Rajput Lalsingh

Inspirational Others

4.7  

Rajput Lalsingh

Inspirational Others

નિવૃત્તિ

નિવૃત્તિ

8 mins
321


મણિલાલ સવારના પહોરમાં શહેરના પ્રખ્યાત ‘આલ્ફા’ બગીચામાં લટાર મારીને ઘરે વળતા થયા છે. ઘરે જવાની કોઈ જ ઉતાવળ નથી. તેમના બંને દીકરા તેમની કાળી કમાણી કહો કે વગર પરસેવાના પૈસાથી મોટો દીકરો કેનેડા અને નાનો દીકરો સરકારી શાળામાં શિક્ષક તરીકે સેટ થઈ ગયો છે. રસ્તામાં તેમની નજર એક ઘરની સામે જાય છે. ત્યાં મેદાનમાં બાળકો તેમની મસ્તીમાં રમી રહ્યા હોય છે. એક વૃદ્ધ દૂર બેઠાબેઠા આ બાળકોને જોઈ રહ્યા છે. વૃદ્ધના ચહેરા પર કોઈ ભાવ કળી શકાતો નથી. મણિલાલ મલકાતા મલકાતા પોતાના ઘરે જઈને ઘરમાં પ્રવેશતા જ તેમની ધર્મપત્ની ને પૂછે છે.

અલ્યા ! સવારના પહોરમાં કોઈનો ફોન આવ્યો હતો કે ?

 ના કોઈ રીંગનો રણકાર મેં નથી સાંભળ્યો.

હંમેશા હકારાત્મક પ્રતિભાવથી કેળવાયેલા મણીલાલને સહેજ આશ્ચર્ય થાય છે. કપાળમાં ત્રણ કારમી લીટી તણાઈ જાય છે. તેમના ધર્મપત્ની ચાના કપ સાથે નાસ્તો મૂકી જાય છે.

કોઈનોય નહીં ?

ના.

કેમ ! કોઈનો ફોન આવવાનો હતો ?

ના, ના, આ તો મને થયું કે ઓફિસમાંથી સાહેબ અથવા સ્ટાફે મને ફોન કર્યો હશે.

વિલાયતી પેગ મારતા હોય તેમ મણીલાલે ચા પીધી.

       મણિલાલ પોતે અઠવાડિયા પહેલાં જ શિક્ષણ ખાતાના હેડ ક્લાર્કમાંથી નિવૃત્ત થયા છે. આ સાત દિવસમાં તેમણે તમામ સગાવહાલાના ઘરે ફરી લીધું છે. સર્વિસ કરતાં વધુ અનુભવ આ સાત દિવસમાં મેળવી ચૂક્યાં છે. છતાં પણ હજુ એજ ઠઠાગ્રહ. કહેવત છે ને કે,

‘સોળે શાન ને વીસે વાન’ આવી જાય.

       પોતે હજુ જિલ્લાના હેડ ક્લાર્ક તરીકેના રૂપમાં જ રમી રહ્યા છે. મણિલાલ પુરા ચાલીસ વર્ષની નોકરી પછી નિવૃત્ત થયા છે. તેમને અત્યારે તો કોઈ તકલીફ નથી પડી. નિવૃત થયાનો આનંદ છે. આ સમય દરમિયાન કોઈ એ.સી.બી નહીં, કોઈ છાપામાં પોતાના વિશે ખરાબ પ્રતિભાવ નહીં, શિક્ષકો આલમમાં પોતાનો રૂઆબ એટલો કે શિક્ષકો ડી.પી.ઈ.ઓ પહેલા પોતાને મળે. લગભગ તો પોતે જ બધુ પતાવી નાખે. તેમના નિવૃત્તિના સમાચાર ફોટા સાથે અલગ-અલગ છાપાઓમાં આવ્યા હતા. તે છાપાઓ પોતે સાચવીને રાખ્યા હતા. નિવૃત્તિ- સન્માન વિધિના દિવસે તેમણે સાંભળેલા શબ્દો હજી તેમના કાનમાં કર્ણ પ્રિય થઈ રમ્યા કરે છે.

