મતભેદ હોય, મનભેદ નહિ
મતભેદ હોય, મનભેદ નહિ
જવાહરલાલ નહેરુ ભારતના વડાપ્રધાન બન્યા અને આપણા આ વીરપુરુષને નાયબ વડાપ્રધાનનો હોદ્દો મળ્યો. બંને વચ્ચે અનેકવાર મતભેદ સર્જાયા હતા. પણ કયારેય કામ બગડવા દીધું નહોતું.
નહેરુને લીધે ઘણી વખત આ વીરપુરુષને મોટો ત્યાગ પણ કરવો પડયો હતો, પણ દેશની ભલાઈ અને ગાંધીજીની આમન્યા માટે એ ત્યાગ આનંદથી સ્વીકારી લીધો. ૧૯૩૦માં કોંગ્રેસના અધિવેશનના પ્રમુખ તેઓ બનવાના હતા, પણ મોતીલાલ નહેરુની ઈચ્છા પૂરી કરવા અને ગાંધીજીની આજ્ઞા શિરોમાન્ય ગણીને જવાહરને પ્રમુખ બનવા દીધા. આ પહેલા પણ ૧૯ર૩માં બંને વચ્ચે ખૂબ મતભેદ હતા. ત્યારે કોંગ્રેસના મુંબઈ અધિવેશનમાં કોંગ્રેસના ધારાસભામાં પ્રવેશ અંગેના નહેરુના ઠરાવનો તેઓએ વિરોધ કર્યો અને આ ઠરાવ પાસ ન થયો. નહેરુએ તેથી રાજીનામું આપી દીધેલ. ગાંધીજીની મધ્યસ્થીને લીધે આ મતભેદમાં વધઘટ થયા કરતી.
૧૯૪રમાં ગાંધીજીએ જવાહરલાલ નહેરુને પોતાના રાજકીય વારસદાર જાહેર કર્યા ત્યારે લોકોને આંચકો લાગ્યો, પણ તેઓએ સહજતાથી આ નિર્ણય સ્વીકારી લીધો અને કહ્યું, 'નહેરુ આપણા નેતા છે. બાપુએ એમને ઉત્તરાધિકારી નિયુકત કર્યા છે, અને એની ઘોષણા પણ તેઓએ જાતે જ કરી છે. એટલે બાપુના બધા જ સૈનિકોનું કર્તવ્ય છે કે સહુએ જવાહરલાલના આદેશનું પૂરી રીતે પાલન કરવું જોઈએ. હું બેવફા સિપાઈ નથી. હું તો એટલું જ જાણું છું કે બાપુએ મને જે સ્થાન પર રાખ્યો છે એને વફાદાર રહી શકું.'
૧૯૪૬માં પણ આવું જ બન્યું હતું. ૧પમાંથી ૧ર કોંગ્રેસ સમિતિઓ જવાહરને નહિ, પણ આ વીરને પ્રમુખ બનાવવા ઈચ્છતી હતી. પણ ગાંધીજીની ઈચ્છાને માન આપીને ત્યારે પણ એ હોદ્દાનો ત્યાગ કરી દીધો. એટલું જ નહિ, મતભેદ હોવા છતાં નહેરુને કયાંય તકલીફ પડે એવું થવા ન દીધું. બંને દેશના સૈનિક હતા. ત્યાં મન તો એક રાખવું જરૂરી જ હતું. મતભેદ હોવા છતાં બંને ગેરસમજને દૂર રાખતા હતા. બંને વચ્ચે કયારેય ગેરસમજે સ્થાન લીધું નહોતું.
આમ વીરને છાજે એવી સાચી વીરતા ધારણ કરનાર વીરપુરુષ તે સરદાર વલ્લભભાઈ પટેલ.
આજે તો મતભેદ થાય તો માખી છીંકાતા મનભેદ થતાં જરાય વાર લાગતી નથી. બંને વચ્ચે ગમે તેટલી મિત્રતા હોય, મતભેદ થતાં તૂટતા વાર લાગતી નથી. આવા વખતે બંને એકબીજાનું કામ બગાડવામાં જ મંડી પડે છે. સારું કામ કરવા માટે મતભેદ હોવા છતાં મનભેદ ન રાખીએ તો જ કામમાં સફળતા મળે.
