Parul Mitesh Shah ~ 'ફાલ્ગુની' વેરાવળ ગીર સોમનાથ

Inspirational

4.5  

Parul Mitesh Shah ~ 'ફાલ્ગુની' વેરાવળ ગીર સોમનાથ

Inspirational

ડાઘ

ડાઘ

9 mins
309


વાત છે, ૯૦ નાં દાયકાની.

વડોદરામાં રહેતાં એક સુખી, સુસંસ્કૃત બ્રાહ્મણ પરિવારની મુગ્ધાવસ્થાનાં ઉંબરે આવી ઊભેલી, રુપવાન તથા ગુણવાન કન્યા સાધના જોશીની.

દાદી ગૌરીમા, માતા ઉષાબેન, પિતા દિનકરભાઈ જોશી, બે મોટા ભાઈ ઉમેશ અને મહેશ અને એક નાની બહેન ભક્તિ, આ તેનો પરિવાર.

વિજ્ઞાન પ્રવાહમાં ૧૨મું પાસ થઈ, કે તરત જ સાધના માટે મુરતિયા જોવાનું શરૂ થયું અને બે જ અઠવાડિયામાં દિનકરભાઈનાં પરમમિત્ર વ્યાસ કાકા સૌમિલ પંડ્યાનું માંગુ લઈને આવ્યા, જે બધાંએ સહર્ષ વધાવ્યું. કેમ, કે સૌમિલ એટલે વ્યાસ કાકાનાં દીકરાનો મિત્ર અને મુંબઈ સ્થિત ખૂબ સારા, સંસ્કારી અને સાધન-સંપન્ન, પરિવારનો પુત્ર. વળી, વ્યાસ કાકા ચીંધે એમાં કોઈ ખામી હોય જ નહીં, એવી તેમને પાક્કી ખાતરી હતી. એટલે આમ તો બધું નક્કી જ હતું પણ કન્યા અને મુરતિયો એકબીજાને જોઈ લે, એ હેતુથી વ્યાસ કાકાના ઘરે જ એક ઔપચારિક મુલાકાત ગોઠવાઈ.

સૌમિલને તો પહેલી નજરે જ સાધના ગમી ગઈ. આ મુલાકાત દરમ્યાન સાધનાએ બે થી ત્રણ વાર કોશિશ કરી કે એ સૌમિલને પોતાનાં વિશે ખરેખર જે જાણવા જેવું છે તે કહે પણ સૌમિલ એનાં દેખાવ, એની વાક્-છટાથી એટલો મંત્રમુગ્ધ થઈ ગયો હતો, કે સતત પોતાનાં પરિવાર, પોતાનાં અત્યાર સુધીનાં જીવન તથા પોતાનાં સ્વપ્નાઓ વિશે જ વાતો કરતો રહ્યો.

જ્યારે બહાર બેઠેલાં બંનેનાં પરિવારો વચ્ચે બધી જ ચોખવટ થઈ ચુકી હતી. પંદર મિનિટ પછી વ્યાસકાકાએ સૌમિલને બોલાવીને પૂછ્યું, ગમી..?

સૌમિલની આંખોની ચમક અને ચહેરાની ખુશી જોઈ આમ તો બધા સમજી જ ગયા હતાં, કે 'હા' જ છે પણ છતાંય, એનાં દ્વારા જ એકવાર સંમતીની મહોર લાગી જાય એટલે સૌ અહીં જ મોઢું મીઠું કરીને છુટ્ટા પડે એ હેતુથી પૂછ્યું હતું.

દરમ્યાનમાં ગૌરીમાએ સાધનાને પૂછી લીધું, "તેને મુરતિયો ગમ્યો કે નહીં..?"

સાધના એ કહ્યું, "હા ગમ્યો, પણ મારે પેલી વાત કરવાની હતી, તે રહી ગઈ, તેઓ પોતાની વાત કરવામાં એટલા મશગુલ હતા કે મારી વાત સાંભળી જ નહીં."

