Parul Mitesh Shah ~ 'ફાલ્ગુની' વેરાવળ ગીર સોમનાથ

Inspirational

4  

Parul Mitesh Shah ~ 'ફાલ્ગુની' વેરાવળ ગીર સોમનાથ

Inspirational

પહેલો કોળિયો

પહેલો કોળિયો

8 mins
346


જેમ શબરીબાઈને ભગવાન રામને જોવાની, મળવાની તાલાવેલી લાગી હતી, રાઘવનાં મનમાં પણ એવી જ તાલાવેલી લાગી હતી. પોતાનાં મિત્ર રામને મળી, એક ધર્મસંકટમાંથી ઉગરી જઈ, હાશ ! કરવાની તાલાવેલી. એ છેલ્લાં છ મહિનાથી મનોમન પ્રાર્થના કરી રહ્યો હતો કે કૈંક ચમત્કાર થાય અને એને એનો મિત્ર મળી જાય બસ.

વાત છે એંસીનાં દાયકાનાં બે જીગરજાન મિત્રોની. મુંબઈનાં પરાં, ઘાટકોપર-પૂર્વમાં આવેલ ચાલી સિસ્ટમમાં એક પરિવારની જેમ રહેતાં અનેકો મધ્યમવર્ગીય બાળકોમાંનાં રામ અને રાઘવ એટલે જાણે એક જ સિક્કાની બે બાજુઓ. ઉંમરમાં અને ઊંચાઈમાં 'બે' નો તફાવત હતો પણ મગજ એક જ સરખું ચાલે બંનેનું. બંનેને એકબીજા વગર ઘડીય ન ગોઠે.

રાઘવની બે ખાસિયત હતી.

એક તો રામને પહેલો કોળિયો ખવડાવીને પછી જ જમવાનું અને બીજી પતંગબાજી.

રામની ખાસિયત 'રાઘવ કરે એ કરવાનું.' 

મકરસંક્રાંતિ નજીક આવી રહી હતી એટલે રામ, રાઘવ સહિતનાં બધાં જ છોકરાઓ દોરો પાઈને મજબૂત બનાવવામાં અને પતંગને કિન્ના બાંધીને તૈયાર કરવામાં મશગૂલ હતાં. આ બધું કામ ઘરે તો થાય નહિ ! એટલે એ બધાં ચાલીની નજીક નવા બની રહેલ મકાનનાં પહેલાં મળે ભેગાં થયાં હતાં. રામને આ બધું ફાવે નહીં એટલે રાઘવ પાસે બેસીને જોયા કરે. થોડીવાર પછી કંટાળ્યો ને એકલો એકલો લંગડી રમવા લાગ્યો. રમતાં રમતાં ઠેબું વાગ્યું, ને સીધો નીચે, રેતીનાં ઢગલામાં. એનો ગોઠણ બહુ ખરાબ રીતે છોલાઈ ગયો હતો અને રેતીનાં કણ એની કૂણી ચામડી ચીરીને અંદર સુધી ધસી ગયાં હતાં. એ સરખું ચાલી પણ નહોતો શકતો એટલે રાઘવ અને બીજા બે છોકરાંવે મળીને એને ઊંચકીને ગલીનાં નાકે આવેલ દવાખાને લઈ ગયા. ત્યાં ડ્રેસિંગ વગેરે કરાવી, એનાં ઘરે મૂકી આવ્યા. ત્યાર બાદ રાઘવ સતત એની જ સેવામાં લાગેલો રહ્યો. જોતજોતામાં સંક્રાંત પણ આવી ગઈ પણ હજી રામનાં ઘા રૂઝાતા નહોતાં. ચાલનો સર્વશ્રેષ્ઠ પતંગબાજ પતંગ ચગાવવા નહોતો આવ્યો એટલે બધાં છોકરાઓ એને બોલાવવા ગયાં. એ રામ પાસે બેઠો હતો, ત્યાં..

(એક છોકરો)

"એ રાઘવ ચલ, પતંગ ઊડાડવાનું ચાલુ કર. તને તો ખબર જ છે ને કે જ્યાં સુધી તું ચાલુ નહીં કરે, ત્યાં સુધી કોઈ પતંગ નહીં ઊડાડે ?

રાઘવ : "તમે લોકો કરી દો ચાલુ, હું નથી આવવાનો આજે. લો, મારા પતંગ અને દોરો પણ લેતાં જાવ."

છોકરો: "તારા વિના પતંગબાજી જામે નહિ યાર."

(બીજાં છોકરાંઓ વારાફરતી)

" ઓય.. ચાલ ને, આમ શું નખરાં કરે છે ! તને ખબર તો છે કે તને મુકીને કોઈ પતંગ ઊડાડવાનું નથી."

"એ રાઘવ, ચલ ને યાર ! કેટલાં દિવસથી તૈયારી કરતા હતાં હવે તું ટાઈમે ફસકી ન જા."

"તો શું યાર ! ચાલીનો એક્કા પતંગબાજ જ જો પતંગ ના ઊડાડે તો શું કામનો આ તહેવાર !"

"છોડ યાર ! આજે આપણે પણ પતંગ નથી ઊડાડવી. ચલો બધાં ઘરે જઈને સૂઈ જઈએ."

રામ (રાઘવને): "હું પતંગ નહિ ઊડાડી શકું પણ તને શું વાંધો છે ? તું તો ઊડાડ !

બધાં છોકરા : "હા યાર ચલ ને ! આજનો એક દિવસ એનો સાથ નહિ આપે તો શું વાંધો આવી જવાનો ? ચાલ જલ્દી.. પછી તડકો થઈ જશે તો થાક લાગશે. આજનો દિવસ રહેશે રામ એકલો. રામ, રહીશ ને ?"

રામ: "હા, રાઘવ તું જા. મને તો તને પતંગ ઊડાડતા જોવામાં જ મજા આવે છે. આમ પણ મને બીજા બધાંની જેમ પતંગ ઊડાડતા ક્યાં ફાવે છે !"

રાઘવ : "ના, રામ, મને ખબર છે કે તને પતંગ ઊડાડતા ફાવતું નથી પણ તને ગમે છે બહુ. અને આમ પણ આજે મારું બિલકુલ મન નથી. "

રામ : "તને મારા સમ જો તું અહીં બેસી રહે તો. જા.. પતંગ ચગાવવા. બાકી તારી ને મારી કિટ્ટા."

રાઘવ : "સારું ચલ, એક કામ કરીએ. હું તને તેડીને પેલી બિલ્ડિંગ સુધી લઈ જાઉં છું. તું ત્યાં અંદર બાંકડે બેસીને ફિરકી પકડજે એટલે તને કોઈનો ધક્કો ન વાગે અને હું બહાર પતંગ ચગાવીશ. ચાલો બધાં. આજે આપણે અગાસીએ નહિ, પણ પેલી બિલ્ડિંગ પરથી પતંગ ચગાવીએ. બે જણ મારા ઘરેથી બાંકડો લેતાં આવો."

રાઘવે રામને તેડીને બિલ્ડિંગમાં સુરક્ષિત જગ્યાએ બેસાડ્યો. પછી ખૂબ પતંગ ચગાવી બધાંએ.

આમ દરેક તહેવાર સાથે ઉજવતાં ઉજવતાં રાઘવ પંદર વર્ષનો થઈ ગયો ને રામ તેરનો. રામનાં પિતાની બદલી થવાથી એમને ઘાટકોપર છોડીને પુણે જવાનું થયું. અને રાઘવનાં પિતાને થાણા.

ખૂબ રડેલા એ બંને તે દિવસે.. પોતાનાં માતા-પિતાને ખૂબ મનાવ્યાં કે એમને જુદા ન કરે, પણ કોઈનાં હાથમાં ક્યાં હતું કંઈ !

બે અંતરંગ મિત્રો વિખૂટા પડી ગયા ને પછી તો સમયને પાંખો આવી જાણે.

રાઘવ ગ્રેજ્યુએટ થઈને એક કંપનીમાં લાગ્યો. સારી નોકરી હોવાથી સુંદર, સુશીલ કન્યા પણ મળી ગઈ. બંનેનાં ઘડિયા લગ્ન લેવાયાં અને પાંચ વર્ષમાં એક દીકરી તથા બે જોડિયા દીકરાનાં માતા-પિતા બન્યાં બંને. કંપનીમાં ખંતથી કામ કર્યાં બાદ, રાઘવે પોતાની કંપની શરૂ કરી.

હવે બાળકો પણ મોટા થવા લાગ્યાં હતાં. ત્રણેય બાળકોની બોર્ડ એક્ઝામ હતી. દીકરીનું બારમું અને દીકરાઓનું દસમું. બાળકોનું ભવિષ્ય પુણેમાં ભણવાથી વધુ ઉજ્જવળ બનશે, એમ વિચારી રાઘવે થાણામાં બધું આટોપી પુણે સ્થાયી થવાનું નક્કી કર્યું. ત્યાં મકાન ભાડે રખ્યું અને એક કંપનીનો પ્રોજેક્ટ પણ હાથમાં લીધો, જેની સફળતાથી એ ટોચનો ઉદ્યોગપતિ બની જવાનો હતો. શરૂઆતનાં પાંચ-સાત મહિના બધું ખૂબ સરસ રીતે ચાલ્યું પણ સરકાર બદલાઈ એટલે નવી નીતિઓ આવવાને કારણે એને પોતાના પ્રોજેક્ટ માટે નવેસરથી અરજીઓ કરી મંજૂરી લેવી પડે તેમ હતી. હવે જ્યાં સુધી નવી મંજૂરી ન આવે ત્યાં સુધી તો કામ બંધ જ રાખવું પડે એટલે રોજનું હજારોનું નુકસાન.

