પળેપળ જીવી લો -૬
પળેપળ જીવી લો -૬
મેં પૂછયું, ’’એવું કેમ ? આવો નિયમ કેમ રાખ્યો છે ?”
તે જવાબ આપે છે, ’’એક દિવસ સવારમાં હું ત્રણેક ફેરા કરીને રિક્ષાસ્ટેન્ડમાં રિક્ષા રાખીને બેઠો હતો. ત્યારે મારી જેમ પગ વગરનો એક માણસ ત્યાંથી નીકળતી રિક્ષામાં બેસવા માટે રિક્ષાને રોકતો હતો. પરંતુ તેની પાસે પૈસા નથી એવું જાણીને કોઈ રિક્ષાવાળો તેને બેસાડતો નહોતો. થોડીવાર મેં આ જોયું. પછી મનમાં નક્કી કર્યું કે આજના દિવસનો આ ચોથો ફેરો થશે અને તે આ માણસને મફતમાં મૂકી આવું. પછી પણ દર ત્રણ ફેરા કરીને ચોથો ફેરો મફત જ કરીશ ! હું એ માણસને તેને જ્યાં જવું હતું ત્યાં મૂકી આવ્યો. આખા રસ્તે તેના મોંએથી એક જ વાકય નીકળ્યા કરતું હતું, ’ભગવાન તારું ભલું કરશે !’ અને મને કયારેય કોઈ વાંધો આવ્યો પણ નથી.”
મારા મનમાં થયું કે આમાં તો કોઈ જાણકાર ગેરફાયદો પણ ઉઠાવી શકે. એટલે મેં દિનેશને કહ્યું, ’’આ રીતે તો કયારેક તારા આ નિયમનો કોઈ ગેરફાયદો પણ ઉઠાવી શકે. જેને તારા આ નિયમની જાણ હોય તે થોડીવાર વાટ જોઈને તને નુકશાની પણ કરાવી શકે.”
તે બોલ્યો, ’’જે એવી નુકશાનીથી ડરે એ આવા નિયમો પણ ન રાખી શકે ! એક વખત મારે આવો બનાવ બન્યો જ હતો. એક ભાઈએ મારા આ ચોથા ફેરાની વાત જાણી લીધી હતી. તે રિક્ષાસ્ટેન્ડ પર વાટ જોઈને ઊભો રહ્યો. તે દિવસે હું ત્યાંથી ત્રણ વખત ગયો હતો તે પણ તે જાણી ચૂકયો હતો. ત્રણ ફેરા પછી જ્યારે હું ત્યાં ઊભો રહ્યો, ત્યારે જ તે મારી પાસે આવીને કહે, ’મારે જૂનાગઢ જવું છે.’ સાહેબ ! ત્યારે હું તો જરાય અચકાયો નહિ. તેને રિક્ષામાં બેસવાનું કહીને રિક્ષાને દોડતી કરી દીધી. એ ભાઈને જૂનાગઢ ફેરવીને પાછો જામનગર લેતો આવ્યો. સાહેબ ! જે નિયમ તે નિયમ. એમાં પછી બદલવાનું ન હોય !”
દિનેશની આ વાત મને ખૂબ પ્રભાવિત કરી ગઈ. તેની વાતોમાં આત્મવિશ્વાસ ઝળકતો હતો. તેના શબ્દે-શબ્દે નિયમની સુગંધ વહેતી હતી. એક શબ્દ પણ નિરાશાનો નહોતો, કે એક શબ્દ પણ તેની દિવ્યાંગતાને છતી કરે એવો નહોતો. હતો બસ, એક દૃઢ સંકલ્પ અને તેની ખુમારી. પરંતુ અહીં તેની ખુમારી કહેવાને બદલે દાતારી શબ્દ વધુ અનુકૂળ લાગશે. કારણ કે, તેને પણ ઘર છે, પરિવાર છે. એક રિક્ષામાં આવક પણ કેટલી ? છતાંયે દિવસમાં આવા કેટલા ફેરા મફતમાં કરતો હશે ! શું કયારેય તેને રૂપિયાની જરૂરત ઊભી નહિ થતી હોય ? થતી હશે તો પણ આવા દાતારી માણસને સગવડતા મળી જ જતી હશે.
અહીં એવું પણ વિચારવું રહ્યું કે, મોટો દાતા કોણ ? બે પગ વગરનો આ દિવ્યાંગ દિનેશ કે નાણાંની છોળોમાં આળોટતા હોય અને તેમાંથી થોડુંઘણું દાન કરે એ ધનિકો ?
જૂની એક પંક્તિ છે ને કે, ’અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.’ દિનેશ જેવા અડગ મનના માનવીને પોતાની દિવ્યાંગતા કયારેય નડતી નથી, તો પછી હેં રેખા ! નાનકડું દુ:ખ આવી જાય તો આપણે શા માટે નિરાશ થવું ? જેમ સમય તીરની જેમ વહે છે, તેમ દુ:ખ પણ સમયની સાથે જતું રહે છે. દુ:ખમાં હિંમત રાખવી એ જ સાચું સુખ છે.
(ક્રમશ;)
