મયંકની મોનાલિસા
મયંકની મોનાલિસા
મયંક હોનહાર ચિત્રકાર હતો. એના ચિત્રો જાણે વાતો કરતા એમ લાગતું પણ તોય એ ક્યારેય એની રચનાથી સંતુષ્ટના થતો એને એમજ લાગતું કંઈક ખૂટે છે. માટેજ એ ચિત્રો બનાવી બનાવીને ફાડી નાખતો. એક દિવસ આમજ ફાડેલા એક ચિત્રનાં ટુકડા ફેકવા જતાં હવામાં ઉડ્યા અને નીચેના માળે મામાને ત્યાં વેકેશન કરવાં આવેલ મનાલીની બાલ્કનીમાં પડ્યા. રૂમ માં બેઠેલી મનાલી એ કચરો પડતો જોઈ સ્વભાવને વશ થઇ બહાર નીકળી ઉપર જોઈ કહ્યું “ઘરમાં કચરાપેટી ન હોય તો વસાવી લો પણ આમ કોઈના ઘરને ગંદુ ન કરો.”
મયંક મનાલીને જોઇને ખોવાઈ ગયો એના કાને કોઈજ શબ્દો નહોતા પડ્યા બસ મનાલીનો ચેહરો જાણે કોઈ કુદરતી દ્ર્શ્ય હોય એવું લાગ્યું એની આંખો જાણે સરોવરની માછલીઓ હોઠ જાણે તાજા ખીલેલા કમળ ગાલ તો સરોવરની પાળ જેવા લીસા, રાજહંસ જેવા રંગના ચેહરા પર સામે દેખાતા ડૂબતા સુરજ જેવો ગુસ્સાનો લાલ રંગ આહ ! એ ભાગીને રૂમમાં ગયો. પીંછી રંગ સાથે પોતે ધોળે દિવસે જોયેલ સ્વપ્નને પૂરું કરવા લાગ્યોને મોડી રાત સુધી ચિત્ર બનાવ્યું.
હજી થોડું ફીનીશીંગ કામ બાકી હતું પણ રાતના દોઢ વાગ્યાનો સમય થયો હતો. એનો જુસ્સો તો આ ચિત્ર ને પૂરું કરવા માંગતો હતો પણ એની આંખો એ બળવો પોકાર્યો એ ઘેરાવા લાગી. મયંક એને વશ થઇ ગયો થોડી વારમાં અવાજ આવ્યો: ”મયંક ઉઠને આજો મારા હાથ પર મેહદી અધુરી છે, અને આ બાળહંસ મને ચાંચો મારે છે એને તું મને હાથમાં આપને મારે એને મીઠો ઠપકો આપવો છે.” મયંક ઉઠ્યો એને જોયું એના ચિત્રમાંથી મનાલી જેવી દેખાતી અપ્સરા પોતાનો હાથ કેનવાસની બહાર કાઢીને બોલી રહી હતી.એને અપ્સરાની વાત માનીને સુધારા વધારા કરી આપ્યા. પછી એની જોડે વાતો કરી એને પહેલી વાર પોતાની કોઈ રચના આટલી ગમી હતી. એ પોતાના અનુભવ કેહતો હતો ત્યાં બે નાના નાના પરીલોકના પરને વ્હાલા લાગે એવા બચ્યા ઉડતા ઉડતા આવ્યા અને એમના નાના નાના તીર કામઠાથી મયંકને હેરાન કરવા લાગ્યા. એક તીર મયંકના પીઠ પર વાગ્યું એ ચીસ પાડી ઉઠ્યો. અને જોયું કે એનો પાળેલો વ્હાલો પોપટ એને આમ ચિત્રકારી કરતા કરતા ટેબલ પરજ સુઈ ગયેલો જોઈ ઉઠાડવા માટે ચાંચો મારતો હતો.