Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Bharat M. Chaklashiya

Drama Thriller

3  

Bharat M. Chaklashiya

Drama Thriller

માથાભારે નાથો 21

માથાભારે નાથો 21

13 mins
646



 કોલેજના ડિન રસિકલાલ દવેને મળીને આવ્યા પછી ચંપક કાંટાવાળો વધુ વ્યથિત રહેવા લાગ્યો હતો. એના ત્રણ માળના મકાનમાં ત્રીજા માળે એનું રહેઠાણ હતું. 

દરરોજ એ નવરો પડીને એ મુલાકાત યાદ કરતો કરતો કલ્પનાઓમાં સરી પડતો. 

 "એક બપોરે ફરી વખત તારિણી

દેસાઈનો ફોન આવે છે..કેમ છો અને કેવી તબિયત છે ? કેમ પછી મળવા ની આયવા...? એવા સવાલો પૂછીને એને બેબાકળો કરી મૂકે છે...મેં આવેલો...ખાસમખાસ તમને જ મલવા આયો ઉટો..પન પેલો કોન ટાં બેહે છે..એને ની મલવા ડીઢો.." વગેરે વાર્તાલાપ કરતો કરતો એ નસકોરાં બોલાવવા લાગે છે..અને ઊંઘમાં એને તારીણી બોલાવી રહી છે.."આવો ની ફડી ક્યાડેક...પ્લીઝ..!"


 તારીણી દેસાઈને તે દિવસે સ્ટાફ રૂમમાં જે હુમલો આવેલો અને એ બેહોશ થઈ ગયેલી..ત્યારબાદ એ થોડા દિવસ કોલેજ આવી ન્હોતી.


મગન અને નાથા સાથે મળીને ચમેલીએ પ્રોફેસરને હોસ્પિટલ લઈ ગયેલી એ બધી વાતો એક દિવસ ચમેલી એની મમ્મીને કરી રહી હતી. ત્યારે અચાનક આવી ચડેલા ચંપકે તારીણીનું નામ સાંભળ્યું અને એના કાન ખડા થયા...

"શું વાટ કડે છે..? કોની વાટ કડતી છે ?" ચંપકે વાતમાં ચાંચ બોળી.

"એ ટો.. અમાડા પ્રોફેસડ નહીં..? પેલા..તાનીની ડેહાઈ.. એવા એમને એક ડીવસ બો પોબ્લેમ ઠેઈ ગેલો..અમે લોકો એવા એને હોસ્પિટલ લેય ગિયા ઉટા.. એમ મેં કેટી છું..માડી મમ્મીને..." ચમેલીએ ચમચો હલાવતા કહ્યું.

 "ઓહો.. ટો ટો ટમે લોકાએ બોવ સડ્સ કામ કડયું.. હેં.. ડિકા.. એ કાં આગડી રે'ય છે એ તને ખબડ છે..?" ચંપકે પગેરું મેળવવાના આશયથી રસ લેવા માંડ્યો.


 અત્યાર સુધી ચૂપ રહેલી ચંપકની પત્નીને હવે પોતાનું કંઈક ભયમાં આવેલું ભાસ્યું..

"એનું ટમાડે શું કામ મલે..? ટમે ડુંકાનમાં ભજીયા ટલો ભજીયા....

એની પ્રોફેસડ કાં રેય છે એ ટમાંડે જાનવાની જડુંડ ની મલે.."

 ઊંધા ત્રિકોણ અકારના મસ્તકની માલિકણ હન્સાએ એના ઊંટના લબડતાં હોઠ જેવા હોઠ હલાવીને ઉપર મુજબના વાક્યોને હવામાં લહેરાવ્યા અને ઊંચી ભેખડ નીચે ભરેલા ખાબોચિયાં જેવી આંખો ઉલ્લાળી...!

 હન્સાનું માથું ઉપરથી સાવ સપાટ હતું અને કપાળ લગભગ અડધા માથા સુધી વિસ્તરી ચૂક્યું હતું. એ રણ પ્રદેશને અટકાવવા માટે હન્સાએ એની કેન્દ્ર સરકાર જેવા ચંપક પાસેથી હજારો રૂપિયાની ગ્રાન્ટ મંજુર કરાવેલી. વરસો પહેલા એ જ્યારે યુવાન ગણાતી હતી ત્યારે આપણો ચંપક એની ઉપર ઘણો ફિદા હતો...અને એ કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી પ્રેમનો મબલક પાક ઉતરતો. એટલે આવી ગ્રાન્ટ તરત જ મંજુર થઈ જતી અને એ વખતે વર્લ્ડ બેન્ક જેવો ગણપત પણ જીવતો હતો..!


 હન્સાનું નાક ઘોલર મરચા જેવું હતું. અને એ નાક નીચે રહેલા બન્ને હોઠ વચ્ચે, ભુતકાળમાં કદાચ આગળ નીકળવાની હરીફાઈ થઈ હશે અને એમાં નીચેનો હોઠ આગળ નીકળી ગયો હોય કે પછી ઉપરના હોઠને નાનો સમજીને નીચેના હોઠે એને પોતાની ઉપર ઝીલી લીધો હોય એવું કંઈક બન્યું હશે એમ લાગે. અને બન્ને હોઠ વચ્ચેની આવી ચડસા ચડસી જોઈને હન્સાની દાઢી રિસાઈ ગઈ હોય એમ એ ત્રિકોણાકારે નાની એવી રહી ગઈ હતી. એ દાઢીને પોતાની બે હાથની આંગળીઓ વડે પકડીને ચંપકે એનું મુખારવિંદ નિરખ્યું હશે તે દિવસે એના સાતેય કોઠામાં દિવા ઝળહળી ઉઠ્યા હશે...!


 હન્સાનું ડોકું એના ધડ ઉપર ડાયરેક્ટ લગાડવામાં આવેલું હતું. એટલે એને ડોક જ નહોતી.અને ડોક વગરની બેઠી દડીની હન્સા હજારોમાં નહી પણ લાખોમાં એક હોવાનું એના પિતાજીએ ચંપકને સમજાવેલું.

 હન્સા માથું ઓળતી ત્યારે એના વાળની ચોટલી ઊંધા ત્રિકોણાકાર માથાને કારણે ગળાથી દુર હવામાં ઉડયા કરતી. ક્યારેક જો હન્સાએ અંબોડી લીધી હોય તો એ લીંબુ કરતા પણ મોટી અંબોડી થઈ જતી અને એ અંબોડી પર ક્યારેક જો વેણી વીંટાળી હોય તો ચંપક આખો દિવસ ઘરની બહાર જ જતો નહીં અને હન્સાની આગળ પાછળ ફર્યા જ કરતો.


 હન્સાના ખભા પર ચંપક ક્યારેય હાથ મુકતો નહીં. કારણ કે હન્સાની હડપચીની બન્ને સાઈડથી ડાબા અને જમણા હાથના ઢોળાવો શરૂ થઈ જતા. એટલે જો ચંપક એના ખભે હાથ મૂકે તો એ હાથ તરત જ લસરીને નીચે પડી જતો. હન્સા કાનમાં જે લટકણીયા પહેરતી એ લટકણીયા બન્ને ખભા પર આરામથી પડ્યા રહી શકતા.

એના ઘોલર મરચા જેવા નાકમાં એ લાંબી લીટી જેવી ચૂક પહેરતી ત્યારે ચંપક બેડરૂમના એકાંતમાં એને કહેતો, "ટું આજે બોવ સેક્સી લાગટી છો..!''


 ત્યારે હન્સા શરમાઈને એના બન્ને હાથથી મોઢું ઢાંકી દેતી.ચંપક એ ધોકણા જેવા હાથ હટાવતો ત્યારે હન્સાના લબડતાં હોઠમાંથી થુંકનો આછો ફુવારો ચંપકના મોં પર પ્યારભર્યો છંટકાવ કરતો.ત્યારબાદ એ બોલતી, "ટમે પન બોવ હેન્ડસમ જેવા જ લાગટા છો હાં કે..મને છે ને..હેં.. ને..ટમે બોવ વ્હાલા લાગટા છો..હી..હી..હી..''

એ સાંભળીને ચંપક, આખા પલંગ પર છવાયેલી હન્સા ઉપર મુશળધાર વરસવા લાગતો.


 હન્સા, કપાળમાં મોટો ચાંદલો કરીને ચંપક જીવિત હોવાનો પુરાવો આપતી. અને આગળ વધેલા રણ પ્રદેશ જેવા કપાળની વચ્ચોવચ મોટો સેંથો પાડીને વાળ ચપ્પટ ઓળીને એ સેંથામાં, માથાના પાછળના ભાગ સુધી સેંથો પૂરતી. એટલે તમને એવું લાગે ખરું કે પહાડમાંથી કોઈ નદી નીકળીને રણ પ્રદેશમાં વિલીન થઈ ગઈ છે..!! 

 ગણપતના ઘરમાં ખાવા પીવામાં કોઈ ખામી પહેલેથી જ નહોતી. એટલે હંસલી જેવી હન્સા ધીમે ધીમે હાથણી જેવી થઈ ગઈ હતી.

એના થાંભલા જેવા પગની ઉપર કમરનો પ્રદેશ એટલો બધો વિકસ્યો હતો કે હન્સાની પાછળ એકાદ નાનું છોકરું આરામથી એની પીઠ, હન્સાની પીઠને ટેકવીને બેસી જાય તો હન્સાને કદાચ ખબર પણ ન પડે !!


 ચંપક ક્યારેક આવેશમાં આવીને હન્સાને ભેટવા ચાહે તો એના હાથ ટૂંકા પડે એટલા એ બન્ને સુખી હતા ! (હન્સાનું વર્ણન આનાથી વધુ હું કરી શકું એમ નથી..છતાં મેં મને આવડ્યું એટલું કર્યું છે, જે કંઈ બાકી રહેતું હોય તો, વાચકમિત્રોને કલ્પના કરી લેવા વિનંતી..)

 તારિણી દેસાઈ વિશે વધુ માહિતી મેળવવા માંગતા પતીને હન્સાએ હાકલ કરીને મનાઈ ફરમાવી.પણ ચંપકને હવે એ હન્સા નામના કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી સ્વતંત્ર રાજ્ય બની ગયેલી હન્સામાં બહુ રસ રહ્યો નહોતો. એટલે એણે પણ સામો બરાડો પાડ્યો.


"એમાં ટને હાના મરચા લાગટા છે હેં.. એં.. એં... બેન@#$ મારી બાબટમાં બોવ માંઠાકુટ ની કડવાની.. કેઈ દેવ છું..."એક ચંપકે એક સુરતી ઠબકારી.

 એ સાંભળીને હન્સા હલી ગઈ. અને એના લબડતાં હોઠ હવામાં લહેરાવા લાગ્યા..અને એના ઘોઘરા ગળામાંથી ચીસાચીસ નામના ગોળા વછૂટવા માંડ્યા..

" મને બઢઢી જ ખબડ સે..તમને હવે છે તે અભડખા જાયગા છ..ડાચું તો જોવ અડીસામાં..કોઈ કૂટડી પન તમાડા ડાચા ઉપડ ટાંગો ઊંચો ની કડે..ટમે ટો છે ને ભજીયા ટલવા સિવાય કોઈ કામના નઠ્ઠી રિયા એ ખબડ છે ? ઘરના બયડા હચવાટા નહીં ને પાડકાને પ્રેમ કડવા નિકડી પયડા છે..ટમને કંઈ ભાન બાન છે કે નહીં..એકવાડ કોઈ ડોશી બી ટમારી સામ્મે જુએને તો જાવ હું મૂંડો જ કડાવી દેવ..અક્કલનો છાંટો તો છે નઠ્ઠી.. પેલીએ આ છોકડીના ભનવા માટે મલવા બોલાયેલો..તે આ હમજ્યો કે બાગમાં મલવા બોલાયવો. અટ્ટર બટ્ટર છાંટીન ચાયલો આતો..ઓ..

સાંભડી લેવ કોઈ ટાંટિયા ભાંગી નાખહે તો મેં સામું પણ ની જોવા.. કેય દેવ છું..હમજી લેજો..."

 હન્સા હજુ પણ થંભવાનું નામ લે એમ નહોતી. પણ એની સામે મોરચો ખોલવાને બદલે ચંપક ભાગીને, નીચે દુકાનમાં ચાલ્યો ગયો..!


 તારીણીને મળવાની મહેચ્છા દિલ

માં દબાવીને એ દુકાનમાં કાઉન્ટર પર બેસીને ગ્રાહકોને ગોટા જોખી આપીને પૈસા લેવા લાગ્યો.

 "કેમ છો..ચંપકલાલ..ઓળખાણ પડી કે નહીં ?'' એક ગ્રાહકે ઉંચા સાદે એને બોલાવ્યો. ગલ્લામાં પૈસા મૂકીને એણે એ ગ્રાહક સામે જોયું અને એની આંખોમાં ખુશીનો ઝબકારો થયો !

 "અરે ટમે..? આવો આવો..તમાડું નામ ટો યાડ નઠ્ઠી..પણ ટમે પેલા યુનીવડસીટીના સાયેબ કે નહીં ! "


"રસિકલાલ દવે..સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ડિન.. તમે તે દિવસે આવેલાને.. તમારી બેબી માટે.."

રસિકલાલે ગોટાની ખુશ્બૂને કારણે મોંમાં છૂટેલા પાણીનો ઘૂંટડો ગળતા કહ્યું..

"હા.. હા..ટે મેં ક્યાં ના કેવ છું..એ ટો હું આવેલો જ ને વડી.."ગણપટે કહ્યું.

"તમારા ગોટા બહુ જ પ્રખ્યાત છે.. એટલે થયું કે ચાલ આજે તમારા આમંત્રણને માન આપીને જઈ આવું.."રસિકલાલે હોઠ ઉપર જીભ ફેરવીને કહ્યું.


"હા..એ ટો છે જ ! માડા પપ્પાની મોનોપોલી છે.." એમ કહેતા એ બીજા ગ્રાહકોને ગોટા જોખી દેવા લાગ્યો. દવે સાહેબને પણ એણે અન્ય ગ્રાહકોની કક્ષામાં મુક્યાં.

 દવેને એમ હતું કે પોતાને જોઈને ચંપક અડધો અડધો થઈ જશે.

અને આદર સત્કાર કરી ગોટા ખવડાવશે અને ઉપરથી ચા પાણી પણ પાશે. પછી ઘર માટે એકાદ કિલો હું પાર્સલ કરાવી લઈશ અને પૈસા આપવાનો ખાલી ખાલી આગ્રહ કરીશ પણ ચંપક પૈસા લેવાની ના પાડશે..આમ એકાદ કિલો ગોટાનો શિકાર કરવા આવેલ દવે, ગરમ ગરમ ગોટા પર લીંબુ નીચોવીને સ્વાદ માણતા ગ્રાહકોને ભૂખી નજરે તાકી રહ્યાં.

 દુકાન ઉપર વધતી ભીડ, ગોળના ગાંગડા ઉપર માખીઓ બણબણે એમ બણબણવા લાગી. ગ્રાહકોએ કાઉન્ટરના છેડે ઉભેલા દવેને કોણીઓ મારીને પાછળ હડસેલી દીધા. દવે સાહેબ, કોઈ ડૂબતો માણસ હોડીવાળાને બચાવવાની આશાએ જોઈ રહે એમ ચંપકને તાકી રહ્યા અને દૂર હડસેલાતા ગયા. ગ્રાહકો લાઇનસર એક પછી એક આવીને પૈસા આપતા હતા અને ચંપક ઓર્ડર પ્રમાણે ગોટા જોખતો હતો.


 દવેને લાગ્યું કે સાલું આમ તો ગોટા મોંમાં નહીં આવે ! કદાચ મફતના ગોટા ખાવાના મનસૂબા પર પાણી ફરી જશે. ત્યાં જ ડૂબતો તરણું ઝાલે એમ એમને તારીણી દેસાઈ યાદ આવી.આ ગડબો એની પાછળ પાગલ થયેલો છે એ પણ એમને યાદ આવ્યું અને એમના મોં માંથી ફરી રસસ્રાવ થયો.


"ચાલો, ત્યારે ચંપકલાલ..હું જઉં હવે..આજે તારિણી બહેનને મળવા જવાનું છે એમના ઘેર.. એટલે જરા ઉતાવળ છે..પછી ફરી કોઈવાર આવીશ....એમને પણ ઈચ્છા હતી તમારા ગોટા ખાવાની, પણ..."

 દવેનું એ વાક્ય રામબાણ સાબિત થયું. ચંપક એકદમ ચમક્યો.

"અડે સાહેબ..ઉભા તો રેવ..લો હું તમાડી વ્યવસ્ઠા કડું છું..એમ કેમ તમે નાસ્ટો કડ્યા વગડ ચાલ્યા.."


ચંપકે એક નોકરને હાંક મારી..

"ઓ નડેશ.. સાહેબને બેસાડ અને ગોટાની ડિશ આપ.."

 નરેશ નામના ચંપકના નોકરે તરત જ એક ટેબલ સાફ કરીને દવેને બેસાડ્યા.અને વીસ રૂપિયા વાળી ડિશ આપી. જેમાં ગણીને માત્ર ચાર જ ગોટા હતા. સાથે લીંબુના બે કટકા અને સુધારેલા કાંદા ! દવે ના મોંમાં ક્યારનું પાણી આવી ગયેલું એટલે તરત જ ઝરખ સસલા પર તૂટી પડે એમ રસિક દવેએ ગોટાને તોડીને ફટાફટ લીંબુ નીચોવીને મોંમાં મૂક્યું. ગોટા, ગરમાં ગરમ હતાં. પણ દવે જરા ઉતાવળા થઈ ગયા. ગરમ ગોટું એમની જીભ અને તાળવા ઉપર ચોટયું. દવેજી ને ભૂલ તો સમજાઈ પણ મોડું થઈ ચૂક્યું હતું..એમણે ફટાફટ ગલોફા માં ગોટું ટ્રાન્સફર કર્યું અને ગળા માંથી ઉચ્છવાસ ગોટા પર છોડવા લાગ્યા.પણ ગોટાએ ગરબડ કરી નાખી હતી. દવેની આંખમાં આંસુ આવી ગયા..હું..ઉ..ઉ..હા..હું..ઉ..

ઉ...હા...જેવા સ્વરો એમના ગળામાંથી છૂટ્યા..હાથ કારણ વગર ઉંચા નીચા થવા લાગ્યા.


ચંપક કાઉન્ટર પરથી રસિકલાલની દશા જોઈ રહ્યો હતો. રસિકલાલ ઉભા થઈને ગોટાને મોંમાં બન્ને ગલોફામાં જીભ વડે ઘા કરીને ઠારવા મથતા હતા. પણ ગોટું, ચંપકના દિલમાં તારિણી પ્રત્યે જાગેલા પ્રેમ કરતાંય ગરમ હતું.એ અડધા ગોટાએ રસિક દવેનો જીવ ગળામાં લાવી દીધો. પ્લેટમાં પડેલા સાડાચાર ગોટા રસિકલાલ સામે દાંતીયા કરી રહ્યા હતા. રસિકલાલ દોડીને પાણી ભરેલા પવાલા પાસે આવ્યા..અને ઝડપથી પાણી પીધું.

હજુ પણ મોં માં લ્હાય બળતી હતી. ફરી ટેબલ પાસે જઈને પોતાની અસ્કયામત જેવા સાડા ત્રણ ગોટાને નીરખીને આંસુ લૂછી નાખ્યા,ખિસ્સામાંથી રૂમાલ કાઢીને નાકમાંથી વહી રહેલા સ્ત્રાવરસને, હોઠ ઉપરના વિસ્તારમાં પ્રસરતો રોક્યો.

"ખાઉં કે ન ખાઉં..સાલું બહુ જ ગરમ હતું..મારે જરાવાર ઠરવા દેવું હતું..."એમણે વિચાર્યું.

"કેમ સાહેબ..ટેસ્ટ કેવો લાયગો એ ટો કેવ.." ચંપકે રાડ પાડીને પૂછ્યું.

"બહુ જ ગરમ હતું ભાઈ..." દવેએ રોતલ અવાજે કહ્યું..

"પન સ્વાડ કેવો લાયગો..?''

"અલ્યા ભાઈ કહ્યું તો ખરું કે બહુ જ ગરમ હતું..'' દવેને ગુસ્સો પણ આવતો હતો.

''ગરમાં ગરમ હટા.. ટો.. ગરમ જ હોયની..ગોટા કંઈ ફ્રિજમાંઠી ની કઢાયને..એ ટો આપને જડા ઢીરજ

રાખવી જોવે..એમ તડત જ ટુટી ની પડવું જોવે..સીઢું જ ટમે ટો મોઢામાં ઘાલ્યું.. તો એ કંઈ થોડું તમારી માસીનું દિકડું હટું ટે હમજે, કે ભઈ આ તો સાયેબનું મોઢું મલે,

આપને ગડમ ની લાગવું જોવે.. હે..હે....હે" ચંપકે હસતા હસતા કહ્યું.

 "એ તો મને પણ ખબર છે..પણ હવે ભૂલ થતા થઈ ગઈ..તમે શાંતિ રાખોને યાર.." દવે થોડા ખીજાયા.

"પન સ્વાડ કેવો લાયગો...? એ ટો કેવ.."ચંપક હજુ પીછો છોડતો નહોતો, પણ કાઉન્ટર છોડીને રસિકલાલ પાસે આવીને ઊભો રહ્યોં.

 "તમે યાર શાંતિ રાખોને ! મારુ મોઢું બળી ગ્યું છે અને તમને સ્વાદની પડી છે ?" દવે એ કહ્યું.

"પન તમાડે ઢીયાન રાખવું જોવે.. બઢી બાબટમાં બો ઉટાવલ ની કરાય..ઢીરજના ફલ મિઠ્ઠા એ કંઈ એમનીમમ ની કહેવાયું ઓહે.!" ચંપકે રસિકલાલના ખભે હાથ મૂકીને જ્ઞાન પીરસ્યું.અને ઉમેર્યું

"તમે તારીની ડેહાઈ ને ટાં જવાના હોવ ટો એમના હારું થોડો નાસ્ટો મોકલાવું.. અને કે'ટા હોય તો સાઠ્ઠે બી આવું..મારે મારી બેબી માટે એમને મલવું છે..."


રસિકલાલ એની સામે જોઈ રહ્યા.

 "મને ગોટા જોઈને મોંમાં પાણી આવી જતું હતું, એમ આને તારીણીનું નામ સાંભળીને પાણી આવી જાય છે. મને તો ખબર જ હતી કે ગોટું ગરમ હોય ત્યારે મોઢામાં ન નંખાય..તોય મેં નાખ્યું, અને આ બિચારાને તો ખબર પણ નથી કે તારીણી નામનું ગોટું કેટલું ગરમ છે..સાલ્લો બરાબરનો દાઝવાનો છે..ભલે મરતો, મારા બાપનું શુ જાય છે.." એમ વિચારીને એ બોલ્યા, "હવે આજે તો હું નહીં જઈ શકું..પણ તમારે જવું હોય તો જઈ આવજો..બેન બિચારા બહુ સારા છે..અને એકલાં જ રહે છે.."


 "એમ ? ટો ટો મેં આજે જ જવા, પણ મને એડ્રેસ ટો આપો.."ચંપકે ખુશ થઈને કહ્યું.

 "મારો બેટો..ખરો છે. એકલી રહેતી હોવાની વાત સાંભળીને આજે જ જવું છે સલ્લાને" મનમાં બબડીને એ બોલ્યા..

"મારી પાસે સરનામું તો નથી પણ એમના ઘરનો ફોન નંબર આપું, તમે ફોન કરીને એમની અનુકૂળતા પૂછીને જજો..એ હા પાડે તો..શું છે કે બીજા લોકો પણ એમને મળવા આવતા હોય ને..!" દવેએ ડાયરી કાઢતા કહ્યું.

"હેં..? બીજા લોકો પન મલવા જતા હોય..?" ચંપકને આ ન ગમ્યું.

"લે...કેમ ન જાય,તમારી એકલાની

દીકરી જ થોડી એમની પાસે ભણે છે....એમને તો બહુ બધા મળવા જાય..ખાસ..!" રસિકલાલે ડાયરીમાંથી એક કાપલી ફાડીને એમાં તારિણી દેસાઈનો ફોન નંબર લખી

ને ચંપકને આપતા કહ્યું.

 "લ્યો..તમારા નસીબ સારા હોય તો મુલાકાત થઈ જશે..રાત્રે દસ વાગ્યા પછી ફોન કરતા નહીં.. એ વહેલા સુઈ જાય છે...શું છે કે એકલા જ રહે છે ને એટલે..!"

ઠરેલા ગોટા પર લીંબુ નીચોવીને મોં

માં મુકતા રસિકલાલે ઉમેર્યું, "અરે વાહ..શું સ્વાદ છે..વાહ..! એક કિલો બાંધી આપો..શું છે કે ઘેર બૈરાં છોકરા પણ ખાયને..!"

 ચંપકને "બીજા પણ મળવા જતા હોય.." એ વાક્ય જરાય ન ગમ્યું. એના ઉત્સાહ પર ઠંડુ પાણી ફરી વળ્યું. નિરાશ થઈને એ થડા પર ગોઠવાયો. રસિકલાલ પણ બાકીના ગોટા પતાવીને કાઉન્ટર પાસે આવીને ઊભા રહ્યાં. ચંપકે એક કિલો ગોટા જોખીને રસિકલાલને પાર્સલ કરી આપ્યું.

એના ચહેરા પર ફરી વળેલી નિરાશા જોઈને રસિકલાલે પૂછ્યું

" કેમ તમને'ય કંઈ ગરમ લાગ્યું..?

રસિકલાલને, ચંપકનું મોં જોઈને હવે મઝા આવતી હતી. 


"આ બેડોળ બાબુચક,શું જોઈને તારીણીના ખ્વાબ જોતો હશે..? અને એમ જો તારિણી આવા ડોબાને ભાવ આપવાની હોય તો અમે શું મરી ગ્યા છીએ..? ટોપો સાલ્લો..!" એમ વિચારીને દવે મંદ મંદ મરકી રહ્યાં.

"ના..ના..મને ગડમ ન લાગે..માડો તો રોજનો ઢંઢો છે..અને મેં તો બહુ સમજી વિચાડીને જ કામ કડતો છું.

તમાંડી જેમ જોઈને તડત જ મોં માં ના ઘાલું.. જડા ઠરવા ડેવ..પછી જ હળવે રહીને બટકું ભરું.. અને પછી એના સ્વાડની મજા લેવ.

ઢીમેં ઢીમેં..ઢીરે.. ઢીરે.. પ્યાર કો બઢાના હે...હડ સે ગુજડ..જાના. હે.." કહીને એ ખડખડાટ હસી પડ્યો. અને એકાએક સ્વીચ ઓફ કરતા જ લાઈટ બંધ થઈ જાય એમ દુકાનના પાછળના દરવાજામાં કમર પર હાથ મૂકીને ડોળા કાઢતી હન્સાને જોઈને એનું મોં ખુલ્લું જ રહી ગયું.. અને થોડીવાર પહેલનું ખડખડાટ હાસ્ય..કિનારેથી પાછા વળતા મોજાની જેમ ગળામાં પાછું વળીને સમાઈ ગયું.

 ચંપકને એકાએક હસતો બંધ થઈ ગયેલો જોઈને કાઉન્ટર પાસે ઉભેલા રસિકલાલને નવાઈ લાગી..

ચંપક નીચું જોઈને ગલ્લામાં પૈસા ગણવા લાગ્યો.


"કેમ શુ થયું..? કેમ એકાએક શટર પડી ગયું..? પ્યારની આગ ઉપર પાણીની ડોલ કોકે ઢોળી કે શું..?"

રસિકલાલે જરા મોટા અવાજે કહ્યું.

"શી..શી..શી...ઇ..સ.. ચંપકે એના નાક પર આંગળી મૂકીને રસિકને રોક્યા..અને હળવે બોલ્યા, "માડી વાઈફ છે..'' પછી પાછળની તરફ ફરીને બોલ્યો, "બોલની..કેમ ટાં ઉભેલી મલે..? કંઈ કામ ઉટું..?"


 હન્સા કંઈક બોલે એ પહેલાં જ રસિકલાલે દાવ માર્યો, ''ચાલો ચંપકલાલ હું તો હવે જઉં.. તમને મેં ફોન નંબર આપ્યો છે..એટલે ફોન કરીને મળી આવો..અમારા એ તારીણી દેસાઈ એકલા જ રહે છે..અને તમારા જેવા શેઠલોકોની સોબત એમને ખૂબ ગમશે..જતાં આવતાં રે'જો..ચાલો ત્યારે..અને હા ગોટા બોટા લેતા જજો..એમને પણ બહુ ભાવશે.. તમારા ગોટા ખૂબ સ્વાદિષ્ટ છે હો..લિજ્જત આવી ગઈ યાર.." ગોટાનું પાર્સલ ઉપાડીને રસિકલાલ ચાલતા થયા. દુકાનના પાછળના દરવાજામાં ઉભેલી હન્સાની આંખમાં એમણે ચંપકને બાળીને ખાખ કરી મૂકે એવી આગ જોઈ હતી એટલે ઘી હોમીને એ ચાલતા થયા.

 ચંપકને ગોટાનું પાર્સલ પાછું લઈ લેવાનું અને રસિકલાલના મોં માં બેચાર ગરમ ગરમ ગોટા ઠૂંસી દેવાનું મન થયું. "શું જરૂર હતી, આવો બફાટ કડવાની..? હવે આ સાલ્લી હન્સા વિફડવાની.."

 હન્સાએ રસિકલાલના એ શબ્દો સાંભળ્યા. પોતાનો ચંપક, ચંપો બનીને કોઈ કેળને મળવા જવાનું ગોઠવવા લાગ્યો છે એ સમજી જતા એને વાર લાગી નહીં. જીરાફ પાંદડું તોડવા એના હોઠ લાંબા કરે એમ હન્સાના હોઠ ખુલીને હવામાં લહેરાવા લાગ્યા.

એ ઉભી હતી એ જગ્યા પલળવા લાગી.શબ્દો સાથે વછુટેલું થુંક નીચે અને શબ્દો ચંપક ઉપર વરસવા લાગ્યાં.


 "ટો ટમે હવે આ ઘર અને ડુંકાનમાં દિવાસલી મુકો..મને પન હવે આ કડાઈના ઉકેલતા તેલમાં તલીને લીંબુ નીચોવીને ખાઈ જાવ.. એટલે તમાડી ભૂખ ભાંગે,હાના અભડખા જાયગા છે આ માનસને..તમાડી ઉમડ તો જોવો..હું હજી મડી નઠ્ઠી ગેઇ........તે તમે બા'ર રંગ રેલીયા કડતા ફડો છો...મારા બાપાને અને ભાઈને બોલવટી છું સાંજે....જોઈ લેવા....આવો ઘરમાં...હવે..કેમ એ બાઈને મલવા જાવ છો એ મેં પણ જોઉં લેવા નપાવટ..સાલ્લા..''હાથ લાંબા ટૂંકા કરીને હન્સાએ એ ઉભી હતી ત્યાં ઘણું પલાળી મૂક્યું.


"અડે..અડે..પન તું શું ભસવા લાગી...ઘડમાં જા છાનીમાની...." ચંપકે હન્સા શ્વાસ લેવા રોકાઈ એનો લાભ લઈને સામો જવાબ વાળ્યો. દુકાનના કારીગરો કામ પડતું મૂકીને યુદ્ધ જોવા લાગ્યા. એ જોઈને ચંપકે હન્સાની ઉપરની દાઝને એ લોકોની દિશામાં વાળી..

"ટમે લોકો શું ઝખ મરાવટા છો.....

કામ કડો કામ..તમાડી માં આવી હોય એમ હાના તાકી રિયા છો.."

 એ સાંભળીને હન્સાએ હુમલો વધાર્યો.."એ બીચાડા'વને ની બોલો અને રાડો કેમની પાડટા છો..કોને મલવા જવું છે એ કેવની..મેં પન સાઠ્ઠે જ આવવાની છું..હવે આ ઉંમરે હેઠ્ઠા બેહોની..ટમારું પેટ તો જુઓ..અડીસામાં કોક ડીવસ થોબડું જોયું હોય તો બી હમજ પડે..તમાડી સામે જોવે એવી મૂડખી છે કોન.. પેલી કોલેજવાળી કઈ મૂડખી ની મલે.."

 "હવે ટું અંડર જાય છે કે ની..? હવે જો એક શબ્ડ પન બોલી ટો એક ટમાંચો લગાવી આપવા.. સાલી હમજયા વગર લાગી પડેલી મલે.. ચલ જા..કહી દેવ છું.." ચંપક ખિજાઇને ઉભો જ થઈ ગયો.


 આ દેકારો જોઈને ગ્રાહકોમાં ચણભણાટ થવા લાગ્યો. કેટલાક જાણીતા ગ્રાહકોએ પૂછપરછ કરવા માંડી..એક બાજુ કાઉન્ટર પર વધી રહેલી ભીંસ..અંદર હન્સા નું તોફાન..અને કારીગરો તથા ગ્રાહકોને મળી રહેલું મફતનું મનોરંજન.

 ચંપકને રસિકલાલનો હડિયો જ ટીચી નાખવાનું મન થઇ આવ્યું..

"સાલ્લો બફાટ કડીને ચાલ્યો ગીયો

મફ્ટના ગોટા લેઇ ગયો અને માડા ઘડમાં સલગટી દિવાહલી ફેંકટો ગીયો..બેન@#$, હરામી..''

 ચંપકે હન્સા તરફ જોવાનું બંધ કરીને કાઉન્ટર સંભાળવા માંડ્યું.

હન્સા પણ "ઘડમાં આવોની..પછી તમને બી જોઈ લેવા.." એ છેલ્લું બ્રહ્માસ્ર છોડીને અંદર જતી રહી.એક કારીગરે ઉભા થઈને હન્સા ઉભી હતી એ જગ્યાએ પોતું ફેરવી દીધું. કારણ કે આ પહેલા જ્યારે આવુ યુદ્ધ થયેલું તે પછી હન્સાની જગ્યાએથી ચાલવા જતા એ લપસી પડેલો !!

(ક્રમશ :)


Rate this content
Log in