મળવા જેવા માણસ - 4
મળવા જેવા માણસ - 4
માનવીના મનને પામવું અઘરું છે. બિરબલની જેમ તેઓ પાસે હાજર જવાબ તો પડયો જ હોય. ગમે તેવો પ્રશ્ન હોય ફટ કરતોક જવાબ મુખમાંથી નીકળી પડે. શ્રમ અને સ્વમાનને કયારેય ઢીલાં ન મૂકનાર તેઓના વ્યકિતત્વમાં એક ગજબનું આકર્ષણ છે. થોડો સમય લઈને તેઓની પાસે જનાર કલાકો સુધી ત્યાં બેસી રહે અને સમયની ખબર પણ ન પડે. તેઓની વાણી અસ્ખલિત વહ્યા જ કરે અને સાંભળનાર સાંભળ્યા કરે. સમયનો ઘોડો દોડીને કયાં પહોંચી ગયો એનું પણ ભાન ન રહે એવી તેઓની સંગતની તિલસ્મી દુનિયા. આ જાદુમાંથી કોઈ બચી ન શકે. દૂધની બનાવટો અને પૂરણપોળી તેઓને ખૂબ ભાવે તથા પીન્ક અને ગ્રે તેઓના પ્રિય રંગો છે. દિલીપકુમાર તેઓના પ્રિય અભિનેતા છે. માલિક, બાવર્ચી, સમાજ કો બદલ ડાલો, મશાલ તેઓના પ્રિય ચલચિત્રો છે.
આવી રીતે તેઓ વિશે લખવા બેસીએ તો કેટલુંક લખી શકીએ ? એમને જાણો, માણો અને પછી કહો કે કઈ બાબતની માહિતી તેઓ પાસેથી નહીં મળે ?
આવી ગજબ જિંદગી જીવતા શ્રી દિવ્યકાંત પટેલની સાચી પ્રતિભા ઝળકી ઊઠે છે તેઓના સંગ્રહની દુનિયામાં. તેઓના શોખની દુનિયા બહુ જ વિશાળ, નિરાળી અને વૈવિધ્ય સભર છે. શોખની રોમાંચક અને તિલસ્મી દુનિયામાં ગરકાવ થઈ જવાય. શોખ એ કંઈ મામૂલી ચીજ નથી. શોખને પૂરો કરવા માણસે પાગલ બની જવું પડે છે. અભ્યાસકાળ દરમિયાન જ શોખની લાગણી મનમાં સળવળી ઊઠી અને તે લાગણીને તેઓએ બરાબરની પોષી. અને અનેક પ્રકારની ચીજોના તેઓ દિવાના બની ગયા. તેઓ હંમેશાં કહે છે, ’’કોઈ પણ પ્રાચીન ચીજો એ માત્ર જડ વસ્તુઓ નથી. એમાં ઢબૂરાઈને સૂતાં છે આપણી સંસ્કૃતિનાં સોનેરી સોનેરી - રૂપેરી પાનાં. ઈતિહાસને પોતાનું ભવિષ્ય નથી. પણ એ માનવ જાતના ભવિષ્યને માટે વર્તમાનમાં ઉછરતી પ્રજાને ભૂતકાળના અનુભવનું ખાતર પૂરું પાડે છે અને એટલે જ એ અભ્યાસની વસ્તુ છે. સંસ્કૃતિના પાયામાં રહેલી સામગ્રીના સંશોધનમાં અને સંપાદનમાં ઈતિહાસકારોને અને પુરાતત્ત્યવવિદોને રસ છે. ઈતિહાસનાં આ ઉપકરણો કાળનો કોળિયો બની જાય એ પહેલાં એ ભવ્ય ભૂતકાળની કરચે કરચને વીણી વીણીને ભેગી કરવાની છે.’’ અને આ વાતને ધ્યાનમાં રાખી તેઓએ પોતાના શોખની દુનિયાને ઐતિહાસિક બનાવી દીધી. નામ પ્રમાણે દિવ્ય જીવન જીવનાર શ્રી દિવ્યકાંતભાઈ પોતાની આ અનોખી સંપતિથી ફુલાઈ જતા નથી. દરેકને એમાંથી કંઈ ને કંઈ આપ્યા જ કરે છે.
(ક્રમશ:)
