Parul Mitesh Shah ~ 'ફાલ્ગુની' વેરાવળ ગીર સોમનાથ

Others

4  

Parul Mitesh Shah ~ 'ફાલ્ગુની' વેરાવળ ગીર સોમનાથ

Others

લેણાંદેવી - 2

લેણાંદેવી - 2

7 mins
419


હાં, તો... બીજો દોઢ મહિનો પસાર થયો, ને એક નર્સ એક યુવક અને યુવતીને લઈને પોલીસસ્ટેશન આવી. અને જણાવ્યું, કે એમનું બાળક ખોવાયું છે. ઝાલા સાહેબે વિગત પૂછી, અને તરત જ તાળો બેસી ગયો. ગજબ વિમાસણમાં મુકાઈ ગયા એ તો !

પણ એમણે નક્કી કર્યું, કે પૂરી ખરાઈ થાય અને જો આ યુવતી પોતાને પેલી બાળકીની માતા સાબિત કરી શકે, તો બાળકી એને જ સોંપી દેવી.

આમ પણ સંઘવી કાકાએ કહ્યું જ હતું, કે "જો કોઈ આ બાળકી પોતાની હોવાનો દાવો કરે, તો આપણે દત્તક વિધિ અટકાવી, બાળકીને એના પરિવારને સોંપી દેશું. કોઈનો હક મારીને આપણે સુખ નથી ભોગવવું સાહેબ !"

પેલી સ્ત્રીએ એવાં પુરાવાઓ આપ્યાં, કે સરળતાથી સાબિત થઈ જાય કે બાળકી એની જ છે. એટલે ઝાલા સાહેબે ત્રિકમરાય સંઘવીને પોલીસ સ્ટેશન બોલાવ્યા.

પેલાં યુવક, યુવતીને જોઈને ત્રિકમરાય બોલ્યા : "અરે છોકરાંવ તમે અહીંયા ! બધું બરાબર તો છે ને ?"

પેલાં બન્ને : "જી કાકા, પણ તમે..? તમે કેમ અહીંયા ?"

ઝાલા સાહેબ : " આપ એકબીજાને ઓળખો છો.. ?

યુવતી : "જી સાહેબ, આ કાકાએ જ મને નવું જીવન આપ્યું છે."

ઝાલા સાહેબને મૂંઝવણમાં જોઈ, ત્રિકમરાય : "એમાં થયું એવું સાહેબ, કે દસ દિવસ પહેલાં હું મંદિરેથી ઘરે જવા નીકળ્યો. રસ્તામાં ઘર માટે જરુરી એવો અમુક સામાન લેવાનો હતો. એ સામાન જોખાવતાં જોખવતાં મારું ધ્યાન રસ્તા પર પડ્યું. કોઈ ચાવી દીધેલા રમકડાંની જેમ આ દીકરી વારિધિ રસ્તાની વચ્ચોવચ ચાલી રહી હતી. એ સુધમાં જ નહોતી, કે પોતે ક્યાં છે, શું કરી રહી છે. એવામાં એક રિક્ષા સાથે ભટકાઈ જાત.. મેં એને પાછળ ખેંચી. રિક્ષાવાળાએ પણ આને બચાવવાના ચક્કરમાં જોરથી બ્રેક મારી, એમાં અંદર બેઠેલો પેસેન્જર ઉછળીને સીધો બહાર..!

અને ચમત્કાર કહો કે જાદુ કહો, એ મેઘ જ નીકળ્યો. એ અને વારિધિ બન્ને એકબીજાને પ્રેમ કરે છે. એ વારિધિને શોધતો શોધતો અહીં આવેલો.. ને આમ અચાનક ભેટો થઈ ગયો બન્નેનો.

પહેલાં તો બન્ને જણ પેટ ભરીને રડ્યાં. પછી આપવીતી કહી સંભળાવી."

મેઘ: "અમે બન્ને એક જ કોલેજમાં ભણતાં હતાં. એકબીજાનાં પ્રેમમાં ગળાડૂબ ડૂબેલાં. પરીક્ષાઓ પૂરી થવામાં જ હતી, એમાં ઉમરની ચીકણી સપાટીએ અમારો પગ લપસી ગયો. અને ભૂલ કરી બેઠાં અમે. પરીક્ષાઓ પૂરી થઈ. વેકેશન પડ્યું. એ દરમ્યાન મારા પપ્પાની બદલી બીજે ગામ થઈ ગઈ. અને એ જ અરસામાં વારિધિનો ફોન વોશીંગ મશીનમાં કપડાં ભેગો ધોવાઈ ગયો. બીજી બાજુ મારો ફોન સામાન ફેરવવામાં ક્યાંક પડી ગયો હતો.

