નુકુર
નુકુર


એય ! ઉભો થા ને ! આ તડકો માથે ચડી આયો સ ન...
હજુ અઘોરીની માફક પડ્યો છ. આ છેતરે જવાનું કહીએ એટલે બસ બાપડાઓના ટાંટીયા જ ભાજી જાય છે. તારો બાપ તો છેતરમાં જ આખો દાડો પડ્યો રેતો’તો. મુઆ આમ ને આમ જોર આવાસ જત. ખબર નઈ શું થઇ ગયું છ આ પેઢી ન.……... આવા શબ્દોની વણઝાર એક ખેડૂત પિતાના મુખમાંથી નીકળી છે. પોતાના પુત્રને સંભળાવે છે.
પુત્રે તો બે દાયકા પહેલાં જ ખેતરમાં જવાનું બંધ કરી દીધું છે. એ પોતાનો સ્વતંત્ર ધંધો કરે છે. કંઈ કામ હોય છતાં ખેતરમાં પગ ના મૂકે અને જો કદાચ ના છૂટકે જવાનું થાય તો કોઈ મજૂર કરીને કામ કઢાવી લે.
મોટાભાઈ પૂછે, કેમ કિશન તને પપ્પાએ ખેતરમાં જવાની ના પાડી નથી. છતાં વર્ષો વીતી ગયા તું કેમ ત્યાં જતો નથી. આજે તો તારે મારી સાથે આવવું જ પડશે, ફટાફટ તું નાહી ને ચા-પાણી કર. હું તારી રાહ જોવું છું. સાથે જઈએ.
કિશનનું હૃદય અને મન ના પાડે છે, છતા, આજે મોટાભાઈનું માન રાખવા, વરસો પછી ખેતરમાં પગ મૂકે છે, અને એની આંખો કંઈક ખોવાઈ ગયેલું શોધે છે.
મોટાભાઈ બોલ્યા, જો કિશન ! આપણા ખેતરમાં કેટલી હરિયાળી છે, પાક કેવો માલે છે, તું ભૂંડા જોવાય ન’તો આવતો, હા, ભાઈ ! તમારી વાત સાચી છે, આજે હું આખો દિવસ અહીં રોકાવા ઇચ્છું છું. તમે ઘરે જાઓ.
ભલે ભાઈ જેવી તારી ઈચ્છા. મોટો ભાઈ જેવો ઘર તરફ રવાના થાય છે અને આ બાજુ વર્ષો સુધી સંગ્રહાયેલા આંસુનો ધોધ ધરતી પર પડે છે. જાણે ઘોડાપૂર ના આવ્યું હોય. એક પડછંદ છાતીવાળો પુરુષ પીગળી રહ્યો છે. આંખ સામે અંધારા આવે છે, એ લીમડાના વૃક્ષ નીચે બેસી જાય છે અને ખેતરમાં લહેરાતા પવનમાં અલગ પ્રકારની સુવાસ પ્રસરે છે.
કિશન મને ખાટા મીઠા બોર બહુ ભાવે છે, લાવી દેને અને તારા હાથથી ખવરાવજે હો….. નહીતર હું ક્યારેય બોર નહીં ખાઉં !
મારી મા ! મારું લોહી ના પી ! ખવડાવીશ અને એનું ખડખડાટ હાસ્ય આખા છેતરમાં રેલાઈ જાય છે. ખેતરની આજુબાજુ ઊભેલા વૃક્ષોને પણ કદાચ એમ થતું હશે કે આ રૂપાળી રાધા અમને પણ એના બાહુપાશમાં જકડી દે. એવું તો એનું રૂપ.
રાધા તને ખબર છે ને, મારું ભણતર તારા કરતાં ઓછું, તું હજુ ભણે છે. મારા માથે પરિવારની પણ જવાબદારી. હું મધ્યમવર્ગી છોકરો. તું મારી સાથે કેમ રહી શકીશ ? એ કાળીયા ! કિશન, હું તારા માટે કંઈ પણ કરી શકું છું, કે'ને મારી સાથે લગ્ન કરીશ, હું તારા વગર જીવી નહીં શકું.
