પળેપળ જીવી લો -૮
પળેપળ જીવી લો -૮
તેણે જવાબ આપ્યો, ’’અરે, સાહેબ ! એક દિવસ તમે તમારી શાળામાંથી બહાર નીકળતા હતા. હું બહાર ઊભો હતો. તમારી નજર મારા ઉપર પડી. તેથી મને પણ તમારી સાથે વાત કરવાનું મન થયું. મેં પૂછયું હતું કે, મારે બેય હાથ નથી, તોય હું ભણી શકું ? ત્યારે તમે મને કહેલું, સમાજમાં એવા તો ઘણા લોકો છે, કે જેને હાથ ન હોવા છતાં ભણ્યા પણ છે અને અનેક જાતની પ્રવૃત્તિઓ પણ કરે છે. તેઓ હાથના બદલે પોતાના પગથી આવું કામ કરતા હોય છે. તું પણ કરી શકીશ ! તમારી આ વાત મારા ગળે ઊતરી ગઈ. ત્યારે મને એમ થયું હતું કે મને સાચા ગુરુ મળી ગયા છે. એકલવ્યએ જેમ ગુરુ દ્રોણની મૂર્તિ સામે ધનુર્વિદ્યા શીખી લીધી હતી, તેમ હું પણ તમારી વાત યાદ રાખીને પગેથી કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરવા લાગ્યો. તેમાંથી આ ચિત્રકામમાં ફાવટ આવી ગઈ. જે આજે તમે નજરે નિહાળી રહ્યા છો.”
મેં પૂછયું, ’’કેટલું ભણ્યો ? “
તે બોલ્યો, ’’સાહેબ, ભણવા સાથે તો વેર રહ્યું. પણ તમારા પ્રોત્સાહનના શબ્દોએ મને મારી ગરીબીમાંથી બહાર નીકળવાનો રસ્તો દેખાડી દીધો. ચિત્રકામમાં ધ્યાન આપવા લાગ્યો અને તેમાં આગળ વધી ગયો. ખૂબ પ્રસિદ્ઘિ મળી. મારા હાથની ગેરહાજરી મને કદી’ નડી નથી. મારાં મોટાભાગનાં કામ હું જાતે જ કરું છું. ચિત્રકામની ફાવટ તો એવી આવી ગઈ છે કે પગમાં પીંછી પકડીને અદ્ભુત દૃશ્યોને કાગળ ઉપર ઉતારી દઉં છું.”
જો, રેખા ! તેની આવી વાત સાંભળીને મને વિચાર આવ્યો કે, માણસ શા માટે પોતાની શક્તિનો સદુપયોગ નહિ કરતો હોય ? પોતાની નાનકડી ખામીને પણ શા માટે સમાજ સામે હાંસીપાત્ર બનાવતો હશે ? શું તેને પોતાના સ્વમાનની કોઈ કિંમત જ નહિ હોય ? માનવશરીર મળ્યું છે તો આનંદ ઉઠાવવો જોઈએ. એક-એક પળને આનંદથી જીવવી જોઈએ. શા માટે સર્જનહારને ફરિયાદ કર્યા કરવી જોઈએ ? ઊલટું, આપણે તો સર્જનહારનો આભાર માનવો જોઈએ, કે આવું તો આવું, માનવશરીર તો આપ્યું છે ! શરીરની ખામીને કદી’ આપણો નબળો વિચાર ન સ્પર્શવો જોઈએ. શરીરનાં જે અંગો છે, તેનો ભરપૂર ઉપયોગ કરીને નવું-નવું સર્જન કરતા રહેવું જોઈએ.
હા, રેખા ! એક વાત એ પણ છે કે, આ ચંદુનાં માતા-પિતા તો ઝૂંપડપટ્ટીમાં રહેનારાં હતાં. ભીખ માગવાનું કામ પણ કરતાં હતાં. ચંદુ નાનો હશે ત્યારે તેની દિવ્યાંગતાનો લાભ એ લોકોએ ઉઠાવ્યો પણ હશે. પરંતુ જ્યારે ચંદુનું મન સમજણું થયું હશે ત્યારે તેમાં તેને કંઈક અજુગતું લાગ્યું હશે અને તે દિવસે કુદરતી મારી સાથે તેણે વાત કરી હશે ! મેં તો માત્ર તેને ઉત્સાહના બે શબ્દો કહેલ. બે મિનિટથી વધુ કદાચ હું તેની પાસે ઊભો પણ નહિ રહ્યો હોઉં. બાકીની મહેનત તો આ ચંદુની જ હશે. છતાંયે તેણે મને ગુરુનું સ્થાન આપ્યું. બે મિનિટના શિક્ષણનું આવડું મોટું માન ? મારી પાસે તો કોઈ શબ્દો રહ્યા જ નહિ. બસ, મનમાં એટલું જ ગુંજ્યા કર્યું કે, ચંદુની જેમ દરેક માણસ સમજદાર બની જાય, તો કોઈએ કોઈના ઓશિયાળા ન રહેવું પડે.
આવી રીતે દરેક માણસ પોતાનું દુ:ખ ભૂલીને જિંદગી જીવવા લાગશે, ત્યારે જગતમાં દુ:ખ રહેશે જ નહિ.
(ક્રમશ:)
