પળેપળ જીવી લો - ૧૩
પળેપળ જીવી લો - ૧૩
એ, રેખા ! માણસ ધારે તો ગમે તેવું અઘરું કામ પણ કરી શકે છે, એ બાબતની વાત મારે તને કરવી છે.
એક વખત રસ્તામાં મારી ગાડી ખરાબ થઈ ગઈ. ચાલતાં-ચાલતાં અટકી ગઈ. ચાલુ કરવા ઘણી કોશિશ કરી, પણ સફળતા ન મળી. બધી બાબતમાં આપણું ન ચાલતું હોય ને ! એમ ગાડી પાસે પણ મારું કંઈ ન ચાલ્યું.
હવે જે ગાડી રોજ મને ખેંચી જતી, આજ એને ખેંચીને હું ચાલ્યો. આવી ટેવ ન હોય, એટલે થાક લાગવા માંડયો. થોડું ચાલ્યો, ત્યાં એક યુવાન મારી પાસે આવીને ઊભો રહી ગયો.
તે બોલ્યો, ’’શું થયું ?”
મેં તેની સામે જોયું. તેને એક હાથ નહોતો. પછી મેં તેને કહ્યું, ’’આ બંધ પડી ગઈ છે.”
તે કહે, ’’ચાલો મારી સાથે. તમારી ગાડી ચાલુ થઈ જશે.”
હું તો હજી એમ વિચારતો રહ્યો કે, આને તો હાથ પણ એક છે ને શું ગાડી ચાલુ કરશે ! ત્યાં તો તેણે મારા હાથમાંથી ગાડી લઈ લીધી અને એક હાથે દોરવા લાગ્યો. અજાણ્યો હતો, એટલે શંકા-કુશંકા થયા કરે. પણ એ સિવાય છૂટકો પણ નહોતો.
હું બોલ્યો, ’’ચોકને કરંટ મળતો નહિ હોય.”
તે કહે, ’’ઈ તમને ખબર ન પડે.”
મેં કહ્યું, ’’એન્જિનમાં કચરો આવી ગયો હશે.”
તે કહે, ’’ઈ તમને ખબર ન પડે.”
બે વખત આવું સાંભળીને મને ઝબકારો થયો. ત્યાં સુધીમાં એક ગેરેજ આવી ગયું. ત્યાં એક હાથ અને પગનો ઉપયોગ કરીને તરત ગાડી ખોલીને તે જોવા લાગ્યો. પણ મારાથી રહેવાયું નહિ. એટલે પૂછયું, ’’તારું નામ કમલ છે ?”
તે હકારમાં ડોકું હલાવીને કામમાં પરોવાયેલો રહ્યો. મને બધું યાદ આવી ગયું. તેનું નામ કમલસિંહ મનુભા ઝાલા. આ કમલ નાનપણથી ભણવાને બદલે બીજા રસ્તે વધુ ધ્યાન આપતો. કયારેક હું કોઈ પત્રકોનું કામ કરતો હોવ ત્યારે આવીને પૂછતો, ’’શું કરો છો ?” એટલે હું એને જવાબ આપતો, ’’ઈ તને ખબર ન પડે.” આ કમલ ભણવામાં તો ઠીક, પણ અન્ય કામગીરીમાં સતત આગળ રહે. પોતાના એક હાથથી ગમે તેવું જોખમી કામ કરવા પણ એ તૈયાર રહેતો.
(ક્રમશ:)