તું હજી નાની છે, મારી રાધા, તું તારી કારકિર્દી બનાવ. મારી બા ! આના માટે તો ઘણા દિવસો બાકી છે, ચાલ હવે ઘરે.
એક શરતે ઘરે આવું ! બળદગાડામાં બેસાડવી પડે અને સવારે પાછી તું ખેતરે આવે એટલે સાથે લઈ આવવી પડે મંજુર છે ? તો આવું ! એનો એ મધુર અવાજ કિશનના કાન ફાટી જાય એવું હમણાં તે અનુભવી રહ્યો છે.
રાધા એ દર વેકેશનમાં કિશનના ઘરે આવે, કિશનની બહેન રાધાની કાકી થાય. રાધાને ખેતરનો બહુ શોખ, એટલે જ્યારે આવે ત્યારે ખેતરમાં અચૂક જાય. કિશનને કામ કરતા કરતા જુવે અને એની પ્રત્યે કુણી લાગણી જાગે. એને પકડીને ચૂમી લેવાનું મન થાય. પણ, કરી ના શકે. કિશન એના પ્રેમને સમજતો હતો અને ચાહતો, પણ એનો સ્વીકાર કરીને એને દુઃખી કરવા નહોતો માંગતો.
વેકેશન પૂરું થવા આવે, એટલે રાધા ઉદાસ થઈ જાય. વળી વરહનો વિરહ એની આંખો રોઈ રોઈને સૂઝી જાય એને થાય કે કહી દઉં ચાલને આપણે બધા જ બંધનમાંથી મુક્ત થઈ જઈએ.
રડતી આંખે અને ભરેલા હ્રદયે બોલી ! કિશન જાઉં છું, તારી યાદો સાથે આવતા વર્ષે આવું. એટલે તું મારો સ્વીકાર કરીશ એવી આશા સાથે, મારા કાળીયા તારું ધ્યાન રાખજે મારા માટે…..
દિવસો પસાર થતા વાર નથી લાગતી. વળી પાનખર ઋતુ પછી વસંતનું આગમન વિરહ પછીના મિલનની ઘડી કેવી હોય એ તો કદાચ પ્રેમીયુગલ જ જાણી શકે.
( એક વર્ષ પછી રાધા જ્યારે કિશન ના ઘરે જાય છે ત્યારે )
રાધા ચાલ તને ખેતરેલઇ જઉં, કિશને સામેથી કહ્યું, રાધા ખૂબ ખુશ થઈ, સરસ તૈયાર થઈને ખેતરમાં ગઈ. લીમડાના ઝાડ નીચે બેઠા. કિશને ત્રુટક શબ્દો દ્વારા બોલવાની શરૂઆત કરી. રાધા હું તને મારા જીવથી પણ વધારે ચાહું છું. તારા જેવી પ્રેમિકાને પત્ની બનાવવા બધા ગાંડા થઈ જાય. પણ હું અભાગીયો તારો સ્વીકાર નહીં કરી શકું. મને માફ કરજે મારી રાધા આજ પછી ક્યારે આવતી નહીં. હું તને ભૂલવા માંગુ છું અને હા, ખૂબ ભણજે, સારી નોકરી મેળવજે, સારો છોકરો જોઈ પરણી જજે.
રાધા આં બધું સાંભળી રહી છે,કંઈ પણ જવાબ આપવા સક્ષમ નથી,આંખોના નીર રોકાતા નથી, રાધા કંઈ જ બોલાતી નથી, બસ એટલું જ કહે છે, ‘જેવી તારી મરજી’ પણ એકવાર તારો સ્પર્શ મને કરવા દે, કિશન તેને આલિંગનમાં જકડી લે છે,જાણે કે સૌમનસ્યગુફાનો ઈ દિવસ.તે પણ એવું ઈચ્છે છે કે રાધા એનાથી દૂર ના થાય પણ........
ચાલ તારા ઘરે તને મૂકી જઉ, બસ, પછી રાધાના સમાચાર એની બહેન પાસેથી મેળવે પણ રાધાએ ત્યારે ક્યારેય કિશનના સમાચાર પૂછ્યા નથી ! રાધાએ એની તમામ ઈચ્છાઓ દમિત કરી દીધી. અજાગ્રત મનમાં ધકેલી દીધી. પાછું વળીને ક્યારેય પણ એ રસ્તા તરફ જોયું નથી. જેની પાછળ અડધું ગામ પાગલ થઈને ફરતું, એની એક ઝલક જોવા યુવાનો તડપતા એવી અપ્સરાને પણ ઢાંકી દે તેવી સુંદરીનો અસ્વીકાર એ રાધા માટે વસમુ હતું.
આ ઘટના પછી પતંગિયાની જેમ ઉડતી, હસતી, રમતી એક કન્યા ક્યારે મુગ્ધ બની ગઈ કોઈને ખબર ન પડી. પહાડમાંથી જ્યારે ઝરણું નીકળે છે ત્યારે કેવો અવાજ કરે છે, એ ખળખળ અવાજ દરિયાને મળતા જ સમી ગયો.
કિશન ખેતરમાં બેઠો બેઠો ઝૂરે છે. મારી રાધા મેં તને બહુ અન્યાય કર્યો. આજે બે દાયકા પછી પણ તું મારા હૃદયમાંથી દૂર થઈ નથી. તારા શરીરની સુગંધ હજુ મારા નાકના ટેરવે છે અને શ્વાસ લેવાની સાથે મારા શરીરને નવો ઉન્માદ પ્રેરે છે. તું મારી પત્ની હોત’તો. આજે હું પ્રગતિના શિખરો સર કરતો હોત. મારી પત્નીના મેણા મારાથી સહન થતા નથી. ”’એ નાલાયકે તો તને શું ચખાડી દીધું છે કે એના વગર બીજું કંઈ સૂઝતું જ નથી. મારું પડખું સેવતા પણ તું એનું નામ જ બોલી ઊઠે છે. મારા સંસારમાં આગ લગાવી ગઈ છે.... અને હા એના ફોટા આલ્બમ માંથી કાઢી દેજે, નહીંતર મારા પિયરે ચાલી જઈશ. બે છોકરા સાથે લઈ જઈશ સમજ્યાં......’
બાળકોનો પ્રશ્ન આવતા કિશન બિચારો કંઈ બોલી ન શકે, ધંધામાં આખો દિવસ કામ ન હોય છતાં ત્યાં રોકાયેલો રહે, રાધાની જગ્યાએ હવે બીજી સ્ત્રી છે, બસ એ જ વિચાર અને એને જીવવા દેતો નથી. વર્ષો પછી એક વાદળ મન મૂકીને સાંબેલાધાર વરસ્યું છે, એ પણ એના પ્રેમના સાક્ષી બનેલા ખેતર સામે, પવનના સુસવાટા પણ રાધા રાધા નામ વિલાપી રહ્યા હોય એવો એનો ભાસ થાય છે,આખા ખેતરમા સ્કર્ટ-મીડીમાં દોડતી રાધા જ દેખાય છે, વાદળ વરસીને ખાલી અને શાંત થઇ ગયું છે. આકાશ સ્વચ્છ થતાં મનરૂપી અજવાળું પથરાય છે.......
એકાએક મોબાઈલની રીંગ રણકે છે. પોતાના બનેવીનું મૃત્યુ થયું છે. જલદી બેનના ઘરે પહોંચવાનું છે. કિશનનો પરિવાર બેનની સાસરીમાં પહોંચે છે. કિશનની બહેન બહુ દુઃખી છે, બધી જ ક્રિયાઓ પૂર્ણ થાય છે. બધા શોકમગ્ન થઇ ને બેઠા છે. પુરુષોનું ટોળું બહાર આંગણામાં તો સ્ત્રીઓનું ઘરમાં. પુષ્પાને સમજાવે છે કે ‘મરનાર વ્યક્તિ પાછળ કોઇ મરતું નથી, તારા છોકરા માટે તારે જીવવાનું છે…….’
