Parul Shah

Inspirational

4  

Parul Shah

Inspirational

ઘર-પરિવાર

ઘર-પરિવાર

7 mins
299


બસ, એટલી સમજ એમને પરવરદિગાર દે,

સુખ જ્યારે, જ્યાં મળે, બધાનો વિચાર દે.

~ મરીઝ

પરિમલભાઈ : "બેટા આરોહી ! તમારા મમ્મીનો ફોન હતો. તમને પિયરે રોકાવા તેડાવે છે. લગ્ન કરીને આવ્યા ત્યારથી અમને અગવડ ન પડે એ માટે તમે ક્યારેય શાંતિથી પિયરે રોકાયા જ નથી. આજે પણ તમે ના પાડી એટલે બચાળાએ મને ફોન કર્યો. માનો જીવ છે બેટા ! દીકરી સાથે રહેવાની, દોહિત્રને લાડ કરવાની ઈચ્છા તો હોય કે નહિ ? જાવ. જઈ આવો. "

આરોહી હજુ કંઈ જવાબ આપે એટલામાં ફોન આવ્યો.

આવર્તન : "જય શ્રીકૃષ્ણ પપ્પાજી. મમ્મીજીનો ફોન હતો. એ રોકાવા બોલાવે છે, અને આરોહી જવા તૈયાર નથી. શું કરશું ?"

પરિમલ ભાઈ : "જય શ્રીકૃષ્ણ દીકરા ! વહુ જોડે વાત થઈ ગઈ છે. એ હવે ના નહિ પાડે. તું એમની ઓફિસમાં પંદર દિવસની રજા મુકાવી દે."

(થોડી વાર પછી)

પરિમલભાઈ : "દીકરા આરોહી ! સામાન બાંધવાની તૈયારી કરજો. કાલે સવારે આવર્તન તમને મૂકી જશે. અને હા, અહીંનું બધું અમે બાપ દીકરો મળીને સંભાળી લેશું. રૂપાબેનને રસોઈ કરવા બોલાવી લેશું. એમને આપણા રસોડાની બધી ખબર છે. એટલે અમારી જરાય ઉપાધિ નો કરતા, શાંતિથી રોકાજો હોં !"

આવર્તન સાત વર્ષનાં હતાં, અને પારિજાત દીદી બાર વર્ષના જ્યારે એમના મમ્મી આ ફાની દુનિયા છોડીને પરલોક સિધાવ્યા હતા. ત્યારથી બન્ને બાળકોને પપ્પાજીએ એકલાં હાથે મોટાં કર્યાં હતાં. અને હજુ પણ મા-બાપની બેવડી જવાબદારી નિભાવી રહ્યા હતા. આરોહીને આ ઘરમાં આવ્યે ત્રણ વર્ષ થયાં હતાં. અને આ ત્રણ વર્ષમાં એ માંડ ત્રણ વાર પોતાના પિયર રોકાઈ હશે. એ પણ પ્રસંગ નિમિત્તે, પ્રસંગ પત્યા સુધી. એના મમ્મી એને રોકાવા આવવા માટે વારંવાર આગ્રહ કરતા. પણ આરોહીનો જીવ જ નહોતો ચાલતો પપ્પાજી અને આવર્તનને મુકીને જવાનો.

આ વખતે પણ આરોહીને રોકાવા આવવા માટે આગ્રહ કર્યો, પણ એ માનતી ન હતી, એટલે એના મમ્મીએ સીધો પરિમલભાઈ અને આવર્તનને ફોન કર્યો. અને આરોહીને મોકલવા ભલામણ કરી. બીજા દિવસે બપોરે બાર વાગે આવર્તન, આરવ અને આરોહી પહોંચી ગયા. ખૂબ ઉમળકાભેર સ્વાગત થયું એમનું. ભાભીએ ત્રણેયની મનપસંદ વાનગીઓ બનાવી હતી. ભાઈએ, બધો સામાન આરોહીનાં ઓરડામાં ગોઠવી દીધો અને આરવને રમાડવા લાગ્યો. કેતકીબેન આરોહીને જમવા માટે બોલાવવા ગયા. પણ જોયું, તો આરોહી પરિમલભાઈ સાથે ફોનમાં વાત કરી રહી હતી.

