મળવા જેવા માણસ - 5
મળવા જેવા માણસ - 5
હવે કરીએ તેઓના શોખની દુનિયાની સફર. વ્યાયામ એમના ઘણા શોખમાંનો એક શોખ છે. જે નિયમિત જાળવી રાખે છે. તેઓ નિર્વ્યસની રહ્યા છે અને આજીવન નિર્વ્યસની જ રહેવાનો એમનો સંકલ્પ છે. આજે અડસઠ વર્ષની ઉંમરે પણ યુવાનોને શરમાવે તેવી ગજબની સ્ફૂર્તિ તેઓ ધરાવે છે. અનેક શોખને એક સાથે સરખો ન્યાય આપનાર કદાચ ગુજરાતમાં આ એક વિરલ વ્યકિત હશે. અભ્યાસકાળ દરમિયાન ઈતિહાસ ભણતા ભણતા તેઓને ઈતિહાસને પ્રત્યક્ષા રાખવાનો શોખ જાગ્યો અને ત્યારથી સ્થપાઈ તેઓના શોખની જાદુઈ નગરી. આ નગરીમાં બધું વ્યવસ્થિત ગોઠવેલું હોય. અંધારે પણ કોઈ વસ્તુ તાત્કાલિક હાથવગી થઈ જાય એ રીતે. આ જાદુઈ નગરીને નાનાં બાળકથી માંડીને પ્રધાનો-ગવર્નરો સુધીની વ્યકિતઓએ જોઈ છે.
સ્કેટીંગ, ઘોડેસવારી, ગૃહસુશોભન, વિશ્વ પ્રવાસ, અને બાગાયત જેવા ક્રિયાત્મક શોખ, સંગીત, ચિત્રકળા, નૃત્યકળા વગેરે જેવા કલાત્મક શોખ અને અનેક જાતની વસ્તુઓનો સંગ્રહ કરવાના સંગ્રહાત્મક શોખના તેઓ ધણી છે.
સિક્કા સંગ્રહનો શોખ તેઓનો મુખ્ય શોખ છે. વિશ્વના ર૦૦ જેટલા દેશોના સિક્કા તેઓની પાસે છે. રર૦૦ વર્ષ પહેલાના સિક્કાઓથી માંડીને વર્તમાન સુધીના સિક્કા, રાણી વિકટોરિયાથી માંડીને અત્યાર સુધીના સિક્કા, વિલિયમ ચોથાથી માંડીને જયોર્જ છઠ્ઠા સુધીના સિક્કા, આઝાદીકાળથી માંડીને હાલ સુધીના સિક્કા તેઓ પાસે છે. લગભગ બધાં ભારતીય દેશી રજવાડાઓના સિક્કા તેઓ પાસે છે. જામનગર, જૂનાગઢ, જોધપુર, ખંભાત વગેરે રાજયો સહિત અનેક રાજયોના સિક્કા તેમજ ગુપ્તકાળ, મોગલકાળના સિક્કા તેઓ પાસે વિદ્યમાન છે. સૌથી વધુ સિક્કા કચ્છ રાજયે પાડયા હતા. જેમાં ત્રાંબિયો, દોકડો, ઢીંગલો, ઢબૂ, પાયલો, આધિયો, કોરી, અઢિયો, પાંચિયો, અને મહોરનો સંગ્રહ તેઓ પાસે છે. કોરી અને પાઈથી માંડીને પાંચ રૂપિયા સુધીના જૂના તેમજ નવા સિક્કા તેઓ પાસે છે. ડચ, ફ્રેંચ અને અંગ્રેજોના ભારતના શાસન દરમિયાનના સિક્કા તેમજ ભારત સરકારે બહાર પાડેલ સ્મૃતિ સિક્કાઓની બધી જ કેસેટો તેઓ પાસે છે. વિશ્વના બસો સાડત્રીસ દેશોમાંથી એકસો નેવાસી દેશોનું ચલણ તેઓ પાસે જોવા મળે. કેટલાય નકલી સિક્કાઓ પણ તેઓની પાસે છે. વજનમાં કહું તો ૧પ મણથી વધારે વજન જેટલા સિક્કાઓ તેઓની પાસે છે. ચલણી નાણું ઈતિહાસનું દર્પણ છે. જેના થકી ભૂતકાળ આપણી સમક્ષ પ્રત્યક્ષ ખડો થાય છે.
ચલણી નોટોમાં તેઓ પાસે પાઉન્ડ, ડોલર, રૂબલ, શીલીંગ, લીરા, યેન, રિયાલ, માર્ક, ક્રુઝેરા, દીનાર, બાની, રૂપિયા, બીર, ફ્રાન્ક, ક્રોના અને સેન્ટીમો જોવા મળે છે.
(ક્રમશ:)