દાદી કહે, "તું ઉપાધિ નહીં કર દીકરી, એમનાં પરિવાર જોડે બધી ચોખવટ થઈ ગઈ છે અને એમને કોઈ વાંધો નથી."

અહીં સૌમિલે પણ "હા" કહી દીધી.

મોઢું મીઠું કરી, પછી સૌએ ચર્ચા શરૂ કરી, કે લગ્ન કઈ રીતે કરવા અને બંને પક્ષે એક જ સરખો મત આવ્યો, કે બહુ ધામધૂમ કરી પૈસાના ધુમાડા કરવા કરતાં નિર્ધારિત રકમ વર-વધૂનાં નામે બેંકમાં મૂકી દેવી. લગ્ન આર્યસમાજની સંપૂર્ણ શાસ્ત્રોક્ત પદ્ધતિથી કરવા અને સગાઈ પણ લગ્નનાં આગલે દિવસે જ રાખવી, જેથી ખોટા ખર્ચ ના થાય, અને સગા સંબંધીઓને બે-બે વાર ધક્કા ન થાય.

બસ, પછી તો તરત જ લગ્ન માટે શુભ તિથિઓ જોઈ આપવા માટે જ્ઞાતિનાં ગોરબાપાને ફોન જોડાયો. ગોરબાપાએ ત્રણ મહિના બાદ એટલે કે, નવેમ્બરની 16 તારીખ આપી.

બંને પરિવારો લગ્નની તૈયારીમાં પરોવાઈ ગયા.

દરમ્યાનમાં સાધનાનું એક વખત મુંબઈ તેડું કરવામાં આવ્યું, જેથી તેની પસંદગીનાં દાગીના, સાડીઓ, કપડાં વગેરે લઈ શકાય અને તે એક વખત ઘર પણ જોઈ લે. સૌમિલના દાદીનો આગ્રહ હતો કે એમની પૌત્રવધુ લગ્ન પહેલાં સાડી-બાડી નહિ પહેરે અને લગ્ન પછી પણ તેને ડ્રેસ પહેરવો હોય તો છૂટ જ રહેશે. એમનું કહેવું હતું, કે

"ક્યારેક પ્રસંગ હોય, તહેવાર હોય ત્યારે સાડી પહેરે, એ બરાબર છે. બાકી એને જચે, અનુકૂળ આવે એ જ પહેરશે. અમાર માટે તો જેવી પ્રિયા, એવી જ અમારી સાધના."

સાધનાને સૌમિલ જોડે એકાંતમાં સમય વિતાવવાનો એક પણ મોકો મળ્યો નહિ. સાધનાને મનમાં થતું હતું કે જો એક વાર એકલામાં સૌમિલને મળી શકાય તો પોતાનાં મનની વાત મૂકી દે, એટલે તેનો ભાર હળવો થઈ જાય. જો કે સૌમિલ પણ સાધનાને એકાંતમાં મળવા એની સાથે મનભરીને વાતો કરવા પ્રયત્નશીલ રહેતો પણ નાની નણંદ પ્રિયા, પોતાની ભાભીને એક મિનિટ માટે પણ એકલી મૂકે તો એ બંને એકાંતમાં મળે ને !

લગ્ન સંબંધી ખરીદી, સગા-વ્હાલાઓ સાથે ઓળખાણ, મુંબઈની પ્રસિધ્ધ જગ્યાઓની મુલાકાત, આ બધામાં અઠવાડિયું ક્યાં પૂરું થઈ ગયું, ખબર જ ન પડી. શ્વસુર પરિવારની રહેણી-કરણીથી અત્યન્ત સંતુષ્ટ સાધના વડોદરા પાછી ફરી ત્યારે પણ મનમાં એક ખટકો હતો. તેણે ઘરે આવીને દાદીને બધી વાત કરી. ક્યાં ક્યાં ફરી, શું, શું લીધું, કોને કોને મળી, બધું જ.