"તમે જમ્યા ? શું બનાવ્યું રૂપાબેને ? કેવી હતી રસોઈ ? બરાબર હતી ? ના આવ્યા રૂપાબેન ? હું હમણાં જ વાત કરું એમની સાથે ! પહોંચી નહોતા શકવાના, તો ના પાડી દેવાય ને ! હું આવત જ નહિ અહીંયા ! ખોટા તમે હેરાન ! હું એટલે જ ના પાડતી હતી. પપ્પાજી ! એક કામ કરું, હું બે દિવસ રોકાઇને આવી જાઉં છું."

કેતકીબેને એની પાસેથી ફોન આંચકી લઇ, એમ વિચારીને સ્પીકર ચાલુ કરી દીધું. કે સાંભળું તો ખરી, વેવાઈ શું કહે છે ! ના, ના, આ તે કંઈ રીત છે ! હજી તો મારી દીકરીએ ઘરમાં પગ મૂક્યો, ત્યાં ફરિયાદો ચાલુ થઈ ગઈ ! અમે અમારી દીકરીને જાણે એમના ઢસરડાં કરવા જ ન પરણાવી હોય ! એવું હતું તો હોશિયારી કરીને મોકલાય જ નહિ ને ! આ વખતે તો બરાબર સમજાવી દેવા છે બાપ દીકરાને !

પરિમલભાઈ : "અરે મારી દીકરી ! કેટલી ઉપાધિ ! પહેલી વાર પિયરે રોકાવા ગયા છો બેટા ! અને અહીંયા અમને કોઈ તકલીફ ન પડે, એ રીતે બધું જ તો ગોઠવીને ગયા છો તમે ! એટલે હવે અમારી જરાય ચિંતા નથી કરવાની. રૂપાબેન આવ્યા નહોતા, પણ એમણે ટિફિન મોકલી આપ્યું છે. રસોઈ પણ આપણને માફક આવે એવી જ બનાવી છે. તમતમારે નિશ્ચિંત થઈને ત્યાં બધાં સાથે મોજ કરો. તમારો આ સમય તમારાં પિયરિયાંનો છે. ચાલો ત્યારે, ફોન મૂકું હવે. સુખી થાવ !"

કેતકીબેન : "ચલ દીકરા ! બહુ ભૂખ લાગી છે હવે. આવર્તનકુમારને પણ જવાનું મોડું થાય છે."

બધાંએ જમી લીધું. આવર્તન ત્યાંથી જ સીધો ઓફિસ જતો રહ્યો.

એ પછી આરોહી દિવસમાં બે વાર તો એના સસરાને ફોન કરે જ. એકવાર વિડિયો કોલ પણ કરી લે. કેતકીબેન જોયા કરે. મનમાં ને મનમાં ચિડાય પણ ખરા. અંતે ના રહેવાયું, એટલે કહી જ દીધું.

"આટલી ફિકર તે મારી કરી છે ક્યારેય, જેટલી તારા સસરાની કરે છે ? તું ખરેખર પારકી થઈ ગઈ છે ! તારી ભાભી પરણીને આવી, એને આઠ મહિના થયાં. છતાંય દર રવિવાર બન્ને માણસ બહાર જ જમીને આવે છે. હા, નીકળતાં પહેલા થોડું ઘણું તૈયાર કરીને જાય. પણ ક્યારેય એમ ના થાય કે ચાલો આજે મમ્મી સાથે ઘરે રહીએ, એ બહારનું કંઈ ખાતા નથી, તો ક્યારેક એમની સાથે બેસીને જમીએ. આઠ મહિનામાં ચાર વાર તો એ પિયરે પણ જઈ આવી. પણ હરામ છે, કે મારી ચિંતા કરીને આ રીતે દિવસમાં દસ વાર મને ફોન કર્યો હોય ! બે દિવસે એક વાર આવી જાય ફોન. પત્યું."

