નફરતનો પ્રેમ
નફરતનો પ્રેમ


શહેરનો સૌથી પ્રખ્યાત અને નાના ભૂલકાં સાથે માણવાલાયક બગીચો એટલે બાલવાડી. આ બાલવાડીમાં રોજ સાંજે જાણે મેળો ભરાય, ને રવિવારે તો જાણે કુંભમેળો. ચગડોળ, હીંચકા, લપસણી અને બીજી કેટલીય રમતગમતના સાધનો. આજે રવિવાર નહોતો એટલે ભીડ પ્રમાણમાં ઓછી હોવાથી સોનાલી અને સત્યમ એમની ૨ વર્ષની પરીને લઈને અહી ફરવા આવ્યા હતા. સત્યમ અને સોનાલી એક બાંકડા પર બેઠા એ સામે હીંચકા પર ઝૂલતી હતી. એ જોઈને ખુશ થતાં હતા. સાંજ ઢળવા લાગી અને રાત નવવધુની જેમ પગલાં માંડતી આવતી હતી.
ઘરે જવાનો સમય થયો હોવાથી સોનાલી પરીને લેવા ગઈ, પણ જીદ્દી પરીને હજીય રમવું હતું એટલે એ ભાગી, એને પકડવા જતા સોનાલી એક પુરુષ સાથે ભટકાઈ ગઈ અને એ પુરુષનો ચેહરો જોઈને એના ચહેરા પર ઘૃણાના ભાવ ઉપસી આવ્યા અને એક થપ્પડ જડી દીધી. આ જોઈ એ પુરુષની પત્ની જે એની સાથેજ હતી, એ પણ ગુસ્સે થઇ ગઈ અને સોનાલીનો હાથ પકડી લીધો અને બોલી- “એક તો સામેથી ભટકાય છે અને સોરી કે'વાને બદલે એમ થપ્પડ મારે છે, જાણે મારા પતિ જાતે તને ભટકાવા આવ્યા હોય.” ને જેમ તમાસાને તેડું ન હોય એમ અહી પણ લોકો ભેગા થવા શરુ થઇ ગયા. ટોળામાંથી કોઈક અવાજ આવ્યો કે આતો બેય જુની ઓળખાણવાળા છે. આ સાંભળી પેલો પુરુષ જેનું નામ નૈતિક હતું એ કંઈ પણ બોલ્યા વગર પોતાની પત્ની નિતિક્ષાને લઇને નીકળી ગયો. આ બાજુ સોનાલી પણ પરી અને પતિ સાથે ઘરે આવી ગઈ. સત્યમ બધીજ વાત જાણતો હતો એટલે એણે એટલુજ કહ્યું 'હવે ભૂતકાળને ભૂતકાળ બનાવી દે. આપણે આપણી પરી સાથે નવી જિંદગી નવી દુનિયામાં છીએ એમજ વિચારીને રહે. જુના ઘાના પોપડા ઉખેડતી રહીશ તો એ ઘા ક્યારેય નહિ રૂઝાય.'
સોનાલીના ઘરે જેટલી શાંતિથી વાત પતી એનાથી બે ગણા પ્રમાણમાં અશાંતિ નૈતિક અને નિતિક્ષાનાં ઘરે હતી. એને સોનાલીનાં થપ્પડથી વધુ નૈતિકનું મૌન ખુંચી રહ્યું હતું. ઘણા બધા સવાલોના વમળો નિતિક્ષાનાં મનમાં બની રહ્યાં હતાં. એ ઇચ્છતી હતી કે નૈતિક એના બધાજ સવાલોના જવાબ આપે પણ એ સવાલ કરવા નહોતી માંગતી કેમકે ૩ વર્ષના લગ્ન જીવનમાં આજે જ કૈંક એવું બન્યું હતું કે એ નૈતિકની નૈતિકતા પર અવિશ્વાસ દાખવે. અહીં નૈતિક જાણે નિતિક્ષાના મનની બધી વાત સાંભળી ગયો હોય એમ બોલ્યો- “એ સોનાલી હતી મારી કોલેજની ફ્રેન્ડ, હમમ ફ્રેન્ડ કરતાં થોડી વધારે હતી. અમે કોલેજની સાથે પાર્ટ ટાઈમ જોબ પણ સાથે કરતાં હતાં. અમે કોલેજ પૂરી થયે લગ્ન કરવાના હતાં. હું અને સોનાલી એક બીજાને પ્રેમ કરતાં એ વાત સોનાલીની એક ફ્રેન્ડ મીઠી સિવાય કોઈને ખબર નહોતી. અને એ મીઠી મને એક તરફી પ્રેમ કરતી હતી. જેની જાણ અમને નહોતી. એ અમારી જોડે હમેશાં હોતી સિવાય કે જોબ પ્લેસ પર. અમે એને અમારી બેસ્ટ ફ્રેન્ડ માનતાં હતાં ને એ દેખાવ પણ એવોજ કરતી હતી.
કોલેજનાં લાસ્ટયરમાં વેલેન્ટાઇન માટે એણે મને કહ્યું કે 'આપણે સોનાલીને સરપ્રાઈઝ આપીએ હું એની વાત માની ગયો. એ જ્યાં પેઈંગ ગેસ્ટ તરીકે રેહતી હતી ત્યાં એનો રૂમ શણગાર્યો અને મને ગીફ્ટ લેવા મોકલ્યો. ગીફ્ટ લઈને આવ્યો પછી પ્લાન મુજબ એ સોનાલીને લઇ આવી આ બધું જોઈ એ ખુશ થઇ ગઈ. મેં એને પ્રપોઝ કર્યું ફરીથી અને એને હા પાડી. ગાઢઆલિંગન સાથે અને અચાનક રૂમનો દરવાજો બંધ થવાનો અવાજ આવ્યો. હું ગભરાઈ ગયો કે શું થયું અને સોનાલીને એમ હતું કે આ એક સરપ્રાઈઝનો ભાગ હશે. મે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો પણ હું નિષ્ફળ રહ્યો. આશરે પંદરેક મિનીટ પછી દરવાજો ખુલ્યો ત્યાં મીઠીના બદલે મહિલા પોલીસ હતાં. હું કઈ સમજુ એ પહેલાં એ મને ધક્કો મારીને રૂમમાં ગયા સોનાલીને બાવડેથી પકડીને લાવ્યા જાણે એ કોઈ ગુનેગાર હોય. અને પછી એક હવાલદારે મને પકડ્યો અમે પૂછ્યું 'ક્યાં ગુનાસર આમને પકડ્યા છે એતો જણાવો. ત્યારે પેલાં મહિલા પોલીસે કહ્યું કે 'સોનાલી એક રૂપજીવિની છે અને હું એનો ગ્રાહક.' અમને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા. અમે કોઈ ખોટું કામ કર્યુંજ નહોતું એટલે અમે સફળ રહ્યા અમારી નિર્દોષતા પુરવાર કરવામાં અને અમને સાંજ સુધીમાં છોડી મુક્યા.
પોલીસ સ્ટેશનથી બહાર નીકળતાં સમયે આ બધુ મે જાણી જોઈને કરાવ્યું છે એવા વિશ્વાસ સાથે એને મને થપ્પડ મારવાં હાથ ઉગામ્યો પણ પ્રેમની અસરથી એ એમ ન કરી શકી અથવા તો એ મારા જેવા નીચ વ્યક્તિને હાથ પણ લગાડવા નહોતી માંગતી એ સ્પષ્ટ થયું મને. અને એ પોલીસ સ્ટેશનની સાથે મારા જીવનમાંથી પણ ચાલી ગઈ. બીજા દિવસે આ વાતની ખબર કોલેજમાં પણ ફેલાઈ ગઈ હતી અને સાથે અમારા એ ગાઢઆલિંગનના ફોટો પણ. અને કોલેજથી વાત ઘરે પહોંચતા એનાં તાબડતોબ લગ્ન કરી દેવાયા અલબત આ વાત ઘરે પહોચાડનાર મીઠી જ હતી. એનો ખ્યાલ મને આવતા વાર ન થઇ. પણ સોનાલી એ ન સમજી શકી.
આજ સુધી હું ન કરેલા પાપનો બોજ લઇને ફરતો હતો. પણ આજે સોનાલી એ થપ્પડ મારીને મને આ પાપના બોજમાંથી છુટકારો અપાવ્યો છે.અને હું એ...
"હા તો તમે એને આ હકીકત જણાવી કેમ નથી દેતા ? શું કામ એની નફરતની આગમાં બેઉ જણાને સળગાવો છો."- નિતિક્ષા એને વચ્ચેથીજ અટકાવીને બોલી
"ના,ના નિતિક્ષા હું એવી ભૂલ ક્યારેય નહિ કરું એટલો સ્વાર્થી તો નહિ જ બની શકું કે મારા તરફની એની નફરતને દૂર કરવા માટે એની જિંદગીને દોજખ બનાવવું. અત્યારે ભલે મને નફરત કરતી પરંતુ એના પતિ સાથે એની પુત્રી સાથે ખુશ તો છે ને જો એને મારી નિર્દોષતાની ખબર પડી જશે તો બધું ભૂલીને એના પતિની સાથે રહે છે એના બદલે એક દોષભાવના સાથે જીવશે. અને બે સંભાવનાઓ બનશે એના પતિને છોડીને મારી પાસે આવવા માટે મજબૂર બનશે અથવા એના પતિને છોડી નહિ શકે અને મારી પાસે આવી નહીં શકે એની વચ્ચે એક અજાણી અને અણગમતી લાગણીની વચ્ચે રહેશે. એનો ભૂતકાળ જાણતા હોવા છતાં પણ એના પતિએ ક્યારેય એ વાતનો ઉલ્લેખ નથી કર્યો એવા પ્રેમાળ પતિને અત્યારે જે પ્રેમ અને માન એના પતિને આપે છે એ કદાચ નહી આપી શકે અને એના પતિની, એની અને એની પુત્રીની જિંદગી ખરાબ થઈ જશે. સોનાલીને એ જ વહેમમાં જીવવા દેવી છે ભલે એનું પરિણામ મારા તરફની નફરત જ કેમ ન હોય."
"મેં પ્રેમ કર્યો હતો અને કહેવાય છે કે જેને પ્રેમ કરીએ છીએ એ સદા ખુશ રહે જિંદગીમાં ક્યારેય કોઈ તકલીફ ના પડે એનું ધ્યાન રાખીએ એ પણ એક પ્રેમજ છે. જરૂરી નથી કે એની સાથે એક જ ઘરમાં પતિ પત્ની બનીને જ જિંદગી વિતાવીએ. તને કદાચ આ મારો ત્યાગ લાગશે પણ આ મારો કોઈ ત્યાગ નથી. મેં કરેલા પ્રેમની નિભાવણીના એક ભાગરૂપે મારી ફરજ અદા કરું છું."
આટલું સાંભળીને નિતિક્ષા પોતાની જાતને દુનિયાની સૌથી ભાગ્યશાળી સ્ત્રી માનતી હતી. આટલો સમજુ અને પ્રેમાળ વ્યક્તિ એની જિંદગીમાં હતો અને હંમેશ માટે એનો જ રહેવાનો હતો.