દીકરીને કોલેજમાં વેકેશન હોય, એટલે ફોનનું ખાસ તો કંઈ કામ હોય નહિ, એટલે તાબડતોબ મા-બાપ ન જ અપાવે. અને અમે લોકો નવા ઘર, અને ગામમાં ગોઠવાઇએ, પછી જ ફોન લેવાની વાત થાય. ત્યાં સુધી તો બોલાય એમ જ નહતું. આમ ને આમ બે ત્રણ મહિના નીકળી ગયાં બધું ગોઠવાતાં. અને અમારો કોઈ સંપર્ક ન રહ્યો.

ત્રણ ચાર મહિના પછી વારિધિના મમ્મીને પોતાની દીકરીની તબિયતમાં ગડબડ લાગી, એટલે છાનામાના એને ગાયનેકોલોજિસ્ટ પાસે લઈ ગયા. અને એમનો ડર સાચો સાબિત થયો.

એમણે ડોકટરને ખૂબ આજીજી કરી, કોથળી સાફ કરી નાખવા માટે. પણ ડોકટરે વારિધિની ઉંમર અને ભવિષ્યના ખતરાને ધ્યાનમાં રાખીને ના પાડી દીધી.

વારિધિ: " મમ્મીએ પૂછ્યું, એટલે મેં મેઘનું નામ,નંબર અને સરનામું આપ્યું. તપાસ કરાવી તો જાણવા મળ્યું, કે એ લોકો તો ગામ છોડીને બીજે રહેવા ગયાં છે. મોબાઈલ સતત સ્વીચ ઓફ આવે. હવે બીજો કોઈ રસ્તો તો હતો જ નહિ, એટલે ન છૂટકે મમ્મીએ પપ્પાને વાત કરી. મને તો કાપો તો લોહી ન નીકળે એવી હાલત ! પણ પપ્પાએ કહ્યું, "જે થવાનું હતું, એ થઈ ગયું. ચોળીને ચીકણું કરવાથી વાત વણસી જશે."

અને વચલો રસ્તો કાઢ્યો. એવું ગામ શોધ્યું, જ્યાં અમારું કોઈ ઓળખીતું, સગું-વ્હાલું ન રહેતું હોય. અને આમ અમે અહીં આવી ગયાં. નીકળતાં પહેલાં મને થોડીક આશા હતી, એટલે ચૂપચાપ મેઘનાં મિત્રને મળી આવી અને બધું જણાવી દીધું. નવી જગ્યાનું સરનામું પણ.

મેઘ : "હવે મારો નવો મોબાઈલ આવી ગયો હતો.હું સતત પ્રયાસ કરતો રહ્યો, પણ કોઈ રીતે વારિધિ સાથે સંપર્ક ન થતાં રઘવાયો બન્યો હતો. એટલે મમ્મી પપ્પાને બધી વાત કરી, એમની પરવાનગી લઇ, વારિધિને મળવા પહોંચ્યો એના ઘરે. પણ ત્યાં તો બીજાં લોકો રહેવા આવી ગયાં હતાં. એમને કંઈ જ ખબર ન હતી, કે એમની પહેલાં રહેનારા લોકો ક્યાં ગયા હશે. હતાશ થઈને હું પાછો જવા લાગ્યો, કે અચાનક મને મારો મિત્ર યાદ આવ્યો. મેં એનો સંપર્ક કરવાની, એને મળવાની કોશિશ કરી. પણ એ પોતાના મામાના ઘરે ગયો હતો, જ્યાં એને અકસ્માત નડ્યો એટલે એ તથા એનો ફોન બન્ને દવાખાને હતાં. આમ એક પછી એક એવાં સંજોગો ઊભાં થયાં, કે અમારો કોઈ વાતે મેળ ન પડે.