એને એની પત્ની, બાળકો, માતા, પિતા બધાં જ ખૂબ સમજાવે કે એણે જે ભાગ રાખ્યો છે, અત્યારે એ ઉપયોગમાં લઈ અને જૂનું કામ શરૂ કરી દે પણ આ રાઘવ હતો. કોઈની થાપણમાં જીવ નાખવા કરતાં જીવ દઈ દેવું સહેલું લાગે એને. એટલે એ અંતરનાં ઊંડાણથી પ્રાર્થના કરી રહ્યો હતો, કે જેમ બને તેમ જલદી એને રામનો ભેટો થઈ જાય, તો પોતે એનો ભાગ એને સોંપીને આ ધર્મસંકટમાંથી મુક્ત થઈ જાય. રૂપિયા પોતાની પાસે હોય તો વાપરવાનું મન થાય ને !

આ તરફ રામે પણ ખૂબ મહેનત કરી પોતાનું ભણતર પૂરું કર્યું હતું અને એક ફેકટરીમાં કામે લાગ્યો. ફેક્ટરીનાં માલિક નિ:સંતાન હતા. રામ અવાર-નવાર શેઠનાં ઘરે રોકાતો અને પોતાની રાઘવ સાથેની મૈત્રી વિશે, પોતાનાં જીવન વિશે, વિચારો, સપનાંઓ વિશે વાતો કર્યા કરતો. એણે અઢારમે વર્ષે પોતાનાં માતા-પિતાને એક અકસ્માતમાં ગુમાવી દીધેલાં. એટલે એ શેઠને પિતા સમાન માન આપતો. એમની નાનામાં નાની જરૂરિયાત, લાગણીઓ સમજતો અને સંતોષતો. શેઠ પણ રામને ખૂબ માનતા. એમણે રામને પરણાવ્યો, પોતાનાં ઘરની બાજુમાં જ એક સુંદર મજાનો બંગલો લઈ આપ્યો અને મરતી વખતે પોતાનું ઘર, ફેક્ટરી અને પત્નીની જવાબદારી રામને સોંપી.

શેઠનાં ગયાં પછી રામ ખૂબ એકલો પડી ગયો હતો. ખૂબ ઉદાસ રહેવા લાગ્યો હતો. પોતાના દીકરાની જેમ ચાહતા શેઠાણી રામને આમ ઉદાસ જોઈ ખૂબ દુઃખી થઈ જતાં.

એક દિવસ શેઠાણી: "બેટા રામ, તું આમ ઉદાસ રહીશ તો અમારા બધાનું શું થશે ?"

રામને થયું વાત તો સાચી છે. જો હું જ આમ વર્તન કરીશ તો ધંધામાં પણ ખોટ આવવા લાગશે. માટે એણે મન મક્કમ કર્યું અને ફેક્ટરી પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. પણ ખબર નહિ કેમ, હમણાં હમણાં એને રાઘવની યાદ બહુ આવ્યા કરતી. એટલે હવે ફેકટરીનું કામ વિશ્વાસુ માણસોને સોંપી એ રાઘવને શોધવામાં લાગી પડ્યો અને અંતે શોધીને જ જંપ્યો.

બીજી તરફ

(રાઘવ મનમાં ) :"હે પ્રભુ, રામ આ જ શહેરમાં ક્યાંક રહે છે પણ અટલા મોટા શહેરમાં એને ક્યાં શોધું ? પરિસ્થિતિ એવી છે કે કામ અને ઘર મૂકીને ક્યાંય જવાય એમ નથી. એકવાર રામ મળી જાય અને એનો હિસ્સો એને સુપ્રત કરી દઉં તો ઘરનાં લોકો મારા પર એનાં હિસ્સાના રૂપિયા વાપરી નાખવાનું દબાણ કરવાનું બંધ કરી દે. પ્રભુ, કંઈક ચમત્કાર કરો.. મને મારો રામ શોધી આપો."

અને ત્યાં તો ચમત્કાર થયો.. રામ ટપકી પડ્યો એનાં ઘરે. એનાં માતા-પિતાને પગે લાગી, રાઘવને ભેટીને બોલ્યો.. "લાવ મારો ભાગ !"