ને એકાએક સફેદ વસ્ત્રો ધારણ કરેલી એક યુવતી ખૂબ આક્રંદ સાથે રડતી દાખલ થાય છે અને કિશન નું ધ્યાન ત્યાં જાય છે. કિશનને તે દેખાય છે. કિશન એક ખોંખારો ખાય છે અને રાધાનું ધ્યાન તેની તરફ જાય છે. બંનેની આંખો મળે છે. આંખોમાં ઘણા બધા પ્રશ્નો છે પણ જવાબ નથી. રાધાની આંખમાંથી આંસુ વહ્યા કરે છે. કિશનને થાય છે કે હમણાં અહીંથી ઉઠીને એના આંસુ મારી મુઠ્ઠીમાં સમાવી લઉં, પણ તે મૃગજળ જેવું સાબિત થાય છે.
કિશન વિચારે છેકે જ્યાં સુધી અહીં રે’વાનું છે ત્યાં સુધી એકવાર રાધા જોડે વાત કરી લઉં, એનો અવાજ સાંભળવા માટે એ તલસી રહ્યો છે. રાધા કામ સિવાય કોઈની સાથે વાત કરતી નથી કે બોલાતી નથી. એ એના બાળપણના રૂમમાં જઈ કંઈ શોધ્યા કરે છે.
આજે સવારે અચાનક એની તબિયત ખરાબ થઈ ગઈ. ઘરના બધા ચિંતાગ્રસ્ત છે. દવા આપીને તેને સુવડાવી છે. પરિવારજનો નીચે બેઠા છે. મરણવાળુ ઘર છે. બાર દિવસ સુધી લોકોની અવરજવર રહે છે, કિશને નક્કી કર્યું કે આજે તો એની સાથે વાત કરવી છે. હિંમત કરીને એના ઓરડામાં જાય છે. એ સૂતી છે, ચહેરા પર વાળની લટ છે, હોઠ સુકાયેલા, ક્ષીણ અને રૂક્ષ ચહેરો હળવેકથી કિશન એની બાજુમાં બેસીને માથા પર હાથ ફેરવે છે અને એના આંસુ રાધાના કપાળ પર પડતાં તે જાગી જાય છે. રાધા એને જોઈ રહે છે.
કિશન મારા નસીબમાં પુરુષનો પ્રેમ વિધાતા એ લખ્યો જ નથી. આ નદી ભલે સાગરને મળી, એની અંદર હું એકરૂપ થઈ ગઈ પણ સાગરમાં તો ઘણી બધી નદીઓ સમાય છે ને ? એમાં મારું સ્થાન હું પામી ના શકી.
રોજ અંધારી રાતે એક વરૂ મારા શરીરને ચૂંથે છે. મારું અસ્તિત્વ ત્યાં હણાય છે, મારા શરીર પર ઉઝરડા પડી ગયા છે જે અસહ્ય છે, ઘણું સહન કર્યા પછી આજે હું એકલી જીવી રહી છું. મેં ઘૂઘવાટા ભર્યા સાગરનો ત્યાગ કર્યો છે. સમાજે બહુ મેણાં-ટોણા માર્યા પણ હું એનાથી ત્રાસી ગઈ હતી. એવું થતું કે ધરતીમાતા માર્ગ આપે તો એમાં સમાઈ જવું.
હું કેટલી અભાગણી ! એક પુરુષને મારા સાત્વિક પવિત્ર પ્રેમને ઠોકર મારી, એને મારું હૃદય ભગ્ન કર્યું અને બીજા પુરુષો એ મારા શરીરને….
કિશન મારી પર ઉપકાર કરીશ. તારા જ હાથે મને મારી નાખ. હું મારી જાતને ધન્ય સમજીશ…. અથવા આ કપટી દુનિયાથી, સમાજનો ડર રાખ્યા વગર ક્યાંક દૂર લઈ જા….
આજે કિશન અને રાધાના સંવાદને છ મહિના પૂરા થઈ ગયા. કોઈને ખબર નથી કે કિશન અને રાધા ક્યાં છે ? જીવે છે કે નહીં, ઘરના લોકો કાગડોળે રાહ જોઇ રહ્યા છે.