       ‘મણિલાલની કામ પ્રત્યેની કર્મ ભાવના, મજબૂત મનોબળ, અધિકારીઓ પ્રત્યેનું માન, સૌથી પહેલાં ઓફિસમાં આવી જવું, કામનો જીવડો, વફાદારી, આગવી કાર્યકુશળતા, અધિકારીની ગેરહાજરીમાં બધું જ કામ કરાવી લેવાની આવડત, ( હાજરીમાં પણ એટલી જ ) જે ગાંધીનગર એકલા જઈ શિક્ષકોના અટકેલા ઇજાફા, પગારપંચના નાણાં, નવ-બાર-એક્ત્રીસના ગ્રેડ, સર્વિસબુકની નોંધો, કોઈના ખાસ ઓર્ડર, શિક્ષક સમાજમાં સન્માનનીય વ્યક્તિ, અડધી રાતે લોકો માટે દોડતાં, ઓફિસમાં રાત્રીના નવ સુધી રહી, પોતાનું ઓછું ને બીજાનું વધારે કામની પતાવટ કરતાં, સેવાભાવીની છાપ ધરાવતાં, કર્મનિષ્ઠ, સદાય હસમુખા, ગુણ ધરાવતાં…..’

       આવું તો કેટલાય મહાનુભાવો મણિલાલ વિશે બોલ્યા હતા.

આમેય આજકાલ લોકો વિદાય કે નિવૃત્તિ પ્રસંગે સાચું ઓછું ને સારું વધારે બોલે છે. સાચી અને વિપરીત બાજુ એ હતી કે તેમને કોઈ કામ પૈસાની લેતી-દેતી વિના કર્યું જ નથી. એ પછી કોઈની બદલી હોય, નવું મહેકમ હોય, બીજા ઇજાફો હોય કે કોઈની નોટિસનો ખુલાસો હોય કે સર્વિસ બૂકની નોધ હોય. જાતે જ સાહેબની મુલાકાતમાં ખોટા પ્રશ્નો ઊભા કરવા, ખામીઓ દર્શાવવી, પેરા નીકાળીને જાતે જ સમાધાન (પતાવટ) કરાવી પોતાના મનનું કરી લેવાની કળા બખૂબી ધરાવતા હતા. અરે ! બહેનો તો એમના નામથી જ થર થર કાંપતી હતી. શરૂઆતમાં ધાક-ધમકી, લેખિત ખુલાસો આપવો અને અંતે દમડી નહીં તો ચમડી લઈ પોતાની તેમજ સાહેબની ભૂખ સંતોષવાની ખરાબ આદતની સાથે સાથે દાનત પણ ખરી.

       હવે મોબાઈલમાં કોઈનો વોટ’સ અપ મેસેજ કે રીંગ આવતી નથી. કોઈ સામે મળે તો નજર ઝુકાવી અથવા રસ્તો બદલીને ચાલ્યું જાય છે. પોતે પણ ખરા અકળાયા છે. ઉતરતો અમલદાર કોડીનો. સત્તા હતી ત્યાં સુધી શાન હતી, સત્તા હતી ત્યાં સુધી બધું જ સુંવાળુ હતું. શેહ, શરમ હતી. હવે તો સત્તા વગરની શાન પણ નકામી તેનું ભાન તેમને હવે થવા લાગ્યું.

      અને પોતે પોતાના સન્માનપત્રને જોઈ રહેલા, પોતાના ગુણ ગાનની સ્તુતિમાં ખોવાયેલા મણીલાલને તેમની પત્નીએ ભંગ પાડ્યો.

       આજે પૂનમ છે, તો દર્શન કરવા જવું છે.

મણિલાલ થોડો ખચકાટ અનુભવે છે. કાયમ ના પાડનાર મણિલાલ થોડા ખચકાય છે અને કહે છે,

‘આવતી પૂનમે જઈએ તો !’

આજે વિચાર છે કે ઓફિસે જઈ આવું. ભલે કહી તેમના પત્ની ચાલ્યા જાય છે.

       મણીલાલનું મન વિચારોના વમળમાં ગોળ ગોળ ફરવા લાગે છે. ઝટપટ ઈસ્ત્રી કરેલાં કપડાં પહેરી નવી લાવેલી ગાડીની ચાવી હાથમાં ફેરવતા ફેરવતા બહાર જવા નીકળે છે. ગાડી પર જામેલી ધૂળ કોરા કપડાથી ખંખેરે છે. ધૂળ પણ આગલી સાંજે આવેલા વંટોળથી ગાડીની અંદર પણ પ્રવેશી ચૂકી હતી. અરીસામાં પોતાનો ચહેરો સ્પષ્ટ જોઇ ન શકતાં પાણીનો છંટકાવ કરી, જુના છાપાથી સાફ કરે છે, મનમાં ધૂળ સાફ કર્યાનો થોડો અહેસાસ થાય છે. ટાયરની હવા તપાસી લે છે. ગાડીને સોસાયટીના નાકે જઈ પાનના ગલ્લે એકસો પાંત્રીસના મસાલાનો ઓર્ડર આપે છે. ગાડી હજી ચાલુ સ્થિતિમાં જ હતી. શહેનશાહી અદાથી મસાલાની ફાંકી મારી પોતાની જૂની ઓફિસ તરફ જવા નીકળે છે. મસાલાની મજા માણે છે. રસ્તો કપાતો જાય છે. તેઓ વિચારતા જાય છે.

       એક અઠવાડિયું પૂરું થઈ ગયું. ખબરે ન પડી. હું આ ઘરે જ છું. ક્યાંય બહાર- વિદેશ ફરવા તો ગયો નથી. તો આ સાહેબને ખબર નહીં હોય. આ માસ્તરોના કેટલા બધા કામ અટવાયા હશે. સાંભળ્યું છે કે પેલા ઈસ્માઈલને હેડ કારકૂન બનાવ્યો છે. તેને શું ખબર પડે કામ કેવી રીતે થાય ? કાગળ ન ઊડે તે માટે તેની પર વજન મૂકવો પડે. એવી રીતે કામ માટે પણ. જો હું એકાદ દિવસની રજા પર હોઉ યા તો પોલ પર જાઉં તો એકાદ જણાનો તો ફોન આવી જ જાય. બિચારા કદાચ કામમાંથી ઊંચા જ નહીં આવતા હોય. તો વળી ફોન ક્યાંથી કરે. હશે જે હોય તે. પેલો જતીન તો સાવ ફેલ છે. અત્યાર સુધી મને જ પૂછીને બધું કામ કરતો. પણ તે પિચકારી મારવામાંથી ઊંચો આવે તો ને ! સાહેબ બાપડા આપણા જિલ્લામાં નવા નવા. નિવૃત્તિમાં બસ હવે થોડું જ ખૂટે ! શું કામ કોઈ જફા કરે ! સ્ટેશનરીના બીલો મૂકવા, વાઉચર બનાવવા, નવું મહેકમ બનાવવું, પરીપત્રો કરવા, ઈજાફાની નોંધો કરવી, હુકમની બજવણી કરવી, કોઈ માથાકૂટવાળું લખાણ આવ્યું હોય અથવા ભાવપત્રક લાવવા હોય તો સાહેબ મને જ કહે. છેલ્લા દિવસે બાપડા કેવા ગળગળા થઈ ગયા હતા. એમનો એ રડમસ ચહેરો જોઈ ઘડીભર હું પણ રડી ગયો હતો. બાપડા ! સાહેબ, શું હાલત હશે એમની ? આજે એક અઠવાડિયા પછી ઓફિસે જાઉં છું. મને જોતાં જ સાહેબ એકલા જ નહીં, આખો સ્ટાફ ઊભો થઈ જશે. ખબર નહીં સાહેબ તો લાગ આવે કામ કરવાય બેસાડી દે. હું તો કરીશ જ. બીજું કામેય શું છે મારે ? સાહેબ કહેશે તો રોજ આવીશ. આપણે તો આમેય ખરી સેવા કરી છે, ને કરતા રહીશું. પેલો ઈસ્માઈલ, જો કોઈ ડખાવાળો કેસ આવે તો ગભરાઈ જાય. ને આપણે ખોટેખોટું પરિપત્રનું અર્થઘટન કરી પતાવટ કરી લઈએ. આ શહેરની શિક્ષિકાઓ એટલે તો વાત જ ન પૂછો. નગરપાલિકાની શિક્ષિકાઓ જોડે કામ લેવું એટલે સાપના રાફડામાં હાથ દેવા બરાબર. બધી જ ક્લાસ વન-ટૂની સહધર્મચારિણી. કાંતો ધારાસભ્યો, સંસદસભ્યો અથવા શહેરના પ્રખ્યાત દાક્તરને લાગતી- વળગતી જ હોય. એટલે એમનું તો નામ જ ન લેવાય. આ તો આપડે સંઘવાળા જોડે સંબંધ સારા એટલે એમનુંય થાય ને મારું થાય. નહીંતર લાંચમાં ક્યારનાય ફસાવી દીધા હોત. એ સંઘવાળાને પણ હવે ખબર પડશે કે હું કોણ હતો ? પેલા નાયક સાહેબ વખતે જ સંઘવાળાઓને મેં જ દોરીસંચાર કર્યો હતો ને. તે વાત તો ક્યારેય ભૂલી શકે તેમ નથી. આવા કામ આ ઈસ્માઈલથી થોડા થાય. હા, તે અત્તરનો જાણકાર ચોક્કસ છે પણ અંતરનો નહીં. કઈ જગ્યાએ છાંટવું અને કઈ જગ્યાએ સુગંધીદાર બનવું એની એને ખબર ન પડે. સાહેબને ક્યારે, કયું અત્તર લગાવવાથી કેવી સુગંધ આવશે અને એ સુગંધ કયા ફૂલની છે તેની તેને બિલકુલ ગતાગમ ન પડે. એ તો હું જ એમના લાલ ઘોડા પર અત્તરનો સ્પ્રે મારી શકું. સાહેબ કપડાં બદલે તોય એ સુગંધ ન જાય. સાથે આપણે પણ થોડી સુગંધ લઈ લઈએ.

       જિલ્લા પંચાયતના મુખ્ય દરવાજાની આગળ આવી વિચારો વિરામ લે છે. હંમેશની જગ્યાએ પોતાની ગાડી પાર્ક કરે છે. ગાડીમાંથી ઊતરી ચારે બાજુ નજર દોડાવે છે. કોઈ તેમની સામે જોતું નથી. સાહેબની ગાડી શોધવાનો પ્રયાસ કરે છે ત્યાં જ તેમની નજર સાહેબની ગાડી પર પડે છે. હા, સાહેબ તો હાજર છે. પગથિયાની જગ્યાએ લિફ્ટમાં બેસવા જાય છે. તેમની આગળ બીજા પાંચ જણ ઊભા હોય છે. પેલાં પાંચ જણ લિફ્ટમાં બેસી જતા તેઓ બહાર જ ઊભા રહી જાય છે. થોડા સમય લિફ્ટમાં બેસી ત્રીજા માળે પહોંચે છે. ઓફિસમાં જતી વખતે પોતાનો ચહેરો રોજની જેમ ગંભીર બનાવી, ધીમા પગલે, કમરમાં ચામડાનો નહીં પણ સ્ટીલનો સળંગ બેલ્ટ લગાવ્યો હોય તેમ ટાઈટ બની બારણે આવીને ઊભા રહે છે. ક્ષણવારમાં આખી ઓફિસ તેમની પાંપણમાં સમાઈ જાય છે જે પલકુ મારતાં જ નીકળી જવાની હતી.

       મણીલાલ ઓફિસનો નજારો જોઈ રહે છે. પહેલાં ટેબલ પર સુરેશ તિજોરીમાંથી ફાઈલ કાઢે છે અને જુએ છે. પાછી તેની મૂળ જગ્યાએ મૂકી દે છે. કેટલીક ફાઈલને થાપ મારીને ખંખેરે છે. ફરી પાછો પોતાના કામમાં પરોવાઈ જાય છે. બાજુના ટેબલ પર જતીન કોમ્પ્યુટરમાં કંઈક ટાઈપ કરી રહ્યો છે. તેનો જમણો ગાલ મસાલાની ચાડી ખાય છે. પોતાની પાસે રાખેલા પિકદાનીમાં અમૃતની પિચકારી મારતાં મારતાં તેની નજર મણિલાલ પર પડે છે.

       ઓ હો ! મણીલાલ,.. ક્યાંથી ભૂલા પડ્યા ?

ખરેખર ભૂલા જ પડ્યા હોય તેવી દશા અને દિશા તેમની હતી.

બસ, આ તો આ બાજુ નીકળ્યો હતો થયું કે તમને મળતો જાઉં, પછી સીધા જ સાહેબની બંધ ઓફિસમાં ડોકિયું કરે છે.

નમસ્તે ! સાહેબ....

અરે મણિલાલ આવો ... આવો... બેસો.

સાહેબની આંખમાં આવકાર દેખાયો અને ફરી પાછી ગંભીરતા આવી ગઈ. તે ફરી પાછા સહી કરવામાં સમાધિવસ્થ થયા. સાહેબની સામે બેસવું કે ઊભા રહેવું તેની અવઢવમાં તે ઊભા જ રહી જાય છે. ઈસ્માઈલની નજર તેમના પર પડે છે.

શું કરો છો મણિલાલ અત્યારે ?

બસ નિવૃત્તિની મજા માણું છું. એક છોકરો વિદેશમાં છે ને બીજો દેશમાં, હું અને મારી પત્ની…….

       એક મિનિટ, ઈસ્માઈલ આજે આ બધું ટાઈપ થઈ જશે ને ! મણિલાલની વાત અધવચ્ચે જ રહી ગઈ. તેઓ રૂમાલ કાઢી ચહેરા પર ફેરવવા લાગ્યાં. ઓફિસમાં એસી હતું છતાં પણ અનાયાસે રૂમાલ ચહેરા પર ફરવા લાગ્યો. મણિલાલની નજર દીવાલ પર લખેલા એક સૂત્ર તરફ જાય છે જેમાં લખેલું હોય છે કે,

“વર્તમાનમાં જેટલી નિષ્ઠા હશે તેટલી જ ભવિષ્યમાં પ્રતિષ્ઠા હશે”

તેમની નજર લખેલા સૂત્ર પર જ અંકાઈ ગઈ. પોતે મુલાકાતી તરીકે આવ્યા હોય એવો અહેસાસ થયો. અચાનક સાહેબ બોલ્યા.

‘મણિલાલ તમારી જગ્યા પર હાલ આ ઈસ્માઈલભાઈ આવ્યા છે. સારું કામ કરે છે. તેમની સૂઝ પણ સારી છે.

જી, સાહેબ.

માંડ માંડ એટલું જ બોલી શક્યા.

માન હોય કે અપમાન વ્યક્તિ જેટલું આપે છે તેટલું જ વળતું મળે છે.

સાંજ થઈ ગઈ હતી. મણિલાલ પોતાના ઘર તરફ જવા નીકળે છે. પગ ભારે બની ગયા છે. કપાળ પર પાણીના બુંદ બાઝી ગયા છે.

       પોતાની ગાડીમાં તેઓ જઈ રહ્યા હોય છે ત્યારે રસ્તામાં પેલા વૃદ્ધ નજરે પડે છે. જેમની ઉંમર એકસઠ-બાસઠ વર્ષની આસપાસની હશે. તેઓ ખુરશી પર આરામથી બેઠા છે. તેમની આજુબાજુ બાળકો રમી રહ્યા છે. મણિલાલ પોતે થોડીવાર એ દ્રશ્ય જોઈ રહે છે. ત્યાં એક કારમાંથી એક નવયુવાન દંપતી સજોડે ઉતરીને વૃદ્ધને પગે લાગે છે. વૃદ્ધના ચહેરા પર અલૌકિક આનંદ દેખાય છે. મણીલાલને થાય છે કે આ વૃદ્ધને ક્યાંક જોયેલા છે. અચાનક યાદ આવે છે. અરે ! હા, આ તો રામપુરા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ આચાર્ય રામજીભાઈ છે. મણીલાલને મળવું છે પણ મળી શકાતું નથી. મણિલાલ સીધા જ પોતાની ગાડી પોતાના ઘર તરફ હંકારી મૂકે છે.


Rate this content
Log in

More gujarati story from Rajput Lalsingh

Similar gujarati story from Inspirational