વારિધિ : "મેં પૂરા મહિને બાળકને જન્મ આપ્યો. પણ કમનસીબે બાળક મરેલું નીકળ્યું. એ પછી હું માનસિક રીતે ભાંગી પાડી હતી. એક તો પ્રેમમાં દગો થયો, ઉપરથી બાળક ગુમાવ્યું. આ બમણા આઘાતે મને ચિત્તભ્રમિત કરી નાખી હતી. એટલે વિચારમાં ને વિચારમાં ક્યારે ઘરેથી નીકળી, ક્યાં જઈ રહી હતી, કંઈ જ ભાન નહિ. પણ નસીબ જુઓ ! મને શોધતા ફરતાં મારા પ્રેમીની સામે જ હું આવી પડી. પેલું કહેવાય છે ને ! શોધવાથી તો ભગવાન પણ મળી જાય. મેઘે હિંમત હાર્યા વગર કોશિશ ચાલુ રાખી. અને અંતે મને મેળવીને જ જંપ્યો."

ઝાલા સાહેબ : "કાકા, આજ સુધી મારા કરિયરમાં ક્યારેય નથી બન્યું, એવું આજે બન્યું છે. આ બહેનને એનો પ્રેમી જ નહિ, બાળક પણ મળી ગયું. પેલી નવજાત બાળકી, જેને આપ દત્તક લેવાના છો, હતાં... એ આમનું જ બાળક છે.

બન્યું એવું, કે વારિધિ એ પૂરા મહીને એક તંદુરસ્ત બાળકીને જનમ આપ્યો હતો. પણ એની માતાને થયું, જો બાળકી વારિધિની સાથે હશે, તો એના લગ્ન નહીં કરાવી શકાય. અમારોય કેટલો ભરોસો ! આજ છીએ, કાલે ન પણ હોઈએ. પછી દીકરીનું શું થાય ? અને જિંદગી આખી એકલાં તો ન જ નીકળે ને ! એનાં કરતાં એને એમ કહી દઈશ, કે એને મૃત બાળક જનમ્યું હતું. થોડા દિવસ ઉદાસ રહેશે. પછી આફેડી જીવનની ઘટમાળમાં ગોઠવાઈ જશે. એટલે સારો મુરતિયો જોઈને એને પરણાવી દેશું."

અનાથાશ્રમમાં પોતાની દોહિત્રીને મૂકી આવવાનો જીવ ન ચાલતાં, એમણે આ નર્સને વિશ્વાસમાં લઈ, ગણપતિ મંદિરનાં પગથિયે મૂકાવ દીધી બાળકીને.

નર્સ : પણ વારિધિનનાં પોતાના બાળક માટેનાં રુદને મારું સુખ ચેન છીનવી લીધેલું.. જિંદગીભર બીમારોની સેવા કરતી આવેલી મને મારો અંતરાત્મા ડંખી રહ્યો હતો. એમાં, એ પણ એકાંતરે, બે દિવસે અહીં આવી ચડતી. બીજાનાં બાળકને જોઈને નિસાસા નાખતી. એટલે અંતે મેં વારિધિને બધું સાચે સાચું કહી દીધું. અને અમે અહીં આવી ચડ્યાં. સાહેબની મદદથી બાળકીને મેળવવા માટે.

ઝાલા સાહેબ : "સદ્નસીબે બાળકી આપની પાસે સુરક્ષિત છે. એટલે એમને નિરાંતનો શ્વાસ લેવાનું કહી, મેં આપને અહીં તેડાવ્યા."

સંઘવીકાકા ખુશીથી ઉછળી પડ્યા. "વાહ ! મારા વ્હાલા વાહ ! તે મારી પ્રાર્થના સ્વીકારી ખરી. મારે દીકરી તો છે નહિ ! આ વારિધિને જે ક્ષણે જોઈ, એ જ ક્ષણે મનોમન એને મારી દીકરી માની લીધી હતી, અને એનો હાથ ઝાલ્યો, ત્યારે એની માનસિક સ્થિતિ જોઈને બાપ્પાને પ્રાર્થના કરી હતી, કે એનું બધું દુઃખ દૂર થઈ જાય.

પ્રભુ ! તને કોટિ કોટિ પ્રણામ."

વારિધિ અને મેઘ સંઘવી કાકાને પગે લાગ્યાં.

અને.. બરાબર એ જ ક્ષણે રુક્મિ ગૌરીને લઈને પ્રવેશી.