દાદી કહે, "દીકરી, આટલું ફરી, આવાં સરસ લોકો વચ્ચે રહી તો પણ તને ઉત્સાહ કેમ નથી ?"

સાધના બોલી, "દાદી આ વખતે પણ હું તેમને પેલી વાત ના કરી શકી."

ગૌરીમા કહે, "એમાં એટલું શુ દુઃખી થવાનું, લગ્ન પછી તો ખબર પડશે જ ને !"

સાધના કહે: "અમારી મુલાકાત વખતે એ ત્રણ-ચાર વખત બોલ્યા હતા કે 'મને ડાઘથી સખત ચીડ છે.' મેં એમને કહેવાની કોશિશ કરી પણ એ પોતાની વાતો કરવામાં જ મશગુલ રહ્યા એમાં કહેવાનું રહી ગયું. મને એમની ડાઘથી સખત ચીડવાળી વાતની ચિંતા સતત રહ્યા કરે છે."

ગૌરીમા કહે, "છોડી દે ચિંતા. ઉપરવાળાએ જે ધાર્યું હશે તે થશે અને જે થશે તે સારા માટે જ થશે. હવે નિરાંતે સુઈ જા. લગ્નની ઘણી બધી તૈયારીઓ બાકી છે હજી."

બસ પછી તો દિવસ-રાત જાણે પવન પાવડી પર બેસીને ઊડી રહ્યા હતા.

હવે લગ્નને 3 દિવસ આડા હતાં. જાન વડોદરા આવી ગઈ હતી. બીજા દિવસે સવારે સગાઈ, ત્યાર બાદ તરત કલાકમાં જ માંડવા, રાત્રે દાંડિયા અને પછીનાં દિવસે લગન. વહેલી સવારે નાહી, તૈયાર થઈ, ગણપતિને પગે લાગી, સગાઈ માટે પરિવાર સહિત સાધના શુભ સ્થળે જવા નીકળી. સામેથી સૌમિલ અને પરિવાર પણ આવી પહોંચ્યા.

સગાઈની વિધિ પૂરી કરી જેવી સાધના પાછળ ફરી, તેની પીઠ પર ચણાની દાળ જેવડો સફેદ દાગ જોઈ સૌમિલ એકદમ ભડકી ઉઠ્યો. ત્યાં ને ત્યાં તેને આ લગ્ન નહીં થાય એવી જાહેરાત કરી દીધી. તેના મા-બાપ, બહેન, દાદી બધાં જ અવાચક..!

અચાનક આ શું થઈ ગયું ! એમ વિચારતા સૌ આશ્ચર્ય અને આઘાતથી સ્થિર થઈ ગયાં હતાં. સૌએ તેને સમજાવવાની ખૂબ કોશિશ કરી પણ તે એક નો બે ન થયો અને ત્યાંથી વળતી ટ્રેન પકડી મુંબઈ રવાના થઈ ગયો. પાછળથી પંડ્યા પરિવારે સૌમિલનાં આવા વર્તન માટે જોશી પરિવારની ખૂબ માફી માંગી, અને તાબડતોબ મુંબઈ માટે રવાના થયાં.

પહોંચતાં વેત દાદીમાએ સૌમિલને ખખડાવી નાંખ્યો.

સૌમિલ કહે પણ દાદી, "એની પીઠ પર દાગ..."

દાદી કહે "અમને બધાંને ખબર છે. એ કોઢ જેવો દેખાતો ડાઘ ફટાકડાને કારણે નાનપણમાં પડ્યો હતો. તેં નાહક ઉતાવળ કરી નાખી. હજી મોડું નથી થયું. હું દિનકારભાઈ અને ગૌરીમાની માફી માંગીને વાત વાળવાની કોશીશ કરી જોઉં."

સૌમિલ ન જ માન્યો એટલે વાત પડતી મુકાઈ ગઈ.

અહીં આખી ઘટનાથી હતપ્રભ સાધનાનો પરિવાર ઘરે પાછો ફર્યો.

