મોદીભાઈ ભાગ -૨
મોદીભાઈ ભાગ -૨


... મોદીભાઈ ભાગ -૧ થી આગળ ...
અપશબ્દની વાત કરીએ તો,
કોઈ એવો અપશબ્દ નહિ હોય કે જેનો પ્રયોગ આપણા મોદીભાઈ માટે ના થયો હોય.
અરે ઘણા તો નવા અપશબ્દો પહેલા મોદીભાઈ માટે પ્રયોજેલાં છે અને પછી જ ડીક્ષનરીમાં ઉમેરાયેલા છે.
આ સંદર્ભે એક પ્રસંગ આલેખું છું,
૨૦૦૭ ની ચૂંટણી વખતે એક બસ ઉપર કોઈ અવળચંડાએ લખી નાખેલું કે-
"નરેન્દ્ર મોદી, તેં તો ગુજરાત
ની દશા બેસાડી"
બન્યું એવું કે ઇલેકશન પછી એજ બસ પર લખેલું જોવા મળ્યું કે-
"નરેન્દ્ર મોદી, તેં તો ગુજરાત વિરોધીઓ
ની દશા બેસાડી"
જવાબ આપનાર એ "ગુજરાત" અને "ની" વચ્ચે જે ખાલી જગ્યા હતી એનો લા-જવાબ ઉપયોગ કર્યો કહેવાય.
“હાથના કર્યા હૈયે વાગે”
એ આનું નામ.
(નોંધ- અહીં અપશબ્દ બદલી ને તેની જગ્યા એ "દશા બેસાડી" તથા કોઈક પાર્ટીના નામની જગ્યા એ “વિરોધીઓ” એમ લખેલ છે.)
. . .
આગળ વધતા વાત આવે છે કે એક ગુજરાતી અમેરિકા જવા માટે કેટલી હદે જઈ શકે?
અમેરિકાએ મોદીભાઈના વિઝા રિજેક્ટ કર્યા છે એવા આખી દુનિયામાં હોબાળો મચાવનારા સમાચાર જ્યારે ન્યૂઝ ચેનલમાં વહેતા થયા ત્યારે દરેકે-દરેક ગુજરાતી ને લાગી આવેલું.
બધાની નજરો મોદીભાઈ પર મીટ માંડીને બેઠેલી કે મોદીભાઈ શું જવાબ આપશે, શું બોલશે.
પણ આપણા મોદીભાઈ એટલે ધીરજ ધરવા વાળા.
એમણે એટલી ધીરજ દાખવી અને એવું કામ કરી બતાવ્યું કે અમેરિકાએ એમને સામેથી આમંત્રણ મોકલવું પડ્યું.
અને આ કામ એટલે એમનું વડાપ્રધાન બનવું.
અને એટલે જ લોક જીભે એક વાક્ય ચડી બેઠું કે –
"એક ગુજરાતી અમેરિકા જવા માટે
કેટલી હદે જઈ શકે?
જવાબ છે……….. મોદીભાઈ જેટલી...”
હકીકતમાં મોદીભાઈને એવું કોઈ અમેરિકા પાછળ વળગણ નહોતું.
ઘણા વાચકો જાણે જ છે કે આ પહેલા પણ તેઓ અમેરિકામાં લટાર મારી આવેલા છે
અને વ્હાઇટ હાઉસ ની બહાર ફોટો પણ પડાવડાવી આવેલા.
જે વખતે અમેરિકાએ વિઝા નકાર્યા એ વખતે મોદીભાઈ ત્યાં વક્તવ્ય આપવા જવાના હતા.
અમેરિકાની આ આડોડાઈનો પણ મોદીભાઈએ વણિક બુદ્ધિથી ઉપયોગ કર્યો.
જો અમેરિકા ગયા હોત તો સમય અને નાણા એમ બંનેનો વ્યય થાત.
જે કામ અમેરિકા જઈને કરવાનું હતું,
એ જ કામ એમણે ગાંધીનગરમાં રહીને
લાઈવ કોન્ફરન્સ કરીને કરી દીધું.
આ પ્રસંગે એક વાત યાદ કરાવી દઉં જેમાં આવતું હતું કે-
"વાણિયાને કોઈ મફતમાં ઝેર આપે
તો એ પણ લઇ લે
અને એનો ઉપયોગ
એ ઘરમાં થતી જીવાત અને ઉંદર
મારવામાં કરે.”
. . .
મરવાની વાત પરથી યાદ આવ્યું કે હવે તો એવી હાલત થઇ ગઈ છે કે લોકો કોઈ બાળક જન્મ લે એટલે નામકરણ માટે એને માસી-ફોઈ કે કોઈ નિકટના વડીલ પાસે લઇ જવાને બદલે મોદીભાઈ પાસે લઇ જવાનું વિચારે.
ગુજરાતમાં તો જાણે એમણે સિદ્ધાંત રાખેલો કે- “જેવું કામ, એવું નામ”
અને નામ પણ એવું કે જેમાં હોય સાર્થકતા, અલંકાર, અને દેશીપણું છતાં પાછું હોય તો મોડર્ન.
ઉદાહરણ જોઈએ તો-
કાંકરિયા કાર્નિવલ,
વાઈબ્રન્ટ ગુજરાત,
સુજલામ સુફલામ યોજના,
કૃષિ રથ,
સાબરમતી સાયકલોથોન ,
સાબરમતી મેરેથોન,
વગેરે વગેરે..
વિરોધી માટે પણ એમનો લગાવ કાંઈ ઓછો નથી. એમના દ્વારા ઉચ્ચારણ કરેલા નામો જ કાફી છે. જેવા કે-
મિયાં મુશર્રફ,
મેડમ,
બાબા,
વગેરે વગેરે..
(વધુ નામ નથી લખતો
કેમ કે સાચું કહેવામાં પણ કોઈ ને ખોટું લાગી જાય
અને મારે કોઈ ને ગુસ્સે કે નિરાશ નથી કરવા. બાકી હું તો એટલું જરૂર કહીશ કે દરેક વ્યક્તિમાં કોઈ ગુણ હોય અને એ ગુણથી જ એને ઓળખવો જોઈએ.)
“કામથી જ નામ થાય છે,
બાકી નામ તો એનું પણ હોય છે,
જે કોઈ કામ નથી કરતું.
અને એથી વિશેષ નામ એનું હોય છે,
જે કરવા નથી દેતું”
. . .
બસ આના પરથીજ આગળના પ્રસંગ આલેખું, કોઈ એ આમ આદમી થઈને કાકાને લાફો માર્યો એ શું યોગ્ય કહેવાય? આ સવાલ પર મોદીભાઈના ભક્તનો મસ્ત જવાબ વાંચો.
કાકાને ખાતરી થઈ ગઈ હશે કે એ ઈલેક્શનમાં ભારે બહુમતીથી હારવાના જ છે. એટલે એમણે પોતાના વિરોધી ને હરાવવા આ બે કહેવત ચરિતાર્થ કરી બતાવી -
“ડૂબતો, શું ન કરતો? “
અને
“દુશ્મનનો દુશ્મન એટલે દોસ્ત.”
કાકાને પોતાની હાર કબૂલ હતી પણ મોદીભાઈની જીત નહી.
આ માટે તેમણે ઈન-ડાયરેક્ટલી વિરોધ પક્ષનો પ્રચાર શરૂ કરી દીધો. ચહેરા પર પડેલી, લાફો ખાધેલી, હાથની છાપ એમણે બે દિવસ સુધી લોકોને સતત બતાવે જ રાખી. સમજવાવાળા સમજી ગયા કે કોનો પ્રચાર થયો હતો. કાકાને એમ કે-
“એક તીર અને બે શિકાર કરું.”
પણ મોદીભાઈએ તો એ બધાનો શિકાર કરી નાખ્યો.
હું હોત તો કાકાને ફૂલ અર્પણ કરત.
એ ફુલ ને ફૂલ આપીને હું ગાંધી-ગીરી નહીં
પણ મોદીગીરી કરત.
જેનાથી સામેવાળાને તમાચો પણ વાગે અને મારે હાથ પણ ના ઉગામવો પડે.
અને જો ફૂલ આપત તો એ પણ પાછું _ _ _ નું જ.
(યોગ્ય ફૂલના નામ થી ખાલી જગ્યા પૂરો)
આ માર્મિક પ્રસંગ નો હેતુ માત્ર એટલો જ છે કે મોદીભાઈએ લોકોની વિચારસરણી બદલી નાખી.
લોકોને શીખવ્યું કે-
“છળ નું કોઈ જ ફળ નથી
અને
કળ સામે બળ કાંઈ જ નથી”
જે છળથી થાય છે
એનું ક્યારેય ફળ નથી મળતું.
અને
જે બળથી નથી થતું,
એ માત્ર કળથી થઈ જાય છે.
...વધુ આવતા અંક "મોદીભાઈ ભાગ -૩" માં ...