STORYMIRROR

Narendra K Trivedi

Inspirational Children

4  

Narendra K Trivedi

Inspirational Children

નવલિકા...પરિવર્તનની એક ક્ષણ*

નવલિકા...પરિવર્તનની એક ક્ષણ*

5 mins
351

"દાદાજી તમે ક્યાં જાવ છો ?"

બીટુએ ફરી પૂછ્યું."દાદાજી તમે ક્યાં જાવ છો?"

મનુભાઈએ એક ચંપલ પગમાં પહેર્યું હતું ત્યાં બીટુ, મનુભાઈનાં 4 વર્ષનાં પૌત્રનો અવાજ સાંભળી બીજું ચંપલ પહેરતા અટકી ગયા. એમ જ ઉભા રહ્યા. ફરી અવાજ સાંભળી એમણે બીટુ સામે જોયું બીટુની આંખમાં પ્રશ્ન હતો, કે દાદાજી આપણે તો સાંજે બગીચામાં ફરવા જઈએ છીએ અને મને લીધા વગર તમે ક્યારેય બહાર નથી જતા તો અત્યારે સવારમાં ક્યાં જાવ છો ?

પ્રશ્ન વાંચી મનુભાઈ વિસામણમાં પડી ગયા. એક બે ક્ષણ રોકાઈ મહામહેનતે બીટુ સામે જોયા વગર કહ્યું "બેટા, મારે થોડું કામ છે એટલે બહાર જાવ છું ગળામાંથી માંડ માંડ શબ્દો નીકળ્યા હમણાં પાછો આવું છું."

"તો મને પણ સાથે લેતા જાવ."

"બેટા ત્યાં તારે સાથે ન અવાય ?" 

"શુ કામ ન અવાય ?હું તમને હેરાન નહીં કરું."

મનુભાઈની આંખમાં ઝળઝળિયાં આવ્યા. મહા પ્રયત્ને આંસુને રોકવામાં થોડું કષ્ટ પણ થયું.

"દાદાજી, તમે મને લીધા વિના ક્યાંય બહાર નથી જતા, તો આજે કેમ જીદ કરો છો."

અને જીદ કરો છો શબ્દ સાંભળી મનુભાઈની આંખમાં ઝળઝળિયાં બનીને રોકાયેલા આસું આંખમાંથી દડ દડ વહેવા લાગ્યા. બીટુ વિચારમાં પડી ગયો એણે કદી મનુભાઈને રડતા જોયા નહોતા.

"દાદાજી તમે રડોમાં હું સાથે આવવાની જીદ નહીં કરું." મનુભાઈએ મનમાં કરેલો નિર્ણય, બીટુનાં શબ્દો અને આંખમાંથી વહેતા આસુંમાં ઓગળી વહી ગયો. તેણે બીટુને તેડી લીધો અને સોફામાં બેઠા,

"હા બેટા આપણે સાંજે બગીચામાં ફરવા જઈશું તે મને મહા સંકટમાંથી ઉગારી લીધો."

મનુભાઈનાં બાપા નાના ગામડામાં રહેતા હતા. ગામ લગભગ 4000ની વસ્તીવાળુ હતું અને બે ત્રણ કરિયાણાની દુકાન હતી. મનુભાઈના બાપાને કરિયાણાની દુકાન હતી. નાનું ગામ હતું અને ફક્ત બે ત્રણ દુકાન હોવાથી તેમનું ગુજરાન સરળતાથી ચાલતું હતું. ગામડાનું ભણતર પૂરું કરી મનુભાઈ શહેરનો અભ્યાસ પુરો કરી પોતાનાં બાપાની દુકાને કામકાજમાં લાગી ગયા. પણ ગામમાં બીજી પણ ત્રણ ચાર દુકાનો કરીયાણાની થઈ હતી ગામની વસ્તીમાં કઈ ઝાઝો વધારો થયો નહોતો.

એક દિવસ મનુભાઈ એ એના બાપાને કહ્યું "બાપા નાના ગામમાં વસ્તીનાં પ્રમાણમાં દુકાન વધારે છે. હું શહેરમાં જઈ આગળ વધવા માંગુ છું. ત્યાં હું વ્યવસ્થિત થઈ જાવ પછી તમને અને મારી બા ને તેડી જઈશ."

મનુભાઈએ શહેરમાં નાની દુકાનથી શરૂઆત કરી ખંત, મહેનત, ઇમાનદારીનાં પુરસ્કાર રૂપે થોડા સમયમાં નાની કરિયાણાની દુકાનમાંથી નાનો પ્રોવિઝન સ્ટોર થઈ ગયો. બા, બાપાને પણ ગામડેથી તેડાવી લીધા. મનુભાઈનો નાનો પ્રોવિઝન સ્ટોર અને મનુભાઈનું ગૃહસ્થ જીવન પુરપાટ દોડવા લાગ્યું. મનુભાઈનો દીકરો અજય પણ અભ્યાસ પૂરો કરી મનુભાઈની જેમ મોટા ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાં મનુભાઈ સાથે કામે લાગી ગયો. અવસ્થા એ પહોંચેલ મનુભાઈનાં બા, બાપા પ્રભુના ધામમાં પહોંચી ગયા. મનુભાઈનાં પત્ની પણ કોઈક અસાધ્ય રોગમાં સપડાતા તેની ઈચ્છે પ્રમાણે અજયનાં લગ્ન પણ જ્ઞાતિની સારી કન્યા અને સારા કુટુંબમાં સંપન્ન કરી નાખ્યા. એ પછી થોડા સમયમાં તેણે પણ મનુભાઈનો સાથ છોડી દીધો.

એક દિવસ અજયે કહ્યું

"બાપા તમે સખ્ખત પરિશ્રમ કર્યો એનું આ પરિણામ છે. એક નાની દુકાનમાંથી આજે આપણી પાસે મલ્ટી સ્ટોરીડ ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે. હું પુરેપૂરો ધંધામાં પારંગત થઈ ગયો છું, અને હવે આરામ ઉપર તમારો અધિકાર છે. તમે પૂજા પાઠ અને બીટુ સાથે સમય પસાર કરો તેવી મારી પ્રાર્થના છે."

મનુભાઈ શરૂઆતમાં ક્યારેક ક્યારેક સ્ટોર ઉપર જતા પણ પછી તે પણ બંધ કરી દીધું હતું. પણ આ વાત અજયની પત્ની વિભાને નહોતી ગમી. વિભાએ અજયની સાથે વાત પણ કરી હતી અને અજયે કહ્યું હતું "

બાપાએ ખૂબ પરિશ્રમ કર્યો છે હવે તેનો આરામનો સમય છે. અને બાપાને કોઈ તકલીફ ન પડે તેની જવાબદારી તારી છે."

વિભા થોડીક સ્વતંત્ર રીતે જીવન જીવવાની શૈલીવાળી હતી. મનુભાઈ કઈ દખલગિરી નહોતો કરતા પણ વિભાને મનુભાઈની ઘરમાં સતત હાજરી ગમતી નહોતી એને સ્વતંત્ર વાતાવરણ જોઈતું હતું. વિભા, મનુભાઈને અવગણતી, ધ્યાન ન આપતી, બીટુને બોલાવી લેતી, સવારે જમવામાં પણ ધ્યાન ન આપતી, રાત્રે તો અજયે નક્કી કર્યું હતું કે તે બાપા સાથે જમશે અને તે મોડામાં મોડો આઠ વાગે ઘરે આવી જતો. મનુભાઈ બધું સમજતા હતા. પણ તેને અજયને વાત નહોતી કરવાની ઈચ્છા કારણ કે તે સમજતા હતા કે અજય, વિભાનું આ પ્રકારનું વલણ નિભાવી નહીં લે અને તેના દામ્પત્ય જીવનમાં ખટરાગ ઉભો થશે. એવું એ નહોતા ઇચ્છતા, આ માં અજયનો શુ દોષ એમ વિચારતા.