"શું થઈ ગયું અચાનક આ..!" સૌ વિચારી રહ્યાં હતાં.

"હવે સાધનાનું શું થશે ?" એ ચિંતા સૌને હતી, સિવાય ગૌરીમા.

એમણે સૌને કડક સૂચના આપી દીધી, "આ બાબત વિશે હવે આ ઘરમાં કોઈ ચર્ચા નહીં થાય. થવાનું હતું તે થઈ ગયું. નાહક ચર્ચાઓમાં સમય અને સ્વાસ્થ્ય બગડવાની જરૂર નથી."

બીજા દિવસે સવારમાં સાત વાગ્યામાં સાધનાને ઉઠાડી ગૌરીમાએ તૈયાર થવા કહ્યું. સાધના કંઈ પૂછે એ પહેલાં એમણે ઘરનાં સૌને બોલાવીને કહી દીધું, કે "આજથી સાધના એનું અધૂરું ભણતર પૂરું કરશે. એની સાથે હું જાઉં છું કોલેજમાં એનું એડમિશન કરાવવા."

બારમામાં એને નેવું ટકા માર્ક આવ્યા હતાં એટલે સાધનાનું મેડિકલ કોલેજમાં સરળતાથી એડમિશન થઈ ગયું. તે ખૂબ ખંતથી ભણવા લાગી. અને ડર્મેટોલોજીમાં સ્પેશિયલાઈઝેશન કર્યું.

ઈન્ટર્નશિપ મટે એને મુંબઈ જવાની ઈચ્છા હતી. એટલે એની સાથે ગૌરીમા પણ ઉપડ્યા મુંબઈ. અહીં શહેરનાં જાણીતા ડર્મેટોલોજિસ્ટ ડો.અંકુર ગાંધીને ત્યાં મદદનીશ તરીકે જોડાઈ. સાથે સાથે તેણે પ્લાસ્ટિક સર્જરીમાં સ્પેશિલાઈઝેશન ચાલુ રાખ્યું. મુંબઈમાં એક સગાનું ઘર ખાલી હતું ત્યાં દાદી-દીકરી રહેતાં. સાધના કોલેજથી ક્લિનિક જાય અને દાદીમા સવાર-સાંજ દેવદર્શન કરે, અને બાકીનાં સમયમાં હરિ-ભજન કરતાં કરતાં ઘરનું ધ્યાન રાખે.

ડો. અંકુરની પત્ની સાથે સાધનાને સારો ઘરોબો કેળવાઈ ગયો હતો એટલે એમના સીમંત પ્રસંગે સાધનાને ભાવભર્યુ નિમંત્રણ મળ્યું. ગૌરીમાની પરવાનગીથી સાથે સાધનાએ દાદીમા સહિત હાજરી આપી. અહીં ડો.અંકુરના મામા- શાહ ગોપાલદાસ પણ આવેલા.

સાધનાનાં વાણી, વર્તનથી પ્રભાવિત એમણે ડો.અંકુરને સાધના વિશે પૂછ્યું. ડો.અંકુરે વિગતે બધી વાત કરી.

40 વર્ષના વિધુર, એક સાત વર્ષની દીકરી- ભૈરવીના પિતા એવા ગોપાલદાસે, 32 વર્ષની સાધના માટે ડો.અંકુર દ્વારા માંગુ નાખ્યું.

ડો.અંકુર વચ્ચે હતા અને પોતાને લીધે પોતાનાં ભાઈ-બહેનના સગપણ અટકી રહ્યાં હતાં, એટલે સાધનાએ તૈયારી બતાવી પણ આગળ ભણવા દેવાની શરતે.

તેની બધી શરતો સાથે સાધનાને અપનાવી ગોપાલદાસ અમદાવાદની પોતાની બધી મિલકત ધીમે ધીમે આટોપી, મુંબઈ સ્થાયી થવાની તૈયારીઓ કરવા લાગ્યા. દરમ્યાનમાં સાધનાનું સ્પેશિલાઈઝેશન પણ પૂરું થઈ ગયું. ગોપાલદાસ હવે ભૈરવી અને સાધનાને લઈ મુંબઈમાં સ્થાયી થયા.

