મારું સાહિત્ય અને મારા શિક્ષકો
મારું સાહિત્ય અને મારા શિક્ષકો
આમ કહું તો સાહિત્યના બીજનું અંકુરણ ઈ.સ. ૧૯૮૯માં હું ધો. ૯માં ભણતો હતો ત્યારે જ થયું હતું, પણ તેને જાણે દુષ્કાળ નડી ગયો હતો અને તે અંકુર મૂરઝાઈ ગયા હતા. એનું કારણ એ હતું કે, મેં થોડાં હાઈકુ લખ્યાં. તે મારા પછી બીજા નંબરે પાસ થતા મારા મિત્રને બતાવ્યાં. તે બોલ્યો, ''આવું આપણે થોડું લખાય ?'' ને બસ પતી ગયું. ત્યારથી લખવાનું બંધ થયું. (આવા નકારાત્મક વાકયો ઘણાની ભાવનાને દબાવી દેતા હશેને !) મનના ઝંકારને ઝંખતી વીણા રીબાવા લાગી.
સમય વીત્યો. ઈ.સ. ૧૯૯૧-૯રમાં પીટીસીનું પહેલું વર્ષ હતું. એક દિવસ પ્રાધ્યાપક પ્રતિભાબેન દવે અમને ભણાવતાં હતાં. ભણાવતાં-ભણાવતાં સાહિત્યની વાતે વળગ્યાં. તેઓ કહેતાં હતાં, ''આ પહેલા અહીં પીટીસી કરવા આવેલા ઘણા વિદ્યાર્થીઓ કાવ્યો લખતા અને તેનો હસ્તલિખિત અંક બનાવતા. કાવ્યો લખીને નોટીસ બોર્ડ ઉપર પણ મૂકતા.'' બહેનની આવી વાત સાંભળીને મારા મનમાં મૂરઝાઈ ગયેલ પેલો અંકુર ફરી સળવળ્યો અને તેઓનો તાસ પૂરો થયો ને મારી પહેલી કવિતા પૂરી થઈ. રીસેસના સમયમાં અહીંના ભાષાના પ્રાધ્યાપક સ્વ. કનુભાઈ મહેતાને આ રચના વંચાવી. તેઓ પણ કવિ હતા અને 'સભર ખાલીપો' નામે ગઝલસંગ્રહ પણ પ્રકાશિત થયો હતો. તેઓએ રચના નીચે નોંધ લખી, 'પ્રયત્ન સારો, લખ્યે રાખો.' પછી તો ત્યારથી મેં લખ્યે જ રાખ્યું છે. હાલ પણ ચાલુ જ છે. અટકતું જ નથી. પ્રતિભાબેનને તે રચના તેમના ઘરે જઈને વંચાવેલ અને કહેલ કે, 'તમારા તાસ દરમિયાન આ રચના લખી નાખેલ.' પછી તો લખતો ગયો અને કનુભાઈ મહેતા તથા ભાષાના બીજા પ્રાધ્યાપક કૃષ્ણાબેન અનડકટને પણ વંચાવતો ગયો. સુધારા લાગે ત્યાં સુધારા સૂચવે. કૃષ્ણાબેનને વ્યાકરણ પ્રત્યે વધારે ચીવટ. એટલે એવી કોઈ ભૂલ હોય તો તરત દેખાડે. આજે હું પણ એ રસ્તે આગળ વધીને વ્યાકરણ બાબત તો ખૂબ જ જિદ્દી વલણ રાખું છું.
થોડા સમય પછી રજા દરમિયાન હું મારા વતન ગયો. ત્યાંની પ્રાથમિક શાળાના મારા આચાર્ય રતિલાલભાઈ અગ્રાવતને મારી રચનાઓ વંચાવી. વાંચીને તેઓએ બૂમ પાડી, ''એ, જાનીડા ! આપણો મનસુખિયો કવિ બની ગયો. જો, આ વાંચ !'' મનસુખ મારું મૂળ નામ છે અને જાની એટલે ત્યાંના મારા શિક્ષક સ્વ. હર્ષવદનભાઈ જાની. તેઓએ પણ મારી રચનાઓ વાંચી. પછી બંને સાથે બોલ્યા હતા, ''વાહ, દીકરા વાહ ! આગળ વધ !'' બસ આવા શબ્દો મને આગળ વધારતા રહ્યા છે.
પછી થયું કે હું જ્યાં ભણ્યો હતો, તે હાઈસ્કૂલે પણ ચક્કર મારતો આવું. ત્યાં પણ મારા શિક્ષકોએ મારી રચનાઓ વાંચી અને મારા સામે અહોભાવની નજરે જોવા લાગ્યા. પછી તો દરેકે પોતાની રીતે શબ્દોનું પ્રોત્સાહન આપ્યું હતું અને વધુ લખવાનું પ્રેરકબળ પૂરું પાડયું હતું. તેમાંયે હું ભણતો ત્યારે અને આજે પણ બીજા શિક્ષકો કરતા થોડો વિશેષ ભાવ મારા પ્રત્યે જેઓએ રાખ્યો છે એ દિનેશભાઈ મણવર, કે જેઓ ગુજરાતી વિષય ભણાવતા, મને આગળ વધવા ખૂબ પ્રેરણા આપતા રહ્યા છે.
હવે સાહિત્યના મારા સાચા ગુરુની વાત કરું. સાહિત્ય લખવા માટેના મારા સાચા ગુરુ એટલે મેં વાંચેલાં પુસ્તકો. કાવ્ય કેમ લખવું, ગઝલ કેમ લખવી કે સાહિત્યના અન્ય પ્રકાર કેમ લખવા, એ હું પુસ્તકો વાંચીને શીખ્યો છું. કાવ્યોમાં કેવા છંદ હોય એ થોડું અભ્યાસ દરમિયાન શીખવા મળ્યું હતું અને વિશેષ પુસ્તકો વાંચીને શીખ્યો, પણ ગઝલના છંદ વિશે તો પૂરેપૂરું જ્ઞાન પુસ્તકો વાંચીને જ મેળવ્યું છે. જેમ જેમ વધુ પુસ્તકો વાંચ્યા, તેમ તેમ લખવા માટેનું વધુ બળ મળ્યું. લખવામાં પણ એક જ પ્રકારને વળગી ન રહેતા, નવા નવા પ્રયોગો કર્યે રાખું છું.
બસ, ત્યારે આવજો !