આરોહી : "જો મમ્મી, એમના જીવનની હજુ શરૂઆત થઈ છે. અને શરૂ શરૂમાં તો બધાને ફરવાનું, બહાર જમવાનું મન થાય. અને ભાભી આણું વાળીને પિયરે ગયા, ત્યારે જ સરખું રોકાયા હતા. અને ત્રણ વાર શુભ પ્રસંગોમાં હાજરી આપવા ગયેલા. એવા સમયે એમની પાસેથી વારંવાર ફોનની અપેક્ષા રાખવી ખોટી છે મા ! વળી તું તો એકદમ સ્વસ્થ છે, બધું જાતે કરી શકે એમ છે. એટલે ભાભીને તારી બહુ ચિંતા ન હોય એ સ્વાભાવિક છે. પણ એનો મતલબ એવો નથી, કે એમને તારા પ્રત્યે લાગણી નથી. એકવાર વાતવાતમાં મને ભાભીએ કહેલું,

"હું રવિવારે મમ્મી માટે રસોઈ કરીને નથી જતી, કારણકે એમને મારા હાથની રસોઈ બહુ ભાવતી નથી. અને એમનેય ક્યારેક તો કંઇક તો સારું ખાવાનું મન થતું જ હશે ! અમારી હાજરીમાં બનાવતા, કે ખાતા એમને સંકોચ ન થાય, એટલે અમે દર રવિવારે બહાર જમીને આવીએ છીએ."

હવે રહી વાત મારી, તો મારા સસરાને ડાયાબિટીસ અને બી.પી. બંને છે. વળી મારા સાસુજી પણ હયાત નથી. એટલે એમની કાળજી લેવાની જવાબદારી મારી છે."

કેતકીબેન : "ભારે પાક્કી છે તારી ભાભી ! તારો ભાઈ તો એને પૂછીને જ પાણી પીવે છે. હવે તુંય એની થઈ ગઈ. મને તો એમ હતું, કે દીકરી આવશે, તો એ એના ભાઈ-ભાભીને સમજાવશે. પણ તે તો મને જ ભાષણ આપવાનું શરૂ કરી દીધું. ઠીક છે ભાઈ ! મારી જ ભૂલ છે બધી. હું જ ખરાબ છું."

આરોહી (એમને વળગીને) : "મારી વ્હાલી મા ! ચલ, આજે આપણે બંને મળીને તારી ભાવતી વાનગી બનાવીએ. પછી બહાર ફરવા જશું."

બન્નેએ મળીને સાંજની રસોઈ બનાવી અને ફરવા નીકળી ગયા. અઠવાડિયું રોકાઇને આરોહી પોતાના ઘરે ગઈ.

ત્રણ મહિના પછી..

પરિમલભાઈ : "દીકરા આવર્તન ! વહુનાં ભાઈ-ભાભી પ્રસંગમાં હાજરી દેવા બહરગામ જવાના છે ને ? તો કેતકીબેનને અહીં રોકાવા બોલાવી લે ને ! બચાળા એકલાં કેમનાં રહેશે !"

આરોહી : "વાહ પપ્પાજી ! સારો આઈડિયા છે. હમણાં જ મારા સાળાને ફોન કરી, મમ્મીજીને મૂકી જવા કહી દઉં."

આયુષ કેતકીબેનને લઈ આવ્યો. આરોહી તો પોતાની મમ્મી અને ભાઈને જોઈને ખુશમ્મ ખુશ ! આયુષ રાત રોકાઈ, નીકળી ગયો.

પછીના દિવસે સવારે કેતકીબેન ઉઠ્યા. જોયું, તો આરોહી હજુ સૂતી હતી. અને પરિમલભાઈ માટલું વિછળીને એમાં પાણી ભરી રહ્યા હતા.

કેતકીબેન: હાય હાય ! વેવાઈ, આ શું કરો છો ? આ બૈરાંવનું કામ છે. આરોહી ઉઠશે, એટલે કરી લેશે."

પરિમલભાઈ : "આ તો ઘરનું કામ છે બેન. એમાં બૈરાં કરે કે પુરુષ, શું ફરક પડે !"

કેતકીબેન: "લે, ફરક તો પડે જ ને ! કોઈ જોઈ જાય તો શું કહે ?"

પરિમલભાઈ : "જુઓ બેન, આ ઘર જેટલું વહુનું છે, એટલું મારું પણ છે. તો ઘરનાં કામ પ્રત્યેની જવાબદારી એમની એકલાની કેમ ? એમને પણ આખો દિવસ કેટલાં કામ હોય છે ! ઘર, નોકરી, વ્યવહાર, તહેવાર બધું એકલાં હાથે સંભાળે જ છે ને ! એમાં આપણે થોડાં મદદરૂપ થઈએ તો ક્યાં ઘસાઈ જવાના હતાં ! કેતકીબેન : "આખી જિંદગી તો ઢસરડા કર્યાં. હવે વહુ આવ્યા પછી શાંતિથી પ્રભુ ભજન ન કરીએ !

પરિમલભાઈ : "ઢસરડા શાનાં ? આપણે કર્યું, એ આપણી ફરજ હતી. આ તો વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. આપણાં બાળકોનો ઉછેર ઢસરડામાં ન ખપાવાય બેન ! નવરાં પડીએ, એટલે મોટાભાગનો સમય નિંદા અને કૂથલી કરવામાં, કે દીકરા વહુની ભૂલો શોધવામાં જ વિતવાનો. પ્રભુ ભજનમાં નહિ. એના કરતાં ઘરમાં મદદરૂપ થઇએ, તો આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે. અને મન પણ પ્રફુલ્લિત રહે. હું તો એટલું સમજું બેન, કે લાગણીના સંબંધોમાં એકબીજાને અનુરૂપ થઈને જીવવામાં જ મજા છે."

( માટલું ભરાઈ ગયું, એટલે પરિમલ ભાઈએ દાળ-ચોખા પલાળી, લોટ બાંધી લીધો. આરોહી અને આવર્તન પણ ઉઠી ગયાં હતાં. એમણે ચા-નાસ્તો કર્યો, એટલી વારમાં પરિમલભાઈએ શાક સુધારીને તૈયાર રાખ્યું હતું. કેતકીબેન હજી આ બધું પચાવી નહોતા શક્યા.)

કેતકીબેન :"ગજબ છે તું આરોહી ! આટલું મોડું ઉઠાય ? આ તારા સસરા આમ બધું બૈરાંવનું કામ કરે એ કંઈ સારું લાગે છે ? મને તો શરમ આવે છે પોતાના ઉછેર પર ! "

આરોહી : "પહેલાં મને પણ બહુ શરમ આવતી. પપ્પાજી આ બધાં કામ કરે એ મને પણ નહોતું ગમતું. મેં કહ્યું, "ઘણા વર્ષ કામ કર્યું હવે આરામ કરો.

તો કહે, આરામ કરવા માટે આખી રાત પડી છે. દિવસ તો કામ કરવા માટે છે. આવર્તન મને નોકરી તો કરવા દેતો નથી. એ પણ એમ જ કહે છે, કે તમે હવે ઉંમર લાયક થયાં. ઘરમાં બેસીને પ્રભુ ભજન કરો. સાચું કહેજો દીકરા ! મારા જેવો એક સંસારી જીવ આખો દિવસ પ્રભુ ભક્તિ શકે ? અને ઘરનાં સદસ્ય હોય એ તો ઘરનું કામ કરે કે નહિ ? હા, તમે મને પારકો ગણતા હો, તો કામ કરવાની ના પાડજો. જો મને મહેમાન ગણતા હશો, તો તો મહેમાનની જેમ મારે પણ એક દિવસ આ ઘર છોડવું પડશે. અને જો વડીલ તરીકે મને કામ નહીં કરવા દો, તો મને એમ લાગશે, કે હું સાવ નકામો થઈ ગયો.

બસ, તે દિવસથી અમારા ઘરનો આ જ ક્રમ છે. આ વાત આડોશ-પડોશ, સગાં વહાલાં સૌ જાણે છે."

કેતકીબેને મનોમંથન કરવાનું શરૂ કર્યું. એમને પરિમલભાઈની વાત સો ટકા સાચી લાગી. અને એમણે પ્રણ લીધું, કે હવે પછીથી પોતે દીકરા-વહુને અનુરૂપ થઈને રહેશે. ઘરમાં મહેમાન નહિ, ખરા અર્થમાં મા બનીને રહેશે.

બસ, પછી તો વહુને પણ પોતાના જેવી રસોઈ બનાવતા શીખવી દીધી.

એ નોકરીએ જાય પછી કેતકીબેન પોતાના વ્યાજને સાચવે, એમને સારી સારી વાર્તાઓ કહે, ભજન શીખવે, ઘરનાં કામ શીખવે અને મોજથી રહે છે. કોઇએ સાચું જ કહ્યું છે. નજરિયો બદલાવશો, તો જીવન બદલાઈ જશે.

કેમ ખરું ને ?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational