પળેપળ જીવી લો -૧૨
પળેપળ જીવી લો -૧૨
શાક લેવાવાળાને એકબાજુ રાખીને મંડી ગઈ બોલવા, ’’અરે, રામોલિયા સાહેબ ! તમે તો મારા ગુરુજી છો ! હું તમારા પાસે ભણતી. મારું નામ ઉર્મિલા. તમે તો સાહેબ છો ! અમારા જેવા તમને યાદ કયાંથી હોય ?”
મને યાદ આવ્યું. તે નાની હતી ત્યારેય ઉત્સાહ તો અત્યારના જેવો જ હતો. એક પગ અડધો જ હતો. છતાંયે બે હાથ અને એક પગથી સટાસટ ચાલતી અને દાદરો પણ ચડી જતી. કદાચ બેય પગવાળા દાદરો ચડવામાં થાકે, પણ આ ઉર્મિલા નહિ ! શાળામાંથી પ્રવાસનું આયોજન કર્યું હતું, તો તેમાં પણ આવી હતી. અમને થોડો સંકોચ થતો હતો, પણ તેણે તો હઠ જ પકડી હતી. પ્રવાસદરમિયાન કયાંય અમારે તેનું વિશેષ ધ્યાન રાખવું પડયું હોય એવું નહોતું બન્યું.
એ, રેખા ! જ્યાં હું આવું યાદ કરતો હતો, ત્યાં તો એ ફરી બોલવા લાગી, ’’હા, સાહેબ ! હું સાત ધોરણ ભણી. થોડાં વરસમાં મારું લગ્ન થયું. બેલડાના બે દીકરા થયા. પણ બેય અપંગ. મારા ધણીને આ ખબર પડી. એ થોડો પાણીપોચો ! એટલે આ આઘાતમાં એનેય પક્ષઘાતનો હુમલો આવી ગયો. એમાંથી એ બચી તો ગયો, પણ અપંગ થઈ ગયો. સાવ છોકરા જેવો. એટલે એ સહિત હું ત્રણ છોકરા ગણું છું.”
આટલું બોલ્યા પછી જરા અટકી. મારાથી નિ:સાસો નખાઈ ગયો. દિલ જાણે દુ:ખતું હતું. કુદરત પણ કેવો ખેલ કરે છે ? ઘરમાં ચાર સભ્યો અને ચારેયની દશા આવી ? મને આંચકો લાગ્યો હતો, પણ પોતાની અને ઘરના સભ્યોની દિવ્યાંગતાની તો તેને જાણે અસર જ નહોતી. એનું મન તો મારી સાથે વાત કરવા જ ઉત્સુક હતું. એટલે હું કંઈ કહું એ પહેલા તો એ ફરી બોલવા લાગી, ’’હા, સાહેબ ! તમે ભણાવતાં-ભણાવતાં અલકમલકની વાતો કરતા. મને ભણવામાં તો રસ નહોતો, પણ તમારી વાતોમાં મજા આવતી. એક વખત તમે કહેલને કે, ’ભીખ સૌથી ભૂંડી છે અને જે પ્રામાણિકતાથી કમાણી કરે છે, તેને ભગવાન પણ મદદ કરે છે.’ જુવો સાહેબ ! હું ઓછો ભાવ રાખું છું, તો પણ તેમાંથી નફો મળે છે. ખોટી રીતે કોઈને છેતરતી નથી. એટલે જાણે ભગવાન મદદ કરે છે અને મારું ઘર ચાલ્યા કરે છે.”
મેં પૂછયું, ’’ઘરમાં તમે ચારેય તકલીફવાળા છો, છતાંયે આટલો ઉત્સાહ તારામાં કઈ રીતે રહે છે ?”
તે કહે, ’’અરે, સાહેબ ! એમાં તકલીફ શેની ? કુદરતે જે શરીર આપ્યું છે એની સાથે જીવી લેવામાં જ મજા છે. આ શરીરને આપણે જેવું રાખીએ એવું રહે. એને તમે નકામું બનાવી દો, તો તે નકામું બની જશે ! તો પછી શા માટે એવો હલકો વિચાર કરવો ? અમે તો ઝિંદાદિલીથી જીવીએ છીએ. એ ત્રણેયને મારા કરતાં થોડી વધારે તકલીફ છે. એટલે ઘરે રહીને થાય એવું કામ કર્યા કરે. મારી આ દશાને કે મારા ત્રણ અપંગને આગળ ધરીને ભીખ નથી માગતી, સાહેબ ! મને કોઈ દુ:ખ નથી. સુખીથી જિંદગી જીવું છું, સાહેબ !”
હું બોલ્યો, ’’અમારા પ્રત્યેની તારી નિષ્ઠાને અને તારી ઝિંદાદિલીને હું વંદન કરું છું, ઉર્મિલા !”
અને રેખા ! પછી તો હું ત્યાંથી ચાલી નીકળ્યો. પણ મન વધુ આગળ ભાગ્યું. તેમાં વિચારોનાં મોજાં ઉછળવા લાગ્યાં. લોકો કેમ નાનકડા દુ:ખને પણ મોટું સ્વરૂપ આપતા હશે ? કેમ એવા લોકોમાં ઝિંદાદિલીનો અભાવ જોવા મળતો હશે ? દરેક માણસ આ ઉર્મિલાની જેમ જીવે તો પરવશ બનવું જ ન પડે.
(ક્રમશ:)
