મળવા જેવા માણસ 03
મળવા જેવા માણસ 03
સેવાકાર્યમાં પણ તેઓ આગળ રહેલ છે. ઈ.સ. ૧૯૮૩માં થયેલી જળ હોનારતમાં એમના ગામમાં કુદરતે વિનાશ વેરેલો. ત્યારે રાત-દિવસની કે ઊંઘ-આરામની પરવા કર્યા વિના. એમણે જાહેર સામાજિક સંસ્થાઓની મદદમાં રહીને અસરગ્રસ્તોની સતત સેવા કરેલી. ડૂબતાઓને બચાવેલા. જેની નોંધ ગુજરાતનાં આગેવાન અખબારોએ લીધી છે. ભૂતકાળમાં ગ્રામ સફાઈ, ભૂદાન, ગ્રામદાન, દારૂબંધી, સત્સંગ, સ્વાધ્યાય, સભાઓ, રાહત રસોડું , વૃક્ષારોપણ, રાત્રિ શાળા સંચાલન, વિદ્યાર્થી છાત્રાલય અભ્યાસ ગૃહ, સામાજિક કુરિવાજ વિરુદ્ઘ ઝુંબેશ વગેરે અનેક સમાજોપયોગી પ્રવૃત્તિઓમાં સક્રિય રહેલા હતા.
તેઓ સંત વિનોબાજી સાથે ભૂદાન પદ-યાત્રામાં પણ જોડાયા હતા. લોકસેવક બબલભાઈ મહેતા સાથે લોકસેવાના કાર્યમાં જોડાયેલા હતા. તેઓ અનેક સેમીનાર શિબિરો, રિફ્ર્રેશીંગ કોર્સ, યુવક યુવક મહોત્સવો, શૈક્ષણિક પ્રવાસ-પર્યટન વગેરે પ્રવૃત્તિઓમાં રત હતા. ગુજરાત ઈતિહાસ પરિષદ, સૌરાષ્ટ્ર ઈતિહાસ પરિષદ, સોરઠ સંશોધન સંસ્થા, નેશનલ એરોનોટિક ઓફ સ્પેઈસ એડમિનિસ્ટે્રશન ’’નાસા’’, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા, ’’ઈસરો’’, ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરીટેઝ (ઈન્ટેચ), ભારતીય મુદ્રા પરિષદ વગેરે સંસ્થા-મંડળો સાથે સભ્ય તરીકે અથવા માહિતીના દાવેદાર તરીકે જોડાયેલા છે. ’ગીતાંજલિ’ અને ’ધી પ્રોફાઈટ(વિદાયવેળા)’ તેઓના પ્રિય પુસ્તકો છે.
ગુજરાત રાજય પાઠયપુસ્તક મંડળમાં રહીને તેઓએ વિવિધ શ્રેણીઓના હિન્દી પાઠયપુસ્તકોનું સંપાદન પણ કર્યું છે. વિદેશોના અનેક દેશના વિવિધ ભાષાઓનાં રેડિયો પ્રસારણો નિયમિત સાંભળે છે અને સક્રિય શ્રોતા તરીકે પ્રતિભાવો મોકલી- મેળવી એકઠી કરેલી માહિતી સૌ-કોઈને આપે છે. પત્રમિત્રોનો શોખ પણ તેઓનો નિરાળો છે. તેઓ અનેક દેશ-વિદેશના પત્રમિત્રો ધરાવે છે. પ્રવાસનો પણ ગજબનો શોખ. ભારતમાં અનેક લાંબા યાત્રા-પ્રવાસો કરીને તેઓએ પોતાના મગજમાં જ્ઞાનનો ભંડાર ભરી લીધો છે. સંતો અને સાહિત્યકારો સાથે અનેક સપ્તાહો વિતાવ્યાં છે. તેઓ કવિ સંમેલનોમાં પણ જાય અને જ્ઞાનસત્રો પણ માણે. ગૃહિણી કરતા પણ વિશેષ પારંગતતા ધરાવતા હોવાથી ઘરકામમાં પણ આડે આવે.
(ક્રમશ:)
