મોટોભાઈ
મોટોભાઈ


રામલો પથારીમાંથી ઉઠ્યો. કાથી ભરેલા ખાટલા ઉપરનું ગાભાનું ગોદડું આજ પણ પલળેલું હતું. ઓઢવાની ચાદર પણ અડધી પડધી ભીની હતી. ચડ્ડી તો થોડી ઘણી શરીરની ગરમીથી સુકાઈ ગઈ હતી. રામલાના શરીરમાંથી પેશાબની ગંધ વહેતી હતી. વિલાયેલા મોઢે રામલાએ નીચું માથું કરીને જ ઓસરીની કોરે થાંભલીની પાસે પડેલું દાંતણ લીધું ને બીજા હાથે પાણીની ડંકીના
ઓટલા પાસે થી ડબલું લઇ , નદી તરફ ભાગ્યો. રામલાના કાને માના વેણ અથડાણા, “રોયો , મુતરણો. આજે ય મુતરી ગ્યો. ગોદડું ભરી મુક્યું. જો વરસાદ તૂટી પડશે તો ઈનું ગોદડું હુકાશે નહિ. પાછા કેટલાક ગોદડા મુતરવાળા કરવા રોયો ભમરાળો હુધરતો જ નથ્ય.... ”
રામલાને આ રોજ નું થયું. પાણી પીધા વિના જ સુઈ જાય. સુતા પહેલા ન લાગી હોય તોય બળ કરીને પેશાબ ઉતારી આવે, પણ સવારમાં પથારી પલળેલી જ હોય, ને ઊંઘ પણ એવી કે ભીના ગોદડામાં પેશાબની દુર્ગંધમાં પણ રામલો રાતે જાગેય નહિ. સવારે ઉઠે ત્યાં માના આકરા વેણ અને ભાઈ-બહેનની તિરસ્કાર ભરી નજરોથી વીંધાવાને બદલે ભાગે સીધો નદીએ. બારેમાસ વહેતી નદી એને માની ગોદની હુંફ આપતી. જીણી રેતી ચોળી ચોળીને રામલો દેહને રાતો ચોળ કરી નાખતો ને ચડ્ડીને ખમીસ પણ છબછબાવીને નીચોવીને નદીના પટમાં સુકવી દેતો. નદીમાં ડૂબકી સાથે આંખના આંસુ ભળી જતા ને નીરમાં સમાઈ જતા.
રામલાને ઘરે જવાનું મન નહોતું. આખો દિવસ મા સહીત નાના મોટા બધા ખીઝમાં એને ‘મુતરણો’ કહીને બોલાવતા. માને અને મોટી બહેનોને જાજું કહી શકે એમ નહોતો પણ નાના ભાઈ બહેન સામે છાસીયા કરી, મારવા દોડતો. નાના ભાઈ બહેન ભાગતા ભાગતા ય મુતરડો કહી ચીડવતા. રામલો ચૂપ થઇ જતો. હજી તો ઘર સુધી જ વાત હતી. જો ખડકીની બાર વાત પહોંચે તો શેરીમાં અને ગામ પોતાના કેવા ભૂંડા હાલ થાય એ વિચાર એને કમકમાવી જતો જોકે માએ ઘરના સૌને કડક શબ્દોમાં તાકીદ કરી દીધી હતી કે
“આ વાત ક્યાય બાર ગઈ તો કે’નારની ખેર નથી. હાડકા ભાંગી નાખીશ.”
રામલા એ નદીના ઘૂનામાં ડૂબકી મારી. એને થતું કે પાણીમાં ડૂબીને જીવી શકાતું હોત તો તે કદી બહાર જ ના આવેત. અચાનક એને યાદ આવ્યું કે આજે નિશાળેતો જવાનું જ છે. નહીંતર માસ્તર ગેરહાજરી પૂરશે તો બાપાને ચિઠ્ઠી મોકલશે તો પાછો માર ખાવો પડશે.
પોતે ઘરનો મોટો ભાઈ હતો, પણ પોતાની ઘરમાં જ કઈ આબરૂ ન હતી. ઘરે પાછું ફરવાનું મન નો’તું તો ય પગ ઘર તરફ વળ્યા. બીજો આશરો ય ક્યાં હતો ? મનમાં મા, બાપ, ભાઈ,બહેન બધા પર દાઝ ચડતી હતી. વિચારશે કે પોતે કંઈ જાણી કરીને પથારી પલાળતો નો’તો. તો ય બધા એને નફરત કરતાં હતા. એને થયું કે આવું તે કંઈ હોતું હશે ? આના કરતાં તો ક્યાંક ભાગી જવું સારૂ.
કોના કટુવેણ સાંભળવા ન પડે એટલે છાનો માનો ઘરમાં ઘૂસ્યો. બે મોટી બહેન અને બા પાસે અંદર ઓરડામાં જ હતા. રામલો ઓસરી ચડીને સીધો ઓરડાના બારણા પાસે બહાર લપાઈને ઉભો રહી ગયો હતો. અંદર બા કહેતી હતી, “મોટી, શાંતુ ફઈ કે’તી તી કે પાળીયાદ ઠાકરની માનતા કરવી. આંઈથી હાલીને પાળીયાદ જવાનું. ધજાવાળા ને બે દીવા કરી નાળીયેર વધેરવાનું”. નાનકો બોલ્યો- “બા, તું એટલું બધું હાલી હકીશ ?” “અરે, નાનકા તારો મોટોભાઈ પથારી પલાળતો બંધ થતો હોય તો વિલાત જાવું પડે તો ય તારી મા હાલીને જાવા તિયાર છે ઈમ કરતાંય મારો મોટો બસાડો હાજો થતો હોયતો.” માનું ગળું ભરાઈ આવ્યું. મેટ્રિકમાં ભણતી મોટી બહેને કહ્યું “બાં રો મા, મોટાભાઈને ધજાવાળો ઠીક કરી દેશે.” નાના ભાઈ-બહેન બોલ્યા કે “અમેય ભાઈ માટે થઈને બા સાથે ચાલીને આવીશું.” હારો હાર આપણે ભાઈની દવાય કરાવીશું. લખમીચંદ શેઠના કુટુંબના પાંચ ભાઈ-બહેનના ટ્યુશન હું કરીશ.ને એના રૂપિયામાંથી ભાઈની દવા કરીશું.
બારણાની પાછળ ઉભેલા રામલા ના હૈયામાં ભરેલ ડૂમો આંખમાંથી આંસુ બનીને વહી રહ્યો હતો. પાઈ પાઈ પૈસો ભેગો કરીને બચાવેલો રૂપિયો લઈને રામલો દોડ્યો કાળું શેઠની દુકાને. પાવલીની બાપા માટેની તાજ છાપ સિગારેટ ,પાવલીની બજરની પડીકી , પાવલીની મોટાભાઈ બહેનોને ભાવતી ખારીશિંગ, અને છેલ્લે વધેલ પાવલીની બે નાના ભાઈ-બહેનો માટે ચોકલેટ લઈને હસતા ચેહરે ઘરમાં પ્રવેશ્યો. પોતે આ ઘરનો મોટો ભાઈ હતો.