પળેપળ જીવી લો -૨
પળેપળ જીવી લો -૨
આવા સમયે મારી પાસે સારવાર કરાવવાની સાથે હિંમત આપવા સિવાય તો શું હોઈ શકે? હું નથી દાકતર કે નથી કોઈ ત્રિકાળજ્ઞાની, કે જેથી કહી શકું કે, બસ, બે દિવસમાં સારું થઈ જશે! મન તો કયારેક મારું પણ મુંઝાઈ જતું, પણ મેં જોયેલા એવા કિસ્સા યાદ આવી જતાં કે ફરી એ મનમાં એક નવું જોમ આવી જતું.
હું તેને કહેતો, ’જો રેખા! તારે તો જેમ યંત્રમાં ખામી આવે છે, એમ ટૂંક સમય માટેની ખામી આવી છે. યંત્રની ખામી દૂર કરવાથી જેમ યંત્ર ફરીથી ચાલતું થઈ જાય છે, તેમ શરીરની તકલીફ પણ દૂર થતાં શરીર ફરીથી હોય એવું બની જાય છે. થોડા સમયની તકલીફ માટે નિરાશ થવાની જરૂર નથી. ઘણા એવા પણ હોય છે, કે જેને જન્મથી જ તકલીફ હોય છે અને છતાંયે પોતાના શરીરની દિવ્યાંગતા (વિકલાંગતા) સાથે પણ સંસારમાં પોતાનું નામ રોશન કરી દે છે. જે મન મજબૂત હોય, એને પોતાની કોઈ દિવ્યાંગતા નડતી નથી. માટે કયારેય હિંમત હારવાની નહિ !”
આવા સમયે નજરે નિહાળેલા ઘણા કિસ્સાઓ તરવરવા લાગતા અને હિંમતરૂપે તેનું વર્ણન થઈ જતું. જે અહીં રજૂ કરવાની ઈચ્છાને રોકી ન શકયો અને આ નાનકડા પુસ્તકરૂપે સૌ સામે મૂકું છું.
પરીક્ષિતનો પમરાટ
એ, રેખા ! જો તને આજે એક એવા માણસની વાત કહું છું, જે અનેક મુસીબતો વચ્ચે પણ સફળતાનાં શિખરો સર કરતો જાય છે અને એ મૂળ જામનગરનો જ છે.
તેનું નામ પરીક્ષિત. આ પરીક્ષિતના શરીર ઉપર જાણે કુદરત રૂઠેલી. કારણ કે, તેને જન્મથી ’Osteogenesis ‘ નામની બરડ હાડકાંની બિમારી મળી અને તેને લીધે તેનું જીવન જાણે પથારીવશ બન્યું. શરીર નાનું લાગે અને માથું મોટું લાગે. જાતે ન બેસી શકે, કે જાતે ન ઊભો થઈ શકે. અરે! ત્યાં સુધી કે તેની કોઈ ક્રિયા જાતે કરવા સક્ષમ નહિ.
આવા આ પરીક્ષિતનો પ્રવેશ અમારી શાળામાં થયો. તેને જોઈને અન્ય નાના વિદ્યાર્થીઓને થોડું અચરજ પણ થતું. હા, આ પરીક્ષિતને રોજ શાળાએ આવવાનું નહોતું. ઘરે રહીને શિક્ષણ મેળવવાની પરવાનગી હતી. પણ જ્યારે આવે ત્યારે તેની શાલિનતા, સૌને બોલાવવાની રીત, સૌને પ્રણામ કરવાની તેની ઢબ વગેરે સૌને આકર્ષવા લાગે. તેને લીધે અન્ય બાળકોમાં પણ એ પ્રિય બનવા લાગ્યો. ઘણી સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો અને જીત્યો. તેનાથી થઈ શકે એવી કોઈ પ્રવૃત્તિ તે છોડતો નહિ. આ નાની ઉંમરે તેની એ હિંમતને જોઈને મોટા-મોટા માણસો પણ તેની સામે જોઈ રહેતા અને મોંમાંથી ’વાહ’ નીકળ્યા વગર રહેતું નહિ.
(ક્રમશ)
