'Sagar' Ramolia

Inspirational

4.9  

'Sagar' Ramolia

Inspirational

પળેપળ જીવી લો -૪

પળેપળ જીવી લો -૪

3 mins
515


આવી રીતે તે આગળ વધે છે અને ધોરણ બારની બોર્ડની પરીક્ષામાં પણ ૭પ ટકા ગુણ સાથે દિવ્યાંગ બાળકોની શ્રેણીમાં પ્રથમ રહ્યો. આગળ વધી પ્રથમ શ્રેણી સાથે એમ.એ.નો અભ્યાસ પણ પૂર્ણ કર્યો. આ રીતે પરીક્ષિત એક લડવૈયો બનીને પોતાની જિંદગીના અવરોધોને હરાવતો ગયો અને પોતાનું નામ રોશન કરતો ગયો.

આ પરીક્ષિતને હજી અટકવું કયાં છે ? એ તો સતત આગળ વધવા ઈચ્છે છે. પોતાનું કામ પણ કરે છે, જિંદગીનો જંગ જીતે છે અને હિંમતનું એક ઉદાહરણ બનીને સમાજ સામે રહે છે. હવે તેને પીએચ.ડી. કરવાનું મન થયું છે અને તે માટે તે મુંબઈ યુનિવર્સિટીમાં ’અર્બન ડેવલપમેન્ટમાં માઈક્રો ઇકોનોમિકસ’ વિષય પર પીએચ.ડી. કરવાની પ્રવેશપરીક્ષા પણ પાસ કરી ચૂકયો છે.

હેં, રેખા ! પરીક્ષિતની આ સિદ્ઘિ શું નાનીસૂની છે ? જરાયે નહિ ! તેની આ સિદ્ઘિ દિવ્યાંગ બાળકોને તો ઠીક, શરીરના બધાં જ અંગો સારાં હોય એવાને પણ પ્રેરક બને છે. જો પોતાના શરીરની ખામીને ધ્યાનમાં રાખીને જ આ પરીક્ષિત જીવ્યો હોત, તો આ સિદ્ઘિ મેળવી શકયો હોત? તેનાં માતા-પિતાએ પરીક્ષિતને આગળ વધારવાનું બીડું ન ઝડપ્યું હોત, તો તે અહીં સુધી પહોંચી શકયો હોત? પરીક્ષિાતે પોતે માતાપિતાની મહેનતને ન સમજી હોત, તો તે અહીં સુધી પહોંચી શકયો હોત ? તેનામાં જ આગળ વધવાની ઈચ્છા ન હોત, તો તે અહીં સુધી પહોંચી શકયો હોત ? ના ! કદી’ જ નહિ ! આ માટે તો જરૂર છે દૃઢ નિશ્ચયની અને લગનીની. એમ કહીએ તો પણ ચાલે કે, આગળ વધવા માટે તો ખાસ પ્રકારની તાલાવેલીની જરૂર છે ! વૈજ્ઞાનિકોએ પોતાની શોધ માટે તાલાવેલી ન રાખી હોત, તો દુનિયા અત્યારે જે સુખ ભોગવે છે, તે મળ્યું હોત? પોતાની તકલીફને જે રોયા કરે છે, તે આવી સફળતા મેળવી શકતા નથી. આ પરીક્ષિતમાં પણ આગળ વધવાની તાલાવેલી હશેને ! એટલે તો તે સતત પોતાની મંજિલ તરફ આગળ વધતો રહ્યો.

સમાજમાં ઘણા એવા બનાવો પણ બને છે કે બાળકની આવી અક્ષમતાનો લાભ લઈને માબાપ તેના નામે ભીખ માગવાનું કામ કરે છે. પણ અહીં તો જુદી જ વાત હતી. ભીખ માગવાનો વિચાર પણ નહોતો. પોતાના દિવ્યાંગ બાળકને સમાજ સામે સિદ્ઘિ સાથે ઉન્નત મસ્તકે લાવવાની નેમ આ માતાપિતામાં હતી. પિતાનું અવસાન થયું, છતાંયે માતાએ એ નેમ છોડી નહિ અને આજે પરીક્ષિતને સિદ્ઘિના શિખરે પહોંચાડી દીધો. આ રીતે માતાપિતાની મહેનત અને પરીક્ષિતની પોતાની સમજ અને હિંમત એક ઝળહળતું પરિણામ લાવે છે. હિંમત જ માણસને સિદ્ઘિના શિખરે પહોંચાડે છે.

પરીક્ષિત જેવા મહેનતું માનવી પાસે દિવ્યાંગતા તો કયાંય દૂર રહે છે. તેને એની અસર પણ હોતી નથી. આગળ કહ્યું છે એમ આ પરીક્ષિતે માત્ર અભ્યાસમાં જ ધ્યાન નથી આપ્યું ! ઘણી અન્ય પ્રવૃત્તિઓમાં પણ તે એટલો જ રસ દાખવે છે અને તેમાં ઈનામો પણ જીતે છે.

આમ જોઈએ તો પરીક્ષિત એક જીવતી-જાગતી એવી નવલકથાનું પાત્ર છે. જેમાં તે એક સાથે અનેક કિરદાર નિભાવે છે. આ રીતે તે માનો લાડકવાયો પણ હોય છે, અને સમાજનો માર્ગદર્શક પણ હોય છે. તેને કયાંય પોતાની દિવ્યાંગતા નડતી નથી. બસ, એ તો સતત પોતાની સુગંધ ફેલાવ્યા કરે છે.

તો શું આપણા સ્વસ્થ શરીરમાં કયારેક કોઈ તકલીફ આવી જાય તો હિંમત હારી જવાની ? જરાય નહિ હો ! તકલીફ તો આવશે ને જશે. હિંમત સાથે આગળ વધશું તો કયારેય મુશ્કેલ નહિ લાગે ! અરે ! મુશ્કેલી તો દૂર ભાગવા લાગશે !

 (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational