STORYMIRROR

Nayana Viradiya

Inspirational Children

4  

Nayana Viradiya

Inspirational Children

મારી વાડી ની કુતરી- વફાદારીની જીવંત મિશાલ

મારી વાડી ની કુતરી- વફાદારીની જીવંત મિશાલ

3 mins
9





      મારી વાડીમાં એક કુતરી છે,નામ એનું અમે રાખ્યું છે વિની . સામાન્ય રીતે  જોશો તો એ ફક્ત એક જાનવર લાગશે, પણ સાચી નજરથી જોશો તો એ વફાદારીનું હરતું -ફરતું સમંદર છે.
અમારી વાડી એના માટે  માત્ર જમીનનો ટુકડો નથી — એ એનું શાહી રજવાડું છે, અને એ એની નિર્ભય રક્ષક છે. રાત્રિના ગાઢ અંધકારમાં, જ્યારે આખું ગામ ઊંઘમાં ગરકાવ  હોય છે, ત્યારે એ એકલી જાગતી રહે છે. દરેક હલચલ પર એની નજર હોય છે, દરેક અવાજ એની ચેતનાને જગાવી દે છે. માણસો જ્યારે થાકી જાય છે, ત્યાંથી એની ફરજ શરૂ થાય છે.
એક વખત મધરાતે કોઈ અજાણ્યો  બિહામણો વ્યક્તિ વાડી તરફ આવ્યો.  બીજી કોઈ વ્યક્તિ હોય તો કદાચ ડરીને અંદર છુપાઈ જાય, પણ મારી વિનીએ એક ક્ષણ પણ વિલંબ કર્યો નહીં. એના ભસવાથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું. એણે એ અજાણ્યા માણસને એટલો ડરાવ્યો કે એ ભાગતા ભાગતા પોતાનો રસ્તો પણ ભૂલી ગયો. એ દિવસે સમજાયું — વફાદારી ફક્ત લાગણી નથી, એના માટે હિંમત પણ હોવી જોઈએ.
એનો પ્રેમ તો એટલો   અદભૂત છે કે જ્યારે હું વાડીએ જઈશ, ત્યારે એની આંખોમાં જે ખુશી દેખાય છે, એ કોઈ શબ્દોમાં વર્ણવી શકાતી નથી. એ દોડીને આવે છે, પૂંછડી હલાવે છે, અને જાણે કહેતી હોય કે , “તમે આવ્યા, હવે બધું ઠીક છે.”
પણ આ વફાદારી એક દિવસમાં ઊગી નથી. એમાં છે વિશ્વાસ, સંવાદ અને નિઃસ્વાર્થ લાગણી. માણસો ઘણીવાર સ્વાર્થ માટે સંબંધ બાંધે છે, પણ આ કુતરી - વિની માટે સંબંધ એટલે માત્ર આપવું — કંઈ માંગ્યા વગર.
એક વખત હું બીમાર હતો અને ઘણા દિવસો વાડીમાં જઈ શક્યો નહોતો. જ્યારે આખરે ઘણા સમયે ગયો, ત્યારે એ વિનીએ જે પ્રતિક્રિયા આપી, એ જોઈને દિલ અને આંખ ભીની થઈ ગઈ .એ દોડીને આવી, મારી આજુબાજુ ફરી, જાણે પૂછતી હોય — “ક્યાં હતો તું આટલા દિવસ?” એ ક્ષણે મને સમજાયું કે કોઈને તમારી ખરેખર ચિંતા હોય, તો એ શબ્દોથી નહીં, લાગણીઓથી દેખાય છે. અમે જ્યારે બપોરા કરવા બેસીએ ત્યારે પણ અમારાથી થોડે દૂર બેસીને અમને નિહાળતી રહે ક્યારેક રોટલી માટે ઉતાવળી થઈને આસપાસ મંડરાતી ન રહે.અમે જ્યારે વાડીએ પહોંચીએ ત્યારે એ હંમેશા જ વાડીના ગમે તે છેડે હોય ત્યાંથી દોડતી પહોંચી અમને જાણે કહેતી હોય કે અહીં બધું બરાબર છે.
જ્યારે એના નાના બચ્ચા આવવાના હતા ત્યારે શિયાળાની કડકડતી ઠંડી હતી શણના કોથળા માંથી મેં એના માટે ઘર બનાવ્યું ત્યારે જાણે એ મારી લાગણીઓ સમજી ગઈ હોય તેમ એના બચ્ચા ને એ બખોલમાં જ જન્મ આપ્યો,શીરો,દુધ ને રોટલી ખવડાવવી હું જ્યારે ઘરે જતો ત્યારે એ અવસ્થામાં પણ જાણે એ મને આભારવશ થતી વળાવવા ઝાંપા સુધી આવતી.
મારી વાડીની આ કુતરી- વિનીએ જ મને શીખવ્યું કે વફાદારીનો અર્થ ફક્ત સાથે રહેવું નથી, પણ દરેક પરિસ્થિતિમાં અડગ રહેવું છે. માણસો જ્યાં શબ્દોમાં પ્રેમ બતાવે છે, ત્યાં એ પોતાના વર્તનમાં પ્રેમ સાબિત કરે છે. નિઃસ્વાર્થ ભાવે પ્રેમ કરવાનું તો કોઈ વિની પાસેથી જ શીખે.

મારી વાડીની કુતરી-વિની એ ફક્ત એક જાનવર નથી એ માનવજાત માટે એક પાઠ છે. એ શીખવે છે કે સાચી વફાદારીમાં કોઈ શરતો નથી, કોઈ સ્વાર્થ નથી. એ ફક્ત નિષ્ઠા છે, પ્રેમ છે, અને અડગ વિશ્વાસ છે.
એ વફાદારીની જીવંત મિશાલ છે.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational