માતૃપ્રેમ
માતૃપ્રેમ
આપણે એક એવા સમાજમાંથી આવીએ છીએ જ્યાં પુત્ર જન્મે તો ખુશીઓ મનાવવામાં આવે છે, પેંડા વહેંચવામાં આવે છે, અઢળક પૈસો ખર્ચવામાં આવે છે. અને જો પુત્રી જન્મે તો મોઢું ચડાવી દેવામાં આવે છે, અને જન્મ આપનાર જનેતા પ્રત્યે ઉપેક્ષા દાખવવામાં આવે છે. સુનિતા પણ એક એવા જ સમાજમાંથી આવતી હતી, જ્યાં તેના જન્મ બાદ તેની માતા સિવાય બીજા કોઈને તેના જન્મની ખુશી નહોતી. તેના પિતાએ તો તેનું મોઢું સુદ્ધાં જોવાની ના પાડી દીધી હતી. પરંતુ રમાબેન એટલે કે સુનીતાની મમ્મીએ નક્કી કર્યું હતું કે પોતે સુનીતાનો ઉછેર કરશે અને તેને બધા જ હક અપાવશે.
સુનીતાના જન્મ બાદ ક્યારેય પણ રમાબેનને તેમના પતિએ બોલાવ્યા નથી, અને રમાબેન ગયા પણ નથી. શરૂઆતમાં રમાબેને ખૂબ પ્રયત્નો કર્યા કે કંઈ કરતાં તેમના પતિ માની જાય છે. તેમણે એ રીતે પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, આ વાત પોતાના હાથની નથી. ભગવાને જે આપ્યું તે ખરું. પરંતુ રમાબેનના પતિ એકના બે ન થયા અને રમાબેનને ક્યારેય પોતાની પાસે પાછા બોલાવ્યા જ નહીં.
હવે રમાબેને એકલા રહી અને સુનિતાનો ઉછેર કરવાનું નક્કી કરી લીધું. તે પોતાના પિયર પણ રહ્યા નહીં. તેમની બાળપણની એક મિત્ર હતી, તેની સાથે સંપર્ક કરીને શહેરમાં જતા રહ્યા. ત્યાં તેમણે સિવણનું કામ કર્યું, મોટા માણસોના ઘરે રસોઈ કરવા જતાં અને પોતાનું તથા પોતાની પુત્રીનું જતન કરતા. તેમણે સુનીતાને એક સારી પરવરિશ આપવાનું નક્કી કર્યું હતું. તે પોતે ગમે તેવી મુશ્કેલી વેઠીને પણ સુનિતા ને કોઈ તકલીફ ન પડે તેનું ધ્યાન રાખતા. પુરુષ પ્રધાન સમાજમાં એકલા રહીને ઘર ચલાવવું અને પુત્રીનું પાલન કરવું કેટલું અઘરું હોય છે, તે આપણે સૌ કોઈ જાણીએ છીએ. એવી ઘણી રાતો હતી જે એમણે સુનિતાનો ચહેરો જોઈને વિતાવી હતી. તેનું ફૂલ જેવું કોમળ મુખ જોઈને પોતાનું પેટ ભરી લેતા હતાં. આ વાત પરથી આપણને અંદાજ આવી જાય કે રમાબેનને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હશે.પરંતુ તેમણે હાર માન્યા વગર સુનીતાની પરવરિશ કરી.
હવે સુનિતા ધીરે ધીરે મોટી થવા લાગી હતી અને હવે તો તે પોતાની મમ્મીને ઘરકામમાં પણ મદદ કરવા લાગી હતી. સુનિતા ભણવામાં પણ ખૂબ જ હોંશિયાર હતી એટલે સ્કૂલમાં પણ સૌની માનીતી બની ગઈ હતી. દરેક શિક્ષક તેને ભણાવવા માટે ઉત્સાહભેર તૈયાર હોય. સુનિતા પણ તેટલી જ ગંભીરતાથી દરેક શિક્ષકની વાતને માનતી અને તે કહે તે મુજબ જ કરતી. સુનિતા શિક્ષણમાં પણ દરેક પરીક્ષામાં અવ્વલ આવતી. રમાબેન પણ સુનીતાની શૈક્ષણિક કારકિર્દી જોઈને પોતે આપેલા બલિદાનને સુનિતા સાર્થક કરતી હોય તેવું લાગતું. તે પોતાની દીકરી માટે કંઈ પણ કરવા તૈયાર હતાં, અને સુનિતા પોતાની મમ્મીને એક સમ્માનભેર જિંદગી આપવા માટે.
દરેક માતાપિતાની ઈચ્છા હોય કે પોતાનો દીકરો કે દીકરી ખૂબ જ ભણે અને એક આરામદાયક જિંદગી વિતાવે. પરંતુ સુનિતાએ નક્કી કર્યું હતું કે તે પોતાની મમ્મીને એક સન્માનજનક જિંદગી અપાવશે અને તેણે સહન કરેલ દરેક દુઃખનો બદલો એક ખુશહાલ જિંદગીથી વાળશે. આજે એ દિવસ આવી ગયો હતો એટલે સુનિતા અને રમાબેન બંને ખૂબ જ ખુશ હતાં. આજે સુનિતાએ યુપીએસસી ની પરીક્ષા પ્રથમ પ્રયત્ને જ પાસ કરી હતી અને તે કલેકટર બની ગઈ હતી. જે સમાજે તેને તરછોડી હતી, તે જ સમાજ આજે તેનું સમ્માન કરવા આતુરતાથી તેની રાહ જોઈ રહ્યો હતો. આ જ છે આપણાં સમાજની નક્કર વાસ્તવિકતા. થોડી જ ક્ષણોમાં એક વ્હાઈટ કલરની ઇનોવા ગાડીમાંથી જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી સુનિતા પોતાની મમ્મી સાથે ઉતરી અને તેને જોઈને આખું મેદાન તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. રમાબેનને આજે પોતાનું જીવન સાર્થક થઈ ગયું હોય તેવું લાગ્યું અને તે સુનીતાને ભેટી પડ્યા.
ધન્ય છે એ દીકરીને જેણે એક સ્ત્રીને પોતાનું સન્માન પાછું અપાવ્યું અને ધન્ય છે એ માતાને જેણે આવી કપરી પરિસ્થિતિમાં પણ એકલે હાથે પોતાની દીકરીને આ મુકામ સુધી પહોંચાડી. તેથી જ કહેવાય છે કે, " એક માતા સો શિક્ષકની ગરજ સારે છે..."
