મોદીભાઈ ભાગ -૧
મોદીભાઈ ભાગ -૧


વાસ્તવિકતાના આધારે રચેલ કાલ્પનિક વાર્તા એટલે મોદીભાઈ.
પ્રત્યેકના જીવનમાંથી કાંઈ ને કાંઈ ચોક્કસ શીખવા મળે છે, કોઈની સિદ્ધિ આપણને શીખવાડી જાય છે, તો કોઈની નાની અમથી ભૂલ.
આપણે એમાંથી શું અંદર ઉતારવું એ આપણા ઉપર રહેલું છે.
જ્ઞાન સાથે ગમ્મતની આ વાર્તાની શરૂઆત કરતા પહેલા જરૂરી છે ટૂંકો છતાં વિશાળ પરિચય:
મોદીભાઈ,
એક એવું વ્યક્તિત્વ કે જેનું નામ ના જાણનાર આજે પર-ગ્રહવાસી (એલિયન) કહેવાય.
વડનગરનો આ વડલો આજે એટલો બધો વિશાળ થઈ ગયો છે કે રેડ વુડ પણ એની સામે છોડ જેવું લાગે.
(નોંધ: રેડવુડ એ વિશ્વના સહુથી ઊંચામાં ઊંચા ઝાડની જાત છે.)
એમના જીવન ઉપર ઘણા બધા લેખો, પુસ્તકો, કવિતાઓ વગેરે લખાઈ ગયા છે,
હજી પણ લખાય છે,
અને એમાં કોઈ જ શંકા નથી કે આગળ પણ
લખાતા રહેશે જ.
એવું ક્યારેય નથી બનતું કે છાપામાં એમનું નામ વાંચવા ના મળ્યું હોય.
જે કાંઈ પણ એમના વિષે લખાયેલું છે,
એ બધુ જ લોકપ્રિય થઈ રહ્યું છે
પણ આ કારણથી જ હું એમના વિષે લખું છું એવું નથી.
“કોઈ નું પાસું સબળું હોય કે નબળું,
પણ બંને માંથી શીખ જરૂર મળે છે.”
આવું મારુ માનવું છે.
અને આજ કારણ છે કે હું પણ એમના સબળા પાસા એટલે કે કેટલાક ગુણ ઉપર જ કાંઇક લખવા જઈ રહ્યો છું.
હવે વાચકને પ્રશ્ન એમ થાય કે શીર્ષક મોદીભાઈ કેમ? અને નામ મોદીભાઈ શા માટે સંબોધવામાં આવી રહ્યું છે?
નાનું બાળક હોય, જવાન હોય કે પછી કોઈ સિનિયર સિટિઝન,
સૌ કોઈ આજે બોલે છે "નરેન્દ્ર મોદી".
બાકી આપણી સંસ્કૃતિમાં એવું કહેવાય છે કે સીધા નામ થી માત્ર એ જ બોલાવે જે ઉંમરમાં મોટા હોય કે સમ-ઉંમર હોય.
તેમનાથી નાના હોય એ કાકા, મામા, દાદા જેવા શબ્દો વડે માનથી બોલાવે.
જરા થોભો.
હું એમ નથી કહેવા માગતો કે ગુજરાતીઓ એમની સંસ્કૃતિ ભૂલી ગયા છે.
ગુજરાતીઓ તો એમની સંસ્કૃતિને જ અનુસરી રહ્યા છે.
શું?
કેવી રીતે?
ચાલો સમજાવું.
આપણી સંસ્કૃતિ એમ પણ કહે છે મિત્ર હોય એને નામ થી જ બોલાવવાં.
મોદીભાઈએ એવું તે કાઇંક કર્યું કે દરેકે દરેક ગુજરાતી એમને પોતાના મિત્ર માનવા લાગ્યા.
હજુ પણ જો પ્રશ્ન થાય કે નામ “મોદીભાઈ” જ શા માટે?
તો હું રહ્યો ગુજરાતી.
ગુજરાતીઓ ની ખાસિયત કે-
દુશ્મન હોય કે પછી મિત્ર, બધાને માનથી-આદર થી બોલાવે, ભાઈ- બહેન કહી ને બોલાવે,
જાણે પોતાના પરિવારજન જ હોય એમ બોલાવે.
તો શું નરેન્દ્ર મોદી આપણા પરિવારના ના ગણાય?
એમને ભાઈ કહીને ના સંબોધાય?
અરે એમણે તો આખા ગુજરાત અને વિશ્વના દરેક ગુજરાતીઓ ને પોતાનું પરિવાર ગણી લીધું છે.
બીજું કે
એમના સંદેશાઓ કે વક્તવ્ય માં એ પોતે જ સૌનો ઉલ્લેખ કરી ને કહે છે કે
"ભાઈઓ… બહેનો..."
તો એ માટે જ નામ રાખ્યું
“મોદીભાઈ”.
તો હવે આગળ લખવામાં સરળતા પડે અને વાચકને પણ એકસુત્રતા જળવાઈ રહે એ માટે નરેન્દ્રભાઈ મોદી ને હવેથી મોદીભાઈ તરીકે જ ઓળખીશું.
ખરી વાર્તામાં વાચક ગણને આગળ વધારું એ પહેલા એક નાનો એવો અંશ આપી દઉં કે જેથી વાર્તા આગળ કયા પાટે જવાની છે એનો એક અંદાજો લગાવી શકાય:
પહેલા જ્યારે-જ્યારે કોઈ નેતા વોટ માંગવા જતા ત્યારે લોકો "હાય હાય" કરીને એનો હુરિયો બોલાવતાં.
સમય જરાય બદલાયો નથી.
આજે પણ એમ જ થાય છે.
અને આપણા મોદીભાઈ સાથે પણ.
મોદીભાઈ જ્યારે-જ્યારે જનતા વચ્ચે જાય
ત્યારે “હાય હાય” ના નારા સંભળાય છે.
આ ભલે અમુક લોકો ના માનવા માં ના આવતું હોય પણ હા આ એક સત્ય છે.
પણ અપવાદ માત્ર એટલો છે કે
મોદીભાઈ માટે અંગ્રેજી શબ્દ હાય (Hi) હોય છે.
મારા મત પ્રમાણે આના મુખ્ય બે કારણ હોઈ શકે,
(૧) ભણતરની સુધરેલી ગુણવત્તા અને
(૨) લોકોમાં પોતાના પણું લાવનાર મોદીભાઈ પોતે.
કહેવાય છે ને કે કોઈને કળવો હોય પારખવો હોય તો એની વાણી - બોલી પરથી જ શક્ય છે.
વાણી ની વાત કરીએ તો સહુથી અલગ
છતાં શબ્દે શબ્દે વજન પડે,
અને દરેકે-દરેક શબ્દ સમય અને સંજોગો
અનુસાર નો જ હોય.
પ્રત્યેક શ્રોતાગણ એમ અનુભવે કે જાણે મોદીભાઈ એમની બોલી માં જ બોલી રહ્યા છે અને એમની સાથે જ વાત કરી રહ્યા છે.
એમની શબ્દો પર ભાર આપવાની અદભુત અને જાદુઈ કળા જેમાં તેઓ-"ગુજરાત" ને "ગુજરાંત" બોલે,
"વિકાસ" ને "વિકાંસ" બોલે,
અને પાછા લોકો પણ એને અનુસર્યા વગર ના રહી શકે.
આ જ જાદુ છે મોદીભાઈનો.
શરૂઆત કરેલી ત્યારે જે જનતા "પાંચ કરોડની " હતી એ સમય જતા-જતા ક્યારે "સાડા-પાંચ કરોડ" ની થઈ ગઈ તેની નોંધ આખા જગતમાં લેવાઈ.
બસ, મોદીભાઈની આજ ટેવ કે જેના લીધે શ્રોતાગણનું સામાન્ય જ્ઞાન વધે અને પોતાના દેશ-પ્રદેશ વિશે વધુ ને વધુ સભાનતા કેળવી શકે.
હવે સવાલ એ થાય કે
બીજા કોઈ નેતાઓ આવી માહિતીનો સદુપયોગ કેમ નહિ લેતા હોય?
સાચો જવાબ તો એ લોકો પોતે જ આપી શકે.
બાકી મારાથી એમ થોડું કહેવાય કે
જાણકારી હોય તો આપે ને?
સાચું બોલ જો, કહેવાય એવું મારાથી?
શું તમે બી,
હા પાડો છો પાછા.
મારે હજી ઘણી ચોપડીઓ લખવાની છે.
“સાંભળે તે સમજી શકે
અને
જાણે તે જણાવી શકે”
...વધુ આવતા અંક "મોદીભાઈ ભાગ -૨" માં ...