માત્ર બે જ વર્ષમાં સાધનાએ પોતાના સ્વભાવ અને હોંશિયારીથી ગોપાલદાસની દીકરી અને પરિવારમાં બધાંનાં હૈયાં જીતી લીધા હતા.

ગોપાલદાસે કહ્યું : "હવે નોકરી નથી કરવી, આપણે આપણું પોતાનું દવાખાનું શરૂ કરી દઈએ."

આ વાત સાધનાને કરવા પહેલાં ડો.અંકુર સાથે મળીને એમણે પોતાનાં ઘરની નજીક જ જગ્યા ખરીદીને તૈયાર કરી રાખેલી. સાધના હા-ના, કરે એ પહેલાં જ એમણે ક્લિનિકની ચાવી એના હાથમાં મૂકી દીધી.

ક્લિનિકનું ઉદ્દઘાટન ડો.અંકુરની નાનકડી દીકરી પરીના હાથે કરાયું. નાનકડું ફંક્શન પણ ગોઠવ્યું હતું. એક વર્ષની અંદર જ પોતાની કાર્યકુશળતા દ્વારા સાધના એક જાણીતી પ્લાસ્ટિક સર્જન બની ગઈ.

એક દિવસ એક વિશિષ્ટ કેસ આવ્યો. મિસિસ ઉર્વી સૌમિલ પંડ્યાનો. મોઢાનું કેન્સર હતું અને સર્જરી માટે ટાંકા લેવા પડ્યા હોઈ, ગાલ પર પ્લાસ્ટિક સર્જરી કરાવવી આવશ્યક હતી. પ્રાથમિક તપાસ બાદ ઉર્વી પંડ્યાને આવતા અઠવાડિયાથી ટ્રીટમેન્ટ શરૂ થશે અને પછી બધું સારું થઈ જશે એવી બાંહેધરી આપતી સાધનાને સૌમિલ જોતો જ રહ્યો.

"આ તો એ જ સાધના છે.. હા એ જ રૂપ, એ જ વાક્-છટા, એ જ પ્રભાવશાળી આંખો, એ જ છે. તો મને કેમ કાંઈ કહ્યું નહિ ? મારી સામે જોયું સુધ્ધાં નહિ ! કદાચ મને ઓળખ્યો નહિ હોય. ના, ના, ઓળખે નહિ એવું તો કેમ બને ? ઓળખ્યો તો હશે જ પણ નફરતને લીધે મને અવગણી રહી હશે."

આમ વિચારતો સૌમિલ તંદ્રામાંથી જાગ્યો, જ્યારે સાધનાએ કહ્યું: "મિસ્ટર સૌમિલ, ઉર્વીબેન એકદમ પહેલાં જેવા થઈ જશે. આપ બિલકુલ ચિંતા ન કરશો."

સૌમિલને તો કાપો તો લોહી ન નીકળે એવી હાલત થઈ ગયેલી.

તેણે ઉર્વીને કહ્યું: "તું ઘરે પહોંચ, હું જરૂરી કામ પતાવીને આવું છું."

ઉર્વીનાં ગયાં પછી તે સાધના પાસે ગયો અને રીતસર તેના પગે પડી ગયો.

"મને માફ કરી દો સાધના. મેં તમારી સાથે બહુ મોટો અન્યાય કર્યો છે. મને માફ કરી દો.."

સાધનાએ તેને ઊભો કર્યો.