રાઘવને તો વિશ્વાસ જ ન બેસે કે એની પ્રાર્થના ખરેખર કબૂલ થઈ હતી, એનાં જીગરનો ટૂકડો રામ એની સામે ઊભો હતો.

(હર્ષાશ્રુ સાથે) રાઘવ : "તું કેવી રીતે જાણી ગયો કે હું તને તારો ભાગ આપવા માટે કયારનો તડપી રહ્યો હતો ?"

રામ : "અરે મારો રાઘવ કંઈ વિચારે અને મને ખબર ન પડે એ તો કેમ બને ?"

ઘરનાં બીજા સભ્યો રામને ખરેખર સ્વાર્થી માની મનોમન ધુત્કારે એટલામાં,

રાઘવ રૂમમાંથી એક બ્રિફકેસ લાવ્યો અને બોલ્યો : "આ લે અને મારો ભાર હળવો કર મારા દોસ્ત !"

રામ : "આ શું છે ?"

રાઘવ : "શું હોય ? તારો ભાગ છે."

રામ : "અરે, હું આ ભાગની વાત ક્યાં કરું છું ? હું તો તારા હાથે મને મળતાં પહેલાં કોળિયાની વાત કરું છું. ભાભી... જલ્દી જલ્દી થાળી પીરસો. મારે રાઘવનાં હાથે જમવું છે આજે."

રાઘવ (રામને બ્રિફકેસ પકડાવતા) : "આ મારાં હાથે તને મળતો પહેલો કોળિયો જ છે ! મારાં ધંધામાં થયેલ દરેક કમાણીનો પહેલો ભાગ. લઈ લે. પછી હું તને મારા હાથે જમાડીશ બસ !"

રામ : "એ તું રાખ. મારે શું કરવાં છે આ રૂપિયા ? હું તો તને લેવા આવ્યો છું સહપરિવાર મારી સાથે રહેવા માટે. મારા શેઠે જે ફેકટરી મારા નામે કરી છે, એ ફેકટરીમાં ખાલી પડેલી શેઠની ખુરશી પર બેસવા માટે. હું છેલ્લાં કેટલાંય સમયથી તને શોધતો હતો. પણ તારા ક્યાંય કંઈ સમાચાર જ નહિ ને ! એટલે છેલ્લે મેં મારા પોલીસ મિત્રનો સહારો લીધો અને તને શોધી પાડ્યો."

રાઘવ : "તું ખરા સમયે આવ્યો છે દોસ્ત ! મારે ધંધામાં નુકસાની..."

રામ એના મોઢા પર હાથ મૂકીને : "એ બધી મને ખબર છે. આપણે બંને મળીને તારું એ સપનું સાકાર કરશું બસ ?

તું હવે એક ફેકટરીનો બોસ છે એટલે તને બીજાં કોઈ કામમાં ક્યાંય અડચણ નહિ આવે. રહી વાત તારાં પ્રોજેક્ટની, તો તને જણાવી દઉં, કે આવતા અઠવાડિયે મંજૂરી આવી જશે મેં તપાસ કરવી લીધી છે. પછી મારો દોસ્ત પુણેનો શ્રેષ્ઠ ઉદ્યોગપતિ.. જેનાં હાથે મારે રોજ પહેલો કોળિયો જમવાનો છે.

(રાઘવ એને ભેટીને રીતસર રડી પડ્યો..)

રામ (એનાં વાંસે હાથ ફેરવતાં): "એ... રાઘવ... તને ખબર છે ને, કે મારો નિયમ છે, 'રાઘવ કરે એ કરવાનું' તું આમ રડીશ તો.... અને એ પણ રડી પડ્યો.

રાઘવે ફટાફટ પોતાનાં આંસુ લૂછ્યા અને રામનાં પણ.

રાઘવ : "તું બસ હુકમ કર.. શું કરવાનું છે હવે ? હું એમ જ કરીશ બસ ?"

રામ: "આપણું ઘર અહીંથી થોડે જ દૂર છે. મેં ટેમ્પોવાળાને કહી દીધું છે. એ બધો સામાન સહીસલામત પહોંચાડી દેશે અત્યારે આપણે જમી લઈએ પછી તમે બધાં મારી સાથે આવી રહ્યા છો.

વાસણ અને રસોડાની સાફ સફાઈ, પેકિંગ-વેકિંગ બધું ફેકટરીનાં માણસો સંભાળી લેશે. આપણે ખાલી કિંમતી સામાન હોય એ સાચવી લઈએ."

(રાઘવનો પરિવાર મનમાં) : "કિંમતી સામાન તો તમારા આગમનથી જ સચવાઈ ગયો છે રામ !"

(એમની આંખમાં પાણી જોઈને ) રામ : "અરે ભાભી...! જલ્દી કરો બહુ ભૂખ લાગી છે."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational