ગુરુદક્ષિણા
ગુરુદક્ષિણા
સરહદી વિસ્તારના છેવાડાના ગામમાં વિદ્યા સહાયક તરીકેની પ્રથમ નિમણૂક મળી. શાળામાં હાજર થવા બાય રોડ નીકળ્યા ત્યારે પહેલીવાર જ એ વિસ્તાર જોયો. સાવ નિર્જન રસ્તો. ગામના નામના બોર્ડ પણ દેખાય નહીં. રસ્તા પર નાસ્તો કરવા કે જમવા જેવી હોટલ કે નાની દુકાનો પણ જણાય નહીં, અને હરિયાળીના નામે તો માત્ર ગાંડા બાવળ જ. માંડ માંડ ગામમાં પહોંચ્યા. પરંતુ, કહેવાય છે ને કે સુકાયેલા ઝાડની સુંદરતા પણ અનોખી હોય, એમ ગામ સાવ નાનું, પણ ખૂબ જ રળિયામણું. શાળા તો તળાવના કાંઠે જ. પરંતુ,ગામમાં કાચા ઓરડા અને સુવિધાઓનો અભાવ. શહેરમાં ઉછરેલ હોવાના કારણે ગામડામાં નોકરી કરવાનું થોડું અઘરું જણાયું. પરંતુ, શાળા પરિવારના સહકાર, આચાર્ય સાહેબની સમજાવટ અને બાળકોની જ્ઞાન પિપાસુ દ્રષ્ટિએ નોકરી ચાલુ રાખવા રોકી રાખી. પછી તો ઘણી દુવિધાઓના અંતે નજીક નાના શહેરમાં રહેવાનું નક્કી કર્યું.
ધીમે ધીમે એ માયાળુ મલકના માનવીઓ સાથે એવો તો ઘરોબો બંધાયો કે, વતનની યાદ ઝાંખી થવા લાગી. શાળામાં વિદ્યાર્થીઓનો એટલો બધો નિશ્ચલ પ્રેમ પ્રાપ્ત થયો કે કોઈ પૂછે, તમારે કેટલા બાળકો છે ?તો અનાયાસે મોઢેથી બે ના બદલે, મારા આખા વર્ગની સંખ્યાજ બોલાઈ જાય. પૂછનાર પણ ઘડીભર તો આશ્ચર્યથી સામે જોઈ રહે, પછી ચોખવટથી તેને સમજાવું ત્યારે વાત થાળે પડે. આમ,જોતજોતામાં પાંચ વર્ષના વહાણા વિતી ગયા અને વતનમાં પરત જવાની માંગણીને આધારે બદલીનો ઓર્ડર આવ્યો. ઓર્ડર હાથમાં આવતા જ નિ:શબ્દ બની, ખુશ થવું કે દુ:ખી ? એવી અસમંજસમાં પડી ગઈ.
છેલ્લી ઘડી સુધી શાળામાં બાળકોને ખબર નહોતી કે, હવે કાલથી એમના બેન શાળામાં નહીં આવે. અચાનક, વિદાયના માઠાં સમાચાર સાંભળતા જ એ ખીલેલા ફૂલ જાણે કરમાવા લાગ્
યા. શાળા પરિવારે વિદાય સમારંભની સરસ તૈયારીઓ કરી હતી. પરંતુ,ચહેરા બધાના ઉદાસ. બાળકોએ તો રડી રડીને આંખો લાલ કરી નાંખેલી. શાળામાં અનિયમિત રહેતા બાળકો પણ વિદાયના સમાચાર સાંભળી દોડતા શાળામાં આવી ગયેલા. વિદાયની વેળા તો હોયજ દુઃખીદાયી. પરંતુ,વતનમાં જવું પણ જરૂરી હતું. વિદાયનો પ્રસંગ પત્યા પછી શાળા પરિવાર અને બાળકોએ યથાશક્તિ ભેટ- સોગાદો આપી. રવાના થવાની તૈયારી જ કરી રહ્યા હતા કે, દૂર વર્ગના એક ખૂણામાંથી ડૂસકું સંભળાયું. ત્યાં જઈને જોતા, એક સતત અનિયમિત રહેતો બાળક ચોધાર આંસુએ રડતો હતો. એના માથે હાથ મૂકી શાંત પાડીને, રડવાનું કારણ પૂછતાં, રડમસ અવાજે તે બોલ્યો "બેન,તમારી વિદાયના સમાચાર મળતા જ હું દોડતો શાળામાં આવ્યો. પરંતુ, મારા મમ્મી-પપ્પા સવારથીજ મજૂરીએ ગયેલા છે, અને મારી પાસે પૈસા ના હોવાથી,હું તમારા માટે કોઈ ભેટ નથી લાવી શક્યો. પણ બેન,મને તમારા માટે ખુબ પ્રેમ છે." આટલું કહેતાં કહેતાં તો એની છાતી પાછી ભરાઈ ગઈ.
એ બાળકનો નિર્દોષ વ્હાલ જોઈને મારા હૈયે પણ જાણે પથ્થર પડ્યો હોય એટલું દુઃખ થયું. એને છાતી સરસો ચાંપી ને કહ્યું "બેટા,તારે મને ભેટજ આપવી છે ને,તો તું મને એક વચન આપ. નિયમિત શાળાએ આવીશ અને શીખવાનો પૂરતો પ્રયત્ન કરીશ. "એ બાળકે મારા હાથમાં હાથ મૂકીને હકારમાં ફકત માથું હલાવ્યું.
કેટલીય મોંઘી ભેટ- સોગાદો કરતાંય મૂલ્યવાન 'ગુરુદક્ષિણા' સાથે હું ત્યાંથી વિદાય થઈ. આખા રસ્તે મારી નોકરી દરમિયાનના સંસ્મરણોને વાગોળતી, મારા કર્મ અને ફરજને સંતોષપૂર્વક નિભાવ્યાની અદભૂત અનુભૂતિ સાથે પરત ફરી. અવાર-નવાર ફોન દ્વારા એ બાળકના સમાચાર લેતા જાણવા મળ્યું કે,તે મને આપેલા વચનને પૂરી નિષ્ઠાથી નિભાવી રહ્યો છે.