પ્રાઈઝ ટેગ
પ્રાઈઝ ટેગ
"અમારે તો અમે દીકરી અને વહુનાં ફરક રાખતા જ નથી."- એવું કહેનાર નીલમબેન સાંજે શ્રાવણના સેલમાં ગયા અને બે ડ્રેસ લઈને આવ્યા, એક એમની વહુ માધવી અને બીજી એમની દીકરી પલક માટે ! બંનેને એમને હરખભેર જોડે બોલાવી અને ડ્રેસ આપવાની તૈયારી કરી, તેઓ બંને આવી ગયા ત્યારે એમણે ડ્રેસની કોથળીઓ કાઢીને ટેબલ પર મૂકી.
બંને ડ્રેસ જોવામાં સરખા જેવા લાગી રહ્યા હતા, "મને તો આ મરૂન રંગ માધવી માટે વધારે ગમે છે"- કહીને ડ્રેસ આપતાં આપતાં ત્રણસો રૂપિયાનું પ્રાઇઝટેગ તોડીને મસળી નાખ્યું.
ને પલકને આપતાં કહ્યું, "લે આ લીલો કલર તને વધારે સારો લાગશે ! બહુ રકઝક કરી દુકાનવાળા જોડે, ત્યારે જઈને પાંચસોમાં આપ્યો એક ડ્રેસ ! "
