યાં કોઈ પરિવાર નહીં માત્ર એક જ વ્યક્તિ અહીં રહેતા હતા. અને તે હતા દેવરાજદાદા. મોં પર થોડી કરચલીઓ અને ખૂબ જ ચમકતી આંખો. ગામમાં ઘણા લોકો તેમને જાણતા અને તેઓ કોઈના ટેકે ન રહેતા. ગામમાં તેમને સૌ દેવરાજભા કહીને જ ઓળખતા. નાના એવા ઘરમાં રહેતા, જાતે જ જમવાનું બનાવતા અને થોડી જમીન હતી તેમાં મહેનતથી કામ કરીને ગુજરાન ચલાવતા. જ્યાં રહેતા ત્યાં જ ખેતર હતું, કુવામાંથી પાણી ભરી લેતા અને સાંજ થતાં જ મહાદેવના મંદિર જતા પછી વાળું કરીને તેમના ફળિયામાં સુઈ જતા. આજ તેમનું જીવન હતું. ઉંમર ઘણી બધી હોવા છતાં તેઓ ખૂબ જ મહેનત કરતા. ગામ શહેરથી ખૂબ જ દૂર હતું, માટે કઈ પણ ખેતીને લગતું કામ હોઈ તો શહેર જવું પડતું. દેવરાજભા ખેતી કરતા અને તેના બિયારણ ઘણી વખત જરૂર પડે તો શહેર લેવા જતા.

ઘણા દિવસથી ખેતરમાં બિયારણની જરૂર હતી માટે એક દિવસ તેઓને શહેર જવાનું થયું. ખાનગી વાહનો તો પહેલાના સમયમાં નહોતા, સરકારી બસોમાંજ મુસાફરી કરવી પડતી. માટે દેવરાજભા પણ શહેર જવા નીકળી પડ્યા.  સવાર થતા શહેર પહોંચ્યા. શહેરની ભાગદોડ જોવા મળી તો ક્યાંક શાળા કે કોલેજ જતા બાળકો જોવા મળ્યા. ચાની લારી પર ચા પીધી અને શહેરની પ્રખ્યાત બિયારણની દુકાને પહોંચી ગયા. બિયારણ પસંદ કર્યું પણ તેની ખરીદી ન થઈ શકી. કેમ કે મોંઘવારી આસમાને પહોંચી છે માટે બિયારણ માટે પૂરતા પૈસા તેમની પાસે નહોતા.

ફરી ગામડે જઈને ફરી આવવું તેના કરતા અહીં જ કંઈક કામ કરી લેવાનું વિચારી લીધું. નાની હોટલમાં બપોરનું જમ્યા અને તરત જ કોઈ કામની શોધમાં નીકળી પડ્યા. ત્યાં રસ્તામાં અચાનકજ એક કરિયાણાની દુકાન નજરે ચડતા ત્યાં જાય છે, ત્યાં ઘણા મજૂરો કામ કરતા હતા, અને પાસે જ માલિકને જુએ છે. દેવરાજભા માલિક પાસે જઈને થોડા દિવસ કામ પર રહેવાની વાત કરે છે, માલિકને પણ માણસની જરૂર હતી અને દેવરાજભાની ઉંમર જોઈને તેઓને કામ પર રાખી લે છે. એક અઠવાડિયું થયું, ખૂબ જ કામ કર્યું અને થોડા પૈસા મળ્યા બાદ બિયારણની ખરીદી કરી. ગામમાં ખેતર એમ જ પડ્યું હતું માટે દેવરાજભાને ગામ જવાની પણ ખૂબ જ ઉતાવળ હતી. તે દિવસે જ સાંજ થઈ હોવા છતાં તેઓ ગામ જવાની બસમાં બધોજ સામાન લઈને બેસી ગયા.   

રાત થઈ હતી, બસ થોડી વાર ત્યાં ચાની દુકાન પાસે ઉભી રહે છે, દેવરાજભા ને કઈ ન મળે તો ચાલે પણ ચા વિના બિલકુલ ન ફાવે. તેઓ અને બીજા ચાર પાંચ લોકો બસની નીચે ઉતરે છે, ચા પીવે છે. દેવરાજભાની ચા પુરી થતા જ તેમને ત્યાં બસની પાછળની બાજુ કંઈ અલગજ અવાજ સંભળાય છે, અવાજ વિશે ત્યાં ઉભેલા લોકોને વાત પણ કરે છે પરંતુ તેઓને કંઈ જ નહોતું સંભળાતું. દેવરાજભાના કાને વારંવાર કંઈક અવાજ આવી રહ્યો હતો, તપાસ કરવા જવાનું નક્કી કરે છે ત્યાં જ બસને ઉપડવાનો સમય થઈ ગયો હોવાથી બસ શરૂ થાય છે અને દેવરાજભા બસમાંજ બેસી જાય છે. તેઓના મનમાં માત્ર એ અવાજ જ ગુંજી રહ્યો હતો અને માત્ર એ જ વિચારતા હતા કે " આટલો ઝીણો અને દુઃખભર્યો અવાજ કોનો હશે ?"

આખરે તેમને ગામ જવાનો રસ્તો આવ્યો અને તેઓ સામાન લઈને નીચે ઉતર્યા કારણ કે, બસ ગામમાં અંદર સુધી ન આવતી. તેઓને ઘર સુધી ચાલીને જ જવું પડતું. નીચે ઉતરીને તેઓ ચાલવા લાગ્યા અને રસ્તામાં ગામના પાદરનું મહાદેવજીનું મંદિર આવતા થોડી વાર ત્યાં દર્શન કરીને ઓટલે બેસે છે. સવારના લગભગ ચારેક વાગ્યા હશે ગામમાં શાંતિ છવાયેલી હતી. દેવરાજભા ઓટલે બેઠા હતા. ત્યાં જ ફરી એ જ અવાજ તેમને કાને પહોંચ્યો. ફરી બેઠા થઈને આમતેમ ગોતવા લાગ્યા. મંદિરની બધીજ બાજુ ફરી વળ્યાં પણ કાઈ જ દેખાયું નહિ. ઘર હજુ દૂર હતું માટે ફરી ઘર જવા નીકળી પડ્યા. હજુ પણ મનમાં માત્ર એક જ સવાલ સતાવતો હતો , "આટલો ઝીણો અને દુઃખભર્યો અવાજ કોનો હશે ?"

અંતે ઘર આવ્યું, શાંતિ ભર્યો ઊંડો શ્વાસ લઈને થોડી વાર આરામ કર્યો અને પછી તરતજ કામે લાગી ગયા. ખેતરમાંજ તેમનું આ નાનું અમથું ઘર હતું. લોકોથી ડર હતો કે નફરત એ ખબર નહિ, પણ તેમને એકલા જ રહેવું પસંદ હતું. એકલા જ ખેતીકામ કરતા અને ગુજરાન ચલાવતા. તે દિવસે ખૂબ જ કામ કર્યું અને સાંજે દિવસ આથમતા મંદિર પહોંચી ગયા. મંદિરથી આવીને જાતે જ ખાવાનું બનાવતા એ બનાવીને વાળું કરીને તેઓ થોડી વાર ત્યાં નાની એવી ખેતરના કુવાથી થોડે દૂર એક ટેકરી હતી, ત્યાં બેસવા ગયા. ખૂબ જ શાંતિભર્યા વાતાવરણમાં ટેકરી પર બેસીને ઘણું બધું અવનવું વિચાર્યા કરતા હતા, ત્યાં અચાનક જ ફરી એ જ બસમાં સંભળાયેલો, મંદિર પાસે સંભળાયેલો એ જ અવાજ કાન સુધી પહોંચ્યો. બેઠા થઈને તરત જ ઘર , કૂવો અને બધી જ જગ્યા એ કંઈક છે કે નહીં એ વિચારતા વિચારતા આમતેમ દોડવા લાગ્યા. ખેતરમાં એકલા જ જીવન ગુજારતા, કોઈનાથી પણ ન ડરતા એવા દેવરાજભાને આ અવાજે બેચેન કરી મુક્યા હતા. હજુ પણ મનમાં એક જ સવાલ હતો, " આટલો ઝીણો અને દુઃખભર્યો અવાજ કોનો હશે ?"

***

કોણ હશે એ જાણવા તેઓ આમતેમ ગોતવા લાગ્યા, તેમને આ અવાજ ખૂબ જ દુઃખી કરી રહ્યો હતો. ફરી તપાસ માટે ટેકરીએ પહોંચ્યા અને ત્યાં આજુબાજુ જોવા લાગ્યા. ત્યાં અચાનક જ તેમની નજર ટેકરીથી નીચે પડેલા એક પથ્થર પાસે પહોંચી. તરત જ ત્યાં પહોંચ્યા અને પથ્થર દૂર કર્યો તો એક નાની એવી માસૂમ બાળક ખૂબ જ રડતી દેખાણી. તરત જ દેવરાજભાએ એ બાળકીને પોતાના હાથમાં લઈ લીધી અને કોણ છે, કોણ લાવ્યું હશે તેને અહીં સુધી.. આ બધું જ વિચારવાને બદલે માત્ર તેને રડતી બંધ કેમ કરાવવી તેના વિશે જ વિચારવા લાગ્યા. ઘરમાં ગયા અને દૂધ પડ્યું હતું એ પીવડાવ્યુ. થોડી વાર થઈ અને બાળકી શાંત પડી. તે દિવસની આખી રાત દેવરાજભાએ આ બાળકીની સેવામાંજ વિતાવી દીધી. સવાર પડતા ગામમાં કોઈની દીકરી હશે કે નહીં એ જાણવા ગામ સુધી પહોંચ્યા, ગામ નાનું હતું માટે ત્યાં થોડા લોકોને આ વાત કરી અને દરેક લોકો સુધી ધીમે ધીમે બાળકીના સમાચાર પહોંચી ગયા. સાંજ થઈ ત્યાં સુધી દેવરાજભા ગામના એ મંદિરમાં બાળકીને લઈને બેઠા પણ કોઈ જ આવ્યું નહીં. બીજા દિવસે ફરી ઘણા બધા ઘરે જઈને બાળકી વિશે જણાવ્યું પણ કોઈ જ આ બાળકીને જાણતું નહોતું. વિચારો ઘણા આવતા હતા, દેવરાજભા ફરી ઘર સુધી પહોંચ્યા અને તે દીકરીને મહાદેવજીના જ આશીર્વાદ માનીને દીકરીનો ઉછેર કરીને તેની સાથે જ રાખવાનો નિર્ણય કરી લીધો.

ધીમે ધીમે આ દીકરી મોટી થઈ રહી હતી, દેવરાજભા તેના ખાવાથી લઈને કપડાં અને બીજું બધું જ ધ્યાન રાખતા. અને નામ રાખ્યું, "ધરતી". તેમની જિંદગી ખૂબ જ બદલાઈ રહી હતી. એક દીકરીનો ઉછેર ખરેખર તો માજ કરી શકે પણ અહીં માથી પણ વિશેષ ઉછેર દેવરાજભા કરી રહ્યા હતા. સવારે ધરતી જાગે પછી ખેતર કામ કરવા તેને લઈને પહોંચતા. તેઓ જ્યાં કામ કરતા હોઈ ત્યાં જ એક ગોદડીમાં ધરતીને સુવડાવતા. થોડી વાર થાય ત્યાં ફરી તેની પાસે પહોંચી જતા અને પાણી કે દૂધ પીવડાવતા. ધરતી ધીમે ધીમે મોટી થઈ રહી હતી. ઘણી વખત તો દેવરાજભા પોતે નાના બાળક બનીને ધરતીને રમાડવા લાગતા. ઘણી વાર વધુ રડે તો ખૂબ દુઃખી થઈ જતા. ધરતીનું હાસ્ય જોઈને ઘણી વખત આંખોમાં પાણી આવી જતું. એક શ્રેષ્ઠ જિંદગી તેઓ ધરતીને આપવા માંગતા માટે અત્યારથી જ મોટી કરીને શહેર ભણવા જશે એ સપનાઓ જોઈ રહ્યા હતા અને પૈસા પણ બચાવવા લાગ્યા હતા. તેમનું સંપૂર્ણ જીવન હવે ધરતી જ હતી. ધરતીને મૂકીને તેઓ એક પણ કામ ન કરતા અને તેનું ખૂબ જ ધ્યાન રાખતા.

આખરે તે ચાલતા પણ શીખી ગઈ અને હવે ઘણું ખાવાનું પણ શીખી હતી. દેવરાજભા આખો દિવસ તેની સાથે વાતો કરતા અને ધરતી બોલતા શીખી નહોતી, છતાં પણ થોડો ઘણો અવાજ કરીને જવાબ આપતી હોઈ તેમ અવાજ કરતી. આમ જ દિવસો પસાર થવા લાગ્યા. દેવરાજભા અને ધરતી બંનેને એક નવી જ દુનિયા મળી હતી. રોજે તે નવું નવું જ્ઞાન ધરતીને આપતા રહેતા. અંતે ધરતી પણ હવે એ જ્ઞાનની સાથે સવાલો કરતી થઈ ગઈ હતી. માસૂમ બાળકી હવે બોલ બોલ કરતી એક છોકરી બની ગઈ હતી.

દેવરાજભા તેને ભણાવવા માંગતા હતા, ગામમાં જે શાળા હતી ત્યાં સાત ધોરણ સુધી ભણી શકાતું. ધરતીને દરરોજ દેવરાજભા ત્યાં મૂકી આવતા અને ધીમે ધીમે સાત ધોરણ સુધીનો અભ્યાસ પણ પૂર્ણ થવા આવ્યો હતો. ખૂબ જ સમજદાર ધરતી હવે દેવરાજભાનું ખૂબ જ ધ્યાન રાખતી હતી. દેવરાજભાને બાપુ કહીને જ બોલાવતી. દેવરાજભા હવે ખૂબ જ વૃદ્ધ થઈ ગયા હતા, અત્યારસુધી કામ કરીને ઘણી બચત તેમણે ધરતી માટે કરી હતી. આમ તો કોઈ જ ચિંતા નહોતી પણ હવે આ દુનિયા જલ્દી જ તેઓ છોડવાના હતા. આવા વિચારોથી ધરતીને કોણ સાચવશે એ જ ચિંતામાં રહેવા લાગ્યા હતા. ધરતી નાની હતી પણ ખૂબ જ સમજદાર. રસોઈ બનાવીને દરરોજ દેવરાજભા સાથે જમતી. અને ઘણી બધી વાતો કર્યા કરતી. ક્યારેક વાતવાતમાં તે દેવરાજભાને તેના પરિવાર વિશે પૂછતી તો ક્યારેક તેના મા કોણ છે, તેના વિશે જ પૂછતી રહેતી. દેવરાજભાને જવાબ આપવો શક્ય નહોતો માટે તેઓ આ વાતને ટાળીને ફરી બીજી કોઈ વાત લાવી દેતા. દિવસો આમ જ પસાર થવા લાગ્યા. ધરતીને સાતમું ધોરણ પૂરું થવા જ આવ્યું હતું. એકદિવસ અચાનક જ સવારના સમયે એક ગાડી દેવરાજભાના ઘરે આવીને ઉભી રહી.

***

ગાડી જોઈને તો કોઈ ખૂબ જ પૈસાદાર માણસ હોય તેવું લાગતું હતું. તેમાંથી બે માણસો નીચે ઉતર્યા અને દેવરાજભા પાસે પહોંચ્યા. દેવરાજભા તેઓને થોડી વાર જોતાં જ રહે છે અને પછી અંદર બેસાડે છે. તેમને આ બંને માણસોને ક્યાંક જોયા હોય તેવું જ લાગી રહ્યું હતું. થોડી વાર વિચાર કર્યો અને પછી યાદ આવ્યું કે આ તો એજ માલિક હતા જેને ત્યાં દેવરાજભાએ શહેરમાં થોડા દિવસ કામ કર્યું હતું. સાથે એક ખૂબ જ ગરીબ અને મજૂર જેવા જ દેખાતા એ બીજા વ્યક્તિને પણ તેમણે જોયા હતા. ઓળખતાં જ દેવરાજભા માલિકને કહેવા લાગ્યા,

"તમે અહીં સુધી... ?"

માલિક દેવરાજભા સામું જોઈને બોલવા લાગ્યા, " હા, તમે મારી કરિયાણાની દુકાનમાં કામ કર્યું ત્યાં જ એક ગરીબ અને લાચાર મજૂર પણ કામ કરતા હતા. જેમાંથી જ એકે તેની નાની એવી છોકરીને કેમ સાચવશે, મોટી કેમ કરશે, ખાવાનું નહિ મળે તો આ બધી જ બીકથી તમારી પાછળ પાછળ તમારા ઘર સુધી આવીને અહીં મૂકી ગયા હતા. આ બધું જ મને આજે જાણવા મળ્યું અને તેથી જ આજે હુ તેના પિતા સાથે અહીં પહોંચ્યો. બાજુમાં બેઠેલા ધરતીના પપ્પાએ કંઈક જ ન બોલ્યું અને નીચે મોં કરીને અંદરને અંદર તેઓ બળી રહ્યા હતા.."

આગળ કંઈક બોલે એ પહેલાં જ ધરતી અંદરથી પાણી લઈને આવી અને બધા જ તેની સામે જોવા લાગ્યા. ધરતીને આ બધું ખૂબ જ અજીબ લાગતું હતું. ત્યાં જ દેવરાજભા બોલી ઉઠ્યા, "તો તમે ધરતીને લેવા આવ્યા છો..?"

માલિકે ડરતા હોય તેવી રીતે હા કહી. ફરી દેવરાજભા કહેવા લાગ્યા, "સારું થયું તમે અહીં સુધી આવ્યા, મને ધરતીને કોણ સાચવશે એ જ ચિંતા હતી. અત્યાર સુધી મારો જીવ બનીને રહી છે ધરતી, પણ હવે મારાથી વધુ જીવાય એવું નથી લાગતું, મેં ઘણા પૈસા પણ બચાવ્યા છે, જે આજે તમને જ ધરતીના અભ્યાસ માટે આપી દેવા માંગુ છું"

"તમારો પરિવાર .." આટલું બોલી માલિક ચૂપ થઈ ગયા.

સાંભળતા જ દેવરાજભા કહેવા લાગ્યા, "હું ઘણા વર્ષોથી એકલોજ રહું છું. પરિવારમાં મારે મારી પત્ની અને મારો દીકરો હતા. દીકરાની ખરાબ લતને લીધે તે અમારાથી દૂર થઇ ગયો અને ઘણી બધી ખરાબ લતના લીધે કોઈએ મારી નાખ્યો. મારા પત્ની અને મારો આધાર કે અમારું જીવન અમારો દીકરો જ હતો. દીકરા વિના જીવવું શક્ય જ નહોતું. થોડા વર્ષો બાદ દીકરાના મોતને લઈને કાયમ દુઃખી રહેનારી મારી પત્નીનું પણ અવસાન થયું. ત્યારથી જ પહેલા જે ગામમાં રહેતા એ મૂકીને હવે આ ગામમાં અહીં ખેતરમાં ઘર બનાવી અહીં જ રહું છું. જિંદગી તો વિતતી જ હતી પણ આ દીકરીને મને જિંદગીને જીવતા શીખવી છે. "

બધા જ ચૂપ થઇ ગયા ધરતી ઉભી ઉભી આ બધું જ સાંભળતી હતી અને રડી રહી હતી. તે તરત જ દેવરાજભા પાસે ગઈ અને તેમને ભેટી પડી. દેવરાજભાને ધરતી ખૂબ જ વ્હાલી હતી હવે તેને ધરતીને તેનાથી દૂર કરવાની હતી .તેઓ ઘણા દુઃખી તો હતા જ પણ ધરતીને નવી જિંદગી આપવાની અને હવે તેનાજ માબાપ સાથે રહી શકશે તે વિચારીને બહુ દુઃખી નહોતા. આ બધું જ વિચારતા હતા ત્યાં જ માલિક બોલી ઉઠ્યા,

"અમે આ છોકરીને લઈ જઈ શકીએ છીએ..?"

"હા, તેના માબાપની સંતાન છે અને હવે આ દુનિયામાંથી જલ્દી જ વિદાય લેવાનો છું, મને તેને સાચવવાની જ ચિંતા હતી. અને આટલું બોલીને ઉભા થયા અને અંદરથી એક પૈસાની પોટલી લાવ્યા અને એ માલિકની બાજુમાં બેઠેલા મજૂરને આપીને કહેવા લાગ્યા,

"આ બચત મેં ધરતી માટે જ કરી છે, તેને ભણવાનું ખૂબ ગમે છે મારી બસ એક જ ઈચ્છા છે કે ધરતીને ખૂબ ભણાવજો."

તે કઈ જ બોલતા નથી તે છતાં દેવરાજભા પરાણે પૈસા હાથમાં આપે છે. બીજી તરફ ધરતી ખૂબ જ રડતી હતી તેને દેવરાજભા પાસે જ રહેવું હતું. તેઓ ધરતીને ખૂબ સમજાવે છે અને ધરતી પણ ઉંમર કરતા વધુ જ સમજદાર હતી માટે પછી તે તેના પપ્પાની સાથે જવામાં તૈયાર થાય છે.

બધા જ ચૂપ હતા. ધરતી થોડું રડી રહી હતી અને દેવરાજભા અંદરથી ખૂબ જ રડી રહ્યા હતા. માલિક ઉભા થયા અને દેવરાજભાને કહેવા લાગ્યા, " જો તમારી પરવાનગી હોઈ તો અમે હવે શહેર જવા નીકળીએ..?"

દેવરાજભા હૈયે પથ્થર મૂકીને રુદન કરતા હા કહે છે, ધરતી પણ ખૂબ રડી રહી હતી. સામાન લીધો અને ધરતી, તેઓની સાથે નીકળી ગઈ. દેવરાજભાને માત્ર ધરતી જ દેખાતી હતી. ધરતી પણ તેના બાપુને જ યાદ કર્યા કરતી હતી. અંતે ધરતી તેના માબાપ સાથે રહેવાની હતી. તેઓની પરિસ્થિતિ પણ હવે સારી હતી અને હવે તે ધરતીને ખૂબ જ સારી રીતે સાચવી શકશે એ વિચારીને બંને ખૂબ જ ખુશ હતા. ગરીબાઈએ અત્યાર સુધી તેની સગી દીકરીને દૂર રાખી હતી.

બીજી તરફ દેવરાજભાના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હતા, જે દિવસે ધરતી ગઈ તે દિવસે જ સાંજે દિવસ આથમતા તેઓએ માત્ર ધરતીને યાદ કરતા કરતા જ આ દુનિયા છોડી દીધી. ગામના લોકોને જાણ થતાં તેઓ દેવરાજભા પાસે આવ્યા અને તેઓની અંતિમવિધિ પણ કરી. બીજી તરફ ધરતી શહેર ફરી ભણવા લાગી હતી. ધીમે ધીમે શાળાનો અભ્યાસ પૂર્ણ કરીને ધરતી કોલેજમાં અભ્યાસ કરવાની હતી. હજુ પણ તેના જીવનમાં ખાસ પ્રેરણા એ તેના બાપુ દેવરાજભા જ હતા. તેમના મૃત્યુની જાણ ધરતીને થઈ હતી ત્યારે પણ તે ખૂબ જ ભાંગી ગઈ હતી. પણ સમજદાર થતા તે તેના બાપુનું સપનું પૂરું કરવા પણ માંગતી હતી. આમ અભ્યાસમાં પણ ખૂબ જ મહેનત કરવા લાગી હતી. અને તેનું જીવન ખૂબ જ સારી રીતે જીવવા લાગી.

સમાપ્ત.


Rate this content
Log in

More gujarati story from Ankita Khokhar

Similar gujarati story from Inspirational