"અરે ! આ શું કરો છો સૌમિલ.. માફી માંગવાની કોઈ જરૂર નથી.. જે થયું એ સમયનો ખેલ હતો. એમાં હું કોઈનો વાંક ગણતી નથી. માટે તમે પણ તમારા મન પર કોઈ બોજો ન રાખશો. હું તો ઉલટું તમારો આભાર માનું છું.. કે જો તમે મને પરણી ગયા હોત, તો આજે હું જે કાંઈ છું, તે ન હોત. હું ફક્ત મિસીસ સાધના સૌમિલ પંડ્યા હોત."

સૌમિલ કહે, "સાચી વાત છે તે છતાંય હું તમને મારી માનસિક સ્થિતિ, ડાઘ પ્રત્યેની નફરતનું સાચું કારણ જણાવવા માંગુ છું.

જો તમારી પાસે સમય હોય.. અને તમને યોગ્ય લાગે તો... પ્લીઝ ."

સાધના કહે "કંઈ વાંધો નહિ.. મારે હવે કંઈ જાણવું નથી. જે થયું, તે કુદરતની મરજી હતી. અને હા.. ઉર્વીબેનની સારવારમાં હું કોઈ કચાશ નહિ રાખું. ભરોસો રાખજો."

સૌમિલ : "તમારી જોડે સગપણ તોડ્યા પછી આટલા વર્ષોથી મારા મન પર જે બોજ લઈને હું ફરી રહ્યો છું.. એ બોજ ઉતારવાની એક તક નહીં આપો મને ?"

સાધના : "સારું.. આપણે આજે સાંજે મારા ઘરે મળીએ."

સાંજે સાત વાગ્યે સૌમિલ સાધનાના ઘરે મીઠાઈઓ, ભૈરવી માટે સરસ મજાનું ફ્રોક તથા એક બુકે લઈને પહોંચી ગયો. અરસ-પરસની પ્રાથમિક ઓળખાણ અને ઔપચારિક વાતોનાં અંતે તે મુદ્દા પર આવ્યો.

"હું પાંચ વર્ષનો હતો, મારા દાદાજી સાથે ઘરની નજીનાં એક બગીચામાં અમે ફરી રહ્યાં હતા ત્યાં અચાનક એક ગંદી ભીખારણ આવી અને મને ઉપાડીને ભાગવા લાગી, તેના શરીર પર ઠેક ઠેકાણે ડાઘ હતા.

હું ખૂબ ડરી ગયેલો. એનાં હાથમાંથી છૂટવા ખૂબ ધમપછાડા કર્યાં, બૂમાબૂમ કરી પણ એણે મને ન છોડ્યો. અમારી પાછળ પાછળ દાદાજી પણ દોડતા હતા. મને બચાવવા માટે દોડતાં દોડતાં તેઓ ગોથું ખાઈ ગયા છતાંય મને પેલીનાં હાથમાંથી છોડાવી લીધો અને એકી શ્વાસે દોડીને ઘરે લઈ ગયા. પછી તેઓ એવા બીમાર પડ્યા કે ઊભા જ થઈ શક્યા. માત્ર 15 દિવસમાં તેમનું નિધન થયું.

દાદાજીનાં નિધન માટે હું પેલા ડાઘવાળી સ્ત્રીને ગુનેગાર માનવા લાગ્યો. ત્યારથી એ ડાઘ મારાં મન-મગજમાં એ રીતે જડાઈ ગયાં હતાં કે વર્ષો સુધી ખસ્યાં જ નહીં.

ધીમે ધીમે બીજું બધું સરખું થઈ ગયું.. પણ ડાઘ પ્રત્યેની મારી ચીડ ન ગઈ. અને હું તને.. સોરી, તમને અન્યાય કરી બેઠો સાધના.. મને માફ કરો."

સાધના : "હું તો બીજા દિવસે જ ગઈ ગુજરી ભૂલી ચુકી હતી. મારા મનમાં તમારા પ્રત્યે કોઈ રોષ નથી. માટે માફી માગીને મને અપરાધી ન બનાવો."

એક હાશ ! સાથે સૌમિલ ત્યાંથી ઘરે ગયો અને સાધના પોતાના કામમાં પરોવાઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational