નિર્દોષ મિત્રતા
નિર્દોષ મિત્રતા
સવારમાં સૂતો હતો ત્યાં છાપાના ફેરિયાએ છાપુ મારી પથારીમાં ફેક્યું. મારે પહેલા છાપુ વાંચી પછી જ ઉઠવાની આદત એટલે મે પથારીમાં પડ્યો પડ્યો જ છાપુ ખોલ્યું. ખોલતા જ સૌરાષ્ટ્ર સમાચારમાં નવો શરૂ થયેલી વિભાગ 'પત્ર મૈત્રી' વિભાગ ઉપર નજર પડી. તેમાં નવા મિત્ર બનાવવાનું ફોર્મ હતું.
મારા બાપુજી તથા મોટા ભાઈ ઉપર પત્રો આવતા પણ મારા ઉપર કોઈના પત્રો આવતા નહોતા. મને થતું મને પણ કોઈ પત્ર કેમ નથી લખતું ? મારા મિત્રો બધા જ ભાવનગરમાં મને કોણ લખે ? હા ક્યારેક દિવાળી કાર્ડ આવી જતું.
મે સૌરાષ્ટ્ર સમાચારમાંથી કૂપન કાપી તેના નામ, સરનામું, શોખ, તથા અભ્યાસ લખી સૌરાષ્ટ્ર સમાચારની ઓફીસમાં પોસ્ટ કરી દીધું,
તે સમયે મોબાઇલ કે ઇન્ટરનેટ ન હતા. ફેસબુકનું તો નામ પણ નહોતું સાંભળ્યું.
થોડા સમય પછી ન્યૂઝ પેપરમાં મારૂ નામ લખાઈ ને આવ્યું,
મને તો કંઈ ખબર ન હતી ત્યાં અચાનક મારા ઉપર પત્ર આવ્યો. સુંદર અક્ષરે લખેલો પત્ર જોઈ ખૂબ આનંદ થયો. તેમાં જયોતિ નામની છોકરીએ મારી સાથે દોસ્તી માટે કહેલું, તે ભાવનગરમાં જ રહેતી હતી પણ સરનામું મહુવાનું આપેલું અને કહ્યું કે કોઈ ઘેર આવે તો સમાજમાં નામ ખરાબ થાય. મહુવા તેની બહેન રહે છે, ત્યાંથી તેના બનેવી ભાવનગર આવે જ છે તે તમારા પત્ર લેતા આવશે.
મે તેને વચન આપેલું કે આપણે કદી રૂબરૂ નહી મળીયે, તારા અક્ષર જ તારો ચહેરો છે મારા માટે.
તે B.A., B ed. હતી તથા સાહિત્યનો શોખ હતો. હું ભલે B.com. હોવ પણ મને પણ સાહિત્યનો શોખ હતો.
બસ પછી તો ક્યારેક સાહિત્યના કોયડા લખે તે હું ઉકેલતો, ક્યારેક કોઈ રચનાના બે અંતરા હું લખું તે જ્યોતી પૂરી કરતી, ક્યારેક સુંદર ચિત્ર પેઇન્ટિંગ કરી ને મોકલે, ક્યારેક પોસ્ટ ના ફર્સ્ટ ડે નાં કવર મોકલે, આમ પત્ર વ્યવહાર ચાલતો રહેતો, ક્યારેક મોડો પત્ર લખાઈ જાય તો ફરિયાદ ના બે શબ્દો પણ લખે, વિવિધ વિષય ઉપર બૌદ્ધિક ચર્ચા થતી. ક્યારેય અમારા મનમાં વાસનાનાં વિચારો આવ્યા નહતા, એક નિર્દોષ મૈત્રી હતી,
તે પત્ર લખે પછી ત્રણ દિવસે પોસ્ટમા મારી પાસે આવે અને હું લખું પછી ત્રણ દિવસે મહુવા પહોંચે અને પછી ભાવનગર તેના બનેવી લાવે ખૂબ જ ઇન્તજાર રહેતો
એક દિવસ તેના પત્ર ના લખ્યું કે મારા બનેવીની બીજે બદલી થાય છે એટલે હવે નવું સરનામું આપુ ત્યાં પત્ર મોકલજો. હું ઘણા સમય સુધી રાહ જોતો રહ્યો પણ બે મહિના સુધી તેનો કોઈ પત્ર ના આવ્યો.
અચાનક એક પત્ર આવ્યો પણ તેના અક્ષર જ્યોતી ના ન હતા. તે તેના બહેનનો હતો, તેમાં દુઃખ સાથે લખ્યું હતું જ્યોતીનો અકસ્માત થયો છે અને અત્યારે તે આ દુનિયામાં નથી રહી. તેં હોસ્પિટલમાં હતી ત્યારે અંતિમ સમયે તમને યાદ કરતી હતી. પછી તેનું ભાવનગરનું સરનામું લખ્યું હતું ત્યાં એકવાર આવી જશો
હું દુઃખી થઈ ગયો. શું કરવું તે સમજ ન પડી.
હું તેના ભાવનગર ના ઘેર જવા પગ ઉપડતા ન હતા છતાં ગયો. સામે જ્યોતી ની તસવીર હતી. હું ખૂબ જ રડી પડ્યો.આંસુભરી આંખે તેના બહેને કહ્યું તમારા વિશે એક અંતીમ સંદેશો મને કહ્યો છે.
" મનથી તો ખૂબ જ મળ્યા, રૂબરૂ મળી શક્યા નહી એક પણ વાર,મળશે જો બીજો જનમ તો મળશું વારંવાર,
બસ આ શબ્દો સાંભળીને હું આઘાતમાં સરી પડ્યો. ત્યારે મને થયું કે દીપકનું જ્યોતી ઓલવાઈ ગઈ.

