માસ્તર
માસ્તર
શહેરના એક મોટા શોપિંગ મોલમાંથી ખરીદેલ સામાન ગાડીમાં ગોઠવતા સમયે અચાનક, પાછળથી તેજસના નામની બૂમો પાડતા એક બેન મોલની બહાર દોડીને આવતા દેખાયા. આજુ બાજુ દ્રષ્ટિ ફેરવતા કોથળો લઈને પ્લાસ્ટિકનો કચરો વીણી રહેલો એક છોકરો નજરે પડ્યો. એના સિવાય એટલામાં બીજું કોઈ દેખાતું નહોતું. એટલે કુતુહલતા વશ એ દ્રશ્ય જોવા હું ઊભી રહી.
હાંફતા-હાંફતા કચરો વીણી રહેલા છોકરા પાસે જઈને એકી શ્વાસે બેન ગુસ્સાથી બોલવા લાગ્યા,"અરે તેજસ તું અહીં શું કરે છે? શાળાએ ફક્ત દફતર લેવા અને મુકવા જ આવે છે, ભણવા કેમ બેસતો નથી ? તારા ઘરે કેટલાય ફોન કર્યા પરંતુ, સંતોષકારક જવાબ મળતો નથી. હું આજે જ તારા પપ્પાને ફરિયાદ કરવા તારા ઘરે આવવાની હતી. સારું થયું તું જ અહીં મળી ગયો "તેજસ મોં નીચું કરી ને બધું સાંભળી રહ્યો હતો. ગુસ્સો ઠંડો થતાં બેને તેજસના ખભે હાથ મૂકીને પ્રેમથી કહ્યું, "બેટા તું ભણવામાં હોશિયાર છે. અનિયમિતતાથી તારો અભ્યાસ બગડે છે. તારી અને તારા ભવિષ્યની ચિંતાને કારણે હું તને ગુસ્સાથી ઘણું બધું બોલી ગઈ,પરંતુ હવે શાંતિથી મને તારી અનિયમિતતાનું કારણ જણાવ."
કોઈને ન કહેવાની શરતે તેજસે ભીની આંખે બોલવાનું શરૂ કર્યું,"બેન,મારી માં મને નાનપણમાં એકલો મૂકીને લાંબી બીમારી બાદ મરી ગઈ,ત્યારે હું માંડ માંડ સમજતો થયો હતો. મરતા મરતા તેને મારી પાસે પિતાને ખુશ રાખવાનું વચન લીધું હતું. વડીલોના આગ્રહથી મારા પિતાએ બીજા લગ્ન કર્યા. પરંતુ મારી સાવકીમા, પિતાની ગેરહાજરીમાં મારી સાથે મારઝૂડ કરે છે. બે ટાઈમના ભોજન માટે મારી પાસેથી હિસાબ માંગે છે. હું એમને પૈસા લાવીને ના આપુ તો, તેઓ મારા પિતાને મારી ખોટી ફરિયાદ કરે અને મારા પિતા દુઃખી થાય. મેં મારી માને આપેલું વચન તૂટી ના જાય એટલે હું પિતાની ખુશી માટે રોજ નિશાળમાં આવું છું, પરંતુ દફતર મૂકીને મારી માને આપવાના પૈસા ભેગા કરવા પ્લાસ્ટિકનો કચરો વીણવા નીકળી જાઉં છું. એ વેચીને જે પૈસા મળે તે મારા માના હાથમાં આપું છું. બેન, મને ભણવાનું ખૂબ ગમે છે, અને એટલે જ તો વીણેલા બધા જ પ્લાસ્ટિકના ખાલી પડીકા પરનું લખાણ વાંચવાનો પ્રયત્ન કરીને અભ્યાસનો આનંદ મેળવું છું." અધવચ્ચે જ તેજસને અટકાવતાં બેન બોલ્યા, "બસ,બહુ થયું હવે. કાલથી સમયસર નિશાળે આવી જજે અને તારી માને આપવાના પૈસા દરરોજ મારી પાસેથી યાદ કરીને લઈ લેજે." એમ કંઈ તેજસ પણ ક્યાં ઓછો હતો. તેણે બેન ને કહ્યું, "મારી સાવકીમાં પણ મારી પાસે બે ટંકના ભોજનનો હિસાબ માંગી લે છે, તો તમે મારા પર આટલા મહેરબાન કેમ? હું તો તમારો કોઈ સગો પણ નથી." બેન પાસે પણ આનો કોઈ ચોક્કસ જવાબ ન હતો. તેમણે પ્રત્યુત્તરમાં ફક્ત એટલું જ કહ્યું" તને એવું ના લાગે એ માટે હું તને એક કામ સોંપું છું. મને વાર્તા સાંભળવાનું ખૂબ ગમે છે, માટે રોજ શાળામાં અડધો કલાક વહેલા આવી અને શાળાના પુસ્તકાલયમાંથી તારે મને રોજ એક વાર્તા વાંચી સંભળાવવાની અને એના મહેનતાણા સ્વરૂપે હું તને પૈસા આપીશ. બસ, હવે તો ખુશ ને!" એટલું કહીને બેન, પાછા મોલ તરફ આગળ વધ્યા.
તેજસ, આકાશ તરફ જોઈ અને ધીમા સ્વરે બોલ્યો "માં આજે મારા બેનમાં મને 'તું ' દેખાઈ. આ દ્રશ્ય જોઈ મને મનમાં થયું, કદાચિત એટલે જ લોકો શિક્ષકને "માસ્તર" કહેતા હશે !