ત્રિકમરાયે ગૌરીને તેડી, અને બોલ્યાં, "આજે કેવો સુંદર સુયોગ છે, આજે અનંત ચતુર્દશી. ગણેશજીનો પોતાના માતા પિતા સાથેના મિલનનો દિવસ. અને આજે અમારા ગૌરીમાને એમનાં માતા-પિતા મળી ગયા."

આમ કહી, એમણે પોતાના ગળામાંથી સોનાનો ચેન કાઢી ગૌરીને પહેરાવ્યો. અને પછી એને વારિધિનાં હાથમાં એમ કહેતાં સોંપી, "સદા સુખી થાઓ. યશ, કીર્તિ, આયુષ્ય, આરોગ્ય, રિદ્ધિ, સિદ્ધિ,અને શાંતિ સદા આપના ઘરમાં બિરાજે એવી ગણપતિ બાપ્પાને કાયમ પ્રાર્થના કરતો રહીશ."

બોલતાં બોલતાં એમની આંખો વરસી રહી હતી, અને પોલીસ સ્ટેશનમાં હાજર સૌની આંખે શ્રાવણ-ભાદરવો.

એ સમયે રુક્મિણીને ચોથો મહિનો ચડી ગયો હતો. એણે હજી ઘરમાં વાત કરી ન હતી. ગૌરી ગઈ, એનાં બીજા દિવસે એણે પોતાના સાસુ, કૃષ્ણાબેનને વાત કરી. એમનો તો હરખ ક્યાંય માય નહીં. એ રીતસર રુક્મિને જોરથી બાથ ભીડી. પણ પછી તરત સ્વસ્થ થઈ એમણે કહ્યું, "આપણે પહેલાં ડૉ.ને દેખાડી આવીએ, પછી વાત."

પછી એમણે તરત જ ડૉ.સાહેબાની અપોઈન્ટમેન્ટ લઇ લીધી.

સાંજે સાત વાગે દેખાડવા જવાનું હતું. બન્ને સાસુ વહુએ મળીને બધી જ રસોઈ કરી લીધી. ઉચાટ તો બન્નેનાં જીવમાં હતો.. શું હશે, શું થશે ! પણ પછી મનોમન પોતાને જ સાંત્વન આપે, "પ્રભુ જે કરશે એ ઉત્તમ જ હશે."

રુક્મિનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યાં. ઘરમાં તો ઉત્સવ ઉત્સવ છવાઈ ગયો. બધાએ મનોમન પ્રભુનો પાડ માન્યો.

પૂરા મહિને રુક્મિએ જોડિયા દીકરીઓને જન્મ આપ્યો. નામ રાખ્યું, રિદ્ધિ ,સિદ્ધિ.

બે વર્ષ પછી દીકરો પણ જન્મ્યો. એનું નામ રાખ્યું, મોક્ષ.

વારિધિ,‌ મેઘ અને ગૌરી હવે સંઘવી પરિવારનું અભિન્ન અંગ બની ગયાં છે.

વર્ષોનાં વહાણાં વાઈ ગયાં.

ગૌરી શહેરની જાણીતી અને માનીતી જજ સાહિબા બની ગઈ છે. રિધ્ધિ, સિધ્ધિ અનુક્રમે પ્લાસ્ટિક સર્જરી તથા ઓર્થોપેડીક ક્ષેત્રનાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. મોક્ષભાઈને પાક કળાનો ખૂબ જ શોખ તથા કોઠાસૂઝ હોવાથી એ શેફ.. માસ્ટર શેફ બનવા તરફ આગળ વધી રહ્યો છે.

ત્રિકમરાય એકસો બે વર્ષે હજુ અડીખમ છે. આજે પણ એમનો વહેલી સવારે ગણપતિ મંદિરે દર્શન કરવાનો તથા સાંજે બગીચે જઈ વાર્તા કરવાનો ક્રમ ચાલુ જ છે. અલબત્ત એમના આ નિયમમાં હવે એમના ધર્મપત્ની કૃષ્ણા, પુત્ર પ્રદ્યુમ્ન તથા પુત્રવધૂ રુક્મિણી પણ જોડાઈ ગયાં છે.

ઈશ સૌનું ભલું કરે.


Rate this content
Log in