Namrata Kansara

Inspirational Classics

4  

Namrata Kansara

Inspirational Classics

પણ તારે તો નોકરી જ કરવી છે!

પણ તારે તો નોકરી જ કરવી છે!

9 mins
14.4K


પ્રસ્તાવના : આપણા જીવનમાં કંઇ કેટલીય એવી ઘટનાઓ બને છે કે જે આપણને ક્યારેક આહત કરે છે તો ક્યારેક પ્રેરિત. પરંતુ અમુક ઘટનાઓ એવી બને છે કે જેનાથી આપણે આહત પણ નથી થતાં અને પ્રેરિત પણ નથી થતાં. બસ તે આપણને પ્રસંગ અનુરૂપ યાદ રહી જાય છે. અને આપણા માનસપટ પર સ્થિર થઇ જાય છે. જોકે તે અંગે આપણે થોડુંક ઘણું કંઇક વિચારી તો લઇએ જ છીએ. અને આપણી સ્મૃતિમાં તેની પ્રાથમિક કે ગૌણ બાબત તરીકે મૂલવણી કરીને અંકિત કરી દઇએ છીએ. તેમ અહીં, મારી સ્મૃતિમાં અંકિત થયેલ આવા જ એક પ્રસંગની આંકણી અને મારા વિચાર અનુસાર તેની મૂલવણી અને રજુઆત મારી ભાષામાં....

આ વાત છે સૂર્યપૂરની. અરે! આપણું સૂરત. “ધ સિટી ઓફ સન...!” કહેવાય તો છે ડાયમંડ સિટી (જોકે અત્યારે ટેક્ષટાઇલ માટે પણ એટલું જ જાણીતું છે.) પરંતુ અહીં કંઇ કેટલાય લોકો પોતાની આવડત લઇને આવે છે અને જેમ સૂર્યના કિરણો કશે પણ પડે અને બધું ઝળહળા કરે તેમ તેઓનું ભાગ્ય પણ અહીં ઝગારા મારતાં તેઓ પણ સુરતને શોભાવતાં એક રત્ન બનીને સ્થિર થઇ જાય છે. 

તો આ સુરત શહેરમાં જ એકાદ વર્ષ પહેલાં ગાંધી સ્મૃતિ ભવન ખાતે ‘રોજગાર મેળા’નું આયોજન થયું હતું અને કંઇ કેટલાય યુવક-યુવતીઓ પોતાના ભાગ્યને અજમાવવા અહીં આવ્યા હતાં. જયાં હું પણ મારી દી’ સાથે આ રોજગારી મેળામાં તેને સાથ આપવા માટે આવી હતી. (ઇન્ટરવ્યુ માટે નહિ.) જોકે હું અને મારી દી’ ઍમ્પલોયમેન્ટ લેટર લઇને રજિસ્ટ્રેશન કરાવીને તેના ઇન્ટરવ્યુઅર આવી ગયા હોવાથી, થોડીક વાતચીત કરીને છૂટા પડી ગયા, અને હું… આસપાસનું નિરીક્ષણ કરવામાં વ્યસ્ત થઇ ગઇ.

જ્યાં કૅન્ડિડેટ્સને જોતાં, જાણે તેઓ પોતાના આવ્યાની જાણ કરાવતાં હોય તેમ કોઇક પોતાનો ઍમ્પલોયમેન્ટ લેટર લઇને રજિસ્ટ્રેશન માટેની લાઇનમાં ઊભા હતાં, તો કોઇક પોતાની કંપનીનું કાઉન્ટર શોધતાં ફાંફા મારી રહ્યાં હતાં. જ્યાં અમુક કૅન્ડિડેટ્સ પોતાના ઇન્ટરવ્યુઅર આવી ગયા હોવાથી ઇન્ટરવ્યુ પણ આપી રહ્યાં હતાં. તો બાકીના પોતાના પરિવારના સભ્યો, પરિચિતો, મિત્રો સાથે વાત કરી રહ્યાં હતાં. અને બચેલાં પોત-પોતાના મોબાઈલમાં મેથી મારી રહ્યાં હતાં. ટૂંકમાં દરેકે-દરેક વ્યક્તિ પછી તે કૅન્ડિડેટ હોય કે તેમના ચિત્-પરિચિત, બધાં જ ઇન્ટરવ્યુઅરના આવવાની. અને જો આવી ગયા હોય, તો પોતાનો નંબર આવવાની રાહ જોતાં કોઇક ને કોઇક રીતે પોત-પોતાનો ટાઇમ પાસ કરી રહ્યાં હતાં અને કહેવાતી નર્વસનેસ (કેમકે અહીં ઇન્ટરવ્યુ માટે થોડાંક લોકોને છોડીને કોઇ જ સિરિયસ નહોતું.) દૂર કરી રહ્યાં હતાં. અને આ બધામાં હું લોકોની સિરિયસનેસ અને ચિઅરફૂલનેસને નિહાળતી પોતાની બોરિયત દૂર કરવા માટે કોઇક ને કોઇક સાથે વાત કરીને ટાઇમ પાસ કરવાનો પ્રયત્ન કરી રહી હતી. 

જ્યાં આ બધામાંથી ખાલી પડતાં.. મારી નજર, એકાએક જ ફર્સ્ટ કાઉન્ટર પાસે ઊભેલા એક પચાસેક વરસના, ગ્રે કલરના ડ્રેસમાં સજ્જ, જમણા હાથમાં બ્લૅક પર્સ પકડીને અદબ વાળીને ઊભેલા આન્ટી પર પડી. તેમના મોઢા પર નર્વસનેસ જોઈને સાફ જણાઇ આવતું હતું કે તે પોતાના દીકરા કે દીકરી સાથે જ અહીં આવ્યા હશે. અને તેમનો ઇન્ટરવ્યુ સારો જાય તેની જ વિમાષણમાં પણ પડ્યાં હશે. ત્યાં જ અચાનક, તેમનું પણ મારા તરફ ધ્યાન જતાં અમે બંનેએ એકબીજાને હળવા સ્મિતની આપ-લે કરી. 

જયાં થોડીકવાર પછી હું જ મારી બોરિયત દૂર કરવા, મારી જેમ જ બોર થતાં તે આન્ટી પાસે ગઇ અને વાતોનો દોર શરૂ કર્યો. 

‘હાય-હૅલ્લો!’ની ફૉર્મલ શરૂઆત કરીને એકબીજાના નામ જાણી લીધા. પછી તેમણે મને પૂછ્યું કે, “તું ઇન્ટરવ્યુ માટે નહિ ગઇ ?” અને મેં હસતાં જ તેમને મારા લૉ સ્ટુડન્ટ હોવા વિશે અને હાલ કૉર્ટમાં પ્રેક્ટિસ કરતી હોવાથી અને અહીં મારા કામની કોઇ વૅકેન્સી ન હોવાનું જણાવીને હાલ મારી દી’ સાથે એમ જ આવી છું તેમ જણાવું છું. 

ત્યારબાદ તેમણે મારા દી’ અને ઘરનાની ટીપિકલ આન્ટી ટાઇપ્સ જ પૂછપરછ પણ કરી. (જોકે લોકોની પર્સનલ લાઇફ વિશે જાણવામાં સ્ત્રીઓને આમ પણ વધારે જ રસ હોય છે !) 

તો... તેમના પ્રશ્નોના જવાબ આપ્યા બાદ વાતોની કમાન મારી પાસે આવી. અને મારાથી પણ તેમને પૂછી જ કાઢાયું કે, તે અહીં કોની સાથે આવ્યા છે.?! અને તેમણે પણ વાતને ગોળ-ગોળ ફેરવીને છૂપાવ્યા વગર નિખાલસતાથી જ પોતાની વાત જણાવતા કહ્યું કે, અત્યારે તે તેમના દીકરા સાથે આવ્યા છે. જે ઍન્જીનિયરીંગ ના લાસ્ટ યરમાં છે પણ તેનો કૉન્ફીડન્સ વધે તેની માટે અહીં આવવા માંડ મનાવ્યો છે. અને ત્યારબાદ ધીમે-ધીમે તે પણ પોતાના ઘરના મેમ્બર્સ વિશે જણાવે છે. કે તેમના હસબન્ડ ડૉક્ટર છે. તેમના દીકરાથી મોટી બે દીકરીઓ છે અને બંને ભણવામાં હોશિયાર હોવાથી ડૉક્ટરીનું જ ભણી પણ છે. જ્યાં મોટી દીકરી જર્મનીમાં રિસર્ચર છે અને તેનાથી નાની દીકરી ત્યાં જ આગળનું ભણે છે. પછી કહે છે કે મારા દીકરાને તેને મૅથ્સ ગમતું હતું એટલે તે લેવડાવ્યું. 

પછી તેમને તેમના દીકરાના ફ્રેન્ડ્સ મળી જતાં અમારી વાતો પર કામચલાઉ રીતે પૂર્ણવિરામ મૂકાય છે અને બીજી વાતોનો દોર શરૂ થાય છે. જોકે આ ચર્ચાઓનો અંતે તેમનો દીકરો કે મારી દી’ આવ્યા ન હોવાથી આન્ટી તેમની અધૂરી રહી ગયેલી વાત ફરી શરૂ કરે છે. 

તે આગળ જણાવે છે કે મેં ખુદે પણ બી.એસ.સી., બી.એડ. કર્યું છે અને એક્સપરિમૅન્ટલમાં ટીચર પણ રહી ચૂકી છું. જોકે એમ કહી શકું કે પહેલાં મેં તેમના મોઢે જે વાતો સાંભળી તે તદ્દન સામાન્ય રીતે કહેવાયેલી હતી. અને અત્યારે આ વાત કરતાં તેમના મોઢા પર ગર્વ અને આત્મવિશ્વાસ બંને જણાઇ રહ્યાં હતાં. 

પછી મેં તેમને પૂછ્યું કે “આન્ટી..., તમે અત્યારે પણ ત્યાં જ ભણાવો છો ?” તો એમના મોઢાના હાવભાવ અને આંશિક ચૂપકીદી જોઇને મને મારી જ પૃચ્છા પર સ્વાભાવિક જ વસવસો થયો.

પણ પછી તરત જ તેમણે પોતાની ચૂપકીદી તોડતાં હળવાશથી જ કહ્યું કે અત્યારે નહિ લગ્ન પહેલાં...!  

પછી ફિક્કું સ્મિત આપતાં જણાવ્યું કે, પછી લગ્ન થયાં, છોકરાઓ થયાં, પછી આ મારો નાનો છ-સાત વરસનો થયો. એટલે પછી મેં મારા હસબન્ડને વાત કરી કે હું નોકરી ચાલુ કરું તો ? તો તેમણે છોકરાઓ નાના છે એમ કહીને મને ના કરી દીધી. પણ પછી મેં એમને સમજાવ્યું કે મારું કામ તો સવાર-સવારમાં જ પૂરું થઇ જાય છે, પછી તો છોકરાઓ પણ સ્કૂલે જાય એટલે હું ફ્રી જ હોઉં છું.. અને આમ પણ હવે તો છોકરાઓ મોટા જ થઇ ગયા છે, હવે તો એમની એટલી ચિંતા પણ નહિ રહે.. ! તો તરત જ તેમણે મને જણાવ્યું કે તારે નોકરી કરવાની શું જરૂર છે ? તું અત્યારે છોકરાઓ પર જ ધ્યાન આપ.. આમ, પણ હું કમાઉં તો છું..! તેમછતાં પણ મેં તેમને મારી પરિસ્થિતિ સમજાવીને સ્કૂલ નહીં તો ઍટલિસ્ટ ટ્યુશન પણ કરાવવા દેવા માટે રિતસર આજીજી કરી. કેમકે મને ખબર જ હતી કે તે નહિ માને તો સાસુ-સસરા પણ નહિ જ માને. પછી એટલું બધું ઇન્સિસ્ટ કર્યા બાદ તેમણે મને ગુસ્સાથી કહ્યું કે, તારે જે કરવું હોય તે કર.. પણ જો છોકરાઓને કંઇ થયું તો બધું જ બંધ. પણ ‘હા’ તો ન જ પાડી. અને હું પણ ગુસ્સે થઇને મારા હસબન્ડ અને સાસુ-સસરાની ઉપરવટ જઇને જ બીજા દિવસે સ્કૂલમાં જઇને ઇન્ટરવ્યુ આપી આવી અને તે લોકોએ પણ મને પહેલાંનો એક્સપિરીયન્સ હોવાથી તરત જ સિલેક્ટ કરીને બીજા જ દિવસે ભણાવવા માટે આવી જવા જણાવ્યું. અને મેં પણ બીજા જ દિવસથી ઘરનું બધું કામ પતાવીને સ્કૂલે જવાનું ચાલુ કરી દીધું. જોકે ઘરે આવીને બધાંના ચઢેલાં મોઢાં જોતી અને કામ પતાવતી. અને એ લોકો પણ હું કોઇ વાંકમાં નહિ આવતી હોવાથી મને ધૂંધવાઇને જોયા કરતા. પણ મને પણ ખબર જ હતી કે અત્યારે મન-મક્કમ કરીને આ બધું એમ જ ચાલવા દઉં, પછી તે લોકો પણ આપોઆપ જ ટેવાઇ જશે. 

પછી એક દિવસ મારા માટે સ્કૂલમાં કૉલ આવ્યો કે તમારો બાબો દાદર પરથી પડી ગયો છે તો તમને ઘરે બોલાવે છે. અને હું હાંફળી-ફાંફળી, ચિંતામાં જ ઘરે ગઇ. ત્યાં જઇને જોયું તો મારો નાનકો સૂઇ રહ્યો હતો અને તેના માથા પર બૅન્ડેજ લગાવેલું હતું, મારા હસબન્ડ પણ દવાખાનેથી તરત જ આવી ગયા હતાં અને સાસુ-સસરા તો જાણે આ બધું મારા લીધે જ થયું હોય તેમ મને જોઇ રહ્યાં હતાં. અને આ બધું કેવી રીતે થયું તે પૂછયું તો માંડ જણાવ્યું કે, રમતાં-રમતાં બે દાદર કૂદી ગયો અને વાગી ગયું. એમ કહો કે બચી ગયો નહિ તો વધારે ઉપરથી પડ્યો હોત તો...?! 

અને એમની વાતો સાંભળીને મને પણ ગિલ્ટી ફીલ થઇ ગયું. અને પછી મેં નક્કી કર્યું કે સ્કૂલની નોકરી ભલે છોડી દઇશ અને છોકરાઓની સંભાળ રાખવા એવું હોય તો ઘરે જ ટ્યુશન કરાવીશ.! પણ ત્યાં જ મારા હસબન્ડે ચિડાઇને મને ટોણો માર્યો, “પણ તારે તો નોકરી જ કરવી છે!” આટલુંક જ બોલીને રવાના થઇ ગયા. પછી મેં બીજા જ દિવસે સ્કૂલની નોકરી છોડી દીધી. આમ, મેં ખાલી અઠવાડિયું જ નોકરી કરી. તેના પછી ટ્યુશનનું પણ નથી વિચાર્યું. પણ બેટા, આ જે શબ્દો છે ને એ હજી પણ નથી ભૂલાતાં. તેમનું દુઃખ તેમનો તરડાયેલો અવાજ સાંભળીને જ સમજી શકાતું હતું. પછી થોડીકવાર રહીને આંશિક ચૂપકીદીનો અંત આણતા તેમણે મને કહ્યું કે, બેટા.. ભણેલો માણસ આવી રીતે વર્તે ને તો દુઃખ થાય. અકસ્માત તો ગમ્મે ત્યારે થઇ શકે.. પણ એના પછી મેં ખાલી મારા છોકરાઓ પર જ ધ્યાન આપ્યું.. અને તેમને ભણવા દીધા.. પણ મારી બંને દીકરીઓ પણ તેના પપ્પા જેવી જ.. મારા કરેલાની તેમને કંઇ પડી જ નથી; પણ મારા નાનકા ને પોતાની માનું થોડુંક છે, એટલે એની સાથે આવી.

પછી મારી દી’ અને તેમનો દીકરો બંને આવી ગયા એટલે અમારી વાતોનો અંત આવ્યો. પણ તેમણે અમને તેમનું ઘર પાંચ જ મિનિટ દૂર હોવાનું જણાવીને અમને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. પણ અમારે થોડુંક કામ હોવાથી તેમના સૌજન્યનો અસ્વીકાર કરીને, આવજો કહીને છૂટાં પડ્યાં. 

પરંતુ તે પોતાનો વર્ષો પહેલાંનો ઉભરો ઠાલવીને હળવાશથી પોતાનું ‘પણ તારે તો નોકરી જ કરવી છે!’ વાક્ય વિચારતા કરીને જતા રહ્યાં. 

પણ આ બાબત વિશે અત્યારે હું વિચારું છું, તો કેમ સ્ત્રીઓ.. આધુનિક ભારતમાં પણ આ પ્રકારનો વસવસો લઇને જીવે છે ? ભલે, અત્યારના આપણા દેશમાં ઘણી પ્રગતિ થઇ ચૂકી છે અને સ્ત્રી-પુરુષ ની સમાનતાનો ખ્યાલ... માત્ર બંધારણમાં ન રહેતા હકીકતમાં પણ ઉતર્યો છે, અને તેની ના પણ નથી. પણ હજુ પણ સ્ત્રીઓ સાથે થતું આ પ્રકારનું વર્તન...! અને તે પણ ભણેલાં-ગણેલાં વ્યક્તિ દ્વારા...! ખરેખર વિચારતાં કરી દે તેવું છે.

આપણે જોઇશું તો મોટાભાગના પુરુષોની અને તેના પરિવારનાની લગ્ન માટે કન્યા શોધતી વખતે બસ એવી જ મૅન્ટાલિટી હોય છે કે, અમને તો ભણેલી-ગણેલી અને ઘર સંભાળી શકે એવી જ છોકરી જોઈએ. (અહીં અપવાદ પણ છે !) જોકે સ્ત્રીઓમાં એટલી ઍબિલીટી પણ હોય જ છે. અને તે પોતાની જવાબદારીઓને નિભાવી પણ જાણે જ છે. પણ શું આવી મૅન્ટાલિટી રાખવી યોગ્ય છે? જો ઘરકામ કરી શકે તેવી છોકરી જ જોઇતી હોય તો ઘરે કામ કરી શકે તેવા નોકર રાખો.. ભણેલી-ગણેલી છોકરી સાથે લગ્નની શું જરુર..? અને જો લગ્ન માટે ભણેલી-ગણેલી છોકરી જ જોઇતી હોય તો ઍટલિસ્ટ તેણે નોકરી કરવી કે ન કરવી તેવી તેની ઇચ્છા તો જાણો...! 

આપણે પહેલાંના સમયથી જ જોઇએ છીએ લગ્ન પછી સ્ત્રીઓને હોંશે-હોંશે પોતાની જવાબદારીઓ કોઇ પણ ફરિયાદ વગર નિભાવતા. જેના જીવતાં-જાગતાં ઉદાહરણ તરીકે આપણે આપણા મમ્મી, દાદી, નાની અને અન્ય ઘણી સ્ત્રીઓને જોઇએ જ છીએ. (જોકે તેમની પણ ઇચ્છાઓ તો હશે જ!) અને ઘણી કામ કરતી સ્ત્રીઓ એવી પણ હોય છે કે જે લગ્ન પછી પણ હોંશે-હોંશે પોતાની ઘરની અને બહારની બંને જવાબદારીઓ નિભાવે છે. ભલે તેના પોતાના પર જ બોજો કેમ ન વધી જતો હોય. અને સમય આવ્યે તે પોતાના પરિવારને પ્રાધાન્ય પણ આપે જ છે અને પોતાની નોકરી જવા પણ દે છે. પરંતુ સમજવા જેવી બાબત એ છે કે જો તમે કોઇ સ્ત્રીની ઇચ્છાને પ્રાધાન્ય નહિ આપો, તો ભલે…તે એ વાતને ગણકાર્યા વગર પોતાના પરિવારને માટે જાત ઘસી દેશે. પણ જ્યારે પણ આપણે તેને આપણા વર્તન અને તીર જેવા શબ્દોથી આહત કરીએ છીએ ત્યારે તેના હ્રદયના કોઇક ખૂણામાં પડેલ ઇચ્છાઓનું વમળ.. વસવસો બનીને તેની ભીતર જ ગૂંગળાયા કરે છે. અને આપણા દ્ધારા છૂટેલાં અસંયમિત શબ્દોના બાણ તેના હ્રદયના જ કોઇક ખૂણામાં વર્ષો સુધી ધરબાયેલા રહે છે. જોકે આ બધાં માટે તે બીજા સાથે નહિ પોતાની જાત સાથે જ ઝઘડે પણ છે...! 

માટે શું આપણે થોડીક સમજ પણ ન કેળવી શકીએ, તેની પોતાના અસ્તિત્વ માટેની ઇચ્છાઓને ઉજાગર કરવા માટેનો અવકાશ આપવાની...?! અને આમ પણ આપણે એ બાબત પણ ન જ ભૂલવી જોઈએ કે એક ગૃહિણી તરીકે તે આપણા પ્રત્યેની પોતાની જવાબદારીઓ પૂરી કરતી નોકરી જ તો કરે છે ! અને તે પણ પગાર કે સમયમર્યાદાના બાધ વગર ! તો આપણે તેને ન સમજી શકીએ? અને જો સમજ હોય, તો આ સમજદારી અને ઉચ્ચ વિચારોને મગજમાં જ ન રાખતાં તેનું અમલીકરણ કરવું તે પણ એટલું જ જરૂરી નથી બનતું ? કે જેથી તેમની ઇચ્છાઓ વર્ષો સુધી વસવસો ન બની રહે...!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational