પ્રેમ વિચારોનો - 3
પ્રેમ વિચારોનો - 3
ઓજસજી,
ખુબ સુંદર નામ ...
આવું જ હૃદયસ્પર્શી નામ અપેક્ષિત હતું. શબ્દનો જાદુ નથી એ તો આપણી મિત્રતા શબ્દોનું સાયુજ્ય સાધે છે. હું તમારી જેમ બહુ આપણા સંબંધોનાં રહસ્ય વિશે વિચારતો જ નથી, પણ તમારાં સાથેની મિત્રતા આનંદ આપે છે આવતીકાલે ખબર નથી, અને ગઈકાલ સુધી આપણે તો પરિચય પણ નહોતો. ઈશ્વરીય સંકેત હોઈ શકે પણ ખબર નહીં તમારી સાથેની મિત્રતા નવી ઊર્જા આપે છે અપેક્ષા રહિત ઉષ્મા શબ્દોની અને શાંતિની... સાથે રહેજો શબ્દોના સથવારે..
એ જ આસવ.....
આસવજી,
આભાર... મારાથી આ વખતે અનાયાસે નામ લખાઈ ગયું તમારી ખબર નહીં પણ મારા જીવનમાં તમે ચમત્કાર બનીને આવ્યા છો જે સાંજે તમારી પ્રિયા વિશેની પંક્તિઓ વાંચી તે દિવસે હું કંઈક નક્કી કરીને પુસ્તકાલયમાં આવી હતી. કદાચ છેલ્લી વાર પુસ્તકો જમા કરાવી હું અનંત રસ્તા પર ચાલ્યા જવાની દિશામાં હતી અને અચાનક શબ્દસેતુથી પગ થંભી ગયા.
નવી આશા જન્મી,અહેસાસ થયો કે કોઈક તો છે જે મને સમજે છે ઓળખે છે અને મારા જેવા જ છે. તમારા શબ્દોની પ્રેરણા એ મને નવો રસ્તો બતાવ્યો છે, આમંત્રણ આપ્યું છે જે ચોક્કસ મને કંઈક નવું શીખવાડશે.
એ જ ઓજસ.....(નવી મિત્ર).
ઓજસ જી,
ચમત્કાર હું નથી કરતો ઈશ્વર કરે છે.....સાચું કહું જ્યારથી ગામ છોડ્યું,અને શબ્દસેતુ પુસ્તકાલય છૂટ્યું ત્યારથી જીવનમાં ભૌતિક સુખો આવી ગયા પણ મન ના એક ખૂણામાંથી માયા છૂટી નહતી.... માયા વાંચેલા પુસ્તકોની, જૂના મિત્રોની, જાણીતી લાગણીઓની, મનગમતી વાતોની....અહી બધું જ છે...સુંદર પત્ની, બે સમજુ બાળકો નવા મિત્રો...સ્થિર જિંદગી..બધું એટલે બધું....તો કેમ મનમાં કૈક ખૂટે છે ? એક ટિશ ઊઠે છે ? કૈક બાકી રહી ગયું ?
આ જ વિચારોની શૃંખલા કદાચ તમારા સુધી ખેંચી લાવી મને....અને સાથે જોડાઈ ગયા તમારાં વિચારો...તમારા સંવેદનો.... પરસ્પરની પ્રેરણા જ કદાચ આપણને નવી ઊંચાઈએ લઈ જશે....ચાલશો ને મારી સાથે ? વિચારોના સફરમાં... કલ્પનાની કેડીએ... સ્વપ્નના આકાશ તરફ ?
આશામાં જીવતો આસવ........
(ક્રમશ:)

