પળેપળ જીવી લો -૯
પળેપળ જીવી લો -૯
એ, રેખા ! તને યાદ છે ? તું દવાખાનામાં દાખલ હતી અને હું કોઈ કામ માટે ઘરે આવ્યો હતો ? તો લે, ત્યારની એક વાત કહું !
સવારનો સમય હતો. ત્યાં જ મોબાઈલની રીંગ રણકી. નંબર જોયો. વિદેશી લાગ્યો. અત્યારના સમયમાં છેતરપીંડીવાળાના ફોન ઘણા આવતા હોય છે. એટલે રીંગ વાગવા દીધી. થોડીવારમાં એ જ નંબર ઉપરથી ફરી ફોન આવ્યો. થયું, લે ને ઉપાડી લઉં. આપણે કયાં એની ચુંગાલમાં ફસાઈએ એમ છીએ !
ફોન ઉપાડયો. સામેથી અવાજ આવ્યો, ’’આઈ એમ કોલિંગ ફ્રોમ અમેરિકા.”
મેં તેને એટલેથી જ રોકીને કહ્યું, ’’એ ભાઈ ! બકવું હોય તો ગુજરાતીમાં બક !”
હવે તે ગુજરાતીમાં બોલે છે, ’’હલ્લો રામોલિયાસર ! હું સંદીપ બોલું છું.”
હું બોલ્યો, ’’હવે આવ્યો સીધી લાઈનમાં ! પણ સંદીપ એટલે કયો સંદીપ ?”
તેણે જવાબ આપ્યો, ’’સંદીપ હિંમતલાલ શાહ.”
હા, રેખા ! મને યાદ આવી ગયું. આ સંદીપને બંને પગ અને એક હાથ નથી. જે એક હાથ છે તેનાથી તે મોટાભાગનું કાર્ય કરી લેતો. તે શાળાએ કયારેક જ આવતો. પરંતુ કુદરતી રીતે એ મારી પાસે આવવા આકર્ષાયો હતો અને કયારેક-કયારેક તેના પપ્પા સાથે આવીને મને શીખવવા માટે કહેતો. હું વળી થોડું માર્ગદર્શન આપી દેતો અને તે રાજી થઈ જતો. બાકી બધા વિષય તેને ફાવે, પણ ગણિત સાથે દુશ્મનાવટ. ગમે તેટલું સમજાવું તોયે ગણિત તેના મગજમાં ન ઊતરે. છતાં તે નિરાશ નહોતો થયો. ધીમે-ધીમે થોડું તો શીખી જ લીધું. જ્યારે પણ મારી પાસે આવે, નિરાંત તો હોય જ નહિ ! હું તેને ખુરશી ઉપર બેસવાનું કહું તો એક હાથનો ટેકો લઈને ફટ દઈને ચડી જાય. એના શરીરમાં જે અંગોની ગેરહાજરી છે એને તો એ ધ્યાનમાં જ ન લેતો. એ ગેરહાજરી પોતાની ક્રિયાઓમાં આડી આવવા જ ન દેતો. ત્યારે મારા મનમાં થયું કે આ છોકરો આટલો જ ઉત્સાહી રહેશે તો જરૂર આગળ વધશે.
ફોનમાં અમેરિકાનું નામ સાંભળીને મને થયું કે, દિવ્યાંગ સંદીપ અમેરિકા કઈ રીતે પહોંચી ગયો હશે ? મેં પૂછયું, ’’પણ તું અમેરિકામાં ?”
તે કહે, ’’હા, હું અમેરિકામાં છું.”
ફરી પૂછયું, ’’ત્યાં શું કરીશ ?”
તે બોલ્યો, ’’ઘણી પેઢીઓનું નામું લખું છું.”
તે નામું બોલ્યો ને મારાથી ઊંચા અવાજે પૂછાઈ ગયું, ’’તું, અને નામું ?”
અને પછી અમારા વચ્ચે આવો સંવાદ થયો :
’’હા, હું અહીં નામું જ લખવાનું કામ કરું છું.”
’’પણ તું તો ગણિતનો દુશ્મન હતો ને ?”
’’તમારી કૃપાથી મિત્ર બની ગયો.”
’’કઈ રીતે ?”
’’તમે જ એક વખત કહ્યું હતું કે, અઘરો વિષય કહો તો પણ ગણિત, અને સહેલો વિષય કહો તો પણ ગણિત. ગણિતમાં કંઈ ગોખવાનું હોય જ નહિ. ગણિતને તમે સમજવા લાગો, એટલે ગણિત સહેલું લાગશે. ન સમજે તેને અઘરું લાગે. ગણિતને સમજશો એટલે આપમેળે આવડવા લાગશે. જરૂર છે ગણિત પ્રત્યે દૃષ્ટિ બદલવાની.”
(ક્રમશ:)