પણ થોડા સમય પછી એવી સ્થિતિ ઉભી થઇ કે મનુભાઈને અણગમતો નિર્ણય લેવાની ફરજ પડી અને એ નિર્ણયને અમલમાં મૂકવા જ મનુભાઈ સવારે બહાર જવા નીકળતા હતા. મનુભાઈ જ્યારે પ્રોવિઝન સ્ટોર સાંભળતા હતા ત્યારે તેમની મુલાકાત રસિકભાઈ સાથે થઈ હતી. રસિકભાઈ માતૃ વૃદ્ધાશ્રમનાં સંચાલક હતા અને તે વૃદ્ધાશ્રમ માટેની વસ્તુઓ મનુભાઈ પાસેથી ખરીદતા હતા. મનુભાઈ પણ વૃદ્ધાશ્રમ માટેની ચીજ વસ્તુમાં ઓછામાં ઓછો નફો લઈને આપતા હતા આથી બંને વચ્ચે પાકી ભાઈબંધી થઈ ગઈ હતી અને રસિકભાઈએ કોઈ પણ કામ હોય તો તેને અચૂક યાદ કરે એવી તાકીદ કરી હતી.

આજે મનુભાઈ, રસિકભાઈ પાસે વૃદ્ધાશ્રમમાં જ રહેવા જવા નીકળતા હતા. ત્યાં જ બીટુની કાલીઘેલી ભાષા એ નિર્ણયને તજી દેવાની ફરજ પાડી અને મનથી નક્કી કરી નાખ્યું કે બસ મારે હવે બીટુ સાથે, બીટુ માટે અહી જ રહેવું છે. થયું હતું એમ કે વિભા તેની સહેલી સાથે વાત કરતી હતી. આમ તો મનુભાઈને કોઇની વાત સાંભળવાની આદત નહોતી પણ તેના કાને વાત દરમ્યાન તેનું નામ બે ત્રણ વખત વિભાએ લીધું એટલે તે સાંભળવા ઉભા રહ્યા. વિભા તેની સહેલીને કહેતી હતી કે "હું ક્યાં તારી જેમ સ્વતંત્ર છું મારે તો આ માથે પડેલી જવાબદારી છે. બીટુય દાદાજી દાદાજી કરતો મટતો નથી. મારા અજયને તો બાપાનું ભૂત માથે સવાર થઈ બેઠું છે. મારી વાત કે પરિસ્થિતિ કોઈને સમજવી કે સાંભળવી નથી, ખબર નથી આમાંથી ક્યારે છુટકારો મળશે."

અને આ વાત મનુભાઈને દિલમાં ઠેશ પહોંચાડી ગઈ જીવન ભારે લાગવા માંડ્યું પણ આ વાત અજયને નહોતી કરવી, વાત કરવાથી અજયનો ભ્રમ ભાંગી જાય અને ઘરમાં ક્લેશ ઉભો થાય તેમજ વૃદ્ધાશ્રમ જવા માટે ક્યારેય તૈયાર ન થાય. પછીની વાત રસિકભાઈની મદદથી સાંભળી લઈશ એમ વિચારી નિર્ણય કરેલો કે સવારનાં અજય ગયા પછી નીકળીશ.

બીટુ દાદાજી માટે પાણી લઈ આવ્યો પાણી પાયું પણ એને એ ના સમજાયું કે મેં દાદાજીને કેમ બહાર જાવ છો એ પૂછ્યું એટલે દાદાજી રડવા લાગ્યા ને પછી મારી વાત માની સાંજે બગીચામાં ફરવા જવાનું કહ્યું. મનુભાઈ પણ મનોમન ખુશ થયા કે સારું થયું બીટુ એ પ્રશ્ન કરી મારા નિર્ણયને પરિવર્તિત કરી નાખ્યો. મારી પાસે મુદ્દલ- અજય અને મુદલનું વ્યાજ રોકડું બીટુ છે પછી મારે શું ચિંતા, હવે ક્યાં કાઢ્યા એટલા કાઢવાના છે. માણસે દરેક પરિસ્થિતિનું સમાધાન શોધી લેવું જોઈએ હું એમજ કરીશ અને બધી બાબત ભૂલી મનુભાઈ એ બીટુને ઝૂલા ઉપર ઝુલતા ઝુલતા વાર્તા કહેવાની શરૂ કરી.

એક હતો રાજા...


Rate this content
Log in

Similar gujarati story from Inspirational